વંદનીય વિદ્યાપુરુષઃ કનુભાઈ જાની

– શ્રી નીતિન વડગામા

kanubhaijaniખાદીનાં વસ્ત્રોથી સોહતો બેઠી દડીનો દેહ, આયખાના આઠ દસકા વિતાવ્યા છતાં યે ચહેરા પર તાજા ગુલાબ જેવી તાજગી, આંખોમાં મ્હોરતી બાળસહજ મુગ્ધતા, વિચારની સમૃદ્ધિ અને વાણીની બુલંદી તેમજ વ્યક્તિત્વમાંથી નીખરતું તપનું તેજ – એ બધાંનું મૂર્તરૂપ એટલે કનુભાઈ જાની.

 

એક સંનિષ્ઠ શિક્ષક તથા ઝીણું જોનારા વિવેચક–સંશોધક તરીકે કનુભાઈ જાની જાણીતા છે. કોડીનાર ખાતે તા. , , ૧૯૨૫માં તેમનો જન્મ. એમણે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનો અભ્યાસ વીરમગામમાં કર્યો. ૧૯૪૩માં તેઓ મેટ્રીક થયા અને ૧૯૪૭માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયોમાં પ્રથમ વર્ગ સાથે બી.. થયા. એ જ વિષયોમાં એમણે ૧૯૪૯માં એમ..ની પદવી પ્રાપ્ત કરી. થોડો સમય સનદી સેવાઓ કર્યા બાદ તેઓ અધ્યાપનકાર્ય સાથે જોડાયા. ૧૯૫૦થી ૧૯૬૬ દરમિયાન એમણે રાજકોટ, જામનગર અને ભુજની સરકારી કોલેજોમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૬૬થી ૧૯૮૫ના સમયગાળામાં ગુજરાત વિદ્યાપીઠના રીડર, ઉપાચાર્ય અને વિભાગીય અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને ૧૯૮૫માં નિવૃત્ત થયા. ૧૯૯૧થી ૧૯૯૪નાં ત્રણેક વર્ષ કનુભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નેહરુ ચૅરના માનદ્ નિયામક તરીકે પણ સેવાઓ આપી હતી.

 

સહજતા એ કનુભાઈ જાનીનો સ્થાયીભાવ. વિદ્વાન ખરા, પણ એમનામાં વિદ્વત્તાનો ચપટીકેય ભાર ન વરતાય. સ્વાવલંબી પણ એવા જ. પોતાનું કામ પોતે જ કરવાનો એમનો આગ્રહ. નમ્રતા પૂરેપૂરી, પણ ખુમારીયે એટલીજ. મૂલ્યો સાથે બાંધછોડ કરવાની એમની વૃત્તિ કે પ્રકૃતિ જ નહીં. મૂલ્યો સાથે સમાધાન કરવાથી લાભ મળતા હોય તો લાભને જતા કરીને પણ મૂલ્યોનું જતન કરવામાં જ એ માને.

 

વિદ્યાવ્યાસંગ એ જ કનુભાઈ જાનીનું એકમાત્ર વ્યસન. વિદ્યાના વ્રતધારી કનુભાઈ પાસેથી વિદ્યાક્ષેત્રે નિવૃત્ત અને પ્રવૃત્ત સૌ કોઈએ ધડો લેવા જેવો છે. પ્રમાદને ફરકવા દીધા વિના સતત શબ્દસાધના કરવી એ એમનું જીવનવ્રત છે. અને એટલે આયુષ્યના નવમા દાયકામાં પ્રવેશ્યા પછી યે આજે પણ, એમની વાચન–લેખનની પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે.

 

કનુભાઈ જાનીએ ‘ઉપમન્યુ’ને નામે કાવ્યો અને ચરિત્રો લખ્યાં છે તથા એમનું કેટલુંક હળવું સાહિત્ય ‘માધવ ગોર’ને નામે પણ પ્રગટ થયું છે. પરંતુ એમનું વિશેષ નોંધપાત્ર પ્રદાન સંશોધન અને વિવેચનક્ષેત્રે રહ્યું છે.

 

શબ્દનિમિત્ત’ કનુભાઈનો વિવેચન સંગ્રહ છે. જેમાં એમના અધ્યયનના પરિપાકરૂપ અગિયાર અભ્યાસ લેખો સમાવિષ્ટ છે. આ સંગ્રહના સ્વાધ્યાયમૂલક લેખોમાંથી એમની સૂક્ષ્મ અને સ્વસ્થ વિવેચન દૃષ્ટિનો પરિચય થઈ આવે છે.

 

લોકવિદ્યા–લોકવાંગ્મય અને ઝવેરચંદ મેઘાણી એ કનુભાઈ જાનીની અભ્યાસપ્રવૃત્તિના બે મુખ્ય પ્રદેશો છે. લોકસાહિત્યના અભ્યાસી તરીકેની કનુભાઈની આગવી ઓળખ છે. એમના ‘લોકવાંગ્મય’ પુસ્તકમાંથી એ બાબતની પ્રતીતિ થઈ શકે છે. ‘લોકસાહિત્ય’ શબ્દ બુદ્ધિભેદ ઊભો કરતો જણાતાં એને માટે ‘લોકવાંગ્મય’ શબ્દ યોજવાનું પસંદ કરે છે અને લોકવાંગ્મયની મુખ્ય મુખ્ય વિચારધારાઓ, લક્ષણો વગેરે ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડે છે.

 

મેઘાણી પ્રત્યે પણ કનુભાઈને પારાવાર પ્રેમ અને પક્ષપાત છે. પરિણામે આજ સુધી તેઓ મેઘાણી સાહિત્યનું સતત સેવન કરતા રહ્યા છે અને એમાંથી મેઘાણીના ઊંડા અને અધિકૃત અભ્યાસી તરીકેની એમની છબી ઊપસી આવી છે. એમનાં ‘ઝવેરચંદ મેઘાણી’ વિશેના લઘુગ્રંથ, ‘મેઘાણી છબિ’ અને ‘મેઘાણી ચરિત’ એ પુસ્તકોમાંથી એમણે કરેલા મેઘાણીના વ્યક્તિત્વ અને સર્જન–સંશોધન–સંપાદન વિશેના સ્વાધ્યાયનો સંતર્પક પરિચય મળે છે. આ ઉપરાંત ‘શબ્દનો સોદાગર’ તથા ‘મેઘાણી શતાબ્દી–વંદના બોટાદને આંગણે’ મેઘાણી વિષયક લેખોનાં એમણે કરેલાં નોંધપાત્ર સંપાદનો છે. મેઘાણીના અભ્યાસી કનુભાઈના અવાજમાં પણ મેઘાણીની યાદ અપાવે એવી બુલંદી છે. લોકગીત અને મેઘાણીની કવિતાની વાત કરતાં કરતાં કનુભાઈ ગળું મોકળું મૂકીને ગાઈ જાણે છે.

 

કનુભાઈએ મુનિશ્રી રત્નપ્રભવિજયજી સાથે, અંગ્રેજીમાં ‘સ્થવિરાવલિ’નું પાઠસંપાદન કર્યું છે. વિનોદ અધ્વર્યુ સાથે, નવલકથાના સ્વરૂપ – વિકાસની સમીક્ષા કરતું પુસ્તક ‘માયાલોક’ લખ્યું છે. ‘ચાર ફાગુ’ તથા ‘સા વિદ્યા યા ’ એમનાં સંપાદનો છે. તાજેતરમાં એમણે ‘દુર્ગારામ–ચરિત’ પરિચય પુસ્તિકા આપી છે અને એમનું ઘણુ બધું સાહિત્ય હજુ અગ્રંથસ્થ છે.

 

કનુભાઈ જાનીને પદ કે પ્રતિષ્ઠાની સહેજ પણ સ્પૃહા નહીં. એ તો નિજમાં નિમગ્ન બનીને કેવળ નિજાનંદ ખાતર શબ્દકર્મ કરે. એમ છતાંય એમના પ્રદાનની સહજ રીતે નોંધ લેવાતી રહી છે. ૧૯૭૦માં તેઓ વિદેશીઓને ગુજરાતીનું ભાષા–શિક્ષણ આપવા માટે અમેરિકા ગયેલા અને એ માટેની વિશિષ્ટ સેવા બદલ અમેરિકાની બ્રેટલબરો સંસ્થા તરફથી એમને મેરિટ એવોર્ડ મળેલો. આ ઉપરાંત ‘કસુંબ રંગ’ લેખમાળા માટે ૧૯૭૩નો કુમારચંદ્રક પણ એમને પ્રાપ્ત થયેલો. આજે પૂજ્ય મોરારિબાપુ પ્રેરિત ‘કાગ એવોર્ડ’થી એમની પ્રતિભાને ઉચિત રીતે પોંખવામાં આવનાર છે. આ રૂડા અવસરે વંદનીય વિદ્યાપુરુષ કનુભાઈ જાનીને ભાવપૂર્વક વંદના.

(એમને કાગ એવૉર્ડઅર્પણ થયો તે નિમિત્તે ‘ફૂલછાબ’ તા.૨૮, , ૨૦૦૯માં પ્રકાશિત લેખ.)

 

Posted in vyakti-parichay | Tagged | 3 ટિપ્પણીઓ

ગંગાજળા વિદ્યાપીઠના સર્જક આદરણીય ડોલરકાકા

જુગલકીશોર


શ્રી ડોલરરાય માંકડ નો ટૂંકો પરિચય

dolarkaka

પૂરું નામ: માંકડ ડોલરરાય રંગીલદાસ

જન્મ: ૨૩-૧-૧૯૦૨ – કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં

અભ્યાસ: વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય.

મહત્વના કર્યો: ૧૯૨૭ થી ૧૯૪૭ સુધી ડી.જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩ થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલાં દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦ થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ની સ્થાપનામાં પ્રેરક.

અવસાન: ૨૯-૮-૧૯૭૦

(વિકિપીડિયા પરથી)

 

ગુજરાતને જે કેટલાક ઉત્તમ શીક્ષકો મળ્યા છે તેમાંના એકનું નામ ‘આદરણીય’ વીશેષણ સીવાય ન લઈ શકાય એવું છે. સૌરાષ્ટ્રના જામનગર પાસેના અલિયાબાડામાં ગંગાજળા વીદ્યાપીઠના સ્થાપક શ્રી ડોલરરાય માંકડ ગુજરાતના શીક્ષણજગતનું બહુ ઉંચેરું ને મહામુલું નામ છે.

એમની સંસ્થામાં વર્ષો સુધી સેવા આપીને નીવૃત્ત થયેલા એક કાર્યકર, લોકભારતીના અમારાથી બહુ સીનીયર વીદ્યાર્થી અને સંબંધે મારા માનનીય કાકા શ્રી કનુભાઈ વ્યાસ પાસે ‘ડોલરકાકા’નું સીમાચીહ્નરુપ એક પુસ્તક ‘નૈવૈદ્ય’ મેળવી આપવાની વીનંતી મેં કરેલી. આ પુસ્તક માટે મને આપણા શ્રી દીપકભાઈ ધોળકિયાએ ખાસ આગ્રહ કરેલો. કનુકાકાએ પોતાની સંસ્થામાંથી આ પુસ્તક મને મોકલવા માટે કાર્યવાહી કરી તો સંસ્થાના વડીલ બહેનશ્રી મુ. રૂપલબહેન માંકડ દ્વારા મને એકને બદલે ત્રણ કીંમતી પુસ્તકો ભેટ તરીકે મોકલી આપ્યાં. (ગંગાજળાએ મને એમના પવીત્ર જળનું આકંઠ પાન કરાવવા જ જાણે કે આ કૃપા કરી.) આવનારા સમયમાટેનું મોટું ભાથું મળી જતાં સમય સમય પર ડોલરકાકા અને એમના વીશાળ કાર્યફલકને સમજવાનો લાભ મળશે એનો અત્યંત આનંદ છે.

mangalyatra

એમના અવસાન બાદ પ્રગટ થયેલો સ્મૃતીગ્રંથ ‘મંગળયાત્રા’ વાંચવાની શરુઆત કરતાં જ એક પ્રસંગ વાંચવા મળ્યો તે એમના શીક્ષણકાર્ય અને વહીવટનો વીશીષ્ટ પરીચય આપનારો હોઈ અહીં પ્રગટ કરવા રજા લઉં છું.

શ્રી ભવાનીશંર વ્યાસ માંકડસાહેબના વીદ્યાર્થી અને પછીથી તેમના સાથી કાર્યકર–અધ્યાપક હતા. તેમણે સ્મૃતીગ્રંથમાં ‘नम: पुरस्तादथ पृष्ठस्ते’ નામક લેખમાં એક પ્રસંગ નોંધ્યો છે. તે તેમના જ શબ્દોમાં –

“એ મારા ગુરુ હતા, સખા હતા, સારથી હતા. ૧૯૩૩થી ૧૯૫૧ સુધીનો દીર્ઘ પંથ…..કરાંચીની દ.જે.સિંઘ કૉલેજમાં તેઓ મારા સંસ્કૃતના પ્રાધ્યાપક. ત્યાંનો અભ્યાસ પૂરો કરીને હું પૂના જઈને ‘સંસ્કૃત ઓનર્સ’ કરી આવીને એ જ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નીમાયેલો ને એ રીતે જેમનાં ચરણ પાસે બેસીને બે વર્ષ ભણેલો તેમને જ જાણે વિધાતા ગુરુદક્ષિણા અપાવતી હોય તેમ અધ્યાપનકાર્યના ભારને હળવો કરવાનું મારે માથે આવ્યું. હું ત્યારે ફક્ત બી.એ. ઓનર્સ જ હતો. છતાં ઓનર્સના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ મને સોંપ્યું અને પોતે (માંકડ સાહેબે) જનરલના વીદ્યાર્થીઓને ભણાવવાનું રાખ્યું. થોડા સમય પછી મુંબઈથી નિરિક્ષણ સમિતિ આવેલી. એમાંના એક તો સંસ્કૃતના વિદ્વાન હતા. તેમને કાર્ય વહેંચણીની આ વ્યવસ્થા જોઈને ગડમથલ થઈ ! એમ. એ. વિભાગના અધ્યક્ષ અને આઠનવ વરસના અનુભવી જનરલના વિદ્યાર્થીઓને ભણાવે અને માત્ર બી.એ. ઓનર્સ અને બીન અનુભવી અધ્યાપક ઓનર્સના વિદ્યાર્થીઓને ભણાવે તે વ્યવસ્થા એમને ચિંત્ય લાગી. એ વખતના આચાર્ય બુટાનીસાહેબનું તેમણે ધ્યાન દોર્યું. બુટાનીસાહેબ જેવા આચાર્યો તો યાસ્કના નિરુક્તમાં જ જોવા મળે. એમણે કહ્યું કે એ બાબતમાં હું કશું ન જાણું. મને મારા સહકાર્યકરોમાં પૂરો વિશ્વાસ છે. જે કાંઈ કર્યું હશે તે પૂરતી વિચારણા પછી જ કર્યું હશે. છતાંય જો ખુલાસો જોતો હશે તો બન્ને અધ્યાપકોને ચા પીવા બોલાવું ત્યારે આપ પૂછી શકશો.

“સાંજના ચા પીવા અમે બન્ને આચાર્યના નિવાસસ્થાને ગયા. ઘણી વાતો થઈ. છેવટે કામની વહેંચણીની વાત આવી. માંકડસાહેબે કહ્યું, ‘અધ્યાપનકાર્યમાં પદ, પ્રતિષ્ઠા કે પદવીનું એટલું મહત્ત્વ નથી જેટલું અધ્યાપકની પોતાના વિષયને ન્યાય કરવાની ક્ષમતાનું. ‘काव्यप्रकाश’ જનરલના વીદ્યાર્થીઓ માટે અને  ब्रह्मसूत्र–शांकरभाष्य’ અને ‘अर्थसंग्रह’ ઓનર્સના વિદ્યાર્થીઓ માટે નિયત થયાં, એ એકમાત્ર અકસ્માત છે. એમ ન હોત તો પણ કામની વહેંચણી આમ જ રહેત. અલંકાર મારો વિષય હોવાથી મેં લીધેલો અને વેદાન્ત અને પૂર્વમીમાંસા વ્યાસના વિષયો હોવાથી વ્યાસને આપેલા છે.’

dolarkaka-sanman

નૈવેદ્ય’નું સન્માન

naivedh

જવાબ સાંભળી કરમરકર સાહેબ બહુ પ્રભાવિત થયા. કહેઃ ‘માંકડ, આવા ઉપરીઓ મેં હજુ જોયા નથી. જે જોયા છે તેઓ તો પોતાના હાથ નીચેના માણસો પાસેથી કામ કઢાવી યશ પોતે ખાટી જનારા. તમારી સત્યનિષ્ઠા સાચે જ અભિનંદનીય છે.’

ઉપરનો દાખલો તો ઉદાહરણરુપે જ મુક્યો છે, બાકી ડોલરકાકાએ જીવનભર પોતાના સાથીઓ પાસેથી કામ લેવાનો નહીં પણ સામુહીક ધોરણે જ કામ કરવાનો ઉપક્રમ રાખેલો હતો. માંકડસાહેબના જીવન પ્રસંગો એકએકથી ચડીયાતા અને પ્રેરણાના સ્રોત સમા છે. આશા છે કે સમય સમય પર આપણે આ પુસ્તકોમાંથી શક્ય તેટલું દોહન કરીને પાન કરીશું…..આજે તો આ એક જ વાતથી સંતોષ લઈએ.

Posted in vyakti-parichay | Tagged , | 1 ટીકા

એક અદ્વીતીય શીક્ષણસંસ્થા (લોકભારતી)નો પરીચય

                      – જુગલકીશોર.

 લોકભારતી ક્યારેય સંસ્થાલાગી નથી. એ એક જીવંત શીક્ષણ હતી. આજે એક વીદ્યાર્થી તરીકે ઈ. સ. 1962થી ’65 સુધીના એ સમયખંડ દ્વારા જ્યારે પણ એને યાદ કરવાનું થાય છે ત્યારે એ કોઈ મકાનોથી રચાયેલી સંસ્થા જણાતી નથી. મેદાનો અને રસ્તાઓ એની સાથે જોડાયેલાં વૃક્ષોને લીધે ક્યારેય સપાટ અને નીર્જીવ લાગ્યાં નથી. ખેતરો સુકાં ભઠ્ઠ હોય છે ત્યારે પણ એમાંથી લેવાયેલા પાકોની હરીયાળી અને છેડે બેઠેલાં મોતીનું સુખ હજીય તાજું હોઈ ખેતરોનાં ઢેફાંય આંખને અળખામણાં રહ્યાં નથી.

સંસ્થાને તો મકાનો હોય છે. અમારે એ મકાનો નહોતાં પણ જાણે આંગણાં જ હતાં. ફળીયાં હતાં. બારીઓએ ક્યારેય અમને ઓરડાની અંદર પુરી રાખ્યાં નથી. છાત્રાલયોને દીવાલો હતી, સામાન મુકવાનાં કબાટો પુરતી. કબાટોને તાળાં નહોતાં એટલે એને કબાટ કહેતાંય જીવ ચાલે નહીં. એ ખાનાંને બારણાં હતાં તે તો અમારી અસ્તવ્યસ્તતાની સરખામણી બાજુવાળાની અસ્તવ્યસ્તતાની સાથે ન થઈ જાય એટલા માટે ! ને અસ્તવ્યસ્તતાનો પનારોય પડતો કોની સાથે ? ફક્ત બે-ત્રણ જોડી કપડાં; ઈસ્ત્રી જેણે જોઈ નથી ને ગળીનો વૈભવ જેણે ભોગવ્યો નથી એવાં કપડાં…!!

એ કબાટમાં પુસ્તકો ને નોટોય જગ્યા રોકતાં. બીજું કેટલુંક પરચુરણ, ને એવું બધું મળીને અમારાં કબાટ-ખાનાંઓમાં સાંકડમોકડ બધું રહેતું.

છાત્રાલયથી સંબોધાતું એટલા પુરતું એ મકાનહતું; બાકી સુવા-બેસવાની જેમ ભણવાનુંય એ જ સ્થાન હતું. વર્ગખંડો અલગ નહોતા. અલગ હોય તો એને ક્લાસ રુમકહેવા પડે ને પાછા ! રહેવાનું ને ભણવાનું એ બે કાંઈ અલગ કંપાર્ટમેન્ટ થોડાં હતાં ?! રહેવું અને ભણવું એ ક્રીયાપદોમાં જમવુંપણ ભળી જતું. છાત્રાલયોમાં રસોડાનો પણ સમાવેશ હતો ! રહેવું, ભણવું, જમવું ને ઉંઘવું; સ્વપ્નાં સેવવાં ને સતત વીકસતાં રહેવું એ બધું જ આ ક્રીયાપદો ભેગાં મળીને અમારી પદાવલી જીવનની સાર્થક વાક્યરચના ગોઠવી આપતાં….

