વેકેશનમાં જીવન ઘડતર

પીડિલાઈટ સહયોગી સંસ્થા ગ્રામ નિર્માણ અને આંગણકા પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન એક બાળ ગ્રીષ્મ શિબિર આંગણકા શાળામાં યોજાઈ હતી. આ શિબિરમાં બાળકોને જીવન ઘડતર અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ શીખવવામાં આવેલ. જેમાં વૈજ્ઞાનિક રમકડાં જેવાં કે ગ્લાસ બૂમર , બલૂન ગન, ફૂગ્ગા રેકેટ, લોટ પોટ, બોટલ કાર, વગેરે ભાર વગરના ભણતરની પ્રવૃત્તિ શીખવાડવામાં આવી હતી. બહેનોને ઘરે ઉપયોગી એવાં ભરત ગૂથણકામ શીખવવામાં આવેલ. બાળકો વેકેશનમાં વાનગી શીખે અને ઘરકામ શીખે તેં માટે કાચી કેરીનું સરબત, ભેળ, વગેરે ની જીવન ઉપયોગી કેળવણી આપવામાં આવી હતી. બાળકોને વિવિધ દેશી રમતો તેમજ આધુનીક રમતો જેવી કે ફુગ્ગા ફોડ, ગાળીયા પસાર, મગજ કસો, ગોવર્ધન, કોની હરોળ લાંબી, બાળકોને મજા પડે તે રીતે શીખવવામાં આવી હતી. નાના નાના ઉદ્યોગ આધારિત રમકડાં જેવાં કે સ્ટીકર પર ફુલ, થ્રીડી જીવડું, વગેરે આનંદ પમાડે તેં રીતે શીખવવામાં આવેલ. વિવિધ પ્રકારની પઝલ્સ કે ટવેન્ટિ મેચ વગેરે આંનદમય રીતે રમત રમી શીખવાડેલ. બાળકો નકામા કાગળમાંથી વિવિધ પ્રકારના પ્રાણી અને પક્ષી ચિત્રો જેવાં કે કબૂતર, મોર, હંસ, માછલી વગેરે ઓરિંગામી પદ્ધતિ દ્વારા શીખેલ. આમ બાળકોને વેકેશનમાં પણ શાળાએ આવી જીવન વિકાસ માટે શિક્ષણ મેળવી ભાર વગરના ભણતરની ગુરૂચાવી મેળવી હતી. આંગણકા શાળાના બાળકો, વાલીઓ, ગામ લોકો, વગેરે આ પીડિલાઈટ અને ગ્રામ નિર્માણ સંસ્થાનો આ વેકેશન ગ્રીષ્મ શિબિર માટે આભારની લાગણી વ્યકત કરી સંસ્થા માટે ગૌરવ અનુભવે છે.

પ્રવીણ મકવાણા

Posted in shikshan-prayogo | 1 ટીકા

સાવ નાનકડા ગામમાં આવેલી અદભુત સંસ્થા “સખ્યમ” કેવો વિદ્યાયજ્ઞ કરે છે ?

– શ્રી રજનીકુમાર પંડ્યા

કોઇ કોઇ ગામના નામ એવાં હોય કે બદલી નાખવાનું મન થાય. વિચાર આવે કે આવા રળીયામણા સ્થળનું નામ આવું તે કેવું !- સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીથી જરા પંદરેક કિલોમીટર આગળ જાઓ તો ઉપલેટા આવે અને તેથી માત્ર થોડા જ કિલોમીટર આગળ પ્રયાણ કરો એટલે જમણા હાથે એક પાટિયું વંચાય-એની ઉપર લખ્યું છે “મુરખડા” ! પણ બાળકના નખની કટકી જેવડા એ ગામનું આવું કદરુપું નામ મુરખડા કેમ પડ્યું હશે તેનો વિચાર વેગળો મુકી દેવો અને નજર માંડીને ત્યાં આવેલા “સખ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ” ના કામ પર ધ્યાન આપવું. એ ધ્યાન આપવાથી સમજાશે સારા કામને ગામના અળવીતરા નામ સાથે નિસબત નથી..

ના. એ ટ્રસ્ટ કોઇ ધનવંત આસામીઓએ ભેગા મળીને સ્થાપેલું ટ્રસ્ટ નથી. એવો વિચાર એટલા માટે આવે કે આ વિસ્તાર અતિ શ્રીમંત અને દિલદાર ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓથી ભરેલો છે. અને એમના મોટાભાગના લેઉઆ અને કડવા પટેલોના.આહીરોના પોતપોતાની જ્ઞાતિકેન્દ્રી મોટાં મોટાં જંગી ટ્રસ્ટો હોવા સ્વાભાવિક છે.અને એમાંય તે પોતાની જ્ઞાતિની મર્યાદામાં રહીને કેળવણી અને સંસ્કારના ઉત્તમ કામો થાય જ છે પરંતુ આ આખા સમૃધ્ધ પંથકમાં ખેતમજૂરી કે બાંધકામના ક્ષેત્રમાં મજૂરી કરવા ગોધરા કે દાહોદ કે ગુજરાતના અન્ય પછાત વિસ્તારોમાંથી જે શ્રમજીવીઓ આવે છે તેમના બાળકોના ભણતર-ગણતરનું શું થતું હશે.અને આ વિસ્તારના કોઇ ચોક્કસ જ્ઞાતિ કે સંપ્રદાયના મહોરામાં બંધ ના બેસનારાના એ જ સ્તરનાગરીબોના સંતાનોના ભણતર-ગણતરનું પણ કેવી રીતે અને શું થતું હશે ? એવો વિચાર કોઇને આવે તો એવો પરલક્ષીવિચાર કરનારને દાદ દેવી ઘટે- આ “સખ્યમ” પણ એક યુવાન દંપતિ- ગોપાલ અને કૃષ્ણાબહેન ભરાડને આવેલા એવા વિચારનું જ ફળ છે. એમ કોમ થયેલાગોપાલકૃષ્ણ ભારડ ગોપાલભાઇ ભરાડ કૉલેજકાળથી જ વિમલાતાઇ અને ગાંધીજીના એવા વિચારો પર યકીન રાખતા હતા કે માણસે રોટલો તો જાતમહેનતથી રળી લેવો જોઇએ- એણે પરોપજીવી કદિ ના બનવું ઘટે અને એવા સંસ્કારોવાળી વ્યક્તિ ધારે તો ગામડામાં રહીને પણ ક્રાંતિ કરી શકે. વિમલાતાઇની 1987 માં માધવપુરની શિબીરે તેમને આ વિચારોને કર્તવ્યમાં રૂપાંતરિત કરવા ભણી વાળ્યા અને એમાં તેમને કોમર્સ ગ્રેજ્યુએટ કૃષ્ણાબહેનનો સંગાથ મળી ગયો. અને જે તેમને “સખ્યમ”ની સ્થાપના સુધી લઇ ગયો. . .

જો કે સ્થાપના પહેલાના તેમના અનુભવોની કથા આશા-નિરાશાના મિશ્ર રંગોથી ભરેલી છે.અને તેથી તો એ બધા પછી 1993 માં જ્યારે તેમણે ઉપલેટા શહેરથી નજીક છતાં એના પ્રદુષણોથી છેટે એવા આ ઉજ્જડ સ્થળ પર પસંદગી ઉતારી ત્યારે મનમાં વાસ્તવના પાયા ઉપર ઉભેલા એવા ત્રણ અભિગમો સ્પષ્ટ હતા. પહેલું તો એ કે એવું કામ આદરવું કે જેના વડે વ્યક્તિ પોતાના જીવન અને જીવનકાર્ય વિષે જાગૃત બને. એ શરીર,મન, અને બુધ્ધિથી નિશ્ચલ બને, બીજું જે રીતે પોતાના ભણી જવાબદાર છે તે જ રીતે સમાજ પરત્વે અને પછી રાષ્ટ્ર પરત્વે પણ જવાબદાર બને. અને ત્રીજું પ્રકૃતિ પ્રત્યે ચાહના કેળવે. આ ત્રણે વસ્તુનું રસાયણ જો મનુષ્યમાં એક જીવનતત્વ તરીકે ઉભરી આવે તો એને માટે પોતે જ્યાં વસે છે એ ગામડું પણ એક રાષ્ટ્ર સમાન બની રહે.

સમુહ ગાનના પાઠ અને ભણતરનો આનંદ

એમણે શરૂઆત 1994થી ગામડાના બાળકો સાથે રહીને ગીત, રમત, વાર્તા.અને નાના નાના પ્રવાસની સાથોસાથ શૈક્ષણિક પાઠ આપવાથી કરી. આ બાલમંદિરની કક્ષાનું કામ હતું જે છેક 2006 સુધી એ જ સ્તર પર ચાલ્યું .એ દરમ્યાન 1998 ના જુનથી ઉપલેટા ગામમાં પણ :”કિલ્લોલ”ના નામે બાલમંદીર શરુ કર્યું જેથી એવા જ વર્ગના શહેરી બાળકોને પણ આ પ્રકારનું શિક્ષણ આપી શકાય. એમાં વાલીઓને પણ દર બે મહિને શિક્ષણપત્રિકા આપવાનો અનોખો પ્રયોગ કર્યો, ખેર,એ હાડોહાડ પરસેવાપાડુ શ્રમજીવી વર્ગના એ બાળકો હવે ભણતર તરફ રુચી કેળવતાં થયાં છે એમ લાગ્યું ત્યારે 2006માં માત્ર છ જ બાળકોથી પહેલા ધોરણની શાળાનો પ્રારંભ કર્યો. 2007માં જ્યારે ધોરણ પાંચ સુધીની સરકારી માન્યતા મળી ત્યારે પણ બાળકોની સંખ્યા માત્ર પચ્ચીસની જ હતી.પણ જીવનલક્ષી અને છતાં પ્રકૃતિ તરફ અભિમુખ રસસભર શિક્ષણની આ સંસ્થાની પધ્ધતિથી આકર્ષાઇને 2008માં એંસી અને એમ કરતા કરતા આજે અહિં દોઢસો જેટલા કુમાર-કુમારીઓ ધોરણ આઠ સુધીનુ શિક્ષણ લે છે. અને એમાં ઉપલેટાની આ જ સંસ્થાની શાળા “કિલ્લોલ’ની સંખ્યા ઉમેરીએ તો આં સાડા પાંચસોને આંબે છે.જે વિદ્યાર્થીઓ અહિં અને આ નિઃસર્ગલક્ષી ઢબથી શિક્ષણ પામે છે તેમને સૌથી મોટું વરદાન નિઃસર્ગના સતત સન્નિધ્યનું છે. આ સંસ્થાના મુરખડા કેમ્પસમાં નાણાના અભાવે હજુ માત્ર ચાર વર્ગખંડો જ બાંધી શકાયા છે. પણ જે છે કચ્છની ભુંગાશૈલીમાં છે જેમાં કુદરતી પ્રકાશ અને હવાની આવનજાવન વિશેષ વિજળી કે પંખાની જરૂર વરતાવા દે તેવું નથી.

હકારાત્મક વિચારોની 'ખેતી'ના પાઠ વાવતી શાળા

બીજી શાળાઓની જેમ અહિં ગણિત,ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયો તો ભણાવાય જ છે પરંતુ તે શિખવવાની પધ્ધતિ મનોવિજ્ઞાનની રીતે વિકસાવવામાં આવી છે..એક વિષય વ્યક્તિત્વ વિકાસનો પણ છે જે શાળા છોડ્યા પછી પણ વિદ્યાર્થીને જીવનભર કામ આવવાનો છે. આખરે તો વ્યક્તિ પહેલા પરિવારમાં અને પછી સમાજમાં જીવે છે એટલે એના વ્યક્તિત્વમાંથી જે સંસ્કારિતા ફોરશે તે સમાજને પણ એટલો જ સુવાસિત બનાવશે,

શાળાના વર્ગનું એક જીવંત દૃશ્ય

શાળાકીય શિક્ષણને અવગણ્યા વગર પણ વિદ્યાર્થીને પ્રકૃતિ ભણી વાળી શકાય તે જોવું હોય તો આ “સખ્યમ” ની મૂલાકાત અવશ્ય લેવી જોઇએ. કોમ્પ્લેક્ષની પશ્ચિમે ઔષધીય વૃક્ષોનું વાવેતર થયું છે.

 

તેમાં નિર્ગુડી.પારસપીપળો.અર્જુન.સાદડ,,બોરસલ્લી, ગરમાળો, સરગવો,સવન. કેસુડો,કરમઠ. છે. મોટાં પાનવાળી અંજીર છે. અર્ધા ફૂટની લંબાઇ ધરાવતું શેતુર પણ છે. ચીકુ.પપૈયા જેવા ફળાઉ ઝાડ જેવાં ઉપયોગી વૃક્ષો ઉપરાંત લીમડો, હરડે, બહેડા.બોરડા.આમળા અને કરંજ જેવા વૃક્ષો લહેરાઇ રહ્યાં છે. ખેતીવાડી માટે પૂરતી જમીન આ સંકુલની જોડાજોડ છે. એની ખેતી સજીવ ખેતી છે. ગાયનું છાણ.ગૌમુત્ર.આંકડો,ગોળ,બાજરો. લીમડો વગેરેને મિક્સ કરીને પાંચથી સાત દિવસ રહેવા દેવામાં આવે છે જેથી અહિંના વૃક્ષો માટે શ્રેષ્ઠ ખાતર તૈયાર થાય છે. આ બધાને કારણે અહિં રહેતા નાનાં-મોટાં બાળકો વનસ્પતિ વૈભવથી સતત પરિચીત રહે છે. જે લાભ શહેરી બાળકોને ભાગ્યે જ મળે.

