વિશ્વ માતૃભાષા દિવસે ‘શિક્ષણ’ અને ‘માધ્યમ’નો વિચાર…..

માતૃભાષા મરે કે જીવે એની ચિંતા કરવાવાળા જાણે કે ઘટતા જાય છે.

શિક્ષણનું માધ્યમ હવે ગામડાંઓમાં પણ અંગ્રેજી થવા લાગ્યું હોઈ ગુજરાતી ભાષા વિષય તરીકે જાણે કે અપર મા બની રહી જણાય છે. અંગ્રેજીને સાચી ને સગ્ગી માનું સ્થાન મળી રહ્યું હોઈ “માતૃભાષા” એ શબ્દ પોતાનું સ્થાન અને માન ગુમાવી રહ્યો લાગે છે.

જેવું માધ્યમનું એવું જ હવે શિક્ષણપદ્ધતિનું બનવા જઈ રહ્યું છે.

 • મેદાનો વિનાની શાળાઓએ વિદ્યાર્થીઓને રમતગમતમાંથી મુક્તિ આપી દીધી છે ને ચાર દીવાલોની કેદ ઊભી કરી દીધી છે;
 • મોંઘા ગણવેશમાં “શોભતાં” બાળકો હવે પતંગિયાંની જેમ ઉડતાં હોવાને બદલે કવાયત કરતા સિપાહીઓ જેવાં વધુ લાગી રહ્યાં છે;
 • મૂળ પાઠને બદલે પોતાના મળતિયાઓ દ્વારા પ્રગટ થતી ગાઇડોના જ આધારે અભ્યાસક્રમો ભણાવાય છે ને પરીક્ષા લેવાય છે;
 • સહન ન થાય તેટલા વજનનાં દફ્તરોથી વાંકાં વળી જતાં બાળકોની દયા ખાવાને બદલે વાલીઓ ધન્યતા અનુભવતાં થયાં છે;
 • દિવસ આખો હોમવર્કમાંથી ઊંચાં ન આવતાં બાળકો ‘ઘર’ અને ‘શેરી’નો સંપર્ક ગુમાવી રહ્યાં છે;
 • ટ્યૂશનો હવે શાળાનો વિકલ્પ બની ચૂક્યાં છે;
 • ટ્યૂશનક્લાસના ‘નવા શિક્ષકો’ ગુરુપદ ભોગવવાને બદલે રેડીમેઇડ જવાબો ગોખાવી દેનારાં ગાઇડ–મશીનો જણાય છે;
 • ‘યેન કેન પ્રકારે’ પાસ થઈને, શક્ય તેટલા વધુ માર્ક્સ લાવીને આગળ પ્રવેશ મેળવવા માટેના “ગમે તેવા” રસ્તા શોધાતા રહે છે;
 • આદર્શ છાત્રાલયો હવે ભૂતકાલીન બાબત બની ગઈ છે. જે છે તેમાં સામાજિક કરતાં અસામાજિક સંસ્કારોની લહાણી થતી રહે છે;
 • શિક્ષણસંસ્થાઓનું સંચાલન હવે શિક્ષણના માણસો પાસે લગભગ રહ્યું નથી. આ ક્ષેત્રનો સમાવેશ હવે વ્યાપારક્ષેત્રમાં થાય છે;
 • શિક્ષણ લીધા પછી શું ? આ સવાલ, સવાલ જ બની રહ્યો છે – કોઈ પણ સંતોષકારક જવાબ વગરનો.
 • બેકારી એ આજના યુવાનોનો સળગતો સવાલ હોવા છતાં ફિલ્મો વગેરે ચોકલેટો એને સળગતા સવાલોથી દૂર રાખે છે;
 • કુટુંબ અને સમાજ નહીં પણ મોજશોખ અને ક્ષણિક સુખો પક્ષીની આંખ બની રહ્યાં છે;

આ અને આવું બધું સમજાય છે ખરું પણ એને માટે શું શું કરી શકાય ?

આ બધા સવાલોના જવાબ આપણે સામાન્ય માણસો આપી શકીએ ખરા ? એને અંગે કશું સંશોધન કરવામાં આપણા વિચારો કાંઈ કામ લાગે ખરા ? તે વિચારો કામના હોય તો પણ તેનાથી કશાં પરિણામોની આશા રાખી શકાશે ખરી ?

આવો, આપણે સૌ સાથે મળીને આજના આ માતૃભાષા દિવસના સપરમા દિવસે શિક્ષણની પણ ચિંતાને સામૂહિક બાબત બનાવીએ. ‘સંનિષ્ઠ કેળવણી’ https://shikshandarshan.wordpress.com/નામક આ નવા શરૂ થયેલા માધ્યમ પર આપ સૌના વિચારો, સૂચનો, લેખો–કાવ્યો–વારતાઓ–અહેવાલો–સમાચારોને પ્રગટ કરીએ –

ને એ રીતે માતૃભાષા અને શિક્ષણની બાબતને ચિંતાની નહીં પણ પરમ સંતોષની બાબત બનવા તરફ પ્રયાણ કરીએ.