ભણવાનું ક્યારેય રહેવા-કારવવાથી જુદું નહોતું. સુવાના બીસ્ત્રા વાળીને, સહેજ-સાજ સંજવારી કાઢી લેતાં. શીક્ષકને બેસવાનું ટેબલ (ખુરશી નહીં) આઘુંપાછું થઈ ગયું હોય તો તેને ત્યાંથી બ્લેક-બોર્ડ પાસે લાવી મુકતાં જ એ ઓરડો ક્લાસરુમ બની જતો ! અમારે ટીચર્સ કે પ્રોફેસરો નહોતા. અમારે તો ભણવા માટે મનુભાઈ પંચોળી દર્શકહતા; બુચભાઈ-મુળશંકરભાઈ હતા; રતીભાઈ અંધારીયા હતા ને શુક્લભાઈ હતા. બધા ભાઈહતા. સર કે સાહેબ તો કોઈ જ નહોતું.

અમેય પહેલો ક્રમ લાવવા માટેની પુર્વતૈયારી કરતા, પરંતુ એ બધું રોજીંદા ક્રમનો ભાગ માત્ર હતું. પરીક્ષાના દીવસોમાં ઉજાગરા કર્યાનું યાદ નથી. પાઠ્યપુસ્તકોની સાથે કવીતાનું વાચન પણ ચાલતું રહેતું. પ્રવાસ વર્ણનો ને જીવન-ચરીત્રો, વાર્તાઓય વંચાતાં રહેતાં.

અમને વહેલું ઉઠવાનું આકરું લાગતું. ગૃહપતીને એ બાબતે ક્યારેય માફી મળતી નહીં ! સવારે સાડા પાંચે કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં એમનું આવવું અમારી ઉંઘને ક્યારેય ભાવતું કે ફાવતું નહીં, પણ અમારી ઉંઘની પુરેપુરી વીદાય પછી જ એમની વીદાય થતી હોઈ ગૃહપતી સામેના રોષનું હથીયાર ઉંઘને ભગાડવાના સંઘર્ષમાં વપરાઈ જતું.

એક વાર જાગી ગયા પછી પંચેન્દ્રીયાનંદ વ્યાપી વળતો ! લોકભારતીના આકાશમાં આછા આછા અંધારાને દુર કરવા પુર્વ તરફનું ઉઘડી રહેલું અજવાળું જોવાની મઝા પડી જતી. ને ક્યારેક વળી ઉતાવળે દાતણ ગોતી લેવા ભાગદોડ કરતો, ઉંધું બાંડીયું પહેરેલો સાથીદાર એ વહેલી સવારને મરકાવી મુકતો !

જીભને બાવળનો તુરો વૈભવ વળગી રહેતો ને ઝટ છુટવાનું નામ લે નહીં ! ને નાકને તો વળી આજુબાજુની કંઈ કેટલીય સુગંધો સાથે પનારો પડતો રહેતો. વહેલી સવારે ગૃહકાર્યો કરતાં કરતાં મહેંદીનાં ફુલોની મહેંક વાડેથી લગભગ ડસી જતી. પારીજાતની નમણી ને નાજુક ગંધ જો મહેંદીની પહેલાં પધારી શકી ન હોય તો મહેંદીની ગંધના આક્રમણ સામે એનું કાંઈ ગજું જ નહીં ને ! આમ વહેલી સવારની હવાનો સ્પર્શ, ગૃહકાર્યોમાં લીધેલી મહેનતના પારીશ્રમીક જેવી સ્વેદનામાં ભળી જઈને અલૌકીક અનુભવ કરાવી રહેતો.

લોકભારતીને સરકારી મદદ મળી રહેતી, પણ મદદ લેવા માટે કોઈ જ પ્રકારની સૈદ્ધાંતીક બાંધછોડ કરવાની ન હતી. મદદ કરનારને મદદ કરવા જેવું લાગે તો કરે, નહીંતર મદદ વીના જ ચાલી જતું. અભ્યાસક્રમ એમની રીતનો સ્વીકારવાની શરતોનો અસ્વીકાર કરીને નાનાભાઈ ભટ્ટે કેન્દ્ર સરકારનું લાખ રુપીયા (એ જમાના)નું અનુદાન સાવ સહજતાથી પાછું મોકલી આપ્યું હતું. એ નાનાભાઈનાં ત્રણ વીરાટ પગલાંનું ત્રીજું પગલું લોકભારતીહતી. ભાવનગરની દક્ષીણામુર્તીનું પ્રથમ પગલું ભર્યું ત્યારે ભાવનગરના મહારાજાએ તદ્દન બીનશરતી મદદ હોંશે હોંશે ને પુરા વીશ્વાસથી કરી હતી. બીજું પગલું આંબલામાં ગ્રામદક્ષીણામુર્તીરુપે ભર્યું  ત્યારે આજુબાજુનાં ગામડાં સહીતની આંબલા ગામની પ્રજાએ એને ઉપાડીને પુજ્યું હતું. આ ત્રીજું પગલું લોકભારતીસાવ નોંધારી લાગતીતી તોય અનેક જગ્યાએથી એને મદદ મળતી જ રહી. જમીનમાં થતા પાકો, બાગાયત, ગૌશાળા ઠીક ઠીક ઉત્પાદનો આપી રહેતાં. દરેક વીદ્યાર્થી પણ દરરોજના ચારેક કલાક શારીરીક શ્રમ આપે જ. એ શ્રમનું વળતર એને મળે તે એની શીક્ષણ ફી ગણી લેવાતી. મા-બાપને એના ભણતરનો બોજ એટલો ઓછો રહેતો.

અન્ય કોલેજોમાં જતા યુવાનો ખીસામાં પૈસા રાખે, કેટલાકનાં ખીસામાં વ્યસનોનાં મારણોય ભર્યાં હોય, જેથી સમય મળ્યે ધુમાડા કઢીને પ્રદુષણ વહેંચી શકાય. ખીસામાંનો દાંતીયો એ એનું સૌંદર્યપ્રસાધન ! લોકભારતીની અમારી કોલેજમાં અમારે કોદાળી-પાવડો-દાતરડાં રહેતાં ! એમાંથી અમારો શીક્ષણખર્ચ નીકળી જતો. અમે ધુમાડાને બદલે પરસેવો કાઢતા ! એ પાછો આંબા-ચીકુ-નાળીયેરનાં ખામણાંમાં સીંચાતો. એન.સી.સી.નાં વીદ્યાર્થીની છાતીનું માપ કાઢવામાં આવે એ રીતે મનુભાઈ-દર્શક- અમારી હથેળીયુંમાં પડેલાં આંટણને તપાસતા, ને ધન્યવાદ એ આંટણને આધારે આપતા; કુમળી હથેળીયું ગેરલાયકાત ગણાઈ જવાની દહેશત રહેતી !

છાત્રાલયોની આજુબાજુમાં નહાવા-ધોવાનાં નળ અને ઓરડીઓ હોય. ઉનાળામાં પાણીની તંગીને કારણે અને શીયાળામાં જરુરી ગરમાવાની તંગીને કારણે નહાવાનું કષ્ટદાયક રહેતું ! છતાં ઉનાળે નહાવામાં ઉત્સાહ રહેતો. શીયાળાની ઠંડીના બહાને ઓરડીમાં નહાવાનું ગોઠવી લીધું હોય એટલે પછી કોણ કેટલું નહાયું ( કે પછી ન નહાયું)એનો હીસાબ આપવો પડતો નહીં. માથું ભીનું દેખાય એટલે ચાલી જતું ! શીયાળામાં જેની તંગી નહોતી રહેતી એ પાણીને ઉનાળા માટે બચાવી લીધાનું ગૌરવ અમે જાતે લઈ લેતા.

શરીરશ્રમ અને સ્નાન પછીનો તરતનો કાર્યક્રમ પેટને ઠાંસીને સજા કરવાનો રહેતો. સાંજે પણ જમવાનું હોય છે એનો ખ્યાલ ન રહે એટલી હદે જમવામાં તલ્લીન થઈ જવાતું. અર્જુનને દેખાતી પક્ષીની આંખ જેવી જ અમને અમારી થાળી દેખાતી !

લોકભારતીનાં રસોડાં કાંઈ કોલેજોની કેન્ટીનો, ક્લબો કે મેસ નહોતાં; દરેક છાત્રાલયમાં જ એનું રસોડું હતું. સગવડ ગણો તો સગવડ ને તકલીફ ગણો તો એ, પણ એ રસોડાને રસોઈ માટે મહારાજો નહોતા. મહારાજને નામે એક ભાઈ અને મદદનાં-સફાઈનાં કામો માટે એક બહેન એમ બે જ વ્યક્તી. મહારાજને અમારું નાનકડું લશ્કર મદદ માટે આપવામાં આવતું, જે દર અઠવાડીયે બદલાતું રહેતું. શાક સમારણ કાર્ય, ભાખરી-રોટલીનું વણાટ કાર્ય ને બાજરીના રોટલાનું ઘડતર અમારા હાથે થતું, (બદલામાં એ અમને ઘડતો રહેતો અને એમ ભવીષ્ય માટે બહુ ઉપયોગી-બહુઆયામી તાલીમ પણ મળી રહેતી !)તેથી દર અઠવાડીયે એમાં આકાર-વૈવીધ્યને મોકળાશ રહેતી ! રસોઈમાં ફરીયાદો નહીવત્ રહેતી એમાં અમારી તીવ્ર ભુખ ઉપરાંત રસોઈકામમાંની અમારી સક્રીય ભાગીદારી પણ કારણભુત રહેતી !

જમવા અને ભણવા વચ્ચે થોડો સમયાવકાશ રાખવામાં આવતો. ચીક્કાર ભરેલા પેટે આ ખાલી સમયનો સદુપયોગ અમે ભરપેટ કરતા. કેટલાક વામકુક્ષીમાં વ્યસ્ત રહેતા તો કેટલાક આવનારા જ્ઞાનપ્રાપ્તીના સમયની તૈયારીઓ પણ કરતા. આ સીવાયની પણ કેટલીક પ્રવૃત્તીઓ નવરાશના આ સમયમાં થતી. ક્યાંક કોઈ બુશર્ટ-બાંડીયાને બટન ટાંકતું હોય તો કોઈ લેંઘાને ઝડકો ભરતું જોવા મળે. કોઈ ઘરે ટપાલ લખતું હોય  તો કોઈ વળી રાષ્ટ્રીય હીતની ચીંતા કરતું ને અન્યને કરાવતું જોવા મળે ! કેટલાકને આ સમય જ નહાવાનો હોય આગામી વર્ગોમાં આવનારી ઉંઘના નીવારણાર્થે સ્તો !

લોકભારતીની બપોર આખી ભણવા માટેની. ઋતુ ઋતુની હવા, એ હવા મુજબ હોંકારો ભણતાં વૃક્ષો અને ટહુકતાં પક્ષીઓ; ક્યાંક દુર દુરથી આવતો કુવા ઉપરનાં યંત્રોનો અવાજ, કશા જ કારણ વીના કે પછી કાંઈ કામ નથી એટલેય, હવામાં એકાદ વડચકું ભરી લેતાં કુતરાં, બાજુના જ વર્ગોમાંના કોઈ એકાદ આખા વર્ગનું ઓચીંતાનું ફુટી નીકળતું ને સંભળાઈ જતું સામુહીક અટ્ટહાસ્ય….વગેરેને જો ખલેલ કહેવી હોય તો તે આ ભણતરના સમયની ખલેલ હતી. બાકી તો ફક્ત પીત્તળનો ઘંટ એની ફરજના ભાગ રુપે નીયત સમયે દખલ રણકાવતો રહે. આ બધી કહેવાતી દખલો વચ્ચે પાઠ્યપુસ્તકોને ઉકેલતાં રહેવાની મજા લોકભારતીનાં ભણતરને ભાર વીનાનું કરી દેતી.

અહીં પાઠ્યપુસ્તકો હતાં પણ અમારા અભ્યાસક્રમો પાઠ્યપુસ્તકોમાં પુરાઈ રહેતા નહીં. અમારું ભણવાનું આગળ કહ્યું તેમ, રહેવા-કારવવાની વચ્ચે જ હતું. જે જીવાતું હતું (છાત્રાલયજીવન) તેનેય ભણતરનો ભાગ બનાવી દેવાયો હતો. એનાથીય વળી બીજી બાબત એ પણ હતી કે પાઠ્યપુસ્તકોમાં હતું તેને શીખીને જીવનમાં કસોટીએ ચડાવી જોવાનું હતું. વીદ્યાવીસ્તાર” (EXTENTION) એ અમારે એક સો ગુણનો પ્રાયોગીક કક્ષાનો વીષય હતો. જે ભણ્યા હોઈએ એને આજુબાજુનાં ગામડાંઓમાં કસી બતાવવાનું હતું ! અમારું શીક્ષણ ગામડાંના જીવન વચ્ચે સ્થાન ધરાવતું હતું. જીવતરના પાઠો ભણવાના હતા, તો ભણતરમાંના છપાએલા પાઠોને ગામડે ઉપયોગમાં લઈ જવાના ને લઈ જોવાના હતા ! પાઠ્યપુસ્તકની કવીતા અને ગામડાંમાં ગવાતાં પરભાતીયાંનો મેળ ત્યાં જઈને અને જરુર પડે રાત-દીવસ ત્યાં રહીનેય બેસાડવાનો હતો. ખેતીવાડીના પાકોની ફેરબદલી, મીશ્રપાકોનાં પરીણામો, નવાં ખાતર-બીયારણોની ચકાસણી વગેરે અનેક બાબતોને ખેતરોમાં જઈને બતાવવા-ચકાસવાની હતી.

લોકભારતીના વીદ્યાર્થીને તો વહેલી સવારથી રાત સુધીમાં જીવનમાં કામ લાગે એવું કેટકેટલું શીખવા મળી રહેતું ! મોટાભાગની પ્રવૃત્તીઓનું સંચાલન વીદ્યાર્થીમંડળ દ્વારા જ થાય. ગૃહકાર્ય અને શ્રમકાર્યનાં આયોજનો, ભોજનની સમગ્ર વ્યવસ્થા અને તેના હીસાબો, રસોઈ કરવી, પીરસવું, સફાઈકામ, વર્ગોની વ્યવસ્થા, સમયપત્રક, પ્રાર્થના અને તેની પછીનાં રોજ રોજનાં નવાં નવાં વ્યાખ્યાનો, મનોરંજન કાર્યક્રમો, પ્રવાસ વગેરેમાં વીદ્યાર્થીઓ જ આગળ હોય; અધ્યાપકો, કાર્યકરો તો જાણે મદદમાં હોય તેમ પાછળ રહીને જરુર પુરતું માર્ગદર્શન આપે !

અમારે પરીક્ષાઓ હતી પણ સાવ બોજ વીનાની જાણે. પરીક્ષામાં નીરીક્ષણ (સુપરવીઝન) લગભગ જોવા ન મળે ! નીરીક્ષક ઉત્તરવહીઓનો ઢગલો લઈને એક બાજુ બેસે. વીદ્યાર્થીઓ જાતે આવીને લઈ જાય. પ્રશ્નપત્રો પણ ક્યારેક એ રીતે જ વહેંચી દેવામાં આવે ! પરીક્ષા આપવા માટેની બેઠક દરેકની નીશ્ચીત ન પણ હોય ! મનગમતી જગ્યાએ બેસી શકાય. છુટાછવાયા બેસીને ટાઢેકોઠે ઉત્તરવહીઓ લખવાની ! બેઠાં બેઠાં કંટાળીને નીરીક્ષક (સુપરવાઈઝર) ક્યારેક ક્યારેક ચક્કર લગાવે. ચોરી ન જ થાય એવું કાંઈ નહીં. થાય પણ ખરી. પણ અધ્યાપકને દરેક વીદ્યાર્થી સાથે એટલો બધો જીવંત સંપર્ક હોય કે એકંદરે ’ (બી ક્લાસ) લાવતો વીદ્યાર્થી ઓચીંતાનો કક્ષા લાવે ત્યારે એની સાથે મળીને સ્પષ્ટતાઓ થાય. નાનીમોટી પરીક્ષામાં તો વીંછીનો આંકડો (ડંખ)જ કાઢી નાખ્યો હોય તેવું નીર્ભય વાતાવરણ રહે એટલે ચોરીની શક્યતા જ નહીંવત્ હોય.

હકીકતે લોકભારતીની પરીક્ષાઓ વીદ્યાર્થીને શું નથી આવડતું તેની ફોજદારી તપાસ માટેની નહીં પરંતુ તેને જે આવડે છે તેનું મુલ્યાંકન કરનારી બાબત ગણાતી. નીરીક્ષકો વીદ્યાર્થીને કાંઈ ન સમજાયું હોય તો સ્પષ્ટ કરી આપનારા હોય. જુદા જુદા વીષયોમાં અન્ય સર્જનાત્મક પ્રવૃત્તીઓ પણ વીદ્યાર્થીઓની કક્ષા સમજવા માટે અને જે તે કક્ષાથી ઉપર ઉઠવા માટે થતી, જેમાં ચર્ચાસભાઓ, નીબંધ-સ્પર્ધાઓ, જેમાં માર્ક્સ નહીં પણ ગુણવત્તા મુજબની કક્ષા નક્કી થતી તે, કેટલાંક તો નાટ્યરુપાંતરો ને એની ભજવણી સુધ્ધાં, દળદાર હસ્તલીખીત અંકોનાં સંપાદનો, તહેવારોની ઉજવણીમાં વણી લેવાતા અનેક વીષયો વગેરે બાબતો એવી હતી જે પરીક્ષા સીવાય પણ જ્ઞાનને ચકાસતી રહે ને વધારતી પણ રહે.

અધ્યાપકો અમારું સર્વસ્વ હતા. એ શીક્ષકોય હતા અને ગૃહપતીઓય હતા. તેઓ જ પરીક્ષકો હતા ને તેઓ જ માવતર હતા. મુળશંકરભાઈ (મુ.મો.ભટ્ટ)ને સૌ ભાઈકહે પણ એ વીદ્યાર્થીઓની માતા હતા. નાનાદાદા (નાનાભાઈ ભટ્ટ)ને ફક્ત તસ્વીરમાં જોયા હતા. પણ સદા તેઓ અમારી આંખ સામે જ રહ્યા. કંઈ પણ ખોટું કરવાનો વખત આવે ત્યારે આ નાનાદાદા, ભાઈ અને બુચદાદા નજર સમક્ષ આવીને ઉભા જ હોય !! લોકભારતીછોડ્યા પછીય આટલાં વર્ષો દરમીયાન આ બધા ગુરુજનોએ અમારી કંઈ કેટલીય નબળાઈઓને તણખલાની જેમ એક બાજુ કરી દેવાની તાકાત આપ્યાં કરી છે !

નાનાદાદા અને બુચદાદાની નીયમીતતા એક અચરજ હતું !  40 વર્ષથીય વધુ અધ્યાપનકાર્ય કરનાર બુચદાદા (ન.પ્ર.બુચ) લખે છે કે તેઓ 40 વર્ષમાં એક પણ દીવસ એક મીનીટ પણ મોડા વર્ગમાં આવ્યા નથી !! મનુદાદા (દર્શક) ડોલતા ડોલતા આવે. મોડાય પડી જાય. પણ એવી તો મઝા પડે કે એમના વર્ગમાં વર્ગ પુરો થવાનો ડંકો ઘણી વાર ન સંભળાય ! પછીના વર્ગના અધ્યાપક વર્ગ લેવા આવી ગયા હોય ને મનુભાઈ એકાગ્ર ચીત્તે ભણાવતા હોય તો તેઓ શાંતીથી પાછલી હરોળમાં બેસી જાય !

અમારા સમયના અધ્યાપકો જીવનશીક્ષકો હતા. પોતે જેવું ભણાવતા તેવું જ તેઓ જીવતા. અમે તેમની જીવનશૈલીએ ઘડાયા. એમની જ તાકાતે અમે ક્યારેય, ક્યાંય પાછા પડ્યા નહીં. અમારા ગૃહપતી ને અમારા અધ્યાપકનાં કાર્યો જુદાં હોવા છતાં બંનેનાં કાર્યો એકમેકમાં ભળી જતાં. જેઓ જીવનના પાઠો શીખવતા તેઓ જ પાઠમાંથી જીવન શોધી આપતા. લોકભારતીની પ્રાર્થના પછીનાં વ્યાખ્યાનો અને સવાર અને બપોરની પ્રાસંગીક વ્યાખ્યાનસભાઓમાં દેશ-વીદેશના વ્યાખ્યાતાઓ આવતાં એ બધું અમારે માટે ધન્યતાના પર્વ સમું હતું. આ ત્રણેય તત્ત્વોએ અમને સૌને લોકભારતીની બહારની દુનીયા (ભૌતીક દુનીયાના વીચારતત્ત્વની દૃષ્ટીએ અને આધ્યાત્મીક દુનીયાના વીચારતત્ત્વની દૃષ્ટીએ પણ)નો અવીસ્મરણીય અનુભવ કરાવ્યા કર્યો છે.