આશ્રમજીવનને અનુસરતી આ શાળા સવારના આઠ વાગ્યે શરુ થઇ જાય છે. સંગીતમય પ્રાર્થના અને કવાયતથી બાળકો પ્રફુલ્લિત બને તે પછી સાડા આઠ પછી નિયમિત અભ્યાસની શરૂઆત થાય છે. પોણા વાગ્યા થી બે વાગ્યા સુધી ભોજન વિરામ હોય છે . મોટે ભાગે દૂરથી આવતો વિદ્યાર્થી પોતાનું ટિફીન સાથે લઇને આવે અથવા તો જેમને એ પરવડતું ના હોય તે ગોપાલભાઇનાં પત્ની કૃષ્ણાબહેનના હાથની રસોઇ જમે છે. અત્યારે આવા અગીયાર જેટલાં બાળકોને કૃષ્ણાબહેન સગ્ગી માની જેમ જમાડે છે. જે માટે બાળકોએ એક પણ પૈસો ચુકવવો પડતો નથી.

સૌરાષ્ટ્રના દૂરદરાજના સ્થળે આવેલી આ શાળાને જમીન ભૂમિપુત્રવાળા પ્રખ્યાત સર્વોદયવાદી જગદીશભાઇ શાહની મદદથી મળી. અમેરિકા વસતા ,અને હવે તો સ્વર્ગસ્થ એવા અમરશીભાઇ ખારેચાનાં પુત્રીએ અહિંના કામથી પ્રભાવિત થઇને પોતાની માતાની સ્મૃતિમાં એક લાખ આપેલા. મુંબઇના ચાર્ટર્ડ એકાઉંટંટ પ્રફુલ્લભાઇ વોરા દર વરસે દસ હજાર અચુક મોકલે જ છે. જેમ જેમ લોકો સુધી વાત પહોંચે છે તેમ તેમ મદદ મળતી જાય છે, નરેન્દ્રભાઇ લક્કડ અને જગમલભાઇ વોરા અવારનવાર દસ પંદર હજાર જેવી રકમો મોકલવાનું ચુકતા નથી.

હવે તો તાજેતરમાંજ ચિલ્ડ્રન યુનિવર્સીટીના સહયોગમાં “તપોવન” ની પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે જેની અંતર્ગત ઉપલેટાના આ સંસ્થાના “કિલ્લોક કેમ્પસ” (પોલિસ સ્ટેશન પાછળ.ઉપલેટા-360 490)રોજ બપોરે 3 થી 5.30 સુધી સગર્ભા બહેનો અને ગર્ભસ્થ બાળકના શારીરિક-માનસિક-બૌધ્ધિક-સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોહ્તા માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવે છે.

હવે જે જરૂરત છે તે નાની મોટી રકમો ઉપરાંત સો ઉપરાંત વિદ્યાર્થિઓને સમાવી શકાય તેવી હૉસ્ટેલના બિલ્ડિંગ અને તેની કંપાઉંડ વૉલ માટે પચાસ સાઠ લાખ જેવી રકમની છે. એ થાય તો દૂર દૂરથી આવતા બાળકોને ટાઢતડકામાં કરવી પડતી રોજીંદી હાલાકીભરી મુસાફરીમાંથી મુક્તિ અપાવી શકાય.બેશક, પંખા.ફ્રીજ અને એવી જરૂરતો તો સમાજ જ પૂરી પાડે તેવી અપેક્ષા સહેજે છે. 80 જી ની કરમુક્તિની જોગવાઇ છે જ.

ચેક “સખ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ“ ના નામનો લખી શકાય. આમ તો તેનું સરનામું મુ. મુરખડા ,તા. ઉપલેટા. જિ રાજકોટ .પીન કોડ 360 470 છે પરંતુ કુરિયરથી કશુ મોકલવું હોય તો ગોપાલકૃષ્ણ ભરાડ, વસંત માર્વેલ,એ જી ક્વાર્ટર્સ સામે, પ્રેમમંદિર રોડ,કાલાવડ રોડ, રાજકોટ-360 005નું સરનામું કામ આવે. ફોન- +91 94269 69552 અને +91 94286 99011

(વેબગુર્જરી પરથી સાભાર)

Posted in sanstha-parichay | Tagged | Leave a comment

વિશ્વ માતૃભાષા દિવસે ‘શિક્ષણ’ અને ‘માધ્યમ’નો વિચાર…..

માતૃભાષા મરે કે જીવે એની ચિંતા કરવાવાળા જાણે કે ઘટતા જાય છે.

શિક્ષણનું માધ્યમ હવે ગામડાંઓમાં પણ અંગ્રેજી થવા લાગ્યું હોઈ ગુજરાતી ભાષા વિષય તરીકે જાણે કે અપર મા બની રહી જણાય છે. અંગ્રેજીને સાચી ને સગ્ગી માનું સ્થાન મળી રહ્યું હોઈ “માતૃભાષા” એ શબ્દ પોતાનું સ્થાન અને માન ગુમાવી રહ્યો લાગે છે.

જેવું માધ્યમનું એવું જ હવે શિક્ષણપદ્ધતિનું બનવા જઈ રહ્યું છે.

  • મેદાનો વિનાની શાળાઓએ વિદ્યાર્થીઓને રમતગમતમાંથી મુક્તિ આપી દીધી છે ને ચાર દીવાલોની કેદ ઊભી કરી દીધી છે;
  • મોંઘા ગણવેશમાં “શોભતાં” બાળકો હવે પતંગિયાંની જેમ ઉડતાં હોવાને બદલે કવાયત કરતા સિપાહીઓ જેવાં વધુ લાગી રહ્યાં છે;
  • મૂળ પાઠને બદલે પોતાના મળતિયાઓ દ્વારા પ્રગટ થતી ગાઇડોના જ આધારે અભ્યાસક્રમો ભણાવાય છે ને પરીક્ષા લેવાય છે;
  • સહન ન થાય તેટલા વજનનાં દફ્તરોથી વાંકાં વળી જતાં બાળકોની દયા ખાવાને બદલે વાલીઓ ધન્યતા અનુભવતાં થયાં છે;
  • દિવસ આખો હોમવર્કમાંથી ઊંચાં ન આવતાં બાળકો ‘ઘર’ અને ‘શેરી’નો સંપર્ક ગુમાવી રહ્યાં છે;
  • ટ્યૂશનો હવે શાળાનો વિકલ્પ બની ચૂક્યાં છે;
  • ટ્યૂશનક્લાસના ‘નવા શિક્ષકો’ ગુરુપદ ભોગવવાને બદલે રેડીમેઇડ જવાબો ગોખાવી દેનારાં ગાઇડ–મશીનો જણાય છે;
  • ‘યેન કેન પ્રકારે’ પાસ થઈને, શક્ય તેટલા વધુ માર્ક્સ લાવીને આગળ પ્રવેશ મેળવવા માટેના “ગમે તેવા” રસ્તા શોધાતા રહે છે;
  • આદર્શ છાત્રાલયો હવે ભૂતકાલીન બાબત બની ગઈ છે. જે છે તેમાં સામાજિક કરતાં અસામાજિક સંસ્કારોની લહાણી થતી રહે છે;
  • શિક્ષણસંસ્થાઓનું સંચાલન હવે શિક્ષણના માણસો પાસે લગભગ રહ્યું નથી. આ ક્ષેત્રનો સમાવેશ હવે વ્યાપારક્ષેત્રમાં થાય છે;
  • શિક્ષણ લીધા પછી શું ? આ સવાલ, સવાલ જ બની રહ્યો છે – કોઈ પણ સંતોષકારક જવાબ વગરનો.
  • બેકારી એ આજના યુવાનોનો સળગતો સવાલ હોવા છતાં ફિલ્મો વગેરે ચોકલેટો એને સળગતા સવાલોથી દૂર રાખે છે;
  • કુટુંબ અને સમાજ નહીં પણ મોજશોખ અને ક્ષણિક સુખો પક્ષીની આંખ બની રહ્યાં છે;

આ અને આવું બધું સમજાય છે ખરું પણ એને માટે શું શું કરી શકાય ?

આ બધા સવાલોના જવાબ આપણે સામાન્ય માણસો આપી શકીએ ખરા ? એને અંગે કશું સંશોધન કરવામાં આપણા વિચારો કાંઈ કામ લાગે ખરા ? તે વિચારો કામના હોય તો પણ તેનાથી કશાં પરિણામોની આશા રાખી શકાશે ખરી ?

આવો, આપણે સૌ સાથે મળીને આજના આ માતૃભાષા દિવસના સપરમા દિવસે શિક્ષણની પણ ચિંતાને સામૂહિક બાબત બનાવીએ. ‘સંનિષ્ઠ કેળવણી’ https://shikshandarshan.wordpress.com/નામક આ નવા શરૂ થયેલા માધ્યમ પર આપ સૌના વિચારો, સૂચનો, લેખો–કાવ્યો–વારતાઓ–અહેવાલો–સમાચારોને પ્રગટ કરીએ –

ને એ રીતે માતૃભાષા અને શિક્ષણની બાબતને ચિંતાની નહીં પણ પરમ સંતોષની બાબત બનવા તરફ પ્રયાણ કરીએ.

 

Posted in sampadkeey | 9 ટિપ્પણીઓ

ક્યાંથી આવતો હતો એના દિમાગમાં આટલો બધો ઉત્પાત ?