 

Advertisements

ચિત્રકુટ એવોર્ડ

શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા માટે દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકુટ એવોર્ડથી સન્માનવામાં આવે છે.આ વર્ષે સમગ્ર રાજ્યના આશરે બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરાયેલ 11 પ્રતિભાવાન પ્રા. શિક્ષકોને મહુવાના તલગાજરડા ગામ ખાતે મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ વડે નવાજવામાં આવ્યા.

એવોર્ડ મેળવનાર શિક્ષકો માં, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નિલેષકુમાર બાબુભાઇ પટેલ (ખાંભડા પ્રા. શાળા), ભરૂચના વાલીયા તાલુકાના અજયસિંહ ભુપતસિંહ મહિડા (બાંડાબેડા પ્રા. શાળા), વડોદરાના વાઘોડિયાના પ્રિતીકાબેન અરવિંદભાઇ જયસ્વાલ (લીમડા પ્રા. શાળા), અરવલ્લીના ભિલોડા તા.ના ઉર્વશીબેન મનુભાઇ ભગોરા (મઉટાંડા પ્રા. શાળા), જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રાજેશકુમાર ગંગાદાસભાઇ બરોચિયા (ધોરિયાનેસ પ્રા. શાળા) ભાવનગર જિલ્લાના વલભીપુર  તાલુકાના વિનોદસિંહ જોરાવરસિંહ  ચૌહાણ (નવાણીયા પ્રા. શાળા), અમરેલીના કુકાવાવ તાલુકાના ભાવનાબેન જયંતીલાલ ગજેરા (અનિડા પ્રા. શાળા), અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકાના વાસુદેવભાઇ કાંતિલાલ પટેલ (સોલા ભાગવત વિદ્યાપીઠ નગર પંચાયત પ્રા. શાળા), અમરેલી અર્ચનાબેન પ્રદ્યુમનભાઇ ભટ્ટ (નગર પ્રા. માણેકપરા શાળા), અને કચ્છના અંજારના રઘુભાઇ ભીમાભાઇ વસોયા (નગર પ્રાથમિક શાળા નં. 16)નો સમાવેશ થાય છે.
સંનિષ્ઠ કેળવણી પરિવાર દ્વારા સર્વે શિક્ષક મિત્રોને ખુબ – ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.

– સંપાદકો

વાચકોને પ્રથમ પત્ર

સુજ્ઞજનો !

શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને શાપરૂપ ગણાયું છે.

વર્ધા સંમેલનમાં ગાંધીજીના સાંનિધ્યે જે વિસ્તૃત અને ઉંડાણથી ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તેને આપણે નઈતાલીમના નામે ઓળખતાં આવ્યાં છીએ. ગુજરાતમાં આ નઈતાલીમના પ્રયોગો ખૂબ સારા પ્રમાણમાં સફળ થયા છે.આજે પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે.હજારોની સંખ્યામાં વ્યક્તિઓ તે તાલીમનો લાભ લઈને પોતાની જીવનીને સાર્થક કરી શકી છે.

વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો પણ નઈતાલીમના જ મહદ્ અંશોને જગતે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યા છે. ને તોયે તેના અમલીકરણની ઓછપને લીધે આજના શિક્ષણના અનેક સવાલો સમગ્ર જગતને મૂંઝવી રહ્યા છે……ને હવે શિક્ષણની કોઈ ચમત્કારિક પ્રણાલીની જાણે કે રાહ છે !!

સમાજના, જીવન સમસ્તના, લગભગ બધા જ સવાલોનો ઉકેલ જેમાં રહ્યો છે તે શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.

આવે સમયે સમાજનાં સૌ કોઈએ યથા શક્તિ, યથા મતિ પ્રયત્નશીલ થવું પડશે એવું સસંકોચ, પણ કહ્યા વગર રહી શકાતું નથી. પરંતુ અન્યોને કહેવાની પહેલાં જાતે આગળ આવવું તે જરૂરી ગણાય ! ને તેથી આ એક નવલો, ને ઘણે અંશે અઘરો પ્રયત્ન અમે આજથી શરૂ કરી રહ્યા છીએ.

જીવન સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલા શિક્ષણના આ પ્રયોગને,અમારા વાચકો આવકારે અને ફક્ત વાચકરૂપે જ નહીં બલકે ‘સંનિષ્ઠ કેળવણી’માં રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીએ છીએ.

– સંપાદકો