નાનાદાદાએ ક્યાંક સાચું જ નોંધ્યું છે : કેળવણીના કેન્દ્રમાં નથી અભ્યાસક્રમ કે નથી અધ્યાપક; નથી મકાન કે નથી ઉપસ્કર; નથી પરીક્ષા, નથી માર્ક, નથી નંબર, નથી પાઠ્યપુસ્તકો; જીવતો-જાગતો વંશ-પરંપરાના સંસ્કારો લઈને આવેલો, અમુક સંજોગોમાંથી પસાર થયેલો એવો વીદ્યાર્થી કેળવણીના કેન્દ્રમાં છે અને હોવો જોઈએ.

અમારું એ ગૌરવ છે કે અમે પણ એક તબક્કે લોકભારતીના વીદ્યાર્થી હતા. લગભગ પાંચ દાયકા બાદ આજે પણ એ જ પદ પર હોવાનો અહેસાસ એ અમારી ધન્યતા છે !!

––––––––––––––––––––––––––

* ‘દૃષ્ટિસામયીક માટે લખાયેલો લેખ. (સૌજન્ય : ‘કોડિયું’)

Posted in sanstha-parichay | Tagged | 3 ટિપ્પણીઓ

શિક્ષણ-વિમર્શ

નારાયણ દેસાઈ

[ ગુજરાત કેળવણી પરિષદના શિક્ષણવિમર્શ સત્રના ઉદ્દઘાટન નિમિત્તે તા. 5-9-2011ના દિવસે અપાયેલા વ્યાખ્યાનને આધારે ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલા લેખમાંથી સાભાર.]

શિક્ષણ-વિમર્શ આપણે સહેજ વ્યાપક ફલક પર કરીએ. એનાં ત્રણ પરિમાણોનો વિચાર કરીએ. વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને સ્પર્શ કરતા શિક્ષણવિચારને આવરી લઈએ. પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે એવું વિધાન કર્યાનું કહેવાય છે કે દુનિયાના બધા પ્રશ્નો ત્રણ પ્રશ્નમાં આવરી લઈ શકાય. Man with himself, man with fellowmen and man with nature. આપણને આ પરિષદમાં જે. કૃષ્ણમૂર્તિ તથા વિમલાતાઈના વિચારોના જે લેખ વહેંચવામાં આવ્યા છે, તે મોટે ભાગે આમાંના પહેલા પ્રશ્ન સાથે સંબંધ ધરાવે છે. તેથી આપણે તેનો સીમિત વિચાર કરીશું.

ગાંધીજીએ નયી તાલીમ અંગેના જે વિચારો વ્યક્ત કર્યા તેમાં એમ કહ્યું કે બાળકનું શરીર, તેની બુદ્ધિ અને તેના આત્માનો જેમાં વિકાસ થાય તે જ સાચું શિક્ષણ. ડૉ. ઝાકીરહુસેને બુનિયાદી તાલીમ અંગે જે યોજના ઘડી, તેમાં ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણનાં માધ્યમો માન્યાં. વિનોબાજીએ એક નયી તાલીમ સંમેલનમાં યોગ, સહયોગ અને ઉદ્યોગ એવા શબ્દપ્રયોગ કર્યા. આ તમામ મહાનુભાવોના વિચારોમાં આપણને એકસરખો પ્રવાહ જોવા મળશે. આપણે આપણા સમગ્ર શિક્ષણનો વિચાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ. વ્યક્તિનો વિચાર કરતાં તેના શરીર, મન અને આત્માનો વિચાર આવે. મારો જે અનુભવ કહું છું તે હવે જૂનો થયો કહેવાય, પણ હજીયે ભારતનાં હજારો ગામડાંઓને તે લાગુ પડી શકે તેવો છે. એક વાર ગ્રામશાળા, વેડછીમાં અમારા મિત્ર ડૉક્ટરોએ બાળકોની શારીરિક તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે લગભગ 30 ટકા બાળકો રતાંધળાં હતાં ! તે લોકો એમ જ માનતાં કે સૂર્યાસ્ત થયો એટલે અંધકાર જ થાય. રતાંધળાંપણું એ એમના કુપોષણનું પરિણામ હતું. એ વિચારી અમે તેમને રોજ એક એક કપ દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. અને માત્ર એટલાથી જ ઘણાં બાળકો રાતે દેખતાં થયાં. શિક્ષણનો વિચાર કરતાં આપણે દેશના લાખો બાળકોના પોષણનો વિચાર પણ કરવો પડશે. આજે તો કેટલેક ઠેકાણે મધ્યાહ્ન ભોજનમાંથી વચેટિયાઓ પોતાનાં પેટ ભરતાં દેખાય છે.

બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટે ભાગે એમ માનીને ચલાય છે કે બાળકના મગજમાં જેટલી માહિતી ઠોસી તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે. અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે, સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા. મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે જેમાં એના વિદ્યાર્થીઓનાં મગજમાં ઠાંસી ઠાંસીને માહિતી ભરી હોય.

આજના બદલાયેલા સંદર્ભમાં જરા આનો વિચાર કરી જોઈએ. એક જમાનો હતો કે જ્યારે ‘બાપથી બેટા સવાયા’ કહેવાથી બેટો ગર્વ લઈ શકતો. બાપે જે જ્ઞાન મેળવ્યું હોય તેમાંથી થોડું ઘણું ઘસાઈ પણ જાય એટલે આગલી પેઢીની સાથે કદમ મિલાવીને ચાલવું હોય તો પચ્ચીસ ટકા વધારે માહિતી મેળવીને ઘસારાની પૂર્તિ કરી લેવાય. એટલે સમાજ વ્યવસ્થિત રીતે ચાલતો રહે. પણ હવે વિજ્ઞાન અને ટેકનૉલોજી એટલાં ઝડપથી વધે છે કે પાછલી પેઢીવાળાને આગલી પેઢી કરતાં ઘણું વધારે સામાન્ય જ્ઞાન તો વાતાવરણમાંથી જ મળી રહે છે. મારો નાનો દીકરો બાલવાડીમાં જતો હતો, ત્યારે તેની શિક્ષિકાએ તેની મા આગળ ફરિયાદ કરી કે તમારો દીકરો લખવાનું શીખવાનો રીતસર પ્રતિકાર કરે છે. તેથી મારી પત્નીએ કહ્યું કે પ્રશ્ન શો છે, એ તમે જરા ખોળી કાઢો. મેં દીકરાને પૂછ્યું, ‘તને લખવું ગમતું નથી ?’ તો કહે, ‘ના.’ મેં પૂછ્યું : ‘કેમ ?’ તો કહે, ‘આપણા ઘરમાં ટાઈપરાઈટર છે. લખવાનું શીખવાની શી જરૂર છે ? ટાઈપિંગ જ કેમ શીખવતા નથી ? જમાનાના ફેરફાર સાથે ટેકનૉલોજીનો ફેરફાર એટલો ઝડપથી થયો છે કે હવે બેટો બાપથી સવાયો થાય તે ચાલશે નહીં. એણે તો ઘણી વધારે આગેકૂચ કરવી પડશે. હવે મગજમાં માહિતીનો સંગ્રહ વધારતા જવાને બદલે ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ છે, એમાંથી કેવી રીતે ખપની માહિતી મેળવી લેવી, એ શીખવવું એ જ શિક્ષકનું મોટું કામ થઈ જશે. વળી આગળ જતાં એને શીખવા જેવું અને ન શીખવા જેવું એ બે વચ્ચે વિવેક કરતાં પણ શીખવું પડશે.

આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહીં. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ થઈ શકશે. અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. ઉદ્યોગોના શિક્ષણનો વિચાર કરીએ ત્યારે નયી તાલીમના શિક્ષકોને પોતાના પાઠ્યક્રમ સાંભરે એ સ્વાભાવિક છે. હમણાં હમણાં વા.ના. ચિતળેનું ‘સંસ્મરણોનો મધપુડો’ નામનું પુસ્તક યજ્ઞ પ્રકાશને છાપ્યું છે. મૂળ મરાઠીનો એ ગુજરાતી અનુવાદ છે. સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીએ અમારા ખાદી વિદ્યાલય પાસેથી કોઈ એવા શિક્ષકની માગણી કરી કે જે તેમને રૂની તુનાઈ કરીને પૂણી બનાવતાં શીખવી શકે. અમે અમારા સૌથી હોંશિયાર સાથી વાસુદેવ ચિતળેને એ કામ સોંપ્યું. ઉપરોક્ત પુસ્તકમાં ગાંધીજી તુનાઈ કરતા કેવી રીતે શીખ્યા તેનું ખૂબ રોચક વર્ણન કર્યું છે. સિત્તેરની આસપાસના ગાંધીજીની જિજ્ઞાસુ વૃત્તિ કોઈ નાના બાળક કરતાં જરાયે ઊતરે તેવી નહોતી. રૂના રેસા અંગે, તુનાઈનાં સાધનો અંગે, કપાસની ખેતી અંગે અને આખા કામના અર્થશાસ્ત્ર અંગે તેમણે એટલા પ્રશ્નો પૂછ્યા કે ચિતળે તો આશ્ચર્યચકિત જ થઈ ગયો. ઉદ્યોગ દ્વારા શિક્ષણનો એક નમૂનાનો પાઠ થઈ શકે તેવું તે પ્રકરણ છે, પણ ત્યાં જ્ઞાન અને ઉદ્યોગ બે અલાયદા વિષયો રહેતા નથી, એકબીજા સાથે અવિચ્છિન્ન રીતે સંકળાઈ જાય છે.

પચાસ વર્ષ પહેલાં નાનાં બાળકોને જેટલી માહિતી રહેતી તેના કરતાં આજનાં બાળકોને એમની આસપાસના વાતાવરણને લીધે પુષ્કળ માહિતી સહજ ઉપલબ્ધ હોય છે. પરંતુ જોવામાં આવે છે કે પચાસ વર્ષ પહેલાં બાળકોને સમાજ અંગે જેટલી નિસ્બત હતી તેટલી નિસ્બત આજે તેમનામાં દેખાતી નથી. તેઓ પોતપોતાનામાં મશગૂલ હોય છે. સમાજની તેમને ખાસ ફિકર કે પડી હોતી નથી. આજના આપણા સમાજમાં બે એવા ભાગલા પડી ગયા છે કે જેને હું ફાવેલા અને રહી ગયેલા લોકો કહું છું. સંપન્ન વર્ગને આખો ને આખો વંચિત વર્ગ જાણે હયાતીમાં જ ન હોય એમ લાગે છે. આ વિષમ પરિસ્થિતિના મૂળમાં પણ આપણી આજની શિક્ષણ વ્યવસ્થા છે એ ભૂલવું ન જોઈએ. આપણું શિક્ષણ સ્પર્ધા શીખવે છે, મહત્વાકાંક્ષા શીખવે છે, સ્વાર્થલોલુપતા શીખવે છે અને પરિણામે આપણે સમાજના એક વિશાળ ભાગને આંખ સામે હોવા છતાં દેખી શકતા નથી. દેશના ઉત્તરપૂર્વના પ્રદેશોમાં આજે આપણને માઓવાદી વિરુદ્ધ જે કારમી હિંસા દેખાય છે તેની ભીતરમાં ડોકિયું કરીશું તો આપણને દેખાશે કે ઘણે ઠેકાણે આજે સંઘર્ષ, ખનિજ વિરુદ્ધ મનુજનો છે. અને સંપન્ન વ્યવસ્થા ખનિજની ખાતર મનુજને બેદખલ કરવા કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે. પ્રકૃતિની વચ્ચે ઊછરતાં બાળકોને આપણે વર્ગખંડની ચાર દીવાલોની વચ્ચે ગોંધી રાખીએ છીએ. પરિણામે બાળકોને શિક્ષણ મેળવવાની ઉત્તમ ઉંમરે ખરા શિક્ષણથી વંચિત રાખીએ છીએ. મારા ગામનો એક વિદ્યાર્થી ભણવાની ઉંમર હોવા છતાં શાળાએ જવાનું નાપસંદ કરતો હતો. એક વાર અમારી સાથે રમતાં રમતાં મેં એને કહ્યું કે, ‘તું કંઈક ઘાસ લઈ આવ.’ એ પૂછે, ‘કયું ઘાસ ?’ મેં કહ્યું, ‘તને ગમે તે.’ તે એકાદ કલાક ફરીને અઠ્ઠાવીસ પ્રકારના ઘાસ લઈ આવ્યો ! અને આપણી શિક્ષણ વ્યવસ્થા તો આવા બાળકને ઠોઠ વિદ્યાર્થી જ ગણે. મને તો એણે આભો જ કરી મૂકેલો.

આપણે આઝાદી મળી ત્યારે જ એક મોટી તક ગુમાવી. તે શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવાની તક. ખરું જોતાં તો આઝાદી પછી આપણા દેશ પાસે જાણે કે કોઈ ઉદ્દેશ જ નથી રહ્યો. 1942માં ગાંધીજીને પકડવા આવનાર અધિકારી ગાંધીજી પ્રાર્થના કરતા હતા ત્યારે માથું નીચું રાખીને ઊભા હતા. મેં એમને પૂછ્યું, ‘તમે કેમ ઉદાસ દેખાઓ છો ?’ એમણે કહ્યું, ‘શું કરીએ ? પેટની ખાતર ચાકરી કરીએ છીએ. બાકી અમને કાંઈ સ્વરાજ નથી જોઈતું એમ નથી.’ આઝાદી પહેલાં અંગ્રેજ સરકારના હિન્દુસ્તાની ચાકરોનો પણ એક ઉદ્દેશ હતો – સ્વરાજનો. આઝાદી પછી આખા દેશનો એવો કોઈ એક ઉદ્દેશ રહ્યો નથી. તેથી કૂતરું ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે સીમ ભણી, એવા આપણા હાલ છે. આપણા વડવાઓએ આપણા દેશના બંધારણમાં ચોક્કસ ભાષામાં ઉદ્દેશો આપેલા છે : સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાયના. પણ એ ચાર માર્ગદર્શક સિદ્ધાંતોને આજે કોણ યાદ કરે છે ? વિકાસની વાત થાય છે, કલ્યાણ રાજ્યની વાત થાય છે, પણ સમાનતા ક્યાં ? સ્વતંત્રતા ક્યાં ? ન્યાય ક્યાં ? અને પરિણામે બંધુતા તો સાવ અલુપ્ત. શિક્ષણક્ષેત્રે જો આપણે આપણા ઘોષિત ઉદ્દેશો તરફ આગળ વધવું હશે તો વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ ત્રણે અંગે પાયામાંથી વિચાર કરવો પડશે. વ્યક્તિનો સમતોલ વિકાસ, સમાજની સમત્વ આધારિત ઉન્નતિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા સાધતા શિક્ષણ તરફ ચોક્કસ પગલાં માંડવાં પડશે. એને માટેના શિક્ષણનાં બાહ્ય માધ્યમો જો ઉદ્યોગ, સામાજિક પ્રવૃત્તિ અને પ્રકૃતિ વચ્ચે કામ હશે તો તેની સાથે જ શિક્ષક અને બાળક વચ્ચેના સંબંધોમાં મુક્તિ, પ્રીતિ અને અભિવ્યક્તિના આંતરિક સમવાય સાધવા પડશે.

દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એક સાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ. બંને સાથે. એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો. નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે એ ભૂલવું જોઈએ નહીં. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્યે પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન ?

Posted in shikshan-darshan | Tagged , | Leave a comment

દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન

મનસુખ સલ્લા


 

મનુભાઇ પંચોળી ‘દર્શક’ નો ટૂંકો પરિચય

darshak

પૂરું નામ: મનુભાઇ રાજારામ પંચોળી ઉપનામ: દર્શક

જન્મ: 15 – ઓકોટોબર – 1914 ; પંચાશિયા ( વાંકાનેર)

અભ્યાસ: પ્રાથમિક – નવમું ધોરણ, સ્વ અભ્યાસ, 1991 – ડી.લિટ્  – સૌરાષ્ટ્ર યુનિ.

જીવન ઝરમર:

 • દાંડી સત્યાગ્રહમા ભાગ લીધો અને જેલવાસ
 • ભારત છોડો ચળવળમાં ભાગ , જેલવાસ
 • નાનાભાઇ ભટ્ટ સાથે કામ કર્યું – ભાવનગર , સણોસરા  અને આંબલા ખાતે
 • ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓના સ્થાપક
 • ‘કોડિયું’ અને ‘સ્વરાજ ધામ’ ના તંત્રી
 • 1975 ના કટોકટી ગાળામાં જેલવાસ
 • ગુજરાત નયી તાલીમ સંઘના સ્થાપક અને ચેરમેન
 • ભારત સરકારની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય
 • 1981-83  – ગુજરાતી સાહિય પરિષદના પ્રમુખ
 • ગુજરાત રાજ્યના ભૂતપુર્વ શિક્ષણ પ્રધાન

મુખ્ય રચનાઓ:

 • નવલકથા –  બંદીઘર, પ્રેમ અને પૂજા, બંધન અને મુક્તિ, ઝેર તો પીધાં જાણી જાણી ભાગ 1-3, સોક્રેટીસ + , કલ્યાણયાત્રા, દીપનિર્વાણ
 • નાટક – જલિયાંવાલા, અઢારસો સત્તાવન, પરિત્રાણ, અંતિમ અધ્યાય
 • વિવેચન – વાગીશ્વરીનાં કર્ણફૂલો, મારી વાચનકથા, ભેદની ભીત્યુંને આજ મારે ભાંગવી
 • ચિંતન – ઇતિહાસ કથાઓ – ગ્રીસ અને રોમ , આપણો વારસો અને વૈભવ, ત્રિવેણી તીર્થ, ધર્મચક્ર પરિવર્તન, શાન્તિના પાયા, અમૃતવલ્લી, સર્વોદય અને શિક્ષણ, મંદારમાલા, લોકશાહી, નઇ તાલીમ અને નવ વિધાન
 • ચરિત્ર – નાનાભાઇ ( મૂ.મો. ભટ્ટ સાથે) ,  ટોલ્સ્ટોય
 • સંપાદન – ગાંધી કાવ્ય સંગ્રહ, રાજ્યરંગ શ્રેણી, કસુંબીના રંગ, કટોકટી અને નવ નિર્માણ, સર્વોદય, વિદેશ નીતિ

સન્માન:

 • ગુજરાત રાજ્યના સાહિત્ય માટેના ઇનામના પ્રથમ વિજેતા
 • 1964– રણજિતરામ સુવર્ણ ચંદ્રક
 • 1975– સાહિત્ય અકાદમી એવોર્ડ +
 • મુર્તિદેવી એવોર્ડ
 • 1991– ભારત સરકારની ‘પદ્મભૂષણ’ પદવી
 • 1992 – નરસિંહ મહેતા એવોર્ડ અને  હરિ ૐ આશ્રમ એવોર્ડ
(ગુજરાતી પ્રતિભા પરિચય પરથી)

 

મનુષ્ય મરણશીલ છે, પરંતુ એના વિચારોમાં સર્વજનહિતની ભાવના હોય, દર્શનમાં વ્યાપકતા હોય અને કર્મમાં છેવાડાના માટેની કરુણા હોય તો એ જીવે છે. રવીન્દ્રનાથ ટાગોરે ‘સોનાર તરી’ કાવ્યમાં કહ્યું છે કે જીવનદેવતા પોતાની નાવમાં વ્યક્તિને નહિ, તેનાં કર્મોને જ લઈ જાય છે. એટલે મનુભાઈ નામધારી વ્યક્તિ એક મુકામે અટકી ગઈ, પરંતુ દર્શક દીર્ધકાળ સુધી ટકશે.

અનેક લોકો એવા હોય છે જે પોતાના ક્ષેત્રમાં મોટા અને તજજ્ઞ હોય છે, પરંતુ બાકીનાં ક્ષેત્રોને તેઓ સ્પર્શતા નથી. દર્શકની ખૂબી એ હતી કે જીવનના સઘળા પ્રમુખ પ્રદેશો એમના રસના વિષયો હતા, નિસ્બતનાં ક્ષેત્રો હતાં. એ અર્થમાં તેઓ ગુજરાતીના પ્રચંડ મનોઘટનાશાલી વ્યક્તિવિશેષ હતા. તેમનાં ચિંતન અને અભિવ્યક્તિમાં જીવનની વ્યાપકતા અને ઊંડાણ એ કારણે અનુભવાય છે.

દર્શકનું શિક્ષણચિંતન શિક્ષણને અને જીવનને નવી નજરે જોવાની પ્રેરણા આપે છે, કારણ કે દર્શક પાસે જીવનનો સર્વાંગી નકશો છે. એમની રજૂઆત હૃદયસ્પર્શી લાગે છે, કારણ કે એમાં સર્જક દર્શકનો સ્પર્શ છે.