nagjibhaidesai

નાગજીભાઈ અને શાંતા’તાઈ’ દેસાઇ તેમનાં બાલાશ્રમ કુટુંબ સાથે

‘કોઈ ટપાલ ?’
જવાબમાં શાંતાબેન ‘તાઈ’એ મર્મભર્યું હસીને પતિના હાથમાં એક પોસ્ટકાર્ડ મૂક્યું. સુરેન્દ્રનગરના ધ્રુવ બાલાશ્રમના સ્થાપક-સંચાલક તરીકે નાગજીભાઈ દેસાઈના હાથમાં અનેક પત્રો આવતા. એમાં દરેક કાગળમાં કંઈ મર્મભર્યું હસવાનું નહોતું આવતું. પણ આમાં હતું. કચ્છથી આવ્યો હતો.
“આપને બન્નેને માલૂમ થાય કે હું અહીં પરણી ગયો છું. અને 19મી તારીખે એક સામટી ચાર દિવસની રજાઓ આવે છે એમાં આપના આશીર્વાદ લેવા સજોડે આવી પહોંચીશ, લિખિતંગ ગોપાલના વંદન.”
“તાઈ”, આશ્રમનાં બાળકોની માફક નાગજીભાઈ પણ શાંતાબેનને ક્યારેક એ સંબોધને બોલાવતા.“એમાં આમ મર્મ ભરેલું હસો છો કેમ ?”
જો કે બોલતાં બોલતાં એમના હોઠ ઉપર પણ એક મરકલું તો આવી જ ગયું.
“તમે શા માટે હસ્યા ?” શાંતાબેન દેસાઈએ સામે પૂછ્યું.
“ ગોપાલના લગ્ન થયાં-આનંદ તો થાય છે પણ…”
“બસ” શાંતાબેન બોલ્યાં :”આનંદ તો મને પણ થાય છે. પણ મને પણ થાય છે કે શું થશે એને પરણનાર છોકરીનું ! હું એક સ્ત્રી તરીકે વિચારું છું.”
જવાબ ન જડે ત્યારે, અથવા જડેલો જવાબ પ્રસન્નકર ન હોય ત્યારે નાગજીભાઈને આકાશ તરફ આંગળી ચીંધીને બધું ઈશ્વર ઉપર છોડી દેવાની ટેવ છે. એમણે આકાશ તરફ આંગળી કરી.
ચિંતાનાં કારણો હતાં એમની પાસે. ઘણાં હતા.પુખ્ત વયમાં આવ્યા પછી ગોપાલ આશ્રમ છોડીને ગયો હતો. પણ એક મા-બાપને પોતાના બહારગામ ગયેલા તોફાની બાળક માટે થયા કરે એવી ચિંતા છોડી ગયો હતો. જાત જાતના વિકલ્પો મનમાં જન્મતા હતા.
ક્યારેક ગોપાલ જેલમાં છે એવા ખબર આપણને મળશે.
અથવા એ દવાખાનામાં છે એવા મળશે.
કદાચ… અથવા ?નહીંતર….
જુગારના અડ્ડામાં પકડાયો…. કોઈને છૂરી હુલાવતાં પકડાયો, સિનેમાની ટિકિટનાં કાળાબજાર કરતાં પકડાયો એવા ખબર…. કોઈને માર માર્યો અથવા કોઈનો માર ખાધો એવા ખબર…
મગજમાં આવા આવા ઉફાળા આવે એમાં નવાઇ નથી .ગોપાલ શરૂઆતથી એવો હતો. બે અઢી વરસની ઉંમરે આશ્રમમાં આવ્યો હતો. અને આવતાંવેંત એણે પોતાની માતાને જોવાની હઠ પકડી હતી. કજિયે ચડ્યો હતો. ચશ્માંવાળાં શાંતાબેનને એ મા માનવા તૈયાર નહોતો. છેવટે નાગજીભાઈએ યુક્તિ કરી.એક માણસને સ્ત્રી જેવાં કપડાં પહેરાવ્યાં માથે ઘૂંઘટની જેમ સાડી ઓઢાડી… ગોપાલ પાસે આવ્યો.એ ક્ષણભર તો શાંત થઈ ગયો.પણ બીજી જ ક્ષણે એ પોતાના નાના નાના હાથથી એ સાડીને એક તરફ કરી દીધી અને એ જણના ચહેરા ઉપર મુક્કીઓ મારવા માંડ્યો.
એને એ દિવસે ઘેનની દવા આપીને શાંત કરવો પડ્યો. ડોક્ટરને બોલાવીને. પણ એ પછી જેમ જેમ ઉમર વધતી ગઇ એમ એમ એના ઉફાન વધતાં ગયાં હતાં. ચાલતા માણસને લપડાક મારી દેવી, કોઈનાં હાથમાં કઈ હોય તો છીનવીને ફેંકી દેવું. કોઈના કપડાં ફાડી નાખવા,. વાળ ખેંચવાં, બિછાનામાંથી રૂ કાઢી નાંખવું.
નાગજીભાઈ અને શાંતાબહેનનો હાથ માથે ફરતો એટલે કે ઘૂરકાટ કરતું ગલુડિયું દબાયેલા ઉશકેરાટ સાથે શાંત થઈ જાય એમ શાંત થઈ જતો. પણ જેવી એમની પીઠ ફરતી કે તરત….
આશ્રમમાં એને બધી છૂટ હતી. ગમે તેટલું ખાવા પીવાની, રમવાની,ફિલ્મો જોવાની, હરવાફરવાની, પણ એનાં રોશીમનડા શમ્યાં નહોતાં. એ ત્રાડો પાડતો. બહાર જવાનું થતું તો બસ કંડકટર સાથે, રિક્ષાવાળા સાથે મારામારી કરી બેસતો. ફિલ્મોમાં જતો ત્યારે લોહીલુહાણ થઈને અથવા કોઈને કરીને આવતો.
નાગજીભાઈ પાસે એક વાર ફરિયાદ આવી હતી કે એ જુગાર રમે છે. અને બૂરી સંગતમાં પડી ગયો છે,.
પણ પુખ્ત વયનો થતાં એ આશ્રમ છોડી ગયો -નાગજીભાઈ અને તાઈની ઈચ્છા એને જવા દેવાની નહોતી. પણ એ જવાનો હતો ગયો જ. એ પછી ક્યારેક છૂટાછવાયા ખબર એનાં તોફાનના અને ઉપદ્રવોના આવ્યા જ કરતા હતા, પણ નાગજીભાઈ અને શાંતાબહેન એને ક્યાં જઈને સમજાવે ? ઠેકાણું ?
પણ કચ્છથી આવેલા આ કાગળ પછી 19મીએ એ ખરેખર આવ્યો. સાથે એની તાજી ગુલાબ જેવી વધૂ હતી. હાથમાં બાળક હતું. નાગજીભાઈ અને તાઈને બહુ નવાઈ લાગી. એમના ચહેરા ઉપર સવાલ ઉગેલો જોઇને એ હસીને બોલ્યો : “પરણ્યાને અમારે ત્રણ વરસ થયાં. પણ આશીર્વાદ લેવા જેવો થાઉ ત્યારે આવુંને ?”
‘સુખી તો છો ને બેટા ?” નાગજીભાઈએ ગોપાલની પત્નીને પૂછ્યું.
“હોવ્વે” એ બોલી: “ખૂબ સુખી !”
“ખરેખર?” એમ પૂછવામાં અવિવેક લાગે. એટલે નાગજીભાઈએ શાંતાબેનને સંકેત કર્યો. વાતવાતમાં શાંતાબેન સવિતાને-ગોપાલની પત્નીને-જરા અલગ લઈ ગયાં. ગોપાલને કોઈ સાથે વાતે વળગાડી દીધો. પછી તો નાગજીભાઈ પણ નજીક આવ્યા. પૂછ્યું : “સાચું કે’જે બેટા સવિતા,તને તારા ઈષ્ટ દેવતાના સોગન છે. સુખી છું-સુખી છું એમ બોલે છે તે ગોપાલની બીકથી તો નથી બોલતી ને ? જો અમે તારાં પણ મા-બાપ જેવા છીએ. જે હોય એ સાચે સાચું કહી દેજે. જરાય પણ ગભરાઈશ નહિ “.
“તમે કહો એવા સોગન ખાઉં” એ બોલી :”સાચો સાચ “ખૂબ સુખી છું. અમારાં લગ્ન આમ આકસ્મિક જ થયાં.પણ લગ્ન પછી એમણે બધાય ફેલફિતૂર મૂકી દીધાં છે. મવાલીગીરી મૂકી દીધી છે. સીધી લાઈનના થઈ ગયા છે. નાનકડું એવું ગેરેજ નાખ્યું છે. સારી કમાણી છે. ને સ્વભાવ તો એવો થઈ ગયો છે કે મરતાને મર પણ કહે તેવા રહ્યા નથી.”
એની આંખોના ભાવ એના શબ્દોનું સમર્થન કરતા હતા. બીજું કંઈ પૂછવાપણું નહોતું. સિવાય કે એક પ્રશ્ન. આ ચમત્કાર કેવીરીતે બન્યો ? કેવી રીતે ?
પણ પૂછી ના શકાયું. પૂછવું ઠીક નહોતું લાગતું,જવાબ સાચો કદિ મળે જ નહિં આવા સવાલોનો.
એક અઠવાડીયા પછી…..
“તાઈ !” બાલાશ્રમના આંગણામાં લટાર મારતા મારતા નાગજીભાઈએ પત્નીને કહ્યું : “તને યાદ છે ! આપણાં લગ્ન પછી મારા કુટુંબના વિરોધને લીધે મારું મગજ કેવું આક્રોશવાળું અને ઉગ્ર થઈ ગયું હતું ! અને પછી જેમ એક માતા પોતાના બાળકને આંગળીએ વળગાડીને નિશાળે મૂકવા જાય એ રીતે તું મને સણોસરાની લોકભારતી સંસ્થામાં નાનાભાઈ ભટ્ટ પાસે લઈ ગઈ હતી. અને સ્નાતકની તાલીમ માટે મૂક્યો હતો.”
“શા માટે અત્યારે એ યાદ કરો છો ?” શાંતાબહેન બોલ્યાં : “આ બધી વાતો તો વીતી ગઈ.”
“એટલા માટે કરું છું” નાગજીભાઈએ કહ્યું :“ મને ગોપાલના કાયાકલ્પનું રહસ્ય હાથ લાગ્યું છે .અને તે એ કે પત્ની ધારે તો પુરુષના જીવનમાં માતાની ખોટ પૂરી કરી શકે. જે પુરુષના જીવનમાં બચપણમાં માનો પ્રેમ અને વાત્સલ્યભર્યો હાથ માથે ન ફર્યો હોય એના જીવનમાં તો એક માત્ર સ્ત્રી જ ધારે તો આશ્ચર્યકારક પલટો લાવી શકે.”
“ગોપાલની ટપાલ આવી લાગે છે.” શાંતાબેને હસીને પૂછ્યું.
“હા, આજે હું તને એની ટપાલ વાંચી સંભળાવું,” લે, કહીને નાગજીભાઈએ આજે આવેલું ઈંન્લેન્ડ કાઢ્યું. લખ્યું હતું : “તે દિવસે તમે સવિતાને અલગ લઈ જઈને શું પૂછતા હતા તે હું સમજી ગયો હતો. હું સમજીને જ વચ્ચે ન આવ્યો. મારે તમને જે ખુલાસો આપવાનો છે તે આ પત્રમાં આપું છું, સવિતાને પામ્યા પછી મને લાગે છે કે એક પત્ની ઉપરાંત હું મારી બચપણમાં ખોવાયેલી માતાને પણ પામ્યો છું-હવે મારામાં કશો ઉશ્કેરાટ-આક્રોશ નથી.રહ્યો છે માત્ર પ્રેમ અને પ્રેમ જ. હવે હું આટલી વિનંતી કરું છું કે મારા ઉત્પાતીયા ભૂતકાળને પણ તમે આ રીતે સમજવાની કોશિશ કરજો.”
તાઈ આ વાંચીને હસ્યાં. આ વખતે માર્મિક નહીં પણ મીઠું.

(વેબ ગુર્જરી પરથી સાભાર)
શ્રી નાગજીભાઈ લોકભારતી વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા. લોકભારતી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ તેમની ચારિત્રકથા આપ અહીં ઈ- બુક સ્વરૂપે વાંચી શકો છો. ‘અંધારા ભેદીને – નાગજીભાઈ દેસાઈ

Posted in sanstha-parichay | Tagged , | 1 ટીકા

આવા શિષ્યોની ગુરુભક્તિ માત્ર ગુરુને જ નહીં, ગામનેય ફળે છે.

એક કાળે ત્યાં બે ગામ હતાં. હવે એક જ છે. એમ કેમ ? તે એમ કે બન્ને ગામની વચ્ચે નાવલી નામે નાનકડી એવી નદી હતી. પણ કાળક્રમે તે લુપ્ત થઇ  ગઇ, એટલે અગાઉ પણ એક જેવા બની ગયેલા એ બન્ને ગામ પછી તો એક્બીજાને સાવ ભેટી પડ્યા અને એક્ત્વને પામ્યાં. બેઉના નામ વચ્ચે પહેલા “સ્પેસ” રહેતી હતી પણ પછી તો એ પણ દૂર થઇ ગઇ, નામો પણ અભિન્ન થઇ ગયા,પહેલાં સાવર અને કુંડલા એમ અલગ અલગ બોલાતું પણ હવે બોલાતું થયું “સાવરકુંડલા” ! પહેલાં એનો જિલ્લો ભાવનગર હતો પણ તાજેતરમાં થયેલી જિલ્લાઓની પુનર્રચનાને કારણે હવે એ અમરેલી જિલ્લાની ગોદમાં આવી ગયું,

આમેય ભાવનગર જિલ્લો એની વિદ્યાપ્રીતિ અને વિદ્યાપ્રવૃત્તિ માટે મુલ્કમશહૂર છે. હરભાઇ ત્રિવેદી,નાનાભાઇ ભટ્ટ,મૂળશંકર મો.ભટ્ટ,બાળકોની મૂછાળી મા ગણાતા ગિજુભાઇ બધેકા, મનુભાઇ પંચોળી “દર્શક” અને બીજા અનેક, આ બધા આગલી પેઢીના શિક્ષણના મહર્ષિઓનાં નામો છે, પણ એમણે વાવેલાં શિક્ષણ અને સંસ્કારના બીજ આજે પણ એના સુફળ આપી રહ્યા છે.

એનો એક પરચો જોવો હોય તો સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન ભણી  નજર દોડાવવી પડે. એ કોઇ સ્થાનિક શિક્ષણપ્રેમી સખાવતીઓએ શાળા-કોલેજો સ્થાપવા માટે રચેલું ફાઉન્ડેશન નથી, એના ઉદભવની કથા તો સાવ અનોખી છે અને અનન્ય પણ છે. એવી પ્રેરક પણ છે કે  બીજા શહેરોને પણ એને અનુસરવાનું મન થાય.

ગુજરાતી હાસ્યસાહિત્યમાં બહુ ઓછા એટલે કે આંગળીના વેઢે ગણાય તેટલા જ માતબર સાહિત્યકારો છે, એમાં પણ વિદ્વાન અને બહુશ્રુત ગણાય તેવા તો જૂજ જ, એમાં રતિલાલ બોરીસાગરનું નામ બહુ આદરથી લેવાય છે, આજે 77 ની  વયે પહોંચેલા બોરીસાગરે વતન સાવરકુંડલામાં સોળ વર્ષો સુધી પ્રાથમિક શાળા- હાઇસ્કૂલ અને કોલેજમાં શિક્ષણકાર્ય કર્યું, એ પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં  વર્ષો સુધી ઉચ્ચ હોદ્દે રહ્યા, 1998માં નિવૃત્ત થયા પણ શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યની સંસ્થાઓમાં સતત રસ લેતા રહ્યા, અને એ રીતે અમદાવાદ  ઉપરાંત વતન સાથે અને એમના જૂના વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્ક જારી રહ્યો. એમના હાથ નીચે ભણેલા અને પછી જીવનના અલગ અલગ રાહ પર  ફંટાઇ ગયેલા અનેક વિદ્યાર્થીઓ દુનિયાના કોઇ પણ ખૂણે વસતા હોય પણ બોરીસાગરસાહેબને કદિ વિસરી  ના શકે તેવું હ્રદયનું ગઠબંધન અનુભવતારહ્યા,

ratilal-borisagar

એવા જ એક વિદ્યાર્થી  હરેશ મગનલાલ મહેતા હાલ તો એ મુંબઇમાં કોહિનૂર ફેબ્રિક્સ અને  યશફેબ જેવા કાપડ ઉદ્યોગ સંભાળે છે, પણ મૂળ રાજુલા  પાસેના  ડેડાણના વતની હરેશભાઇ 1962-63 એમ માત્ર બે જ વર્ષ બોરીસાગર સાહેબ પાસે સાવરકુંડલામાં ભણ્યા હતા. પણ એ  બે વર્ષોએ  એમના હૃદયમાં બોરીસાગર સાહેબનું સ્થાન કાયમ માટે રોપી દીધું, આગળ જતા આર્થિક રીતે સધ્ધર થયા પછી એ આદરભાવ કશું નક્કર સ્વરૂપ ધારણ કરે  તે પહેલાં બોરીસાગર સાહેબને ગુરુ માનતા એવા એક બીજા વિદ્યાર્થી ડૉ નંદલાલ માનસેતા સાથે એમનો સંપર્ક થયો. ડૉ. માનસેતા અમદાવાદના કાન-નાક-ગળાના સુપ્રસિધ્ધ સર્જન છે,પણ  એ વ્યવસાયની સમાંતરે એ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમણે જ હરેશભાઇને કહ્યું કે આપણો જન્મ જ વતનનું  ભલું કરવા માટે થયો છે. વાત તો  હરેશભાઇના મનમાં બરાબર ઠસી ગઇ પણ “વતનનું ભલું” કરવું તો  કઇ રીતે કરવું તેનો કોઇ સંકેત મળતો નહોતો,  એ દરમ્યાન સાવરકુંડલા જોડે જેમને કાંઇ સીધો સંબંધ નહિં એવા જાણીતા કવિ-અને સભા સંચાલક અંકિત ત્રિવેદીએ વાતવાતમાં એમને કહ્યું કે આપણા પ્રખ્યાત હાસ્યકાર રતિલાલ બોરીસાગર તમારા જ ગામના છે અને તમે લોકો જો એમની પાસેથી વિદ્યા અને સંસ્કાર પામ્યા હો તો તમારે એમને પોંખવા જોઇએ.