દર્શકની જીવનભરની એ ખોજ હતી કે સાચું જીવન એટલે કેવું જીવન ? જન્મ પામવો એ તો જૈવિક પ્રક્રિયા છે. પરંતુ સાચું જીવન એ સાંસ્કૃતિક ખ્યાલ છે. આ ખોજ દર્શકે પોતાની સાહિત્યિક રચનાઓમાં, ચિંતનમાં અને કેળવણીમાં સતત કરી છે. એ માટે તેમણે સાહિત્ય, કેળવણી, ધર્મ, તત્ત્વજ્ઞાન અર્થશાસ્ત્ર, સમાજગતિશાસ્ત્ર, માર્કસવાદ અને ગાંધી વિચાર, રાજનીતિના તત્ત્વજ્ઞાનનો વિકાસ, સહકાર-પંચાયત અને ખેતી-ગોપાલનનું ગંભીર અને ઉત્કટ અધ્યયન-મનન- પરિશીલન કર્યું છે. એ તમામમાં તેમની શોધ અંતઃસ્રોતા વહી રહી છે કે સાચું જીવન એટલે કેવું જીવન ?

દર્શક કેવળ અભ્યાસી ન હતા, પ્રયોગવીર, ખોજ કરનારા હતા. નાનાભાઈ ભટ્ટનો પ્રત્યક્ષ અને ગાંધીનો પરોક્ષ પ્રભાવ ઝીલીને તેમણે કેળવણીના નૂતનરૂપની ખોજ બહુ વહેલેરી આદરી દીધી હતી. દક્ષિણામૂર્તિ (ભાવનગર)ના નાનાભાઈ સાથેના ટૂંકા સહવાસે કેળવણી જ મનુષ્યના મૂળભૂત બદલાવનું પ્રમુખ ક્ષેત્ર હોઈ શકે એ શ્રદ્ધા તેમનામાં દૃઢ થઈ ગઈ છે. સાથે જ દર્શક મૌલિક ચિંતક પણ છે તેથી જીવનને આગવી નજરે જોઈ શકે છે. એટલે દક્ષિણામૂર્તિ છોડતી વખતે તેઓ નાનાભાઈ ભટ્ટને કહી શક્યા હતા કે, ‘તમને રાંધતાં આવડ્યું, પણ પીરસતાં ન આવડ્યું.’ એટલે કે શહેરમાં તો શિક્ષણનું કામ કરનારા નીકળવાના, પણ ગ્રામસમાજનાં અંધારાં ઉલેચવાં એ વધુ અગત્યનું છે. એટલે જ ‘તમે ગામડામાં જાઓ ત્યારે હું આવીને જોડાઈ જઈશ’ એવું વચન પણ આપી શક્યા હતા અને નાનાભાઈ આંબલા ગયા (૧૯૩૭) ત્યારે દર્શક તેમના સાથીદાર તરીકે જોડાઈ ગયા હતા અને મરણપર્યંત (૬૪ વર્ષ) કેળવણીક્ષેત્રમાં રહ્યા.

દર્શકમાં વિવિધ ક્ષેત્રનું અધ્યયન માત્ર સ્મૃતિવ્યાપાર નથી બન્યું, પરંતુ એનું રાસાયણિક રૂપાંતર થઈને દર્શનરૂપે પ્રગટ થયું છે. પ્રચંડ મેધા, તીવ્ર-તીક્ષ્ણ સ્મૃતિ, જીવનનાં પરમૌચ્ચ મૂલ્યો વિશેની પ્રતીતિપૂર્ણ શ્રદ્ધા અને વૈશ્વિક સંદર્ભમાં પ્રસ્તુત પ્રશ્નોને અવલોકવાની ગુંજાઇશને કારણે દર્શકનું કોઈ પણ લખાણ કે વક્તવ્ય આપણને નવેસર વિચારવાનો ધક્કો આપે છે. વફાદારીના સાંકડા કૂંડાળામાંથી બહાર નીકળવાની પ્રેરણા આપે છે.

ક્રાન્તદૃષ્ટા એટલે જે હજુ જન્મ્યું નથી, ભાવિના ગર્ભમાં પડ્યું છે તેને પારખી શકે, જોઈ શકે તેવા. એ અર્થમાં મનુભાઈનું ‘દર્શક’ ઉપનામ સાર્થક થયું છે. તેઓ પણ સ્વીકારતા કે પોતાની મુખ્ય શક્તિ અણદીઠને જોઈ શક્વાની છે. આ સંદર્ભ સ્પષ્ટ થાય તો દર્શકની પ્રતિભાનો વિશેષ શો હતો તે સમજાય. તેમના પ્રદાનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરી શકાય.

દર્શક ગાંધીજીના પ્રભાવમાં આવ્યા, કારણ કે ગાંધીજી પાસે જીવનનું વૈશ્વિકદર્શન હતું. દર્શકમાં મુખ્ય ખૂબી જ એ છે કે તેઓ કોઈ પણ પ્રશ્નનું વિશ્લેષણ વૈશ્વિક સંદર્ભમાં કરે છે. તેમાં તેમને ઇતિહાસનું અધ્યયન સતત સહાયરૂપ બન્યું છે. દર્શકની કેળવણીમાં નિષ્ઠા સ્થિર થઈ નાનાભાઈ ભટ્ટને કારણે, પણ કેળવણીનો માનવીય ચહેરો નીપજ્યો ગાંધીજી, ઇતિહાસનું અધ્યયન અને સાચા જીવનની ખોજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યને કારણે. ગાંધીજીએ નઈ તાલીમમાં ઉદ્યોગને અનિવાર્ય એકમ ગણાવ્યો હતો. દર્શકે તેને વ્યાપક સંદર્ભ પૂરો પાડયો. ગ્રીક સંસ્કૃતિ ગુલામી પ્રથા અને શ્રમની ઉપેક્ષાને કારણે નાશ પામી હતી તે દર્શકનું સ્વઅધ્યયન હતું. ગ્રીક સંસ્કૃતિથી લઈને ભારતીય સમાજમાં શ્રમિક પ્રત્યેનો હીનભાવ દર્શક પારખી શક્યા હતા. આ દેશમાં ખાંધ પર બેસીને ખાવાની મનોવૃત્તિ લોહીમાં વણાઈ ગઈ હતી, તેમાંથી બુદ્ધિજીવી અને શ્રમજીવીની વચ્ચેની ભયાનક અસમાનતા પારખીને દર્શકે ઉચ્ચશિક્ષણમાં પણ શ્રમની પ્રતિષ્ઠા દૃઢમૂલ કરી. સેવાગ્રામમાં એના પ્રયોગો મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણમાં અને લઘુ અંશે માધ્યમિક શિક્ષણમાં જ થયા હતા. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીમાં પરિશ્રમ શિક્ષણના અનિવાર્ય ભાગરૂપે પ્રતિષ્ઠિત થયો તેના મૂળમાં આવું વ્યાપક દર્શન છે. દર્શકના પ્રદાનને આ દૃષ્ટિએ સમજવાની જરૂર છે. ગાંધીજીએ તત્કાલીન આવશ્યક્તા અને સગવડ મુજબ ઉદ્યોગના માધ્યમ તરીકે કાંતણ અને વણાટ સૂચવ્યાં હતાં. દર્શકે પારખ્યું કે દેશનો મોટો ભાગ ગ્રામસમાજમાં છે. ગ્રામસમાજના પોષક અને આધારરૂપ ઉદ્યોગો કૃષિ અને પશુપાલન છે. વળી એ સર્વસુલભ છે. એટલે કાંતણને સંસ્કારરૂપે સ્વીકારીને કૃષિ-પશુપાલનને તેમણે પાયાના ઉદ્યોગ તરીકે સ્થાન આપ્યું તે ભારતીય સમાજ સદર્ભમાં ક્રાન્તદર્શન કહી શકાય તેમ છે.

દક્ષિણામૂર્તિ ભાવનગરમાં મનુભાઈએ પારખ્યું હતું કે સંસ્થા ચલાવવા દાન મેળવવા નાનાભાઈ જેવા મોવડીને વર્ષમાં છ મહિના સંસ્થા બહાર રહેવું પડતું હતું. વિદ્યાર્થીઓ તેમના સંપર્ક અને ઘડતરથી વંચિત રહેતા. એટલે દર્શકે લગભગ શરતની કક્ષાએ આંબલામાં પાકું કર્યું કે સંસ્થા સ્વાવલંબી હોવી જોઈએ, દાન આધારિત નહિ. દર્શકની નવા ક્ષેત્રની પહેલ અને પુરુષાર્થનું નોંધપાત્ર દૃષ્ટાંત ખેતી-ગોપાલનનું જ્ઞાન મેળવવા ઇસ્માઈલભાઈ નાગોરીને ઘેર ચાર મહિના રહ્યા એ છે. તેમણે નોંધ્યું છે કે, નાનાભાઈ કે મને ખેતીનું કશું જ્ઞાન ન હતું. ‘પરાણ મૂકવી’ની અમને ‘પ્રાણ’ રૂપે જ ખબર હતી. દરરોજ ચાર કલાક પરિશ્રમ કરે, બાકીના સમયમાં ખેતીનું વાંચે અને ઇસ્માઈલભાઈને પ્રશ્નો પૂછે. પરિણામે ખેતી-ગોપાલનના તજજ્ઞ કક્ષાના જાણકાર બન્યા. આંબલા-લોકભારતીના ખેતી વ્યવસ્થાપકોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. માઈધારમાં એક વાર દૂરના ખેતરમાં જતાં એક ઘટાદાર આંબાને જોઈ કહે, ‘એમાં ઘણ(મોટો કીડો જે ધોરી નસમાંથી રસ ખાઈ જાય) લાગ્યો હશે. મને નવાઈ લાગી, દૂરથી કેવી રીતે પારખ્યું ? તો તેમણે કહ્યું, ‘એ આંબાની સૌથી ઉપલી ટોચની ડાળ કરમાઈ રહી છે.’ દર્શકે ગોપાળબાપાની વાડીનું આલેખન ઉત્તમ અને સજીવ રીતે કર્યું છે, કારણ કે વાડી ઉછેરવાનો તેમને જાતઅનુભવ હતો. રઘુવીર ચૌધરી દર્શકને ‘આમ્રપાલ’ તરીકે ઓળખાવે છે તે ઉચિત છે. સંસ્થાનો આર્થિક સ્વાવલંબનનો દર્શકનો સંદર્ભ હતો સ્વાયત્તતા અને પ્રયોગશીલતા. એ માટેની સજ્જતા કેળવવા દર્શક આવો પુરુષાર્થ કરી શકે.

દર્શકે શ્રમને શિક્ષણમાં પ્રતિષ્ઠિત તો કર્યો જ, સાથે એને તાર્કિક અંત સુધી લઈ ગયા. કૃષિ પશુપાલનનો અભ્યાસક્રમ ઘડ્યો, ચલાવ્યો, પ્રયોગ કર્યો અને ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડમાં એને સ્થાન પણ અપાવ્યું. આખા ભારતમાં આ માત્ર ગુજરાતમાં જ બન્યું છે. તેવું જ મહાવિદ્યાલય કક્ષાએ (લોકભારતીમાં) કૃષિ ગોપાલનના વિષયોને કૃષિ યુનિવર્સિટીથી જુદા સ્તરે, ગ્રામસમાજને વધુ ઉપયોગી થાય તે સ્વરૂપે રજૂ કરીને બેચલર ઓફ રુરલ સ્ટડીઝ( બી.આર.એસ)ની આગવી ઓળખ ઊભી કરાવી.

યુરોપના મોટા વિચારક સી.પી. સ્નોએ ૧૯૫૮ આસપાસ જગતનું ધ્યાન ખેચ્યું હતું કે ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનો સંતુલિત અભ્યાસ જગતના સ્વાસ્થ્ય અને સંવાદિતા માટે અનિવાર્ય છે. નહિ તો જીવનની એકાંગિતા સર્જાશે. સી.પી સ્નોની પહેલાં પાંચ વર્ષે(૧૯૫૩માં) લોકભારતીના સ્થાપનાકાળથી અભ્યાસક્રમમાં ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનું સમન્વિત અને સંતુલિત સ્વરૂપ અમલી બનાવાયું હતું. એટલે લોકભારતીના ધ્યાનમંત્રમાં ઉપનિષદના મંત્રનો આવો ભાગ સ્વીકારવામાં આવ્યો છે કે ‘अविद्या मृत्युं तीर्त्वा, विद्ययामृत मश्नुते ।’ ઉપનિષદના શ્લોકમાં આ બન્ને શબ્દો બહુ લાક્ષણિક અર્થમાં યોજાયા છે. અવિદ્યા એટલે જીવનની સુખાકારી માટે જરૂરી એવાં ભૌતિક વિજ્ઞાનો. એનાથી પૃથ્વીલોક સુખી અને સંપન્ન બનશે. તો વિદ્યા(સમજણ – understanding) દ્વારા અમૃતની (ચિત્તની પ્રસન્નતા અને મુદિતાની) પ્રાપ્તિ કરવાની છે. એટલે મનુષ્યે સુખ અને સમજણની સમાનપણે ઉપાસના કરવાની છે. ભારતીય શિક્ષણરચનામાં આ મૂલ્ય ભુલાયું તેથી આજના પ્રશ્નો છે. સમજણમાંથી જન્મતી માણસાઈની ઉપેક્ષા થઈ છે. દર્શકનું વિદ્યા અને અવિદ્યા વિશેનું દર્શન ઇતિહાસ-મીમાંસા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને જીવનની નરવી સમજમાંથી જન્મેલું છે. યુરોપ-અમેરિકામાં વિજ્ઞાનનો વિદ્યાર્થી સાથે જ સંગીત, સાહિત્ય કે ધર્મનું અધ્યયન કરે તે સ્વાભાવિક રચના છે. આપણે એકાંગી નિપુણતા તરફ વળ્યા છીએ તે જોખમ છે. દર્શકે બહુ પહેલેથી અધ્યયનની દિશા અને સ્વરૂપ પ્રત્યક્ષ અમલ દ્વારા આપણને દર્શાવ્યાં છે. કહી શકાય કે નઈ તાલીમના નિર્ણાયકો આ તત્ત્વ જાળવશે ત્યાં સુધી તેના વિદ્યાર્થીઓ સમાજને ઉપયોગી એવા નીવડવાનાં જ.

હરેક કેળવણી-રચનાએ એના સામાજિક કોયડાના ઉકેલ શોધવાની તાકાત આપવી જોઈએ. તો જ એ કેળવણી પ્રસ્તુત અને આવકાર્ય ગણાય. આ દેશ ઊંચી-નીચી શ્રેણીઓમાં વિભાજિત થયેલો હતો. ભેદની ભીંતો ચણાયા જ કરતી હતી. તેના નિવારણ માટે સમૂહજીવનની તાલીમ અને એને અનુકૂળ વલણોનો વિકાસ અનિવાર્ય હતાં. નાનાભાઈ ભટ્ટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી છાત્રાલય અને સમૂહજીવનના સંસ્કારોની કેળવણીનું સફળ આયોજન કર્યું હતું. મૂળશંકરભાઈ ભટ્ટે એને સુઆયોજિત શાસ્ત્રીય સ્વરૂપ અને સંબંધ માધુર્યનું અમૃત નીપજાવ્યું હતું. તેને ઉચ્ચશિક્ષણમાં પ્રતિષ્ઠિત કરવામાં ૧૯૬૦થી ૨૦૦૦ સુધી (૪૦ વર્ષ સુધી) દર્શકે ફાળો આપ્યો છે. લોકભારતીમાં તેનાં ઉત્તમ ફળો મેળવવા તેઓ માર્ગદર્શક રહ્યા છે. કેવળ અભ્યાસ કરવાની સગવડરૂપે છાત્રાલય નહિ, પણ નૂતન સમાજની સંવાદી મનોરચનાના નિર્માણના માધ્યમરૂપે, ગુણવિકાસના ધરુવાડિયારૂપે છાત્રાલયજીવન એ દર્શકનો વિશેષ છે. તેમાંય સંસ્થાનાં તમામ છાત્રાલયો માટે નિર્ણાયક એવા ગૃહપતિમંડળની રચના અને અધ્યાપક જ ગૃહપતિ હોય એ મૂલ્યને તેમણે રચનાગત સિદ્ધ કરીને મોટું પ્રદાન કર્યું છે. પછીથી યુનેસ્કોના ડેલોર્સ રિપોર્ટમાં સમૂહજીવનનો કેળવણીના મૂળભૂત આધારતત્ત્વ તરીકે સ્વીકાર થયો તે ગુજરાતમાં સહજ સ્વરૂપે બુનિયાદી શિક્ષણમાં સ્થાપિત થયેલું છે.

અભ્યાસક્રમ પાછળની નૂતન અને વ્યાપક દૃષ્ટિ એ દર્શકનું નોંધપાત્ર પ્રદાન છે. દક્ષિણામૂર્તિ અને લોકભારતીના અભ્યાસક્રમોના સમયાંતરે બદલાયેલાં સ્વરૂપો એના અભ્યાસયોગ્ય દસ્તાવોજો છે. (પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે એ નિમંત્રણરૂપ છે.) તેના કેટલાક મુદ્દા તપાસવા પૂરતા થશે.

(૧) અભ્યાસક્રમમાં કાવ્ય-સાહિત્યનું અનિવાર્ય સ્થાન :

સાહિત્ય હૃદયની વિશાળતા અને સંવેદનાના વિકાસ માટે અત્યંત પ્રબળ માધ્યમ છે એ દર્શક પ્રમાણી શક્યા હતા. એટલે પસંદગીની કવિતાઓ અને સાહિત્યકૃતિઓ પસંદ કરવી ( કાળાનુક્રમ મુજબ નહિ) એવો તેમણે આગ્રહ રાખ્યો. વિદ્યાર્થીઓના ભાવતંત્રને કેળવે, નઈ તાલીમ અને ગ્રામવિદ્યાના હેતુઓને ઉપકારક એવી માનવીની ભવાઈ, દીપનિર્વાણ, પલ્લીસમાજ, દિવ્યચક્ષુ, વ્યથાનાં વિતક, સ્વદેશી સમાજ જેવી કૃતિઓની પસંદગીમાં તેમણે કાયમ રસ લીધો. દર્શક પોતે કવિતાશિક્ષણના નીવડેલા ઉત્તમ શિક્ષક હતા. તેમનું કાવ્યાનંદનું સંપાદન આ દૃષ્ટિએ મૂલવવા જેવું છે.

(૨) રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ અને મહાનકૃતિઓનો અભ્યાસ :

સ્નાતક કક્ષાએ લોકભારતીમાં તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે અંતિમ વર્ષમાં ‘રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’નો અભ્યાસ એ નાગરિકધર્મની દીક્ષારૂપ અભ્યાસક્રમ છે તે અનુભવે સમજાવ્યું છે. તો ગ્રામવિદ્યા અનુસ્નાતકના ઉચ્ચ અભ્યાસક્રમમાં કોઈ પણ મુખ્ય વિષયના વિદ્યાર્થી માટે ‘studu of the greats’માં જગતની પ્રતિનિધિરૂપ મહાન કૃતિઓનો અભ્યાસ જરૂરી બનાવવામાં દર્શકની દીર્ઘ દૃષ્ટિ છે. માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી કેવી વૈશ્વિક દૃષ્ટિ પામેલો હોવો જોઈએ અને જીવનનાં પાયાનાં તથા પોષક તત્ત્વો અંગે કેટલો સ્પષ્ટ અને શ્રદ્ધાવાન હોવો જોઈએ તે અપેક્ષામાંથી આ રચના થયેલી છે. દર્શકે વર્ષો સુધી તેનું અધ્યાપન કર્યું હતું. છેલ્લાં સાતેક વર્ષ મેં એ અભ્યાસક્રમોનું અધ્યાપન કર્યું છે એટલે મને એની પ્રતીતિ થઈ છે. એ પણ નોંધપાત્ર છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં આવા અભ્યાસક્રમની રચના થઈ નથી. એટલે વિદ્યાર્થીઓ કેવા ઉપલક રહી જાય છે તે સૌનો અનુભવ છે.

(૩) સમાજ અનુબંધિત કેળવણી :

દર્શકનું એ નીતર્યું દર્શન હતું કે સમાજ–અનુબંધિત કેળવણી જ સાચી કેળવણી છે. જે કેળવણી પોતાના જીવાતા જીવનથી કપાઈ જાય છે તે બહારથી ગમે તેટલી રૂડીરૂપાળી લાગતી હોય તો પણ વાંઝણી વિદ્યા છે. એ લેનાર વિદ્યાર્થી સ્વહિત બુદ્ધિથી ગ્રસિત થઈ જાય છે એ દર્શકે જીવનભર સમજાવ્યું હતું.

એ માટે વિદ્યાવિસ્તારનો કેવળ અભ્યાસક્રમ જ નહિ, પણ સંસ્થાની અનેકવિધ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડથી ખેતર સુધીનું જોડાણ સિદ્ધ કરીને વિદ્યાને વાસ્તવિક અને નક્કર બનાવવા માટે દર્શકે જીવનભર જિકર કર્યા કરી હતી. નઈ તાલીમની સંસ્થાઓ સામાજિક અનુબંધની કાળજી લેશે અને માવજત કરશે ત્યાં સુધી જ પ્રાણવાન રહી શકશે એ હવે સિદ્ધ થઈ ગયું છે. દર્શકની આ ક્રાન્તદર્શિતા અંગે ભાગ્યે જ નોંધ લેવાય છે, પણ લેવામાં ૠણસ્વીકાર છે તેમ જરૂર કહી શકાય.