આ સૂચન સોનાનું હતું અને એકી મતે સ્વીકારી લેવાય તેવું હતું, આ બે મિત્રો સાથે ગામના બીજા વિચારશીલો મળ્યા અને નક્કી કર્યું કે બોરીસાગરસાહેબનું  બહુમાન તો કરવું જ, પણ સાથોસાથ અસલી વિચાર “વતનનું ભલું” થાય તેવાં કામ કરવા માટે એક  ટ્રસ્ટની પણ રચના કરીએ. એમ પણ નક્કી  કર્યું કે બોરીસાગરસાહેબથી શરુ કરીએ, પણ પછી વર્ષોવર્ષ એ સિલસિલો ચાલુ રાખીએ. દર વર્ષે શિક્ષકો-સાહિત્યકારો કે ગામના કર્મશીલોનું પણ સન્માન કરીએ. સૌએ એ પણ ઠરાવ્યું કે એ ટ્રસ્ટ જેમના નિમિત્તે  ઉભું થયું છે તે બોરીસાગરસાહેબનું નામ એની સાથે જોડીએ અને  એમ 2011ની સાલમાં જન્મ થયો   “વિદ્યાગુરુ  રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન” નો અને એના ઉપક્રમે બોરીસાગર સાહેબને 2011ના જાન્યુઆરીમાં એક લાખ રૂપિયાના માનધન અને ચાંદીના કાસ્કેટ સાથે માનપત્ર પૂ મોરારીબાપુના હસ્તે અર્પણ થયાં. જો કે, બોરીસાગરસાહેબે એ જ મંચ પરથી એ જ વખતે  સન્માનનો સ્વીકાર કરીને એક લાખની માનધનની રાશી પ્રતિષ્ઠાનને સારા સાહિત્યિક કાર્યોમાં વાપરવા માટે પરત કરી દીધી, પછી એ જ મંચ પર એ જ ભૂમિના નામવર અને બળકટ સાહિત્યકાર નાનાભાઇ જેબલીયા (હવે તો સ્વર્ગસ્થ)નું બહુમાન કરવા ઉપરાંત એ વિસ્તારના બે ઉત્તમ શિક્ષણકારોનું પણ બહુમાન કરવામાં આવ્યું, અને એક પુસ્તક “અમારા બોરીસાગર સાહેબ”નું પ્રકાશન કરવામાં આવ્યું.

પણ આ વાતમાં મહત્વનો અને બહુ સાત્વિક વળાંક તો હવે આવે છે.

પોતાના સન્માનના નિમિત્તે પોતાના વિદ્યાર્થીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી સંસ્થા સાથે પોતાનું નામ   જોડાય અને હંમેશને માટે જોડાયેલું રહે એ કોઇ પણ વ્યક્તિ માટે ગૌરવની અને ગમતી વાત બની રહે.  પરંતુ બોરીસાગર સાહેબ એને લીધે કંઇ જુદા જ મનોમંથનમાં સરી પડ્યા, તેમને લાગ્યું કે કોઇ વ્યક્તિના , ખાસ કરીને પોતાના નામ આગળ “વિદ્યાપુરુષ” જેવું અર્થગંભીર વિશેષણ મુકાય અને એ રીતે એ જ નામ સાથે સમગ્ર ફાઉન્ડેશન સાથે પોતાનું નામ હમેશને  માટે જોડાયેલું રહે તે યોગ્ય નથી. એમણે ટ્રસ્ટીઓ પાસે પોતાના દિલની ભાવના રજુ કરી અને પોતાનું નામ દૂર કરી દેવાની વિનંતી કરી. અને સ્વાભાવિક રીતે જ એમના માટે અમાપ આદર ધરાવતા એમના એ વિદ્યાર્થી-ટ્રસ્ટીઓને એ વાત માફક ના જ આવે. અંતે આ પ્રતિષ્ઠાનના પાયામાં જેમનું પ્રેરક બળ પડેલું હતું તેવા પૂ મોરારીબાપુ પાસે આ મીઠી રકઝકનો મામલો ગયો,  એ મુદ્દે બોરીસાગર સાહેબે મોરારીબાપુને જે  પત્ર લખ્યો, તેમા  કેટલાંક વાક્યો હતાં “પૂરા આત્મનિરીક્ષણ પછી ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં “વિદ્યાગુરુ” ની સંકલ્પનાનો વિચાર કરું છું ત્યારે મને આમાં મારો પનો ઘણો ટૂંકો પડતો લાગે છે”.  બાપુ તેમની આ ઉમદા ભાવના સમજ્યા અને પછી વચલો રસ્તો એ વિચારાયો કે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામના  એક નવા ટ્રસ્ટની રચના કરવામાં આવે  અને એ નવા ટ્રસ્ટના ઉદ્દેશો અને  “વિદ્યાગુરુ  રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન”ના ઉદ્દેશો એકસરખા હોવાથી એ પ્રતિષ્ઠાનનું  આ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનમાં વિલીનીકરણ કરવામાં આવે. અને એ રીતે 2013 ની સાલમાં આ “શ્રી  વિદ્યાગુરુ ફાઉન્ડેશન” અસ્તિત્વમાં આવ્યું,.

અને અહિંથી જ “વતનનું ભલું થાય” એવા અનોખા કાર્યક્રમના મંડાણ થયા. આ આખા ઉપક્રમમાં પ્રારંભથી જ ડૉ. માનસેતા હરેશભાઇની સાથે ખભે ખભો મીલાવીને કામ કરતા હતા. સાથે શહેરના બીજા એક નેફ્રોલૉજિસ્ટ ડૉક્ટર ઘનશ્યામ જાગાણી ઉપરાંત પ્રો, દિવ્યકાન્ત સૂચક, આઇ એ એસ ઓફિસર જે. બી. વોરા ( કે જેઓ પણ બોરીસાગર સાહેબના જ વિદ્યાર્થી) ભરત જોશી, અને જયકાંત સંઘવી જેવા પ્રબુધ્ધ નાગરિકો અને સોનામાં સુગંધ જેવા આ વિસ્તારના જ કહી શકાય તેવા  ગુજરાત  રાજ્યના અગ્રસચીવ (નિવૃત્ત) પી.કે.લહેરી પણ પૂરા સહયોગમાં હતા,

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ કેવળ શિક્ષણ અને સાહિત્ય સુધી જ મર્યાદિત રાખવાને બદલે બીજા ક્ષેત્રો સુધી પણ વિસ્તારવાનું નક્કી થયું ત્યારે સૌથી પ્રથમ વિચાર આજકાલ  વધુ ને વધુ મોંઘી બનતી જતી આરોગ્યસેવા વિષેનો આવ્યો. ડૉ. માનસેતા જેની સ્થાપનામાં ઘણા મદદરૂપ રહ્યા છે તેવી  સાવરકુંડલાથી સિત્તેરેક કિલોમીટર દૂર ધોળા-ઉમરાળા પાસેના ટિંબી ગામે કોઇ પણને માટે નિઃશુલ્ક ધોરણે ચાલતી સ્વામી નિર્દોષાનંદજી હૉસ્પિટલને જોવા ડૉ.માનસેતા સૌને લઇ ગયા પછી આ વિચાર મનમાં રમતો થયો હતો. આપણા વતનને આંગણે આવી હૉસ્પિટલ ઉભી થવી જોઇએ તો પુષ્કળ ગરિબાઇ વચ્ચે  જીવતા લાખો લોકો એનો લાભ લઇને સુચારુ  સ્વાસ્થ્ય દ્વારા નવજીવન પામી શકે, હરેશભાઇ મહેતાને પણ એક વાર મોરારીબાપુની કથામાં સાંભળેલા એ શબ્દો હૈયે જડાઇ ગયા હતા કે આપણા દેશના હરેક નાગરિકને  મફત શિક્ષણ અને મફત આરોગ્યસેવા મેળવવાનો અધિકાર છે અને એ ના મળતો હોય તો એવી  વ્યવસ્થા કરવાની દરેક પહોંચતા-પામતા નાગરિકની ફરજ છે, એટલે એ વિચારને મનમાં ઘોળતા સાથે એ વિચાર પણ આવી  જતો હતો કે  એના અમલને માટે પહેલા તો પુષ્કળ નાણાં જોઇએ  અને બેશક, જમીન-મકાનની પૂરતી વ્યવસ્થા હોવી જોઇએ. હરેશ મહેતા સૌ પ્રથમ રૂપિયા પચ્ચીસ લાખ આપી ચુક્યા હતા, બીજા ટ્રસ્ટીઓએ પણ યથાસંભવ યોગદાન આપ્યું હતું, પણ આ વિચારને સેવીને એને નક્કર સ્વરૂપ આપવા હજુ જંગી ફંડ જોઇએ. અહિં ફરી ડૉ. માનસેતાની તાત્કાલિક મતિ અને સક્રિયતા કામમાં આવી ગઇ. સાવરકુંડલા રેલ્વેસ્ટેશનની નજિકમાં જ ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના ખાદી કાર્યાલયનો મોટા પને પથરાયેલો કેમ્પસનો હાલ  બહુ જૂજ  હિસ્સો  વપરાશમાં છે એ એમના  ધ્યાન પર  આવ્યું,  એમણે એના મુખ્ય સંચાલક અસલી ગાંધીવાદી મનુભાઇ મહેતાનો સંપર્ક સાધ્યો.,એમની સાથે વાટાઘાટો ચલાવી અને હકારાત્મક વલણ ધરાવતા  મનુભાઇએ, જો  બનનારી  હૉસ્પિટલ સાવ નિઃશુલ્ક ધોરણે ચલાવવાની હોય તો મકાન સહિત વિશાળ જમીન  નિઃશુલ્ક વાપરવા આપવાની  સંમતિ આપી  અને તરત  અનુભવી એવા પી કે લહેરી સાહેબે એનું એમ ઑ યુ પણ તૈયાર કરી  આપ્યું,.અને એ સાથે જ આ જંગી  પ્રકલ્પ પાર પાડવા આડેનો નાણાકીય અવરોધ દૂર થયો.

એ પછી શરુ થયું એનું વ્યવસ્થિત આયોજન. સમગ્ર આરોગ્ય સેવાને ત્રણ તબક્કા(ફેઝ)માં વહેંચી દેવામાં આવી. પ્રથમ તબક્કામાં નાનો ઓપીડી(આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ), અતિ આધુનિક સાધનો સહિતની પેથોલૉજિકલ લેબૉરેટરી,મફત  ડાયાલીસીસ સેન્ટર,ગાયનેકૉલોજી ડિપાર્ટમેન્ટ  હશે.આ પ્રથમ ચરણ માટેની  પ્રાથમિક જરૂર એક કરોડ  ત્રીસ લાખ જેટલી છે. પરંતુ  શુભ સંકેત એવો થયો કે અમેરિકાના કોલંબીયા સ્ટેટના એક વખતના આર્થિક સલાહકાર  નટવર ગાંધી સાવરકુંડલાના જ વતની છે અને વતનને જરી પણ ભૂલ્યા નથી, ખુદ એક સારા  કવિ છે  અને હાલમાં જ આપણાં નામાંકિત કવયત્રી પન્ના નાયક સાથે જોડાયા છે.પન્નાબહેનને પણ હવે આ પોતાનું વતન લાગે એ સ્વાભાવિક  છે. એ બન્નેએ જ્યારે આ પ્રોજેક્ટ  વિષે જાણ્યું ત્યારે એમણે ગાયનેક વિભાગ શરુ કરવા  માટે તાત્કાલિક  પચાસ હજાર ડોલર (આશરે ત્રીસ લાખ રૂપિયા ) જાહેર  કર્યા અને ભવિષ્યમાં પણ વધુ જરૂર પડે તેમ મદદ કરતા  રહેવાની  હૈયાધારી  આપી,

અંદાજ છે કે આ પ્રથમ ચરણનો  માસિક નિભાવખર્ચ  સાત થી દસ લાખ રૂપિયા આવશે.કારણ કે દાખલ થનારા કોઇ પણ દર્દી પાસેથી એક રૂપિયો પણ વસુલવાનો નથી,સારવાર-દવા-ભોજન અને અન્ય જે કાંઇ ખર્ચ હશે તે બધો જ  હૉસ્પિટલ ભોગવશે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસ ગણતા  જો ત્રણસો પાંસઠ  વ્યક્તિ દરેક વર્ષે એકવાર માત્ર બે હજાર ડોલરનું દાન કરે, અને એ  રીતે ત્રણસો પાંસઠ દાતા તૈયાર થાય તો  એક વર્ષનો નિભાવખર્ચ આસાનીથી નીકળી જાય,

lokaarpan

પ્રથમ ચરણનું લોકાર્પણ

બીજા ચરણમાં વધુ જમીનની  ખરીદી,આધુનિક ઇમારતોનું બાંધકામ અને સંપૂર્ણ સાધન સગવડ સહિતની  એક સો બેડની આધુનિક  હૉસ્પિટલ કે જેમાં બધું  નિઃશુલ્ક ધોરણે હોય.આને માટે ચાલીસથી પચાસ કરોડ રૂપિયાની  જરૂર રહે. આ જરા દોહ્યલું લાગે પરંતુ  પૂ મોરારીબાપુએ સામેથી આનું ભંડોળ એકત્ર કરવા માટે યજમાન સહિતની એક રામકથા આપવાનું જાહેર કર્યું છે, . એનું આયોજન કદાચ આવતા એટલે કે 2015 ના એપ્રિલ-મેમાં મુંબઇમાં થવાની સંભાવના છે,

ત્રીજું ચરણ મેડિકલ કૉલેજની સ્થાપનાનું છે. એવી મેડિકલ કૉલેજ કે જ્યાં ડોનેશન તો એક તરફ પણ એક પણ રૂપીયો ફી પણ ભણતર પેટા લેવામાં ના આવે.  અત્યાર સુધીના અનુકૂળ અનુભવો જોતાં એ જ પેટર્નમાં આ સપનું પણ સાકાર થશે એવું લાગી રહ્યું છે.

મઝાની  વાત એ છે કે આ 6-7 જાન્યુઆરી દરમ્યાન સાવરકુંડલાની ધરતી ઉપર જે વી મોદી હાઇસ્કૂલના કંપાઉંડમાં શ્રી વિદ્યાગુરુ ફાઉંડેશન દ્વારા “પર્વપંચમી”ના નામે બાપુની  નિશ્રામાં જે પાંચપાખિયો કાર્યક્રમ યોજાઇ ગયો, તેમાં કાવ્ય-નાટક-ઉપરાંત અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોને ટ્રસ્ટની યોજના અન્વયે એવૉર્ડ્સ  આપવાના કાર્યક્રમો ઉપરાંત શિરમોર કાર્યક્રમ 7મી તારીખે ચાર વાગ્યાનો હતો,  જેમાં બાપુના હસ્તે લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના  જેવું નામકરણ પામેલી આ હૉસ્પિટલના સંપૂર્ણપણે ‘રેડી ટુ પરફોર્મ’ પ્રથમ ચરણનું લોકાર્પણ થયું, એમાં લોકાર્પિત થનારા વિભાગો છે – ગાયનેકોલોજી,ડાયાલિસીસ સેન્ટર.,બ્લડ સ્ટોરેજ  સેન્ટર, પેથોલૉજી  લેબોરેટરી, ઇ એન્ડ ટી ( કાન અને ગળા) વિભાગ અને સૌથી વધુ જનતા જેનો લાભ લેવાની  છે તે જનરલ ઑ પી ડી.

સાવરકુંડલા જેવા “દ્વિદલ” ગામની ગોદમાં આ તદ્દન મફત સેવા-સારવાર આપનારી આ હૉસ્પિટલ એક વિદ્વાન અને કર્મઠ શિક્ષક પરત્વેની એમના શિષ્યોની ગુરુભક્તિમાંથી જન્મી છે. અને એની પાછળ મોરારીબાપુ જેવા લોકશિક્ષકની સાધનાનું તેજવલય  છે,

હોસ્પિટલ વિષેની વધુ માહિતી માટે સંપર્ક-પ્રકાશ પટેલ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન,

ખાદી કાર્યાલય કેમ્પસ,રેલ્વે સ્ટેશન સામે.સાવરકુંડલા-364 515 /મોબાઇલ=098250 18544 .ઇ-મેલ:  svfoundation2013@yahoo.com  અથવા પ્રોજેક્ટ સંકલક-ભિખેશ ભટ્ટ-098799 72787

(ચિત્રલેખા, ૧૯/૧/૧૫માં પ્રકાશિત)

Posted in sanstha-parichay | 2 ટિપ્પણીઓ

ઇકોવર્સીટી – અનોખી યુનિવર્સિટી

મિહિર પાઠક

મને ઘણા લોકો પૂછે કે આ એકવીસમી સદીમાં ગાંધીવિચાર કેટલો શાશ્વત ? કે પછી કેટલો ટકશે ? ગાંધી વિચાર તો યુવાનોને આકર્ષવામાં સાવ કાચો રહ્યો છે અને આજની સદી તો યુવાનોની જ છે એટલે મને નથી લાગતું આ બધું તીકડમ કઈ ટકે. હવે તમારેય સપનામાંથી બહાર આવી આગળ વધવું જોઈએ.

હું આ બધું જ એક સુંદર સ્મિત સાથે સાંભળતો રહું અને છેલ્લે એક વાક્યમાં જવાબ આપું, ‘ભાઈ, ગાંધી કે વિનોબા બધું ઘરમાંથી ઉપજાવતા નથી. આ વિચારો તો અનાદિકાળથી ચાલ્યા આવે છે. સત્ય અને અહિંસા કંઈ પ્રયોગશાળામાં નથી શોધાયાં. સત્ય તો બ્રહ્માંડ જન્મ્યું તે પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. રહી વાત યુવાનોને આકર્ષવાની, તો કહી દઉં કે, યુવાનોમાં સાચાખોટાની પરખ છે. એ કદાચ ગાંધીથી નહિ તો ‘અલટરનેટિવ લાઈફ સ્ટાઇલ’ થી આકર્ષાય. પાયાની કેળવણીથી નહિ તો ‘હોમ સ્ફુલિંગ’ થી આકર્ષાય. ગ્રામ વિદ્યાપીઠ નહિ તો ‘ઇકોવર્સિટી’ થી આકર્ષાય. યુવાન પોતાનો રસ્તો શોધી લેશે.. નહિ મળે તો રસ્તો બનાવશે…

આજે કંઈક એવા જ પ્રયોગની વાત કરવી છે. જો તમારી જાણમાં હોય તો અત્યારે શિક્ષણક્ષેત્રે દુનિયામાં એક અભિનવ શાંત ક્રાંતિ આકાર પામી રહી છે. હવે લોકો હોમ સ્ફુલિંગ અને અલટરનેટિવ સ્ફુલિંગ તરફ વળી રહ્યા છે અને આ હરીફાઈભર્યા, કોલોનાઇઝ શિક્ષણને માત આપી રહ્યા છે. આ જ પ્રમાણે હાયર એજ્યુકેશનમાં ઇકોવર્સિટી નામે એક ક્રાંતિકારી ચળવળ ચાલી રહી છે.

ઇકોવર્સિટી એટલે લોકો અને સમૂહોનું એવું નેટવર્ક કે જેઓ જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે સ્થાપિત કરવા મથી રહ્યા છે.
આજની યુનિવર્સિટીઓ જયારે એમ કહે કે મારા ગામમાં રહેતા બા-દાદાને અંગ્રેજી નથી આવડતું એટલે તેઓ પછાત છે, તેમની પાસે કોઈ જ્ઞાન નથી. જયારે ખરેખર તેમની પાસે જે અનુભવજ્ઞાન અને જીવન–નિચોડ છે તે આજની યુનિવર્સિટીઓ કોઈ સંજોગોમાં આપી શકે તેમ નથી.

ઇકોવર્સિટી ગ્રામાભિમુખ, પ્રકૃતિઅભિમુખ અને સંસ્કૃતિઅભિમુખ જ્ઞાન આપવાના લક્ષ્ય સાથે આકાર પામી છે. આ પ્રકારની યુનિવર્સિટીઓમાં મોટાં મોટાં બિલ્ડીંગો કે સંસાધનો નથી હોતાં પરંતુ એક અહિંસક અને રચનાત્મક સમાજ કેળવવાની ચાહ હોય છે.

અહીં વિદ્યાર્થીઓને કોલોનાઇઝ ભણતરથી દૂર લઈ જઈ પ્રકૃતિ સાથે સંવાદ કરતા શીખવવામાં આવે છે. એન્વારોન્મેન્ટ સસ્ટેનબિલિટી, સોસિઅલ જસ્ટિસ, નેચરલ હીલિંગ, ગિફ્ટ ઇકોનોમી, લોકલ મીડિયા, વગેરે બાબતો પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. અને ગ્રામભિમુખ ‘ઇકો લાઇવલીહુડ’ કે ‘ગ્રીન આંત્રરપ્રિનિયોરશિપ’ શીખવવામાં આવે છે જેથી અહીંના વિધાર્થીઓ એક નવી રાહ પર જીવન જીવી શકે.

ઉપર જણાવેલ મુદ્દા કાંઈ નવા નથી; ગાંધીએ વર્ષો પહેલાં અને વેદોએ સદીઓ પહેલાં આ વાત કહી હતી. પણ સમય બદલાય તેમ માધ્યમ પણ બદલાય. આજે આ ઇકોવર્સિટીરૂપે આ વાત સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે જેને ગ્રામ વિદ્યાપીઠ કે રૂરલ યુનિવર્સિટી કહીએ છીએ તે આવી ન હોઈ શકે ? મારા મતે તો આ પણ નઈ તાલીમનો જ એક પ્રયોગ છે.

આપણા ભારતમાં ‘સ્વરાજ યુનિવર્સિટી’ નામે ઉદેપુરમાં આ પ્રકારની ઇકોવર્સિટી આવેલી છે. આગળ જણાવ્યું તેમ અહીં કોઈ મોટાં બિલ્ડીંગો કે મોટી મોટી ડિગ્રીધારી પ્રોફેસરો નથી. ઉદેપુરથી થોડે દૂર એક ખેતરમાં ‘તપોવન આશ્રમ’ નામે એક રળિયામણું કૅમ્પસ આવેલું છે. અહીં વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો ‘સેલ્ફ ડાયરેકટેડ લર્નિંગ પ્રોગ્રામ’ ચાલે છે. જેમાં 16 થી 25 વર્ષના યુવાનો પ્રવેશ લઈ શકે છે. અહીં આ વિદ્યાર્થીઓને ‘ખોજી’ કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ કોઈ સર્ટિફિકેટ – ડિપ્લોમા-ડિગ્રી કંઈ જ આપવામાં આવતું નથી.
અહીં યુવાનોને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને કેવી રીતે જીવવું, લોકશાહી અને નાગરિક તરીકેની ફરજો, આપણા દૈનિક જીવનમાંથી વૈશ્વિક સ્તરે થતા ફેરફારો, કહેવાતો ‘વિકાસ’ , અર્થ વ્યવસ્થા જેવા વિષયો ઉપર વર્કશોપ અને પ્રયોગો દ્વારા સમજ આપવામાં આવે છે. તદુપરાંત સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને આ રોજગાર પણ ગ્રામભિમુખ, પ્રકૃતિરક્ષક અને અંતે કોઈના ચહેરા પર સ્મિત રેલાવતો હોવો જોઈએ. આ પ્રકારના ગ્રીન એન્ટરપ્રાઇસ વિશેની તાલીમ લેવા માટે વિદ્યાર્થીઓને ગુરુ-શિષ્ય પદ્ધતિ પ્રમાણે દેશ-વિદેશમાં ફેલાયેલા વિવિધ વિષયોના મેન્ટર્સ પાસે મોકલવામાં આવે છે. વિદ્યાર્થીઓ નિશ્ચિત સમય માટે મેન્ટર્સ પાસે રહી તાલીમ મેળવે છે. વિવિધ સામાજિક સંસ્થાઓમાં જઈ કામ કરે છે, અને પોતાનો ‘પોર્ટફોલિઓ’ બનાવે છે. જેમાં પોતે કરેલા પ્રોજેક્ટ્સની વિગતો, મેન્ટર્સ પાસેથી ફીડબેક, સેલ્ફ અસેસમેન્ટ, વગેરેનો સમાવેશ કરે છે.

સ્વરાજ યુનિવર્સિટી વિષેની વધુ માહિતી

image

દુનિયાના 20 દેશોમાંથી આ પ્રકારની 50 થી વધુ સંસ્થાઓનું મિલન ઓગસ્ટ 2015માં પોર્ટુગલના તમેરા પિસ એન્ડ રિસર્ચ સેન્ટર – એન ઇકો વિલેજમાં યોજાયું હતું. અહીં છ દિવસની ‘અન કોન્ફરન્સ’ દરમિયાન વિશ્વશાંતિના લક્ષ્ય સાથે રચનાત્મક કામ કરતી સંસ્થાઓએ એકબીજા વિષે અને એકબીજાના કાર્ય વિષે પરિચય મેળવ્યો તથા એકબીજાના અનુભવોમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો.
આ કાર્યક્રમમાં ભારતમાંથી નીચે પ્રમાણેની સંસ્થાઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું, જે આપણા માટે ખૂબ ગર્વની વાત છે.