(૪) વ્યાપક સમાજની અવૈધિક કેળવણી :

વ્યાપક સમાજ મોટી ઉંમરે વિદ્યાલયમાં દાખલ નહિ થઈ શકે અને વિદ્યા વગર નાગરિકોની કેળવણી થશે નહિ, તો વિદ્યાલય લોકોની વચ્ચે જાય, એમને ઘેર જાય એ દર્શક જેવા લોકહિતની ખેવનાવાળા, વિદ્યાલયને મૌલિક સ્વરૂપમાં જોઈ શકનારા જ પારખી શકે. તેથી વિદ્યા તાજી અને પ્રસ્તુત રહેશે તથા લોકજીવન જ્ઞાનસમૃદ્ધ બનશે. આ વિચારને મૂર્ત કરવા દર્શકે જીવનના ઉત્તરાર્ધમાં માતૃધારામાં અવૈધિક શિક્ષણનું કેન્દ્ર સ્થાપ્યું. અનેકવિધ પ્રયોગો કર્યા. સર્ટિફિકેટ વગરનો એ અભ્યાસ ત્રણ દિવસથી ત્રીસ દિવસ સુધીનો હતો. લોકોનું કૌશલ વધે અને નાગરિકધર્મની દીક્ષા પામે એ મૂળભૂત હેતુ હતો. એ પ્રયોગ પૂર્ણરૂપમાં સફળ ન થયો, તેમાં દર્શકની ઉંમર, ટાંચા સાથીઓ, તજજ્ઞોની ગામડાની ધૂળમાં આવવાની અનિચ્છા, વાહનવ્યવહારની સગવડથી દૂરનું સ્થળ વગેરે કારણોએ ભાગ ભજવ્યો. પરંતુ વ્યાપક સમાજની કેળવણી માટે દર્શકે કરેલો અવૈધિક શિક્ષણનો એ પ્રયોગ આજે પણ એટલો જ પ્રેરક અને માર્ગદર્શક છે.

(૫) દર્શક – મોટું જોડાણતત્ત્વ :

ગુજરાતમાં લગભગ ૫૦ વર્ષ સુધી નઈ તાલીમના વિચારના અને પ્રયોગોના પથદર્શક, પુરસ્કર્તા અને એની દર્શનની કરોડરજજુ તરીકે દર્શકે પ્રદાન કર્યું છે. આખા ભારતમાં નઈ તાલીમનો વિચાર કરમાઈ ગયો, અરે ભુલાઈ ગયો પણ ગુજરાતમાં જીવંત રહ્યો, વિકસતો રહ્યો તેમાં સૌથી મોટું જોડાણતત્ત્વ (Binding force) દર્શક હતા. એથી ગુજરાતમાં નઈ તાલીમના ખેતી-પશુપાલન અને સમાજનવરચનાના વિષયો માધ્યમિક શિક્ષણના ચાલુ પ્રવાહમાં સ્વીકારાયા. બુનિયાદી શિક્ષણપ્રવાહને માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા અપાવવામાં, અભ્યાસક્રમમાં રેલી અને શિક્ષણમેળાઓને વ્યાપક કરવામાં, સામાજિક આફતોની ઘટનાઓમાં (મોરબી પૂરહોનારત, બાંગ્લાદેશ શરણાર્થી છાવણી વગેરેમાં) વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવવામાં, ગુજરાત નઈ તાલીમ સંઘને સ્ફૂર્તિમાન અને સક્રિય રાખવામાં સેતુરૂપ દર્શકનો ફાળો અગ્રગણ્ય છે. નઈ તાલીમના સંવર્ધન માટે ભાંગતી તબીયતે ગાંધીનગર અને દિલ્હીના ધક્કા ખાવામાં તેમને થાક કે કંટાળો નહોતો. ઇઝરાયલના વિખ્યાત ઇતિહાસવિદ પ્રો. તાલમાને કહ્યું હતું કે ‘સંગઠિત સત્ય જીતે છે’ એ દર્શકની પ્રતીતિ બન્યું હતું.

પ્રાથમિકશાળા કક્ષાએ ધોરણ ૫-૬-૭માં ઇતિહાસ વંશાવલીઓ રૂપે નહિ, પણ વાર્તારૂપે ભણાવવો જોઈએ એ દર્શનમાંથી બોર્ડના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં તજજ્ઞોને દૃષ્ટિ આપીને લખાવવામાં દર્શકનો ફાળો બહુમૂલ્ય છે. વહીવટકર્તાઓની અદીર્ધદૃષ્ટિને કારણે થોડાં વર્ષો પછી પાઠ્યપુસ્તકો મૂળ ઘરેડનાં બની ગયાં, પણ દર્શકે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો માટે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.

દર્શકે લેખન અને વ્યાખ્યાનો દ્વારા ગુજરાતમાં નઈ તાલીમની કેળવણીની દાર્શનિક પીઠિકા પૂરી પાડી છે તો પ્રત્યક્ષક્ષેત્રના પ્રયોગો દ્વારા એને નક્કર ભૂમિકા પૂરી પાડી છે. એ કારણે ગુજરાતનું શિક્ષણજગત દર્શકને ભૂલી નહિ શકે.

મનુભાઈનું આ દર્શકત્વ અને તેમની જીવનનિષ્ઠા તેમને કેવળ ગુજરાતના જ નહિ, દેશના અગ્રણી કેળવણીકાર તરીકે સ્થાપે છે. એમનું લેખન અંગ્રેજીમાં થયું હોત તો આખા દેશને એમનો વ્યાપક અને સઘન પરિચય થયો હોત.

એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે દર્શકનું કેળવણીદર્શન આવનારી પેઢીઓને ભરપૂર માર્ગદર્શન અને પ્રેરણાપાથેય આપી શકે તેમ છે.

(લોકદક્ષિણામૂર્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળ અને શ્રી અનુભૂતિ ટ્રસ્ટના ઉપક્રમે આપેલું વ્યાખ્યાન. શિશુવિહાર, ભાવનગર, તા. ૨૧-૧૦-૨૦૧૨)

[વેબ ગુર્જરી પરથી સાભાર ]

Posted in shikshan-darshan, vyakti-parichay | Tagged , , | 2 ટિપ્પણીઓ

ગ્રામાભિમુખ કેળવણી

સંજય મકવાણા

શિક્ષણના જુદા જુદા સ્તર અને માળખા વિષે સાંપ્રત સમયમાં ઢગલો થાય એટલી ચર્ચા-વિચારણા, વિચાર –વિમર્શ જુદી જુદી જગ્યાએ અને સ્તરે થાય છે. આપણે ત્યાં ઋષિ પરંપરા અને ગુરુકુળ – વિદ્યાપીઠના મૂળ અત્યંત ઊંડા જણાય છે. સમયાંન્તરે એમાં ઘણા પરિવર્તનો થયા કર્યા. ભાષા, બોલી અસ્તિત્વમાં આવ્યાથી શરુ કરીને લિપિની શોધ અને વેદ – ઉપનિષદથી માંડી બ્રાહ્મણગ્રંથો અને બૌદ્ધકાલિન શિલાલેખો તેમજ જુદી જુદી પ્રાકૃત – અપભ્રંશ અને પ્રાદેશિક ભાષાના વિકાસની પ્રક્રિયા સાથે શિક્ષણનું સ્તર સુધર્યુ છે એમ કહી શકાશે ?

એક જ પ્રકારની યોગ્ય દિશા અને દશાનું કાર્ય આજે સુવ્યવસ્થિત કેમ કરી શકાશે તે આપણા સહુનો સહિયારા ચિંતનનો વિષય છે. પરંપરાના શિક્ષણમાંથી પ્રાપ્ત થયેલા મૂલ્યો અને મૂલ્યશિક્ષણનું મહત્વ અનેકગણું છે, જે આપણે સમજી શકીએ છીએ.

મારે ખાસ ચર્ચા તો એ કરવી છે કે રાષ્ટ્રપિતા મહાત્માગાંધી દક્ષિણઆફ્રિકાથી ભારત આવ્યા અને આઝાદીની લડતના શ્રીગણેશ કર્યા તેમાં તત્કાલિન પરિસ્થિતિને પાર પાડવા માટે શિક્ષણની જેવા પ્રકારની કેળવણીની જરુરિયાત ઊભી થઈ તેનો આજ સુધી ઘણો વિસ્તાર જુદી જુદી રીતે થયો છે. આ આખું ચિત્ર જોતાં આજે આપણે ક્યાં અને કઈ સ્થિતિમાં ઊભાં છીએ તે છે. આ બાબતોને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ દ્વારા એક રેખાંકન આપવાનો નમ્ર પ્રયાસ છે.

સૌ પ્રથમ પ્રાથમિક ખ્યાલ એવો છે કે સ્વાતંત્ર્યની ચળવળ માટે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રપોષક કેળવણીની તાતી જરુરિયાતના ભાગરૂપે જુદા જુદા સ્તરે કાર્યો થયા જ છે. તેના પાયામાં હું ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો જોઉં છું. આશ્રમસ્થાપના પાછળનો અભિગમ પણ આ જ છે. આ જ અરસામાં ઈ. સ. 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે નોંધપાત્ર છે.

આ સમયગાળા દરમ્યાન ભાવનગરમાં દક્ષિણામૂર્તિ નામે વિદ્યાભવન ચલાવતા વિદ્યાપુરુષ શ્રીનાનાભાઈ ભટ્ટનો પુરુષાર્થ અનન્ય છે. ભાવનગરથી સ્થળાંન્તર કરીને ‘ગામડાનું શિક્ષણ ગામડામાં’ એ ન્યાયે આંબલા ખાતે  ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના એ આજના સમય અને સમાજની માંગ પૂરી પાડે છે. એમું ચિંતન, કેળવણીના ધ્યેયો, સ્વરૂપ, પ્રવૃત્તિ સમજવા જેવી છે. તેઓ કેળવણીને સમજણપૂર્વક, વિચારપૂર્વક અને હેતુપૂર્વક વરેલા હતાં.તેના પરિપાકરૂપે વિસ્તાર કરવામાં દર્શકના સહયોગથી ‘લોકભારતી’માં પરિણમે છે. લોકભારતીના સ્નાતકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાતના એકદમ પછાત વિસ્તારમાંની સરાહનીય કામગીરીને બિરદાવવી પડશે. આશ્રમશાળાથી માંડીને ઉચ્ચશિક્ષણમાં નઈતાલીમ અને બુનિયાદી કેળવણી આપતી ગ્રામવિદ્યાપીઠો અને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એ દ્વારા સમાજ ઘડતરનું ઉત્તમ કાર્ય કર્યુ છે. દીન-હીન, દલિત-પીડિત વર્ગમાં સભ્યતા અને સમાજમાં સ્થાન આપવાનું તેમજ તેના હ્રદય સુધી પહોચવાનું અને હ્રદય પરિવર્તનનું કામ કર્યું છે. શ્રીમૂળશંકર ભટ્ટ, ઈસ્માઈલભાઈ નાગોરી જેવા અનેક તારલાઓ તથા માયધાર, હાથબ, મણાર, માનપુર, વાળુકડ, ધજાળા, આંબરડી જેવી અનેક સંસ્થાઓનું મૂલ્ય અમૂલ્ય છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં શારદાગ્રામ સાથે અભિન્ન જોડાયેલા મનસુખભાઈ જોબનપુત્રા, ડોલરરાય માંકડ કે સી. એન. ના સ્નેહરશ્મિ આવા અનેક પાયાના સેવકોએ પોતાની જાતની પરવા કર્યા વિના ગાંધી મૂલ્યોને વળગી રહ્યાં અનું ગૌરવ છે. મૂળ પાયાનું કામ થાય છે એમાં સર્વાંગિણ વિકાસની ઘણી બધી તકો રહેલી જોઈ શકાય છે. સફાઈ, કાંતણ, પ્રાર્થના, સ્વાવલંબન, શ્રમકાર્ય, છાત્રાલય, ઉદ્યોગ, સમન્વય, ગોપાલન-પશુપાલન, યંત્રવિદ્યા વગેરે વિષયોનું જ્ઞાન જીવનભર ટકી રહેવાનું મહાભાથુ છે.

આમ તો નઈ તાલીમની શરૂઆત મહાત્મા ગાંધીએ ઈ. સ. 1937માં વર્ધા યોજનાથી કરી. ભીલસેવા મંડળે ઈ. સ. 1923થી બુનિયાદી શિક્ષણના પ્રયોગો શરૂ કર્યા.પંચમહાલ વિસ્તારમાં અને ખાસ કરીને દાહોદ, ગોધરા ક્ષેત્રમાં પૂ. ઠક્કરબાપાએ પાયાનું કામ કર્યું તે કદિ વિસરી શકાય તેમ નથી. દાહોદના મીરાખેડી ગામે ફક્ત ચાર વિદ્યાર્થીઓથી આશ્રમની શરૂઆત કરી. શ્રી ડાહ્યાભાઈ નાયક, શ્રી લક્ષ્મીકાન્ત શ્રીકાન્ત વગેરે અમની સાથે રહ્યાં. ઝાલોદ, જેસાવાડામાં બે આશ્રમો ઉપરાંત પંદરથીયે વધુ શાળાઓ શરૂ કરી. સિક્ષણ સાથે ઉદ્યોગ અને જીવન ઘડતરના પાઠો, સ્વાવલંન ઉપરાંત પ્રાર્થના, સફાઈ, શ્રમકાર્ય, સ્વાધ્યાય અને સમૂહજીવનની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આવા અનેક પાયાના સેવકોનો વ્યાપ વધ્યો છે. આવી જ રીતે દક્ષિણ ગુજરાતને યાદ કરતા જ ‘વેડછીનો વડલો’ યાદ આવે. તાજેતરની કેન્દ્ર સરકારની શિક્ષણનીતિ આવકારદાયક તો છે જ.  સાથે સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે પણ અટલું જ આવશ્યક છે. પણ છે. આજે વિશ્ર્વના દેશોમાં ભારતીય શિક્ષણની અને વિદ્યાર્થીઓની અનેક સ્તરે માંગ છે. આપણા જ દેશમાં રહીને કામ કરે તે પણ એટલું જ જરૂરી છે.

દિશા અને દશા બદલવા માટે અજે અનેક ક્રાંન્તિકારી પગલાંની આવશ્યકતા ઊભી થઈ છે. નઈ તાલીમ અને બુનિયાદી કેળવણી સાથે નિષ્ઠાથી જોડાયેલા ઘડવૈયાઓ, સરકરારી તંત્ર અને ઉમદા શિક્ષણવિદોની સહિયારી ભાગીદારીથી આમૂલ પરિવર્તન લાવી શકાય. આપણા રાજ્યમાં આજે વિદ્વાન અધિકારીશ્રીઓ દ્વારા ઉચ્ચશિક્ષણ ક્ષેત્રમાં સુધારો કરવાના મહાપ્રયત્નો થઈ રહ્યાં છે, જે આવકારણીય અને અભિનંદનીય છે. એક વિચાર રુલર વિશ્ર્વવિદ્યાલયનો છે, જો એ સ્વપ્ન ફળે તો ઉજ્વળ ભાવિની કલ્પના કરવી સરળ-સહજ બની રહેશે. વર્તમાન ગ્રામીણ સમાજના પરિપ્રક્ષમાં આજે રુલર વિશ્ર્વવિદ્યાલયની માંગ અને જરુરિયાત છે. વિકાસની બુનિયાદને ઓળખવી જોઈશે. શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક થયેલા પ્રયત્નો સુફળ આપનારા હોય છે. કૉલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો કે કર્મચારીઓ પોત-પોતાનું કાર્ય ખંત પૂર્વક કરે છે એમાં બેમત નથી જ નથી. વિદ્યાર્થીઓમાં સંવેદના ઊભી કરવી પડશે. એટલે પરસ્પર ભાવનાત્મક જોડાણનો સેતુ રચાય તે બહુ જ જરુરી છે. પ્રસિધ્ધ વિચારક શ્રી ગુણવંત શાહના શબ્દમાં કહીએ તો હ્રદયશૂન્યતા હટાવવી પડશે. આ બધું કરવામાં મારી દૃષ્ટિએ ગ્રામાભિમુખ કેળવણી (શિક્ષણ) ઘણું કરી શકે તેમ છે. આજે સ્વાવલંબન અને સ્વરોજગારીની તકો મળવી જોઈએ, વિષયની સાથે લઘુઉદ્યોગ દ્વારા કેળવણી લાચારીમાંથી ઉગારે છે.

આ સમગ્ર ખ્યાલને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીસ્વપ્નના ગામડાને જોવા-જાણવા-સમજવાના આશયથી અને ભારતના હ્રદય સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ અને સેવકો માટે ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે. આ પાંચ દિવસની પદયાત્રા સાચા અર્થમાં વિચારયાત્રા, વિદ્યાયાત્રા અને જીવનયાત્રા બની રહે છે. છેલ્લા એકાદ વર્ષથી ગુજરાતભરની બુનિયાદી તાલીમી અને કેળવણીની સંસ્થાઓ અને સ્વેચ્છીક-સામાજિક સંસ્થાઓ જોડાઈ તે આનંદની વાત છે. આ પદયાત્રા દ્વારા પદયાત્રીઓના માનસપટ પર એક ભાવનાના બીજ રોપાય છે, તેમની દૃષ્ટિ વિશાળ બને છે અને જ્ઞાન-સમજમાં વધારો કરે છે એટલું તો ચોક્કસ કહી શકાય. ગામડાની સરકારી પ્રાથમિક શાળાના બાળકો, ગામના યુવાન-યુવતીઓ, સ્ત્રીઓ અને વડીલો એમની રહેણી-કરણી, ખાન-પાન, રીત-રિવાજ વગેરે જોવા-જાણવા-સમજવાથી સ્થિતિ- પરિસ્થિતિને જાણી શકાય છે. ગામડામાં લોકસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને ગાયસંસ્કૃતિના સમન્વય દ્વારા ગ્રામસંસ્કૃતિ અને વ્યાપક લોકકલ્યાણની ભાવના જોવા મળે છે. એ જ રીતે વિદ્યાપીઠની ગ્રામશિલ્પી યોજનાને ભૂલી જ શકાય નહી. પોતાના સ્નાતકો માટે આ દિશાની પહેલ સૌ કોઈને વિચારવા પ્રેરે તે સ્વાભાવિક છે.

આવતી કાલના ભારતને બળવત્તર બનાવવા માટે શિક્ષણમાં યુવા વિદ્યાર્થીઓને જો આ દિશાનું શિક્ષણ આપવામાં આવે તો નવી ટેક્નોલોજીના વિકાસમાં ગામડું કેન્દ્રસ્થાને હશે અને વિકસિત રાષ્ટ્રોમાં ભારત અલગ અંદાજથી ઉભરી આવશે. જ્યારે સેલ્ફફાઈનાન્સ અને પ્રાઈવેટાઈઝેશનનો યુગ ચાલે છે ત્યારે શિક્ષણમાં ગાંધી મૂલ્યો, બુનિયાદી કેળવણી, રચનાત્મક કાર્યક્રમો, સ્વાવલંબન અને લઘુઉદ્યોગોને આધારે ઘણી બદીઓને નાબૂદ કરી શકાશે. આ વામન કદમ વિરાટ સ્વરૂપ ધારણ કરે એવી આશા સાથે સૌ શિક્ષણ સંસ્થાઓ, શિક્ષણવિદ્ , સરકાર અને બૌધ્ધિકોનું સહિયારું ચિંતન ઘણું કરી શકશે.