1. સ્વરાજ યુનિવર્સિટી (ઉદેપુર)
2. આદિવાસી એકેડમી (ગુજરાત)
3. બીજ વિદ્યાપીઠ (દુન વેલી)
4. ઓરુવિલે (પોન્ડેચેરી)
5. યુરો યુનિવર્સિટી (ગુજરાત – સુરત)
6. બેરફુટ યુનિવર્સિટી (ટીલોનીઆ)

આ કાર્યક્રમ વિષે વિગતવાર અહેવાલ અહીં વાંચો
1. Gathering of Kindred Folk Re- Imagining Higher Education!
2. Eco-versities Gathering: August 20-26th in Tamera

Posted in sanstha-parichay | 4 ટિપ્પણીઓ

ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી

– અશોક સોમપુરા


હરભાઈ ત્રિવેદી નો ટૂંકો પરિચય

harbhaitrivedi

હરભાઈ ત્રિવેદી (1891 – 1979)

ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં 14 નવેમ્બર 1891ના રોજ જન્મેલા શ્રી હરભાઈનું નામ હરિશંકર હતું. માતા જીવકોરબા અને પિતા દુર્લભજી ત્રિવેદીનું તેઓ સંતાન. કેળવણીની પાયાની સંકલ્પનાઓને વ્યવહારમાં મૂકી મુલવવા હરભાઈ મહિને માત્ર રૂ. 100 ના વેતનથી આચાર્ય તરીકે જોડાયા હતા. ઈ.સ 1910થી 1912 સુધી દક્ષિણામૂર્તિ સંસ્થાના છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની માનદ્ સેવાએ તેમને અનેક અનુભવો કરાવ્યા. યુવાનોને સમજવાની વાત એ એમના જીવનનું કાર્ય બની ગયું. વિનય મંદિરના આચાર્ય બન્યા બાદ તેમણે શિક્ષણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો.ત્યાં સહશિક્ષણના વિવિધ પ્રયોગો કરીને આ અંગેના વિવિધ પ્રશ્નો ઉપર દક્ષિણામૂર્તિ ત્રિમાસિકમાં લેખનકાર્ય શરૂ કર્યું. પોતાની વ્યાપક વિચારસરણી અને અનુભવને આધારે તેમણે 1926થી જ વિંયમંદિરમાં ‘સ્વાધ્યાય યોજના’ (ડોલ્ટન યોજના)નો ઉત્તમ પ્રયોગ કર્યો, જેને વ્યાપક આવકાર મળ્યો. વિદ્યાર્થીઓના ભણતર -ઘડતર માટેના પ્રયોગો, ઉત્તમ વિચારોનો પ્રચાર – પ્રસાર થાય એ માટે તેમણે વિવિધ સામાયિકોના પ્રકાશનની જવાબદારી હાથ ધરી. ‘દક્ષિણામૂર્તિ’ , ‘છાત્રાલય’ , ‘નૂતન શિક્ષણ’ અને ‘ઘર શાળા’ જેવા સામાયિકોમાં તેમને સતત લેખન કાર્ય કર્યું. શ્રી હરભાઈ 40 વર્ષ સુધી ‘ઘર શાળા’ માસિકના વિકાસની એકધારી સંભાળ રાખી. તેમના અનેક પુસ્તકો આજે પણ ઘણાં જ ઉપયોગી છે; જેમના કેટલાક છે :
‘દરેક બાળક કુટુંબ સાથે બેસીને વાંચે’, ‘કોઈએ નહોતું કીધું’, ‘નવી કેળવણી’, ‘બાળકોની કથની’, ‘બાલ મહિમા’, ‘સ્વતંત્રતાનો પ્રયોગ’, ‘બાળક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ’, ‘નવી દ્રષ્ટિ, મુઝવતું બાળક’, ‘ડોલ્ટન યોજના’, ‘કેળવણીનું નવનિર્માણ’, ‘જાતક કથાઓ’, ‘તથાગત’, ‘શા માટે, જીવનની કેળવણી’, ‘ભયનો સાદ’, ‘સાર્જન્ટ યોજના’.

(પુસ્તક ગુજરાતની શિક્ષણવિભૂતિઓ માંથી સાભાર )

પ્રસ્તાવના :

વિકાસના ક્ષેત્રે પ્રગતિ કરવા હરણફાળ ભરતા માનવીએ શિક્ષણક્ષેત્રે વિરાટકાય સ્વરૂપ આપી દીધું. શિક્ષણના મોટા વ્યાપમાં અનેક શિક્ષણકારો, તત્વચિંતકો અને સમાજસેવાના ભેખધારીઓનો સમાવેશ થાય છે. શિક્ષણે આજે તો વિશ્વને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ભેટ આપી છે એવું આ શિક્ષણ કેળવણીકારોનું સદાય ઋણી છે – રહેશે. ગુજરાતમાં થોડા પણ મૂઠી ઊંચેરા એવા માનવી થઈ ગયા; જેમણે પ્રગટાવેલી શિક્ષણ જ્યોત આજેય પ્રકાશ પથરાવી રહી છે. એમણે પોતાના સ્વાર્થનો અને સ્વયં પ્રસિદ્ધિનો જરાય વિચાર કર્યો નથી. એમણે પોતાના કેળવણીકાર્યને એવું તો ચેતનવંતુ રાખ્યું કે તેમની નોંધ શિક્ષણ જગત હોંશે હોંશે લેશે.

ગુજરાતના ખ્યાતનામ કેળવણીકાર અને આર્ષદષ્ટા શ્રી હરભાઈ ત્રિવેદીના જીવનના વિશાળફલક ઉપરથી ચૂંટી કાઢેલા માત્ર થોડા જ અંશો અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુજરાતના શિક્ષણ જગતમાં હરભાઈનું નામ અગ્રેસર છે. શિક્ષણના અનેક પ્રયોગો અને ઉત્તમ અનુભવોથી ભરેલી તેમની લાંબી જીવનયાત્રા હતી. તેઓ જીવનના અંતકાળ સુધી શિક્ષણમાં સક્રિય રહ્યા હતા.

શિક્ષણ સંકલ્પના :

ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં તા. 14-11-1891ના રોજ જન્મેલા શ્રી હરભાઈનું બાળપણનું નામ હરિશંકર હતું. તેમની માતાનું નામ જીવકોરબા અને પિતાનું નામ દુર્લભજી ત્રિવેદી હતું. શ્રી હરભાઈ ત્રિવેદી ઉત્તમ કેળવણીકાર હતા. કોઈ એક જ વિષય કે વિભાગને તેઓ કેળવણી માનતા ન હતા. એમને મન કેળવણી જીવનના અંતકાળ સુધી સતત ચાલતી પ્રક્રિયા હતી. જીવનનાં બધાં જ પાસાંના સર્વાંગીણ વિકાસ માટે તેઓ કેળવણીને જરૂરી માનતા. તેઓ વ્યક્તિના ઘડતરથી માંડી સમાજ અને અંતે રાષ્ટ્રના વિકાસમાં કેળવણીની ભૂમિકાને ખૂબ જ અગત્યની ગણતા. આચાર્ય તરીકે માત્ર મહિને રૂ. 100 ના વેતનથી કાર્ય કરવાનો નિર્ણય હરભાઈએ લીધો હતો. તેઓ પૈસાને મહત્વ આપતા ન હતા. આદર્શ સાથે શિક્ષણમાં સદાય ઓતપ્રોત રહેવું એ એમનો જીવનમંત્ર હતો. તેઓ બળજબરીથી શિક્ષક થયા ન હતા. તેઓ પ્રેમપૂર્વક શિક્ષક થયા હતા અને પોતાનામાં રહેલા શિક્ષકત્વને જીવનના અંત સુધી જીવંત રાખી શકતા હતા. આથી જ શિક્ષણમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ હતી. પાઠ્ય-પુસ્તકના ભણતર માત્રને જ તેઓ કેળવણી માનતા ન હતા. તેઓ શિક્ષણમાં કામ કરતાં કરતાં જ્ઞાન મેળવતા. તેઓ એમ માનતા કે શિક્ષક પણ વિદ્યાર્થી જ છે. શિક્ષકે સદાય વિદ્યાર્થી રહી શીખવા પ્રયત્ન કરવો જોઈએ.

શિક્ષણમાં નવા યુગનો પ્રારંભ:

20મી સદીમાં શિક્ષણના વર્તમાન પ્રવાહો સાથે ભળી જઈ કામ કરનારા શિક્ષણપ્રેમીઓ અનેક હતા, પરંતુ દષ્ટિને દીર્ધ બનાવી નવા યુગ સાથે તાલ મિલાવે એવી પ્રણાલીનો પ્રારંભ કરનારા હરભાઈ એક જ હતા. બાળકને તેના અભ્યાસ દરમિયાન સ્વઅધ્યયન, સ્વવિકાસ અને સ્વતંત્ર વ્યવહારની સગવડ આપનાર હરભાઈએ તે સમયે પોતાનો નિષ્ઠાપૂર્વકનો આ પ્રયાસ ચાલુ રાખ્યો. તેમના આ શૈક્ષણિક કાર્યે ગુજરાતના શિક્ષણમાં નવા યુગનો ચીલો શરૂ કર્યો. ઈ.સ. 1910થી 1912 સુધી દક્ષિણામૂર્તિ સંસ્થાના છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની માનદ સેવાએ તેમને અનેક અનુભવ કરાવ્યા. યુવાનોને સમજવાની વાત એ એમના જીવનનું કાર્ય બની ગયું. વિનય મંદિરના આચાર્ય બન્યા બાદ તેમણે શિક્ષણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યાં સહશિક્ષણના વિવિધ પ્રયોગો કરીને આ અંગેના વિવિધ પ્રશ્નો ઉપર ‘દક્ષિણામૂર્તિ’ ત્રિમાસિકમાં લેખનકાર્ય શરૂ કર્યું. પોતાની વ્યાપક વિચારસરણી અને અનુભવને આધારે તેમણે 1926થી જ વિનયમંદિરમાં ‘સ્વાધ્યાય યોજના’ (ડોલ્ટન-પ્લાન)નો ઉત્તમ પ્રયોગ કર્યો, જેને વ્યાપક આવકાર મળ્યો. શિક્ષણક્ષેત્રમાં આ પદ્ધતિએ અનોખી દિશા દેખાડી. આ તેમના કાર્યની અનોખી સિદ્ધિ હતી.

શિક્ષણ વિકાસ:

ગુજરાતના શિક્ષણ વિકાસનું પ્રથમ કિરણ ભાવનગરમાંથી જ પ્રગટ્યું. દક્ષિણામૂર્તિ વિદ્યાભવનનો ઉદ્દભવ અને નાનાભાઈ, ગિજુભાઈ અને હરભાઈની ત્રિપુટીનું શિક્ષણ પ્રદાન શિક્ષણ ઈતિહાસમાં ગુજરાતને ગૌરવ અપાવે તેવું છે. હરભાઈનું કેળવણીમાં વિશિષ્ટ પ્રદાન તો વિદ્યાર્થીના માનસને સમજવાનું અને એ રીતે વિદ્યાર્થીનું સાંસ્કારિક ‘ઘડતર’ કરવાનું રહ્યું હતું. આડે રસ્તે વળેલા કે તોફાની વિદ્યાર્થીઓને સારા માર્ગે વાળવાની તેમની રીત ઘણી જ ઉત્તમ અને અનોખી હતી, જે કોઈક શિક્ષણકાર કરી શકે. એ રીતને આચરણમાં મૂકી તેમણે અનેક વિદ્યાર્થીઓનું ‘ઘડતર’ કર્યું, જે શિક્ષણ સમાજ માટે ભવિષ્યમાં ઘણા ઉપયોગી બન્યા. આ હતું એમનું પ્રાણવાન શિક્ષણ તરીકેનું વ્યક્તિત્વ પાસું.

વિદ્યાર્થીઓની કામ કરવાની મનની તાકાત અને તેમની રીતભાત ઉપર તેમણે સદાય વિશ્વાસ રાખ્યો હતો. આ રીતે વિદ્યાર્થીઓમાં વિશ્વાસ મૂકવાની ઉત્તમ પ્રેરણા તેમણે જૂના-નવા સૌ શિક્ષકો અને વાલીઓને પૂરી પાડી હતી. તેમના મતે બધા જ વિદ્યાર્થી સમાન હતા. કોઈ હોશિયાર નહીં, કોઈ ઠોઠ નહીં. તેમના જીવનનું આ એક અગત્યનું પાસું હતું. આ માન્યતામાં તેઓ ખૂબ દઢ હતા. શિક્ષણમાં સતત નવા પ્રવાહો નૂતન બનાવવા અને નૂતન બનેલા શિક્ષણને સદાય જીવંત રાખવા તેમણે વિદ્યાર્થીઓને પૂરી શ્રદ્ધાથી ચાહ્યા હતા. એ સ્નેહ અને વિશ્વાસના સથવારે તેમણે કરેલા અનેક પ્રયોગો સફળ બની રહ્યા. એમની આ કેડી પર એ સફળ પ્રયોગો નૂતન શિક્ષણના વિકાસની કેડી બની રહ્યા. આજે કેડી પર શિક્ષકો ધારે તો શિક્ષણમાં ધારી સફળતા મેળવી શકે એમ છે. શિક્ષણનો વિકાસ કરી શકે એમ છે.