( સંજય મકવાણા ના બ્લોગ પરથી સાભાર )

Posted in shikshan-darshan | Tagged | Leave a comment

વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’

– સંજય ચૌધરી

[સુપ્રસિદ્ધ આદર્શ શૈક્ષણિક સંસ્થા ‘લોકભારતી’ વિશેના શ્રી રમેશભાઈ દવે દ્વારા લિખિત પુસ્તકનો શ્રી સંજયભાઈએ અહીં વિસ્તૃત પરિચય આપીને આસ્વાદ કરાવ્યો છે. આપ સંજયભાઈનો આ સરનામે srchaudhary@gmail.com અથવા આ નંબર પર +91 9327726371 સંપર્ક કરી શકો છો. પુસ્તક વિશેની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ]

શૈક્ષણિકસંસ્થામાટે ત્રણ પાયાનાં ઘટકો છે – વિદ્યાર્થીઓ, અધ્યાપકો,કાર્યકરો તથા સંચાલકો. આમાંનો એક પણ ઘટક નબળો હોય તો સંસ્થાનો વિકાસ શક્ય નથી.સણોસરા ગામની લોકભારતી સંચાલિત પ્રાથમિક શાળા, આંબલા ખાતેની ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠજેવી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી નાની મોટી શાળાઓમાં રમેશ ર. દવેનાં તનમન ઘડાયાં છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંગે પુસ્તિકા લખવા અંગે રમેશભાઈને આમંત્રણ મળ્યું ત્યારે તેમણે તેને સહર્ષ સ્વીકાર્યું. પોતાના પ્રારંભિક જીવનનાં પચ્ચીસેક વર્ષ જે શાળાઓ અને તેમના સ્થાપકોના નર્યા સદભિઃ સંગેઃ ગાળ્યાં હોય તે વિશે લખવાના અનુભવને આનંદપર્વ ગણાવતાં લેખક, પુસ્તકની શરૂઆત ફ્લેશબેકથી કરે છે. પુસ્તકનાં પ્રકરણોનો સાર, મુદ્દાઓ, લેખકે રજૂ કરેલા વિચારો તેમ જ અવલોકનનોંધથી આ ગ્રંથપરિચયનો આરંભ કરું છું.

વિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને સાથીદારો પ્રાતઃકાળના શુભમુહૂર્તે,ખેડાયેલા ખેતરનાં ઢેફાં ભાંગીને તેને વાવણીલાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે !ગ્રામવિદ્યાપીઠનો આ આશ્ચર્યજનક કાર્યારંભ પોતે જ આ સંસ્થા દ્વારા થનારા ગ્રામસમાજના નવનિર્માણનો સ્પષ્ટ સંદેશ આપે છે. એ સંદેશથી જ ફલિત થાય છે કે સમાજોપયોગી, ઉત્પાદક ક્ષમ સમેતની જીવનલક્ષી કેળવણી જ લોકભારતીનું સર્વપ્રથમ અને સર્વોપરી ધ્યેય બનશે.
લોકભારતીની સ્થાપના પૂર્વે છેક 1910માં, ભાવનગર શહેરમાં દક્ષિણામૂર્તિછાત્રાલય-વિનયમંદિરની સ્થાપના કરતી વેળા, પોતાના આરાધ્યએવા દક્ષિણામૂર્તિદેવની પરંપરિત પૂજા-અર્ચના ઢબે કરનારા નાનાભાઈ 43 વર્ષ પછી લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના સમયે શ્રમયજ્ઞરૂપે, ધરતીની પૂજા-અર્ચના કરે છે. ધ્રુવસ્થ આ બે પૂજાવિધિથી અનાયસ ફલિત થતું સત્ય તો, નગરવાસી પ્રૉફેસર અને નથ્થુરામ શર્માના પટ્ટશિષ્ય નૃસિંહપ્રસાદ ભટ્ટના વિરાજીત દક્ષિણામૂર્તિદેવનું, નાનાભાઈમાં થયેલા એમના રૂપાંતરણ દરમ્યાન કાળક્રમે લાઘેલું અને આવનારા સમયમાં સર્વાધિક પ્રસ્તુત બની રહેનારું નિરાળું રૂપ જ છે !

આંબલા અને મણારની લોકશાળાઓતથા સણોસરા ખાતેની લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરવા માટે નાનાભાઈને પ્રેરનારાં વિવિધ પરિબળો વિશે વિચારીએ તો એમની તેજસ્વી બુદ્ધિમત્તા, ગાંધીસંપર્કથી લાધેલી જીવન-સમજ, આવનારા સમયનું સમુચિત અવલોકન કરતું દૂરંદેશીપણું, ખેતીકામ પર નભતા છેવાડાના માણસોને મદદરૂપ થવાની નિસબત્ત ને ખેવના, ડેન્માર્કમાં સફળ થયેલી ‘ફોક સ્કુલ્સ’– લોકશાળાઓ – નો અભ્યાસ-પ્રવાસ તથા રાધાકૃષ્ણન શિક્ષણપંચના શિક્ષણવિદ્ સભ્ય ડૉ. એ. ઈ. મોર્ગને ભારતમાં થઈ રહેલા ઉચ્ચ શિક્ષણની મર્યાદાઓ ચીંધીને, ગ્રામવિદ્યાપીઠની રચના દ્વારા થવા જોઈતા ઉચ્ચ્ શિક્ષણને આપેલું પ્રાધન્ય – આપણી નજર સમક્ષ સૌપ્રથમ ઉપસી આવે છે. અલબત્ત, આ તમામ બાબતોની જેમ જ, ભાવનગર છોડીને એકલવીર સમા આંબલા પહોંચેલા નાનાભાઈને, એમના આ નવ્ય પ્રયાણમાં તનમનથી જોડાનારા મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ તથા રતિભાઈ જેવા સૂઝસમજ ધરાવતા સંનિષ્ઠ સાથીદારોના સમર્પિત સહયોગનું મૂલ્ય પણ લગીરેય ઓછું નથી.

ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા નાનાભાઈ ભટ્ટે, મેકૉલે પ્રેરિત અને રચિત બીબાંઢાળ શિક્ષણ પદ્ધતિ છોડીને જીવનલક્ષી કેળવણી આપવા માટે નોકરીમાંથી રાજીનામું મૂકીને 1910માં 28 ડિસેમ્બરે બાળકોના શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી. પોતે સ્થાપેલી દક્ષિણામૂર્તિની શાળામાં માત્ર શહેરનાં બાળકો જ ભણીગણીને શહેરોમાં જ સ્થાયી થાય છેતેથીગામડાંનાં બાળકો તો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે તે જાણ્યા પછી દેશની મોટા ભાગની વસ્તી જ્યાં રહે છે તે ગ્રામ્ય વિસ્તારો માટે અનુકૂળ શિક્ષણ પ્રથાની સ્થાપના કરવા માટે 1938-39માં આંબલા ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની સ્થાપના કરે છે. દક્ષિણામૂર્તિ ખાતે ગૃહપતિ તરીકે થોડોક સમય કામ કરનાર મનુભાઈ પંચોળીએ, ‘સર્વોદય અને શિક્ષણ’ પુસ્તકમાં નોંધ્યું છે કે, ‘દક્ષિણામૂર્તિની સિદ્ધિઓ તો ઘણી હતી પણ તે ગાંધીએ શીખવી હતી તેવી અને દરિદ્રનારાયણની વિચારપૂર્વકની સેવા પ્રેરનારી, તે માટે ઘડતર કરે તેવી કેળવણી ન હતી. એટલે મેં એક દહાડો નાનાભાઈને કહ્યું, ‘તમને સૌને સરસ રસોઈ બનાવતાં આવડી પણ પીરસતાં ન આવડ્યું. ગામડાંની જે પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી.’ એટલે કે નાનાભાઈએ દક્ષિણામૂર્તિમાં કેળવણીનો કસબ તો ખીલવ્યો, તેની પદ્ધતિનું નિર્માણ પણ કર્યું પરંતુ પોતાની એ આવડત દેશના નીચલા થરના અને ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓને ન ધરી શક્યા.

સૂચિત સ્પષ્ટતા પછી મનુભાઈ નાનાભાઈની મદદથી ગામડાંમાં કામ કરવાના ઉદ્દેશથી બપાડાની શાળામાં જોડાય છે પરંતુ દક્ષિણામૂર્તિ છોડતી વખતે, જ્યારે પણ નાનાભાઈ ગામડાંમાં પોતાની સંસ્થાની સ્થાપના કરશે ત્યારે પોતે ત્યાં સૌથી પહેલાં જોડાશે, તેવા વચને પણ બંધાય છે. દક્ષિણામૂર્તિ છોડીને નાનાભાઈ આંબલા પહોંચી ગયા છે તેની જાણ થતાં જ સૌથી પહેલા સાથીદાર તરીકે મનુભાઈ તેમની સાથે જોડાય છે.

ફક્ત ચાર વિદ્યાર્થીઓથી ગ્રામશાળા શરૂ કરતી વખતે નાનાભાઈ, માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે બાળકોના નખ કાપવાનું, વાળ ઓળી આપવાનું તથા નદીએ લઈ જઈ તેમને નવડાવવાનું કામ કરવાની સલાહ પોતાના સાથીદારોને આપે છે. ગ્રામશાળામાં ચરખો ચલાવવાની સાથે સાથે સંસ્થાની આર્થિક સ્વાયત્તા માટે ખેતીકામ પણ શરૂ કરાવે છે, જેમાં વિદ્યાર્થીઓ જ નહિ, અધ્યાપકો પણ હોંશથી જોડાય છે.શરૂઆતથી જ ખેતી ઉપરાંત સમાજોપયોગી વિવિધ ઉત્પાદક શ્રમ, જેવા કે વણાટકામ, સુથારીકામ, લુહારીકામ, સીવણકામ વગેરે પર પણ આ કેળવણીમાં ભાર મૂકવામાં આવ્યો હતો.પણ આ સાહસની શરૂઆતથી જ અનેક પ્રકારની સમસ્યાઓનો આ લોકોએ સામનો કરવો પડ્યો હતો, જેમ કે લોકશાળામાં સવર્ણ અને હરિજન વિદ્યાર્થીઓ એક જ પંગતે બેસીને જમતા – તે સ્થિતિ તત્કાલીન ગ્રામજનોને સ્વીકાર્ય ન હતી. નાતજાત અને ઊંચનીચના વાડાઓ, સશક્ત વર્ગ દ્વારા નિર્બળ લોકોનું થતું શોષણ, ગરીબી અને અજ્ઞાનને કારણે વકરતા રોગો, વ્યક્તિગત સ્વાર્થ આડે જનહિતનાં કાર્યોની થતી ઉપેક્ષા વગેરે અનિષ્ટો સામે પણ ઝઝૂમવાનું હતું. વળી, લોકશાળાને કોઈ માન્યતા મળી ન હતી. ભણાવવાના ભાગ રૂપે નાનાં-મોટાં કામો કરવાનાં હતાં એટલે વિદ્યાર્થીઓ શોધવા માટે આસપાસનાં ગામોમાં જવું પડતું. પ્રારંભમાં કુંડલાનાં નેસડી, ચરખડિયા, ચારોડિયા અને ત્યાર બાદરાજકોટ બાજુનાં મોટીમારડ, છાડવાવદર, કોલકી, ભાયાવદર, માલપરા વગેરે ગામોએ પોતાનાં બાળકોને લોકશાળામાંમોકલીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. નાનાભાઈ અને મનુભાઈ એમના વિદ્યાર્થી-કિશોરો સાથે જ જમતા, રમતા, ભણાવતા, સાથે બોર ખાતા અને ચોમાસે પૂરચઢી નદીએ નાહવા પણ જતા.

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાએ તળાજા પાસે મણારમાં લોકશાળા શરૂ કરી ત્યારે મનુભાઈએ એ વિસ્તારના આગેવાનો સમક્ષ પહેલી માંગ ખેતીવાડી માટેની જમીનની કરી હતી કેમ કે આવી સ્વાયત્ત સંસ્થા ખેતી દ્વારા સ્વાવલંબી થવી જોઈએ અને એમ થાય તો જ પેલી સ્વાયત્તતા જાળવી શકાય. થોડાક દિવસોમાં દસ્તાવેજ તૈયાર થયા અને મહિનામાં ત્રણ ગામ વચ્ચેની જમીન મળી ગઈ. પહેલી વાવણી વખતે આસપાસનાં ગામનાં લોકો 80 હળ, દંતાળ ને વાવણિયાં લઈને આવ્યા હતાં! આરંભમાં આ જમીનમાં અધ્યાપન મંદિર અને લોકશાળાના શ્રમશિબિરો ચલાવ્યા. આંબલા-મણારની આવી સામૂહિક જહેમત રંગ લાવી, સૌરાષ્ટ્ર સરકારે લોકશાળાના અભ્યાસક્રમને સ્વીકાર્યો, સૌરાષ્ટ્રમાં અનેક લોકશાળાઓ સ્થપાઈ જે ક્રમશઃ વધીને 245 જેટલી થઈ.

1934માં ગાંધીજીએ પોતાની મૂળ વાત દોહરાવતાં કહ્યું, ‘આપણી વિદ્યાપીઠ હવે ગામડાંમાં જઈને વસે. ગામડામાં વિદ્યાપીઠ એટલે શું તેનો વિચાર કરીએ. યુનિવર્સિટી કેળવણીનો ઉદ્દેશ તો દેશના સ્વાતંત્ર્ય માટે જીવે અને મરે એવા સાચા લોકસેવકો પેદા કરવાનો હોવો જોઈએ…હું ભાર તો પ્રાથમિક શાળાઓ ઉપર દેવા ઇચ્છું છું. પ્રાથમિક શાળાઓની ઉપર વિદ્યાપીઠ વધારે ધ્યાન આપે, તેને વિશે વધારે જવાબદારી લે એમ ઇચ્છું છું…’ 1937માં ગાંધીજીએ વર્ધામાં બુનિયાદી – નઈ તાલીમની યોજના રજૂ કરી, જેમાં ‘કેળવણીના કેન્દ્રમાં સમાજોપયોગી, સર્વત્ર શક્ય અને ઉત્પાદક શરીરશ્રમ સમેતનું શિક્ષણ સમગ્ર જીવનશૈલી સંદર્ભે અપાય અને એ ઉત્પાદક શરીરશ્રમથી થયેલી આવકથી જ શાળાનો નિભાવ થાય’એ વિચાર રહેલો હતો.

ગાંધીજીને ખ્યાલ આવી ગયો હતો કે નઈ તાલીમના વ્યાપક અને સઘન અમલીકરણ દ્વારા ગ્રામીણ સમાજને સ્વાવલંબી ને સુરક્ષિત કરવો હોય તો તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એવા તબક્કા-ભેદથી ન ચાલતાં, સમગ્ર શિક્ષણપ્રણાલીને નઈ તાલીમ અનુસાર ઢાળવી જરૂરી બનશે. આ કામની જવાબદારી એમણે હિન્દુસ્તાની તાલીમી સંઘને સોંપી, જેણે સમગ્ર શિક્ષણપ્રણાલીને પાંચ તબક્કામાં વિભાજીત કરી.

‘ડૉ. રાધાકૃષ્ણન યુનિવર્સિટી કમિશન’ની કામગીરીના ફળસ્વરૂપ, 1949માં પ્રકાશિત અહેવાલમાં અમેરિકાના ડૉ. આર્થર ઈ. મોર્ગનનો લેખ‘હાયર એજ્યુકેશન ઈન રિલેશન ટુ રૂરલ ઇન્ડિયા’ હતો. ગૂજરાત વિદ્યાપીઠે તેનો ગુજરાતી અનુવાદ કરાવી ‘ગ્રામવિદ્યાપીઠ’ (1951) પુસ્તકરૂપે પ્રકાશિત પણ કર્યો હતો.મોર્ગને કરેલા દિશાનિર્દેશની નાનાભાઈ ઉપર ઊંડી અસર પડી હતીઅને તે પુસ્તકની પ્રસ્તાવના પણ તેમણે લખી હતી. હિંદમાં ગામડાઓની બરબાદી, ગ્રામીણ પ્રજા અને યુનિવર્સિટીઓ વચ્ચેનું વધતું અંતર, ગાંધીપ્રણીત વર્ધાયોજના, ગામડાં માટેની શાળામાં કામ અને સ્વાવલંબન, ગ્રામ-મહાવિદ્યાલય (કૉલેજ), ગ્રામવિદ્યાપીઠ, સ્ત્રીશિક્ષણ, પાયાની કેળવણી, શારીરિક કેળવણી, ગ્રામસમાજ માટેના નવા હુન્નર-વ્યવસાયો અને તેનું ઔદ્યોગીકરણ, ગ્રામવિદ્યાપીઠનું કાર્યક્ષેત્ર અને અભ્યાસક્રમ તથા ગ્રામલક્ષી કેળવણીના વિષયો વગેરે મુદ્દાઓ પર એ પ્રસ્તાવનામાં એમણે વિશદતાપૂર્વક વિસ્તારથી લખ્યું છે.

ડૉ. મોર્ગને એમણે ચીંધેલી દિશામાં આગળ વધવાના ઉપાયો પણ સૂચવ્યા હતા, “અમારો અભિપ્રાય એવો છે કે હિંદનાં ગામડાંને ઘટક તથા નિયામક તત્ત્વ તરીકે રાખીને નવું હિંદ સર્જવાનું કામ કોઈ નવી, જુદી અને સ્વતંત્ર સંસ્થાનું જ હોઈ શકે કે જે સંસ્થા પોતાનું સ્વરૂપ પોતાની રીતે ઘડવાને સ્વતંત્ર હોય.”ઉદ્યોગ-વ્યવસાય વિકસાવવા માટે શિક્ષણમાં બૌદ્ધિક વિષયોની સાથે જરૂરી એવા હિસાબકિતાબ, વેપારવ્યવસ્થા, વહીવટ તેમ જ કાયદા-કાનૂન અને રાજ્યવહીવટ જેવા વિષયોની સમજ અને તાલીમ પણ જરૂરી છે. આના કારણે તૈયાર થયેલા ખેડૂત, કારીગર, ઇજનેર, વકીલ, દાકતર અને શિક્ષક માત્ર એક જ શાખાનું જ્ઞાન પામે તેને બદલે પોતાના વ્યવસાય તેમ જ સમગ્ર જીવન માટે જરૂરી તાલીમ, માહિતી અને જ્ઞાન મેળવી શકે, તે પ્રકારે વિદ્યાર્થીનું ઘડતર કરવું જોઈએ. (પૃ. 32-37)લોકભારતી સંસ્થાની રચના પાછળ ગાંધીજી અને ડૉ. મોર્ગનના લેખોને શરૂઆતનાં પ્રકરણોમાં મુદ્દાસર તથા ક્રમબદ્ધ રીતે વણી લેવામાં આવેલા છે.
નાનાભાઈની વિચારસરણી અને લોકભારતીના શિક્ષણકાર્યની આધારસ્તંભરૂપ બાબતો : ડૉ. મોર્ગનની વાતોથી નઈ તાલીમ અને બુનિયાદી કેળવણી સાથે સંકળાયેલા કેળવણીકારો પ્રભાવિત હતા અને નાનાભાઈ અને મનુભાઈ પર તેમના વિચારોની વ્યાપક અને સઘન અસર હતી તથા તે દિશામાં તેઓ સતત વિચારતા રહ્યા હતા. આંબલાની ગ્રામશાળામાં નિશાળનું ભણતર પૂરી કરનાર વિદ્યાર્થીઓ કૉલેજનું શિક્ષણ યોગ્ય લઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં નાનાભાઈ અને મનુભાઈ રસ લે છે પરંતુ આંબલાની ગ્રામશાળામાં ભણેલા વિદ્યાર્થીઓ શહેરોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતી વખતે તેના અલગ પ્રકારના વાતાવરણને કારણે સહજ રીતે ગોઠવાઈ શકતા નથી, તેવી વાત કરવા, જેમણે વિનીત સુધીનો અભ્યાસ આંબલા લોકશાળામાં કરેલો એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ – ગણેશભાઈ ડાભી, યશવન્તભાઈ ત્રિવેદી વગેરે સાથેની ચર્ચાને અંતે ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરવાના નિર્ણયને બળ મળે છે.

કેળવણીને માત્ર નોકરીનું સાધન ગણવાની પ્રથા દેશના ખૂણે ખૂણામાં રૂઢ થઈ ગઈ હતી છતાં મસ્ત અને અલગારી સ્વભાવના થોડા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો મળી જ આવે – તેવો આશાવાદ નાનાભાઈને હતો જ તેથી જ નવી સંસ્થાની સ્થાપના કરતી વખતે નીચે દર્શાવેલા બે ઉદ્દેશો ધ્યાનમાં રાખ્યા હતા :

1. નવી કેળવણી ગ્રામસમાજને અનુકૂળ હોય અને ગામડાંના નવસંસ્કરણમાં મહત્ત્વનો ફાળો આપે તેવી હોવી જોઈએ.

2. આ કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ.