લેખન દ્વારા શિક્ષણમાં પ્રદાન:

વિદ્યાર્થીઓના ભણતર-ઘડતર માટેના પ્રયોગો, ઉત્તમ વિચારોનો પ્રચાર-પ્રસાર થાય એ માટે તેમણે વિવિધ સામાયિકોના પ્રકાશનની જવાબદારી હાથ ધરી. ‘દક્ષિણામૂર્તિ’, ‘છાત્રાલય’, ‘નૂતન શિક્ષણ’ અને ‘ઘરશાળા’ જેવાં સામાયિકોમાં તેમણે સતત લેખનકાર્ય કર્યું. શિક્ષણના પ્રયોગો, વિવિધ કોયડાઓ અને તેનો ઉકેલ, શિક્ષણના વિવિધ સિદ્ધાંતો અને નીતિ વિષયક નિર્ણયો આ માસિકમાં પ્રગટ થતા. આ માસિકોમાં જે કાંઈ પ્રગટ થતું તેને તેઓ સમયને અનુરૂપ પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ કરતા. વિદ્યાલયના સ્તર ઉપર બાળકોને ધર્મની સચ્ચાઈ ઉપર પણ કંઈક વાંચવા મળે તે માટે તેમણે ‘તથાગત’ અને ‘જાતકકથાઓ’ નામનાં પુસ્તકો પ્રગટ કર્યાં. ધર્મનીતિ નામનાં પુસ્તકો દ્વારા એડોલન્સ (યુવાવસ્થા)માં આવનારાં બાળકોને ધર્મ વિશેનાં મૂલ્યો અને સત્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો.

શ્રી હરભાઈએ 40 વર્ષ સુધી ‘ઘરશાળા’ માસિકના વિકાસની એકધારી સંભાળ રાખી. શિક્ષણના અદ્યતન પ્રવાહોની જાણકારી મેળવી તેઓ લોકો સમક્ષ મૂકતા. શિક્ષણના સિદ્ધાંતને પ્રયોગોની એરણે ચડાવી તેમાંથી નીપજેલા પરિણામને તેઓ લેખ દ્વારા સતત પ્રગટ કરતા. બાળકનું ઘડતર સર્વાંગીણ થાય એ માટે તેઓ બાલમાનસને સમજવાનો સતત પ્રયત્ન કરતા રહેતા. ‘ઘરશાળા’ માસિક પ્રગટ કરવાનો તેમનો સ્પષ્ટ હેતુ હતો. નવી પેઢીના ઘડતરમાં સૌથી મોટો ફાળો ઘર અને બીજી બાજુ શાળાનો છે. ઘર એટલે કુટુંબનું સ્વાસ્થ્ય સંગીન રહે, ઘરનું સંસ્કારધન ઉચ્ચ પ્રકારનું બને, શિક્ષકો અને અધ્યાપકો વિદ્યાર્થી ઘડતરમાં સદાય સક્રિય રહે એ ખૂબ જરૂરી છે. ઘર અને શાળાના આ પ્રયત્નોમાં સહાયભૂત થઈ શકે તેવું સત્વશીલ સાહિત્ય પૂરું પાડવાનો ‘ઘરશાળા’ માસિકનો મુખ્ય હેતુ રહ્યો છે. તેનું સંવર્ધન કરવાનું કામ હરભાઈએ આજીવન કર્યું. આજે પણ ‘ઘરશાળા’ માસિક શિક્ષણ જગતની પ્રેરક અને ઉપયોગી સેવા કરી રહ્યું છે.

શૈક્ષણિક સાહિત્યનું સર્જન કરવામાં પણ હરભાઈનો ફાળો ઘણો મોટો છે. સામાયિકોમાં તેમણે અસંખ્ય ઉપયોગી લેખો લખ્યા. સાથે સાથે શિક્ષણમાં સંકળાયેલા સૌને કાયમી ઉપયોગી થઈ શકે એવા ઉત્તમ સાહિત્યનું નિર્માણ તેમણે પુસ્તક સ્વરૂપે કર્યું. તેમનાં અનેક પુસ્તકો આજે પણ ઘણાં જ ઉપયોગી છે. તેમના પ્રચલિત પુસ્તકોમાં : ‘દરેક કુટુંબ સાથે બેસીને વાંચે’, ‘કોઈએ નહોતું કીધું’, ‘નવી કેળવણી’, ‘બાળકોની કથની’, ‘બાલ મહિમા’, ‘સ્વાતંત્ર્યનો પ્રયોગ’, ‘બાળક મનોવૈજ્ઞાનિક દષ્ટિએ’, ‘નવી દષ્ટિ’, ‘મૂંઝવતું બાળક’, ‘ડોલ્ટન યોજના’, ‘કેળવણીનું નવનિર્માણ’, ‘જાતક કથાઓ’, ‘તથાગત’, ‘શા માટે ?’, ‘જીવનની કેળવણી’, ‘ભયનો ભેદ’, ‘સાર્જન્ટ યોજના’ અને ‘નવી દષ્ટિ’ મુખ્ય છે. આ ઉપરાંત પણ તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે.

પરિવારમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની શાસ્ત્રીય સમજ હોય તો સુખમય વાતાવરણનું નિર્માણ થાય છે એમ તેઓ માનતા. માણસોના પારસ્પારિક સંબંધો તથા સ્ત્રી-પુરુષના જાતીય વ્યવહાર અંગે સાચી સમજ ફેલાવવા તેમણે ઘણો પ્રયાસ કર્યો. તેમાં તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. જાતીય મનોવિજ્ઞાન વિશે રસ, અભ્યાસ અને તે માટે વિકાસની દષ્ટિ કેળવવા જાહેરમાં વાત કરવાની હિંમત એ જમાનામાં શ્રી હરભાઈ ત્રિવેદીએ કરી હતી. કિશોર-કિશોરીઓની ઉંમર વધતાં તેમનામાં થતા શારીરિક ફેરફારો, જાતીય પ્રશ્નોની મનોવૈજ્ઞાનિક દષ્ટિએ મૂલવણી કરી સમાજને સાચી દિશા ચીંધવાનો પ્રયાસ હરભાઈએ કર્યો હતો. એટલે તો તેમને ગુજરાતના ‘ફ્રોઈડ’ ગણી શકાય. ‘માનવીને જ્યારે કોઈ ભય અને અજ્ઞાનતા સતાવતાં હોય ત્યારે તે કાંઈક છુપાવવા મથે છે. આમ કરવાથી તે અનેક ભૂલ કરી બેસે છે. અને આ ભૂલો જ તેની છુપાવેલી હકીકતો બહાર લાવી દે છે.’ આવી વાસ્તવિકતા કિશોર-કિશોરીઓને સમજાવનાર સૌ પ્રથમ હરભાઈ હતા. માનસશાસ્ત્રીય વિચાર દ્વારા વિકૃત વિચારો કરનારા અને એ ખરાબ વિચારોને આચરણમાં મૂકવાવાળાઓને સાચી દિશા હરભાઈએ બતાવી હતી. જાતીયશિક્ષણ વિશે સૂત્ર ધરાવનારા કે સેક્સના નામે નાકનું ટેરવું ઊંચું કરનારાઓ હરભાઈથી આખરે પ્રભાવિત થયા હતા. આ અંગે આદરણીય મુ. શ્રી જશીબહેનનું નીચેનું કાવ્ય હરભાઈને સમજવામાં આપણને વધુ સહાયભૂત થશે :

જનમ્યા જીવ, બાળ સ્વરૂપે
દિનરાત જાતાં, મોટું થતું એ
શરીરે ધર્યું યૌવન
યૌવને વિકસ્યું મન
ઓળખો પારખો એને
સમજો તમે
પરસ્પરનું આકર્ષણ મૂક્યું કુદરતે
સ્વીકારો તે, સમજાવો તેમને
ચીંધો જીવન માર્ગ યોગ્ય
કુદરતે બક્ષેલું બધું છે
છુપાવશો ના કદી
અવગણશો ના –
જીવન યૌવનના વ્યવહારને
તો એળે જશે ના મહેનત કદી
યૌવન બની રહેશે
છીપનું મોતી
સમજ્યા વડીલો ?

એ જમાનો એવો હતો કે છોકરા-છોકરીઓ સાથે ભણે એ વિચાર નવો હતો અને સમાજના રૂઢિચુસ્ત લોકો માટે અસ્પૃશ્ય હતો. સ્ત્રીસમાનતા કે સહશિક્ષણની એ જમાનામાં જો કલ્પના જ ન હોય તો તેના આચરણની વાત એ જોજનો દૂર હતી. પરંતુ હરભાઈએ એ જમાનામાં સહશિક્ષણની હિમાયત કરી પ્રયોગ આદર્યો અને તેમાં તેઓ સફળ રહ્યા. એકવીસમી સદીના આજના યુગમાં હરભાઈના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એટલું જ નહીં, આવતી કાલે પણ પ્રસ્તુત છે. તેમણે જે જે વસ્તુ કે વિચારોને સંપત્તિ માની છે તે જાણીને આપણને તેમની મોટાઈનો ખ્યાલ આવશે. તેમણે કરેલું વસિયતનામું અહીં રજૂ કરી અટકું છું.

‘મારું વસિયતનામું’
તા. 14-નવેમ્બર-1964.

‘સમગ્ર માનવજાતનો હું વારસદાર છું. માનવમાત્ર મારો વારસદાર છે. મેં ધન સંઘર્યું નથી એટલે ધનવિતરણની ચિંતા નથી. મારા શરીર પાસેથી ધાર્યું કામ લેવામાં હું સફળ થયો છું, એટલે જે કોઈ આ વાંચે તે પોતાના શરીરના અર્પણથી અંકિત બને તેમ પ્રાથું. મારું મન નિશ્ચલ અને સ્વસ્થ રાખવાના પ્રયત્નોમાં હું ઠીક ઠીક સફળતા હાંસલ કરી શક્યો છું. મારા મનની નિર્મળતાને મેં હંમેશાં આકરી કસોટી ઉપર ચડાવેલ છે. એવી કસોટીઓ જોખમી હોય છે અને ગંભીર પરિણામો લાવનારી પણ હોય છે. મને આનંદ સંતોષ છે કે મારા મનની નિર્મળતાનું અને સ્વાસ્થ્યનું ત્રાજવું મેં કદી ગુમાવ્યું નથી.

હું નહીં હોઉં ત્યારે મારી પાછળ કુટુંબકબીલો કેટલો અને કેવા સ્વરૂપમાં હશે તેની ખબર નથી. પણ જે હશે તેને મેં જીવનની જે તાલીમ આપી છે તે તાલીમ પોતપોતાનું જીવન ઊજળું, તેજસ્વી અને પ્રામાણિક બનાવવામાં ખપ લાગવાની છે તેવી લાગણી હું અનુભવી રહ્યો છું. કેળવણીને મેં મારો જીવનધર્મ ગણ્યો છે. બાળક માત્રને મારું સર્વસ્વ આપવાના મેં મનોરથ સેવ્યા. હું તેમાં ઠીક ઠીક સફળ થયો છું તેમ માનું છું.

પ્રેમધર્મને મેં માનવીનો સર્વોત્તમ ધર્મ ગણ્યો છે. મારે કોઈ દુશ્મન નથી, કારણ કે સૌ કોઈને મેં પ્રેમનજરથી નિહાળ્યા છે. શિક્ષક તરીકેની મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મેં એકમાત્ર પ્રેમતત્વની જ ઉપાસના કરી છે. મંહ પ્રેમ આપ્યો છે અને મને પ્રેમ મળ્યો છે. મારા વિદ્યાર્થીઓ સાથે, સહકાર્યકર્તાઓ સાથે, મિત્રો સાથે, ટૂંકમાં, પ્રાણીમાત્ર સાથે મેં જીગરથી પ્રેમ કર્યો છે. બદલામાં મને નિર્ભેળ પ્રેમ મળ્યો છે. મારા પરિચયમાં આવેલા સૌ કોઈ – પછી તે કુટુંબીજનો હોય, મિત્રો હોય, સહકાર્યકરો હોય કે પ્રશંસકો-શુભેચ્છકો-નિંદકો હોય – તે સૌ નિર્ભેળ પ્રેમનું રાજ્ય સ્વીકારો. પ્રેમના એ ઝરણામાં નહાવાથી જીવનમુક્તિ છે તેવો દાવો હું કરી શકું છું. આ દાવો જીવનભરના પ્રયોગો અને અનુભવોમાંથી મેં પ્રાપ્ત કર્યો છે.

કોઈને ધન લલચાવે નહીં, કોઈનું ચંચળ મન આડે માર્ગે વળે નહીં, કોઈ માનસિક સ્વાસ્થ્ય ગુમાવે નહીં તે મારી હંમેશની અભિલાષાઓ છે. સૌનું કલ્યાણ થાઓ..’

-હરભાઈ ત્રિવેદી

કેવું ભવ્ય અને પ્રેરક વસિયતનામું છે !! આજે પણ ‘ઘરશાળા’ સંસ્થા અને ‘ઘરશાળા’ સામાયિક દ્વારા તેઓ જીવંત છે. આવા ઋષિકુળના હરભાઈને લાખો પ્રણામ. આવા સમર્થ કેળવણીકારને શત શત વંદન.