જીવનનાં તમામ ક્ષેત્રો-વિષયો સાથે શિક્ષણનો સેતુ જળવાય તે રીતે ગ્રામવિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ભણાવવાના વિષયોનીજે યાદી નાનાભાઈએ બનાવી હતી, તેનો ઉદ્દેશ જીવનલક્ષી સર્વાંગી કેળવણી કેવી રીતે પૂરી પાડી શકાય અને તે માટે કઈ કઈ સામગ્રી જોઈએ તે અંગેની સઘન વિચારણા હતી. તેમાં નીચે મુજબના ચૌદ વિષયો હતા :

ખેતીવિદ્યા અને તેને લગતું વિજ્ઞાન અને ઇજનેરીવિદ્યા, પિયત ખેતી માટે જળસંચય અને સિંચન માટેની ઇજનેરીવિદ્યા,ગોપાલન અને ડેરી સાયન્સ, ઘેટાં-બકરાં તથા મરઘાં-બતકાં-ઉછેર, જંગલવિદ્યા, ખનિજવિદ્યા, માછીમારી – મત્સ્યોદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, ગ્રામપંચાયત, આરોગ્યશાસ્ત્ર, સમાજવિદ્યા, ભૌતિકવિજ્ઞાન, સાહિત્ય,સંગીત અને અધ્યાત્મવિદ્યા

નાનાભાઈ સ્પષ્ટ હતા કે ગ્રામવિદ્યાપીઠમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ અને એમનું ઘડતર કરનારા કાર્યકર-અધ્યાપકો ગ્રામાભિમુખ હોવા જોઈએ તેમ જ એ અધ્યાપકોએ વિદ્યા ઉપરાંત શીલની ઉપાસના-સાધના પણ કરી હશે. લગભગ સિત્તેર વર્ષ બાદ લોકભારતીનું મૂલ્યાંકન કરવામાં આવે તો નાનાભાઈની આ આશા-અપેક્ષા સારી રીતે સંતોષાઈ છે – તેમ રમેશભાઈ જણાવે છે. તેની પાછળનાં અન્ય કારણોમાં મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ, રતિભાઈ વગેરે જેવા મળેલા તત્પર અને સમર્થ અધ્યાપક-સાથીદારો, સન્માન્ય ટ્રસ્ટીઓ, નિયામક, ઉપનિયામક, વિવિધ વિભાગોના આચાર્યો અને કાર્યકરો છે. લોકભારતીની સમગ્ર કાર્યશૈલી અને વહીવટી પદ્ધતિમાં પદ કે હોદ્દાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું નથી અને સૌ કાર્યકરોની કાર્યનિષ્ઠા અને કુશળતાને જ મહત્ત્વનાં ગણવામાં આવ્યાં છે. અધ્યાપન-શિક્ષણ, છાત્રાલય-સંચાલન તથા વિવિધ વિભાગોનાં વ્યવસ્થાપકીય કામો પણ નિયામક અને આચાર્ય દ્વારા થતી વહીવટી કામગીરી જેટલાં જ મહત્ત્વનાં ગણાયાં છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના વખતે સંસ્થાની નોંધણી વખતે સંસ્થાનાં ઉદ્દેશ-ધ્યેય અને તે સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિઓ નક્કી કરાઈ હતી. દસ્તાવેજમાં પાંચ મુખ્ય ધ્યેયો નક્કી કરવામાં આવ્યા હતા, જેનો સાર રમેશભાઈએ પૃ.58-59 પર નીચે મુજબ જણાવ્યો છે :

“લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતાં લોકોને માટે, સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયેલી અના ભારતીય સંસ્કૃતિ તથા પ્રકૃતિ-પરિવેશને અનુકૂળ થઈ અનુસરનારી તેમ જ માનવવિદ્યાઓ અને વિજ્ઞાનમૂલક શાસ્ત્રોનો, ઉત્પાદક શરીરશ્રમ સાથે અનુબંધ રચીને ગ્રામજીવનલક્ષી ઘડતર કરીને વ્યક્તિને વિદ્યાવંત તથા શીલવાન બનાવે તેવી વ્યાપક કેળવણીની ભૂમિકા રચીને શોષણવિહીન સમાજરચના માટેના પ્રયત્નો કરશે.

આ ઉદ્દેશ બર આવે એ માટે લોકભારતી બાલશિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, લોકશિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પ્રયોગશાળાઓ – અને પ્રજાકીય શિક્ષણની એવી બીજી પ્રવૃત્તિઓ કરશે તેમ જ એ અંગે જરૂરી પુસ્તકો, પાઠ્યપુસ્તકો, નિયતકાલિકો તેમ જ અન્ય પ્રકાશનો પ્રગટ કરશે.”

લોકભારતીના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે નીચે મુજબની આધારસ્તંભરૂપ બાબતોને અનિવાર્ય ગણવામાં આવી :

ગ્રામલક્ષિતા, સાદગી અને કરકસર, ઉત્પાદક શરીરશ્રમ, સામાજિક પરિવર્તન, સમૂહજીવન, પાઠ્યસામગ્રીનો જીવન સાથે અનુબંધ, માતૃભાષા દ્વારા શિક્ષણ, સહશિક્ષણ અને છાત્રાવાસ, સહઅભ્યાસક પ્રવૃત્તિઓ, લોકશાહી-મૂલ્યોનું જતન (પૃ. 62)

વિરલઘટનાઓઅનેપ્રસંગોનુંનિરૂપણ :લોકભારતી ગ્રામવિદ્યાપીઠની વિશેષતા અને વિશિષ્ટતા ચીંધતાં વિવિધ ઘટના અને પ્રસંગો દૃશ્યાત્મક રીતે વાચક સામે તરી આવે તે રીતે યોગ્ય કથન, વર્ણન અને સંવાદોની મદદથી રમેશભાઈએ લખાણ લખ્યું છે, જેમ કે પ્રથમ પ્રકરણમાં ઢેબરભાઈ લોકભારતીનું ઉદ્¬ઘાટન કરે છે, આરંભના દિવસોમાં મૂંઝાયેલા કાર્યકરો સાથેની વાતચીત (પૃ 20-21), આંબલા લોકશાળામાં ભણેલા વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે આગવી સંસ્થા ઊભી કરવા અંગે નાનાભાઈ અને મનુભાઈ સાથે થતી વાતચીત તથા સલાહ-સૂચન (પૃ. 27-30),સંસ્થાની મદદથી એમ.એસ.સી.નાઅભ્યાસ માટે અમેરિકા ભણવા જતા રતિલાલ અંધારિયાને તેમની શક્તિ અને મળનાર ડિગ્રી બાદ સંસ્થાનું ક્ષેત્ર તેમના માટે નાનું પડશે તેવી સલાહ આપતા નાનાભાઈ અને જવાબમાં ગ્રામોદ્ધાર માટે પોતાની કટિબદ્ધતા દર્શાવતા રતિભાઈ (પૃ. 68),
અધ્યાપકો ઉપરાંત સંસ્થાના વહીવટી વિભાગના અગ્રણી પણ વિદ્યાર્થીઓ સમક્ષ તેમના જીવનના અનુભવો જણાવે તેવી વ્યવસ્થા લોકભારતીમાં હતી. મધ્યસ્થ કાર્યાલયના હિસાબ વિભાગમાં કામ કરતા જ્યંતીભાઈ શેઠ નોકરીની શોધમાં નાનાભાઈને મળવા આવે છે ત્યારે ખેતરમાં કપાસ વીણતા નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ, રતિભાઈ અંધારિયા વગેરેને મળે છે, ત્યારે નાનાભાઈ કપાસ વીણતાં-વીણતાં જ જ્યંતીભાઈને પ્રશ્નો પૂછે છે અને લોકભારતીની સ્થિતિ અંગે જાણકારી આપે છે. તે સહુને કપાસ વીણતા જોઈ જ્યંતીભાઈ પોતે આપમેળે જ સાહજિક રીતે કપાસ વીણવા લાગે છે અને તેને કારણે કાર્યકર રૂપે પસંદ થાય છે. (પૃ. 69-73)

ભાવિસ્વસ્થસમાજનુંધરુવાડિયું: શહેરોમાં ઘરકામ, બાળકોનાં શિક્ષણ, આરોગ્યથી માંડીને વાહનવ્યવહાર માટેની વિવિધ સગવડો સરળતાથી મળે છે, જ્યારે ગામડાંમાંઆજે પણ જૂજ સગવડો યખાસ્સી મહેનતપછી મળી રહે છે, તેવા સંજોગોમાં ગ્રામ્યવિસ્તારમાં રહેનારે સ્વાવલંબન, સાદગી અને કરકસરથી રહેવું જરૂરી બને છે. તેથી જ ગ્રામવિદ્યાપીઠમાં વિદ્યાર્થી તથા કાર્યકરે વિવિધ દૈનિક પ્રવૃત્તિમાં સામેલ થઈ સ્વાશ્રયી અને સાદગીભર્યું જીવન જીવવું જરૂરી છે. લોકભારતીમાં શિક્ષણના મહત્ત્વના માધ્યમ તરીકે સમાજોપયોગી અને ઉત્પાદક શરીરશ્રમ-ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તથા વિદ્યાર્થી અને કાર્યકરમાં આ પ્રકારની જીવનશૈલી સહજ રીતે જોવા મળે છે. આ બાબતને સમજવા માટે પુસ્તકમાં નોંધાયેલાં કેટલાંક ઉત્તમ ઉદાહરણો જોઈએ :

મનુભાઈએ ‘સદ્¬ભિઃ સંગઃ’માં લખ્યું છે કે, “અમે વિદ્યાર્થીઓ સાથે પાણી ભરતા, સાથે રજકો વાઢતા, લાણી સાથે જ કરતા અને આ બધા માટે ભાત લઈને કોઈક વાર સુખડી-કઢી લઈને મારાં પત્ની ખેતરે આવતાં.જાજરૂસફાઈનું કામ તો અમે સ્વેચ્છાએ જ લેતા. આરંભનાં પાંચ-છ વર્ષ એકધારું એ કામ મેં નિયમિત રીતે કરેલું.” (પૃ. 81)

લોકભારતીમાં સવારના બે તાસ પછી, સાડા આઠથી સાડા દસ દરમ્યાન વિદ્યાર્થીઓ શરીરશ્રમ – ઉદ્યોગમાં રોકાયેલા રહે છે. ઉદ્યોગમાં મુખ્યત્વે ખેતી, ગોપાલન, સફાઈ, મકાન-બાંધકામ અને બાગાયત નર્સરી માટેનાં કામો કરવાનાં હોય. આ દરેક ઉદ્યોગ માટે થતી વિવિધ કામગીરીની પાના નંબર 87-88 પર વિગતવાર યાદી આપવામાં આવેલી છે.આપણી જાહેર સંસ્થામાં સામાન્ય રીતે સંડાસ અને પેશાબઘરની સફાઈ સદંતર ઉપેક્ષા પામતી હોય છે. લોકભારતીમાં આ કામગીરી દૈનિક ગૃહકાર્ય તરીકે થતી આવી છે. રમેશભાઈ લખે છે કે, આ કામગીરી અને ખાસ કરીને સંડાસના ખાળકૂવા છલકાય-ઊભરાય ત્યારે તેની સફાઈ માટે એમની સાથેના સાત-આઠ વિદ્યાર્થીઓ ખાસ પ્રથમ પસંદગી પામતા. તે માટે તેમની ટુકડીને વર્ગોમાંથી મુક્તિ મળતી, ભોજનકાર્યની આગળપાછળ ચાર કલાક કામ કરીને ખાળકૂવાની સફાઈ પૂરી થતી. તે વખતના આચાર્ય લક્ષ્મણભાઈ પટેલ પણ આ કામમાં સાનંદ જોડાતા. આ ગંદુ કામ કર્યા પછી ભોજન લેતી વખતે બુચકાકા હાથમાં બેસી ગયેલી મળની દુર્ગંધથી બચવા ચમચીનો ઉપયોગ કરવાનું કહેતા પણ રમેશભાઈ લખે છે તેમ, “ભૂખ એવી લાગી હોય કે ચમચી શોધવા કોણ બેસે ?”(પૃ. 88)

વિવિધ શ્રમકાર્ય માટે વિદ્યાર્થીઓનાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા પણ પ્રશંસા પામે તેવી છે – આ વિધાનનાં દૃષ્ટાંતરૂપ કેટલાંક વર્ણન-કથન નોંધપાત્ર છે :
“એક સાથે અમે વીસ-બાવીસ બળિયા બહાદુરો લાઈનસર ઊભાં ઝાડુ સાથે ફરી વળીએ અને ઉત્સવના આગલા દિવસે એ ચોક અને મેદાન છણછણ છીંકો આવે એવાં ચોખ્ખાંચણાક થઈ જાય.બીડમાં આગ લાગી છે – ની જાણ થતાં જ ભીના કોથળા અને કોદાળી-પાવડા સાથે ઓલવવા દોડી જવું, મણાર લોકશાળામાં ખેતપાળા બાંધવા કે તળ લોકભારતીમાં ખેતતલાવડી ખોદવા યોજાતી સામૂહિક માસિક કામશિબિરો, છાત્રાલયો તેમ જ ગ્રંથાલય-ટાઉનહૉલનાં મકાનોનાં રંગરોગાન કરવાં, રમતોત્સવ માટે વિવિધ રમતોનાં મેદાનની મરામત અને તૈયારી કરવી, અધ્યાપન મંદિરના મકાનના પાયા ગાળવા વગેરે. આમ, લોકભારતીમાં આવાં ઉદ્યમ-ઉદ્યોગ-પર્વો નિતાંત અને નર્યાં નિજાનંદપર્વો બની રહેતાં ! શિયાળાની કડકડતી ઠંડી હોય, વૈશાખની લૂ ઝરતી ગરમી હોય કે શ્રાવણ-ભાદરવાનાં કનડતાં સરવડાં હોય – લોકભારતીનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ એવાં ઉદ્યોગકાર્યો મજાથી કર્યાં છે અને તેથી જ એમને ભણાવાતાં ખેતી-ગોપાલન, બાગાયત, જમીનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજનવનિર્માણ અને ભાષાસાહિત્ય જેવા વિષયોનું માનવજીવન સાથેનું પ્રતિપળનું સંકલન જાતઅનુભવે પ્રમાણ્યું છે.”(પૃ. 89-92).

વિદ્યાર્થીકાળ દરમ્યાન રમેશભાઈએ અનુભવેલી ઉદ્યમશીલતાને પોતાની પ્રવાહી અને દૃશ્યાત્મક શૈલીમાં નીચે મુજબ વર્ણવી છે :
“સાપ્તાહિક શ્રમકાર્ય-ડોસનના દિવસોમાં છસાત કલાક કામ કર્યા પછી ડોલ-લોટાની દરકાર કર્યા વિના, સીધા નળ નીચે શરીર ધરીને નહાવાની મજા, એમ સદ્યસ્નાત થયા પછી સાંજના ભોજનમાં પીરસાતાં શાક-રોટલા, કઢી-ખીચડી અને દૂધ-દહીં પર તૂટી પડવાની લિજ્જત અને… સાંજની પ્રાર્થના, હાજરી, કાંતણથી પરવારી, ચીકુવાડી કે ગૌશાળા તરફ હળવી લટાર મારીને પછી મધ્યાકાશે મલકતા ચાંદાને જોતાંજોતાં પથારીમાં લંબાવતા, હાથપગ અને ખભાવાંસા, સમેત કરોડરજ્જુમાં અનુભવાતો પથરાટ – આ બધું તો માંહી પડેલાનું મહાસુખ છે – માણ્યું હોય એ જ આમ પુનઃપુનઃ યાદ કરીને એને માણતા રહે !” (પૃ. 94)
પરિવારની ભાવના નીચેનાં દૃષ્ટાંતોમાં કેટલી સરસ રીતે વ્યક્ત થઈ છે !

એક જ રસોડે જમતા વિદ્યાર્થી અને શિક્ષકોનો નાનકડો પરિવાર તથા નાસ્તો કરતી વખતે પોતાના વાડકામાંથી થોડું દૂધ વિદ્યાર્થી ગણેશભાઈ ડાભીને આપતા નાનાભાઈ (પૃ. 100), કછોટો વાળીને ગાયને દોહતા મનુભાઈ, વરસતા વરસાદમાં ડુંગરામાં વિદ્યાર્થીઓને ફરવા લઈ જતા અને વળતા ટાઢથી ધ્રૂજતા હોય ત્યારે તેમને રસોડે સૂંઠિયું બનાવીને ખવડાવતા તથા સાંજે આંબાવાડિયામાં હુતૂતૂની રમતમાં જોડાતા મનુભાઈ (પૃ. 100).

દક્ષિણામૂર્તિમાં વીસ વર્ષની ઉંમરે ગૃહપતિનું કાર્ય શરૂ કરનાર આદર્શ ગૃહપતિ મૂળશંકરભાઈ લોકભારતીમાં સ્વાતંત્ર્યદિનની પરેડની તૈયારી દરમ્યાન પ્રેકટિસ કરી રહેલા એક વિદ્યાર્થીને તેની ચાલ જોઈને દૂરથી જ પારખી-પામી જાય છે કે તેની તબિયત સારી નથી. તપાસ કરાવતાં ખબર પડે છે કે તે વિદ્યાર્થીને ક્ષયની પ્રારંભિક અસર છે. (પૃ. 103) અધ્યાપકો તો વાત્સલ્ય વરસાવતાં, સાથે સાથે તેમનાં વડીલ કુટુંબીજનો તેમ જ ગૃહિણીઓ પણ વિદ્યાર્થીઓને વહાલથી ઘરમાં આવકારતાં.

લોકભારતી નાની ટેકરીઓની તળેટીમાં વસેલી છે અને તેના પશ્ચિમ કિનારે ‘સીંદરી’ નામની અનેક વળાંક ધરાવતી નદી વહે છે. તેની ઉપર લોકભારતીએ ચેકડેમ બાંધ્યો છે, જેથી એકત્રિત પાણી જાતે ખોદેલી સાતખેતતલાવડીમાં જમા થઈ છલકાઈને સીંદરી નદીમાં મળી જાય છે. વિદ્યાર્થીઓ અને કાર્યકરો આસપાસ પથરાયેલા પ્રકૃતિ વૈભવને જે રીતે માણે છે, તેનું હર્ષભેર વર્ણન કરતી વખતે પૃ. 109 પર રમેશભાઈ જણાવ્યું છે કે, વિવિધ પ્રકારનાં છોડ-વૃક્ષોને ઊછેરવાનું કામ, ડુંગરોમાંથી દોટ મૂકીને આવતી નીલગાયને તગેડવાની મઝા, પ્રહલાદ પારેખનાં વર્ષાગીતો ગાતાંગાતાં વરસાદને આવકારવાનું તથા મનુભાઈની સાથે નદીમાં ખાબકવાનું, કોઈ તણાય ન જાય તે માટે, તરવાનું જાણતા વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાના હાથ ભીડીને સાંકળ રચીને સૌને નદીની સામે પાર પહોંચાડવાનું, સાંઢીડા મહાદેવના નાનકડા કુંડમાં કાંઠે આવેલા તોતિંગ વૃક્ષ પર ચડીને પલાંઠિયા ધૂબાકા મારવા, શરદપૂનમ અને ફાગણીપૂનમની રાતે ઝરમરતી ચાંદનીમાં રાજેન્દ્ર હિલની આસપાસની ટેકરીઓની ટોચે, લીસ્સા પથ્થરો પર આડા પડીને વીતેલી વાતોને વાગોળવી.આ બધી મોજમસ્તીમાં કોઈ બાકાત રહે તો પણ શા કાજ ?
સહશિક્ષણને લોકભારતીએ બુનિયાદી અનિવાર્યતા તરીકે પ્રાથમિકશાળાથી જ સ્વીકાર્યું છે. નાનાભાઈએ કહ્યું છે તેમ, “આપણે રુંધનના હિમાયતી નથી પણ સમાજમાં આવ્યા એટલે મનફાવતી રીતે વર્તવાનું તો શક્ય નથી.”આ સંદર્ભે બે મર્યાદાઓ સ્વીકારવામાં આવી.સામાન્યતઃ રાતના નવ વાગ્યા પછી ભાઈઓ-બહેનોએ નહીં મળવાનું અને બે જણે એકલાં તો નહીં જ મળવાનું. મુખ્ય ઉદ્દેશ તો શિક્ષણ-સંસ્કારોને વધુ અર્થવાહક – તેજસ્વી બનાવવાનો છે, નહીં કે પરસ્પરની પસંદગી કે પ્રેમ કરવા માટે. છતાં પણ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને કેટલીક વાર પ્રેમ કે પરણવાનું મન થાય તેમ જ માત્ર કામવૃત્તિથી બહેકી જતા હોય તેવા વિદ્યાર્થીઓને સલાહ, સમજાવટ તથા માર્ગદર્શન આપવામાં આવતાં, જેથી તેમની કેળવણી અને ભવિષ્યની આડે આવે તેવી ભૂલ ન કરી બેસે.
વિદ્યાર્થીઓમાં લોકશાહીનાં મૂલ્યોની સમજણ આવે તે માટે 1956માં જ વિદ્યાર્થીમંડળની રચના કરવામાં આવી. તેનાં વિવિધ પદ તેમ જ સમિતિઓ માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવે છે. આ વિદ્યાર્થીમંડળ લોકભારતીની પ્રત્યેક પ્રવૃત્તિનાં આયોજન અને અમલીકરણમાં પ્રતિનિધિત્વ પૂરું પાડે છે.
આનંદથીભણતાવિદ્યાર્થીઓ : લોકભારતીના પરિસરના ખુલ્લા ચોકમાં, વૃક્ષોની નીચે, ખુલ્લાં હવા-પ્રકાશમાં, અધ્યાપકને કેન્દ્રમાં રાખીને ચોપાસ બેસીને ભણેલા પાઠ આજે પણ રમેશભાઈને સ્મરણપટ પર યાદ છે. કવિશ્રી ઉમાશંકર જોશીનો ઉદ્-ગાર ‘વર્ગ એટલે સ્વર્ગ’ એ લોકભારતીના વિદ્યાર્થી માટે સાવ સાચો અને સુખદ અનુભવ છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના સ્નાતક થયા પછી શામળદાસ કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરતા રમેશભાઈને તે વખતના અધ્યાપકો અને સાથી વિદ્યાર્થીઓ મજાક અને કટાક્ષમાં પૂછતા કે, ‘તમે બી.એ. વીથ ગોબર ગૅસ કે બી.એ. વીથ સંડાસસંફાઈ ?’આ પ્રશ્નોના ઉત્તર રૂપે લોકભારતી ખાતે ભણતી વખતે સમૂહજીવન અને વિવિધ પ્રકારની સહઅભ્યાસક પ્રવૃત્તિઓના અનેરા પ્રસંગોમાંથી પોતે પસાર થયા હતા અને તે દ્વારા પમાયેલા આનંદ અને સંતોષની સ્પષ્ટતા તો અલબત્ત, રમેશભાઈએ નહોતી કરી,પણ મને લાગે છે કે લોકભારતી ખાતેનાં શિક્ષણ, રસાળ દિનચર્યા, ઉત્સવો, પ્રવાસ, કેન્દ્રનિવાસ (ઇન્ટર્નશીપ), કુદરતી આફતો વખતે વિવિધ સ્થળે વિદ્યાર્થીઓએ કરેલાંરાહતરૂપ સેવા-કાર્યો, સ્થાપના પછી થોડા જ સમયમાં યોજાયેલા અખિલ ભારતીય નઈ તાલીમ સંમેલનના આયોજન દરમ્યાન વિદ્યાર્થીઓની સ્વયંસેવા વગેરે વિશે એમણે જે વર્ણન કર્યું છે તે સાહિત્યની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ પણ રમેશભાઈએ અનેક બાબતોને ગતિશીલ લેખન અને વર્ણનની મદદથી આ લખાણમાં વણી લીધી છે અને વાચક તે વાંચતી વખતે લોકભારતીના પરિચયની યાત્રામાં જાણે કે સહર્ષજોડાઈજાય છે. (પૃ. 122-147). લોકભારતીની સ્થાપના પાછળની પૂર્વભૂમિકા, ઉદ્દેશો, વિચારધારા, સંઘર્ષ વગેરે અંગે પુસ્તકનાં શરૂઆતનાં પ્રકરણોમાં શાસ્ત્રીય અને એકેડેમિક ચર્ચા અને લેખન વાંચ્યા પછી વાચકના મનમાં લોકભારતી ખાતેનું જીવન કેવું હશે અને ત્યાંના વિદ્યાર્થી-કાર્યકરોનાં જીવનનાં વિવિધ પાસાં જાણવા અંગે સહજ ઇચ્છા જાગ્રત થાય છે. વાચકને આ અંગે ચિત્રાત્મક (Visually) રીતે જાણકારી આપવાનો ખ્યાલ કદાચ રમેશભાઈના મનમાં હશે જ. અત્યાર સુધી પ્રમાણમાં ગંભીર રહેલા રમેશભાઈ પુસ્તિકાના મધ્ય ભાગમાં મોકળા મને ખીલ્યા છે. આ પ્રકરણ એ આખા પુસ્તકના શિખર સમાન છે કેમ કે જે આશયથી લોકભારતીની સ્થાપના થઈ હતી, તેની યથાર્થતા શી રીતે સિદ્ધ થઈ – એ બીનાને આ પ્રકરણ વાચક સમક્ષ અનેક દૃશ્યો રચી દઈને વિવિધરીતે આલેખે છે.એ સામગ્રી સુધી પહોંચતા પહેલા હું જરા મારી મનની વાત કહી દઉં ?