(રીડગુજરાતી પરથી સાભાર)
Posted in vyakti-parichay | 1 ટીકા

રોટલી અને મીઠું ખાઈને મુંબઈ કૉલેજમાં ભણ્યા નાનાભાઈ ! (ભાગ – ૩)

જુગલકિશોર

મુંબઈમાં એક ઓળખીતા ને પુરા સજ્જન એવા એક શેઠે નાનાભાઈને પોતાને ઘેર જમવાની ગોઠવણ કરેલી. વીદ્યાર્થી અવસ્થામાં આવી રીતે ભોજનની વ્યવસ્થા ગોઠવાય તે એ જમાનામાં સામાન્ય ગણાતું.

પણ એક દીવસ શેઠાણીએ રસોઈ કરનાર મહારાજને ઠપકો આપ્યો કે મહારાજ, તમે આટલું બધું શાક પીરસી ના દેશો, પછી શેઠ માટે વધતું નથી !! નાનાભાઈએ આ સાંભળીને સંકલ્પ કર્યો અને બીજે જ દીવસથી રોટલીની સાથે ભાણામાં લીધેલા મીઠાની કાંકરી લઈને રહ્યા ત્યાં સુધી એમ જ ચલાવ્યું. રોટલીને મીઠા સીવાય કશું ન જમનારા આ જ નાનાભાઈ આગળ ઉપર ભાવનગરમાં હતા ત્યારે આ જ શેઠ-શેઠાણીના કોઈ સંતાનને ખાનગી ટ્યુશન લઈ ભણાવતા હતા. વરસ પુરુ થતાં શેઠાણીએ એ જમાનામાં બહુ મોટી રકમ ગણાય એટલા, 150 રુ. ટ્યુશન ફીના ગણીને નાનાભાઈને આપ્યા ત્યારે નાનાભાઈએ ખુબ ખેંચ રહેતી તોય એમ કહીને એવડી મોટી રકમ પાછી વાળી કે આપનો ઉપકાર મારા પર ઘણો છે અને હું એ બદલો ક્યારેય વાળી શકીશ નહીં. શેઠાણીએ શેઠને બોલાવ્યા અને નાનાભાઈને કહ્યું કે અમે તમને ઘણી તકલીફો આપી હતી. એમણે એટલો જ જવાબ આપીને પૈસા ન લીધા કે હું તે તમારા ઉપકારો
યાદ રાખું કે આવી બધી વાતો ?!

હંમેશાં પહેલા વર્ગમાં પાસ !

કૉલેજનો અભ્યાસ શરુ કર્યાના કાળથી માંડીને તેઓ બી.એ; એસ.ટી.સી. તથા એમ.એ. થઈને શામળદાસ કૉલેજમાં આસીસ્ટંટ પ્રોફેસરની જગ્યાએ નીમાયા. બી.એ.માં પહેલા વર્ગમાં આવ્યા.એસ.ટી.સી.માં પણ પહેલા વર્ગમાં આવ્યા એટલું જ નહીં પણ એમ.એ.નો બે વરસનો અભ્યાસક્રમ એક જ વરસમાં પુરો કર્યો !

સાધક-બાધક પરીબળો

આ સમયમાં કેટલાક સાધક અને બાધકપરીબળો તેમના ગુરુ બન્યાં. ભયંકર ગણાય એવા શારીરીક વ્યાધીઓ, ગરીબાઈ,કૌટુંબીક આપત્તીઓ, તેમનાં બહુ જ વહાલાં મોટીબા ચંદુબાનું અવસાન, તેમની વહાલસોઈ અને પાંગરતા પ્રેમના ફુલ સમી પત્ની શીવબાઈનું કૉલેરામાં અવસાન, અત્યંત પવીત્ર અને ધર્મ પરાયણ પીતાનું અવસાન–એ બધાં બાધક તત્ત્વો હતાં.

તો બીજી બાજુ, તે કાળે તેમનામાં રહેલી તીવ્ર ધર્મજીજ્ઞાસાને સંતોષે એવા સંતોનો સત્સંગ, અંગ્રેજી અને સંસ્કૃત સાહીત્યનો તલસ્પર્શી અભ્યાસ, ભાવનગરના મહારાજા ભાવસીંહજીના એ વખતના ખાનગી શીક્ષક પ્રભાશંકર પટ્ટણીનો પરીચય અને તેમાંથી જામેલા મૈત્રીસંબંધો, ને સૌથી વીશેષ તો બીલખા આનંદાશ્રમના મહાત્મા શ્રીમન્નથુરામનો શીષ્યસંબંધ ને તેના જ ફળસ્વરુપ હરગોવીંદદાસ પંડ્યા (મોટાભાઈ)સાથેની જીવનભરની મૈત્રી એ બધાં પરીબળો સાધક હતાં….નાનાભાઈએ આ બંને પ્રકારનાં પરીબળોમાંથી ભાવીજીવનકર્તવ્યનું, મુલ્યનીષ્ઠાનું અને જીવનકાર્યની પસંદગીનું અમોલ ભાથું મેળવ્યું હતું.

ગરીબાઈ સામે અંત:સત્ત્વની ખુમારી

ગરીબાઈ તે સમયે કોઈને પણ બાધક નહોતી. એમાંય ખાસ કરીને બ્રાહ્મણધર્મ સાથે તો તે અભીન્ન રીતે જોડાયલી હતી. પણ ગરીબાઈ સાથે ખુમારી રાખવા માટે અંત:સત્વનું બળ જોઈએ, જે નાનાભાઈમાં પુરેપુરું વીકસેલું હતું.

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

અંત:સત્ત્વથી છલોછલ વ્યક્તીત્ત્વ : નાનાભાઈ (ભાગ – ૨)

જુગલકિશોર

ઓગણીસમી સદીની અધવચ્ચે લગભગ આપણું ગુજરાત કલેવર બદલવા લાગ્યું હતું. અર્વાચીન ગુજરાત માટેનું કાઠું બંધાવા લાગ્યું હતું. પ્રજાના જીવનમાં દરેક બાબતે નવા પ્રાણ ફુંકાવા લાગ્યા હતા.વીસમી સદી જેવી શરુ થઈ કે તરત જ આ બધામાં વેગ આવી ગયો હતો ને એમ અર્વાચીન ગુજરાતની શરુઆત થઈ ગઈ હતી.આ લગભગ એક આખી સદીનો ઈતીહાસ પ્રેરણાદાયી છે.

પણ આ બધું કાંઈ એમને એમ થતું નથી. કેવળ કાળબળથી થતાં પરીવર્તનોમાં નવો પ્રાણ ને તાકાત  પુરાય છે તે તો જે તે જમાનામાં અવતાર લેતા અને અંદરની તાકાતથી છલોછલ ભરેલા એવા કેટલાક જ્યોતીર્ધરોના જીવનભરના પુરુષાર્થથી થાય છે.

એક ઉજ્જ્વલ મોતી :
આવા કેટલાક માનવીઓમાંના એક માનવીનું નામ નાનાભાઈ ભટ્ટ છે. 1882માં એમનો જન્મ. એટલે કે આજથી બરાબર સવાસો વરસ પહેલાં ! બ્રાહ્મણોની એક સાવ નાની શાખા પ્રશ્નોરા જ્ઞાતીમાં પૈસેટકે નાના ગણાય એવા કુટુંબમાં તેઓ જન્મ્યા. આ જ્ઞાતી એકંદરે ગરીબ કહેવાય પણ ભણવું ભણાવવું, આયુર્વેદની જાણકારી અને એ કળામાં નીપુણતા; કાવ્યશાસ્ત્રવીનોદ તો એમના સ્વભાવમાં અને ભાગવત-પારાયણ, કથાવાર્તા દ્વારા જીવનનીર્વાહ કરવાની પરંપરા. નાનાભાઈના કુટુંબમાં પણ આ પરંપરા ચાર-પાંચ પેઢીઓથી ચાલી આવે…

સંસ્કાર અને સંકલ્પબળ :
નાનાભાઈનું બાળપણ સામાન્ય ગરીબ કુટુંબના બાળક જેવું જ. નાનીમોટી ચોરી, તોફાન,મોટીબાના લાડ-બધું જ હતું. પણ યુવાવસ્થામાં આવતાં જ ચારેબાજુથી જાતજાતના સંઘર્ષો એમને ઘેરી વળેલા.

ચૌદેક વરસની ઉંમરે લગ્ન થઈ ગયાં.એક બાજુ બધી વાતે પુરા એવા દોસ્તો અને બીજી બાજુ નીર્મળ અને અભીજાત સંસ્કારોવાળી પત્ની શીવબાઈ. ત્રીજીબાજુથી  અભ્યાસ માટેની આર્થીક પ્રતીકુળતા અને તે છતાં આગળ ખુબ ભણવાની તાલાવેલી. આમ, યુવાનીને સારો કે માઠો ઘાટ ઘડવા માટે બધા સંજોગો હતા. સાધારણ માણસ હોય તો માઠા ઘાટનો ઘડાઈ જતાં વાર લાગે નૈં ! પણ આ તો હતા નાનાભાઈ. હાડમાં પડેલા સંસ્કારો અને એમનું સંકલ્પબળ મદદે આવ્યા વીના રહે કાંઈ ?!

નવવધુ શીવબાઈના આવતાંક ને બધા જ ભાઈબંધોની ટોળકી છોડી દીધી. વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ મેળવવાની તૈયારી રુપે સારા માર્ક્સ લાવવા કમર કસી અને એટલા બધા માર્ક્સ લાવ્યા કે કૉલેજના અભ્યાસ માટેના માર્ગો મોકળા થઈ ગયા !!

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

જીવનશીલ્પી નાનાભાઈ ભટ્ટ (ભાગ – ૧)

જુગલકિશોર

નાનાભાઈ ભટ્ટ નો ટૂંકો પરિચય

nanabhaibhattપૂરું નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

જન્મ: ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં

અભ્યાસ: વેદાંત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ., પછી એસ.ટી.સી

અવસાન: ૩૧ ડિસેમ્બર ૧૯૬૧

જીવન ઝરમર

  • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
  • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
  • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના
  • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
  • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
  • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
  • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
  • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
  • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
  • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
  • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

  • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
  • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
  • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
  • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
  • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
  • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
  • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
  • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં

સન્માન : 1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

(ગુજરાતી પ્રતિભા પરિચય પરથી)

કેળવણીક્ષેત્રના મહામાનવ : નાનાભાઈ

ગુજરાત ભાગ્યશાળી છે એનાં પનોતાં પુત્ર-પુત્રીઓથી. આપણા જીવનના દરેક ક્ષેત્રે આપણને આવા વંદનીય માનવો સાંપડ્યાં છે. કેળવણીક્ષેત્ર એમાં શી રીતે બાકાત રહી શકે ?

કેળવણી અંગે ઘણી વાર ચર્ચામાં કે નીર્ણય વખતે ગાંધીજીએ પણ નાનાભાઈનો મત માન્ય રાખ્યાની વાત જાણીતી છે.

આ વર્ષ નાનાભાઈ(નૃસીંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ )નું 125મું વર્ષ છે. તેમણે ગુજરાત દ્વારા ભારતને આપેલો કેળવણીનો નવો જ પ્રયોગ આપણાં સૌનું સદ્ભાગ્ય છે. આજે કેળવણી શબ્દ જ જાણે કે લોપ થઈ રહ્યાના ચારેકોર અનુભવો થાય છે અને શીક્ષણ કદાચ હેતુ વગરનું બનતું જાય છે ત્યારે નાનાભાઈને યાદ કરવા જરુરી બની રહે છે.

પણ આ મહામાનવની કેળવણી અંગેની વાતો કરીએ તે પહેલાં એમના જીવનમાં ડોકીયું કરશું તો ખ્યાલ આવશે કે તેઓ ફક્ત કેળવણીક્ષેત્રના જ નહીં, પરંતુ જીવન સમગ્રના નકશીકાર હતા. એમણે છાત્રાલયને કેળવણીમાં અનીવાર્ય ગણીને એક બહુ જ મોટી વાત જીવનઘડતરના સંદર્ભે કરી છે એટલું જ નહીં પણ અમલમાં મુકી બતાવી છે.

આપણે અહીં કેળવણીની ગંભીર વાતો કરવી નથી. અહીં તો નાનાભાઈના જીવનની એવી વાતો કરવી છે જે વાંચીને આપણને થશે કે શું આવું અદ્ભુત જીવન પણ હોઈ શકે છે ?! તેમના જ એક શીષ્ય અને સહકાર્યકર, આપણા જાણીતા કેળવણીકાર,સાહીત્યકાર, અનુવાદક અને અનેક સાહસકથાઓ આપનાર મુળશંકર મો.ભટ્ટ દ્વારા લખાએલી પુસ્તીકાને આધારે અને અન્ય સાહીત્યમાંથી લઈને એકપછી એક પ્રસંગો અહીં આપવાનો ઉપક્રમ છે. આશા છે આ કાર્ય ફળશે.

નાનાભાઈ અંગે પુજ્ય રવીશંકર મહારાજ :
“નાનાભાઈ એક સાચા સત્કર્મી બ્રાહ્મણ છે.તેમણે જ્ઞાન મેળવ્યું અને આપ્યું એ બધાને લીધે જ તેઓ ગુરુ થયા. ગુરુ એટલે ભારે અને વજનદાર. વજનદાર ચીજને જલદી ઉડાડી ન શકાય. નાનાભાઈ અને તેમના સત્કર્મને કાળ ઉડાડી નહીં શકે.”

 

Posted in vyakti-parichay | Tagged | 2 ટિપ્પણીઓ