સૂચિત પ્રકરણમાં તેમણે લખેલાં પ્રસંગો, અનુભવો અને પ્રવૃત્તિઓ વાંચીને મારા જેવાને મીઠી ઇર્ષ્યા અને કૉલેજમાં અભ્યાસ દરમ્યાન આવી અનેક પ્રવૃત્તિઓથી સદંતર દૂર રહ્યા તે અંગેનો અસંતોષ તેમ જ વ્યક્તિત્વ ઘડતર માટે જરૂરી તાલીમમાંથી પણ વંચિત રહી ગયાનો રંજ પણ અવશ્ય થાય છે.હવે કેટલાં દૃષ્ટાંતોમાંથી પસાર થઈએ :

1966-67ના વર્ષે બિહાર દુષ્કાળ રાહતકાર્ય માટે સિદ્ધરાજજી ઢડ્ડાએ માગેલા અને લોકભારતીએ મોકલેલાં 23 યુવાન ભાઈ-બહેનોને બુચભાઈએ સાડાત્રણ મહિના સુધી દર અઠવાડિયે ઓછામાં ઓછા એકના હિસાબે પત્રો લખીને, આ અત્યંત ભયાનક-કારમી સેવા દરમ્યાન અમારાં મન-શરીર ખોટકાઈ ન જાય એ માટે સલોણું ઊંજણ કરેલું એ ભુલાયું નથી. (પૃ. 133)

લોકભારતીએ સઘળા ઉત્સવોને આવકાર્યા છે… અમારી ગ્રામવિદ્યાપીઠમાં વર્ષાની માફક વસંત પણ વિશિષ્ટ સ્વાગત પામે. બે પખવાડિયાંના બે ઉત્સવો – વસંતપંચમીનાં વનવિહાર ને વનભોજન તો ફાલ્ગુની પૂર્ણિમાનો રંગોત્સવ…હોળી પ્રગટી રહે પછી અમે ઊપડીએ રાજેન્દ્ર હિલ તરફની ટેકરીએ. ત્યાં ઊંચું આસન શોધી, ફરતા પટ્ટાનાં ગામોમાં પ્રગટતી હોળીઓ જોતાં-જોતાં, વીતેલી હોળીનાં સ્મરણો વાગોળીએ. અમારો સાથીદાર દેવરાજ ધામેલિયા તો કઈ હોળી, કયા ગામની – એ પણ હોંશભેર વરતી દે !(પૃ. 138-139)

આવતી કાલે વાપરવાના રંગો રાતે દોઢ-બે વાગ્યે નવશેકા ગરમ પાણીમાં ઘોળાય ને આજુબાજુ ઢીમ થઈને ઢળી પડેલા કુંભકર્ણોનાં મુખારવિંદો પર અમારી ચિત્રકલા અવનવા ઉન્મેષ દાખવે. (પૃ. 140)

લોકશાળા-લોકભારતીમાં પ્રથમ વર્ષા એટલે ઉત્સવમંગળ ! વર્ગો ચાલતા હોય ને વરસાદ તૂટી પડે તો વર્ગની પાછલી કતારમાંથી, બુચકાકા જેવા અમારા સહૃદયી અધ્યાપકને કોઈ વર્ષાગીત ગાવાની લાડભરી વિનંતી થાય… ગીત પૂરું થાય-ન-થાય ત્યાં તો, વર્ગો છોડીને નાહવા જવાનો પ્રસ્તાવ લઈને મનુભાઈ પાસે ગયેલા અમારા મોવડીએ લાંબો બેલ વગાડી દીધો હોય ! (પૃ. 142)

મનુભાઈ પણ કાંઠે ઊભેલા આંકોલીના ઝાડની ટોચે પહોંચે અને ત્યાંથી લગાવે પલાંઠિયો ધૂબકો. એનાથી ઊઠેલી પાણીની છોળ, એમની પાછળ ધૂબકો મારવાના પોતાના વારાની રાહ જોતા વિદ્યાર્થીને ભીંજવે આપાદમસ્તક ! (પૃ. 143)

હા, રમતવીરોને સ્પર્ધાની વચ્ચેના વિરામે તેમ જ અંતે ભારોભાર ગ્લુકોઝ ભરેલાં લીંબુનાં ફાડિયાં ચૂસવા મળતાં – વૉલીબોલ-સ્પર્ધાના ખેલાડી તરીકે એ હજુ પણ ભુલાયું નથી ! એ ખટાશ ભરપૂર ગળપણથી જે શક્તિ-સ્ફૂર્તિ-સંચાર થતો એ સાચ્ચે જ વિરલ હતો ! રાતના મનોરંજન કાર્યક્રમમાં સૌથી આગળ બેસવાની હોડ મચે. દાંડિયારાસ તો દૂરથી ય જોવાય, પણ નાટકનું શું ? અને નાટકો-નૃત્યો પણ કેવાં કેવાં ?… આ બધાંની મહિના-દોઢ મહિનાથી થતી તૈયારી-પ્રૅકટિસ જાણે કોઈ અવનવા વિશ્વમાં ઉડ્ડ્યન કરાવતી. (પૃ. 147)

નાનાભાઈ અને મનુભાઈએ સૌ સાથીદારોને મળી, પર્યાપ્ત વિચારણાના અંતે, સૌ કાર્યકરોની સંમતિ સાથે ઠરાવ્યું હતું કે સંસ્થાના છેલ્લા વેતનદારને જે મળતું હોય તેના કરતાં છગણાથી વધારે વેતન કોઈ નહીં લેતેમ જ હોદ્દાઓને કારણે અને આધારે મળતા વધારાના પગાર કોઈ નહીં લે. (પૃ. 105) વર્તમાન સંજોગોમાં જ્યાં વ્યવસાયીકરણનો પ્રભાવ છે ત્યાં આ પ્રકારની કટિબદ્ધતા કે મનોભૂમિકા અશક્ય છે. રાજ્ય સરકાર દ્વારા મળતા અનુદાન અને યુનિવર્સિટી સાથેના જોડાણ પછી પણ કૉલેજોના અધ્યાપકો તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને મળતા પગાર કરતાં પ્રમાણમાં લોકભારતીના કાર્યકરોનું પગાર ધોરણ નીચું છે, છતાં લોકભારતીના કાર્યકરો આનંદથી સેવા આપે છે.

વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં શિક્ષણ કાર્ય કરતી શિક્ષણસંસ્થાઓ–લોકભારતીઅધ્યાપનમંદિર, લોકસેવામહાવિદ્યાલય, કૃષિવિદ્યા-પ્રમાણપત્ર, પંચાયતરાજ તાલીમકેન્દ્ર, સ્નાનક નઈતાલીમમહાવિદ્યાલય, ગ્રામવિદ્યા અનુસ્નાતકકેન્દ્ર, લોકભારતી પ્રાથમિકશાળા, તથા પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની લાક્ષણિકતા, કાર્યશૈલી, કાર્યકરો અને તેમની સિદ્ધિઓ વિશે ઉપયોગી ડેટા સાથેની વિગતો સંપાદિત રૂપે આપેલી છે. આ વિગતવાર માહિતી લોકભારતી માટે દસ્તાવેજીકરણ સમાન છે.મહેનત અને ચોકસાઈથી તૈયાર કરેલી આ તમામ વિગતો તેમ જ પરિશિષ્ટમાં જણાવવામાં આવેલી તમામ માહિતી તેમ જ લોકભારતીની આ પુસ્તિકા તેની વૅબ સાઈટ પર સત્વરે મૂકવી જોઈએ, જેથી બહોળા જિજ્ઞાસુ સમૂહને લોકભારતીની વિવિધ સંસ્થાઓ અંગે જરૂરી અને ટૂંકમાં પરિચય મળી રહે. અન્ય યુનિવર્સિટીઓ કરતાં ગ્રામવિદ્યાપીઠો કેવી રીતે અલગ છે અને તેમને કયા માપદંડોથી મૂલવવી જોઈએ, તે આ પુસ્તકથી સૂચવાય છે. આની મદદથી ગ્રામવિદ્યાપીઠોને મૂલવવા માટેનાં માપદંડો કે પરિબળોની યાદી પણ તૈયાર કરી શકાય. જે ધોરણે યુનિવર્સિટીઓને મૂલવવામાં આવે છે, તે જ આધારે ગ્રામવિદ્યાપીઠોને મૂલવી ના શકાય.
ઝાડનાંપારખાંફળપરથી : લોકભારતીએ તેના વિદ્યાર્થીઓનાં ઘડતર-કેળવણીમાં આપેલ પ્રદાન અને એમનાં જીવન-કાર્ય અંગે ટૂંકમાં જાણકારી મળે તે માટે મનુભાઈના સૂચનથી કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓ પાસે ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ શ્રેણી હેઠળ 30-40 પાનાંની પુસ્તિકાઓ લખાવાઈ છે. સાદી સરળ શૈલીથી લખાયેલી આ પુસ્તિકાઓની ઊડીને આંખે વળગે એવી વિશેષતા છે – તેના લેખનમાંદાખવાયેલું સમુચિત તાટસ્થ્ય. બહુધા આ પુસ્તિકાઓમાં લોકભારતીના આગવા શિક્ષણ-અભિગમ તથા વિદ્યાર્થી-લેખકના જીવનનાં સંઘર્ષ-સફળતા અંગેનું લખાણ છે, જેમાં લોકભારતીના ઉદ્દેશો મુજબ વિદ્યાર્થી-કાર્યકરોનું ઘડતર કેવી રીતે થયું છે – તે બાબત સિદ્ધ થાય છે.

‘લોકભારતી સણોસરા’ પુસ્તિકાના આઠમા અને અંતિમ પ્રકરણ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠની આવતીકાલ’માંતેના લેખક શ્રી મનસુખભાઈ સલ્લાએ અભ્યાસ અને ચિંતન કરીને ચોવીસ સૂચનો કર્યાં છે. રમેશભાઈએ તેની સારરૂપે નોંધ કરી છે. તે મુજબ, “જીવનનિર્વાહક ભૌતિકશાસ્ત્રો અને શાંતિદાતા માનવવિદ્યાઓની સમતોલ કેળવણી એ લોકભારતીનું સર્વોપરી અને અંતિમ ધ્યેય-લક્ષ્ય રહ્યું છે. પણ આજના ભૌતિકવાદી સમયમાં છવાઈ રહેલા અને સમૂચી માનવતાને વિમાસણમાં મૂકી રહેલા બજારવાદ-ઉપભોગવાદને બરાબર ઓળખીને એનાથી વેગળા રહેવાની ક્ષમતા આપણે દર્શાવવાની છે.” (પૃ. 227) અહીં જણાવવામાં આવેલાં તમામ સૂચનો લોકભારતી ખાતેના અત્યારના અને ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓ તેમ જ કાર્યકરો માટે વ્યવસ્થિત ધોરણે માર્ગદર્શન આપે છે. આ તમામ મુદ્દાઓનું હૃદયપૂર્વક મનન થવું જોઈએ. રમેશભાઈ માને છે કે, વર્તમાન સમયમાં લોકભારતીના વિદ્યાર્થીઓ પૂરતા આત્મવિશ્વાસથી અંગ્રેજી ભાષા વાંચી-સમજી અને લખી-બોલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. નોકરીના નામે શહેર તરફ ઘસી જવાને બદલે વિદ્યાર્થીઓ પોતાના વતન-વિસ્તારમાં જ સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે પ્રકારે તાલીમ મળે રહે તેવું આયોજન કરવું જોઈએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો અને ટ્રસ્ટીમંડળના મોવડીઓ વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વિવિધ સ્વરૂપે સામેલ થઈ, પોતાનાં મધુરાં સ્મરણોના આધારે તેમને પ્રોત્સાહિત કરે તેવું આયોજન કરવું જોઈએ. વીતેલાં સમયનાં સંસ્મરણોનું ‘કોડિયું’માં ક્રમશઃ પ્રકાશન થતું રહે તો અનેક પ્રેરણાત્મક પ્રસંગો વાચકો સમક્ષ આવતા રહેશે.

સંસ્થાના આધારસ્તંભ ગણાયેલા ચાર ગુરુજનો – મૂળશંકરભાઈ, બુચભાઈ, રતિભાઈ અને લક્ષ્મણભાઈના વ્યક્તિત્વ, તેમની લાક્ષણિકતા અને તેમના સહુના અલગારી સ્વભાવ સહજભાવે દૃશ્યમાન બને તે રીતે છેલ્લા પ્રકરણમાં રમેશભાઈએ આ ગુરુજનોના લાગણીસભર જીવનપ્રસંગો આલેખીને પોતાની આગવી છટાથી તેમને સહુને ભાવઅંજલિ આપી છે.

આ પુસ્તિકા લખતી વેળા પૂર્વતૈયારી રૂપે ગાંધીજી, એ. ઈ. મોર્ગન અને નાનાભાઈ તથા મનુભાઈએ લખેલાં પુસ્તકોનો મજબૂત આધાર રમેશભાઈને મળ્યો છે. પ્રશ્ન થાય કે આ કર્મઠ અને શબ્દસેવી કેળવણીકારોએ પોતાનાં લેખો અને પુસ્તકો ન લખ્યાં હોત તો ? ગ્રામોત્થાનલક્ષી આ નૂતન કેળવણી અંગેનાં કેટલાં બધાં અગત્યના વિચારો, અનુભવો, પ્રસંગો, ઘટનાઓ વગેરે અંગે આજે આપણે અજાણ રહી ગયા હોત ?

આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની બેઠાડુ કેળવણી મેળવીને બેઠાડુ જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમ જ કાર્યોની થતી ઉપેક્ષા જોતાં એમ જરૂર થાય કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે ? વર્તમાન શિક્ષણ પ્રણાલિ વિદ્યાર્થીને વ્યક્તિગત ધોરણે જ ચઢિયાતા થવા પર ભાર મૂકે છે અને સમૂહજીવન કે સમાજ અંગેની નિષ્ઠા કે સમજ કેળવવા પર કશો જ ભાર મૂકવામાં આવતો નથી. લોકભારતી જેવી સંસ્થામાં શિક્ષણની સાથે સાથે પાયાનું ઘડતર કરનારી વિવિધ પ્રવૃત્તિઓ, વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ તથા તેમની પદ્ધતિ અને પ્રણાલિ માટે એક કાર્યક્ષમ મૉડલ રજૂ કરે છે. લોકભારતી સંસ્થાની વિશાળ વૈચારિક ભૂમિકા, શિક્ષણના ક્ષેત્રે કરેલું પાયાનું કામ, તેના અભ્યાસક્રમો, રચનાત્મક સમાજરચના માટે પૂરા પાડેલા સેવાભાવી, કાર્યક્ષમ કાર્યકરો, સમાજ સાથેનો સંસ્થાનો સંપર્ક, વિશિષ્ટ વ્યક્તિ ચરિત્રો, પરિસર પરનું જીવંત અને ગતિશીલ સમૂહજીવન, કેટલાક કાર્યકરો તથા વિદ્યાર્થીઓમાં દેખાતા લોકભારતીમાં ન થવી જોઈતી વર્તણૂકના પ્રશ્નો, વર્તમાન સમયમાં રહેલા પડકારો, વધુ ઊજળા ભવિષ્ય માટેનાં દિશા-સૂચન વગેરે મુદ્દાઓને બારીકીથી આવરી લઈને લખાયેલું આ પુસ્તક શિક્ષણ અને સમાજરચના સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને વાંચન બાદ તૃપ્ત કરશે.લોકભારતી તેમ જ ગુજરાતની અન્ય નોંધપાત્ર ગ્રામવિદ્યાપીઠો– ગ્રામભારતી, ગાંધી વિદ્યાપીઠ વેડછી વગેરે – નો પરિચય મળી રહે તે માટે પણ આવાં પુસ્તકો લખાવા જોઈએ.તેમ થશે તો બૃહદ ગુજરાતી સમાજ એ સંસ્થાઓની કાર્યસિદ્ધિથી સુપરિચિત થશે અને તેથી આવી સંસ્થાઓના અસ્તિત્વને બળ મળશે તથા સમાજનું શ્રેય સધાશે.

[‘પરબ’, ગુજરાતી સાહિત્ય પરિષદ, જૂન, 2013માં પ્રકાશિત લેખ]

[‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’, લે. રમેશ ર. દવે, પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ, 2012, પાનાં 270, કિંમત રૂ. 200]

(રીડ ગુજરાતી પરથી સાભાર)

Posted in sanstha-parichay | Tagged , | 1 ટીકા

ચિત્રકુટ એવોર્ડ

શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા માટે દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકુટ એવોર્ડથી સન્માનવામાં આવે છે.આ વર્ષે સમગ્ર રાજ્યના આશરે બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરાયેલ 11 પ્રતિભાવાન પ્રા. શિક્ષકોને મહુવાના તલગાજરડા ગામ ખાતે મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ વડે નવાજવામાં આવ્યા.

એવોર્ડ મેળવનાર શિક્ષકો માં, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નિલેષકુમાર બાબુભાઇ પટેલ (ખાંભડા પ્રા. શાળા), ભરૂચના વાલીયા તાલુકાના અજયસિંહ ભુપતસિંહ મહિડા (બાંડાબેડા પ્રા. શાળા), વડોદરાના વાઘોડિયાના પ્રિતીકાબેન અરવિંદભાઇ જયસ્વાલ (લીમડા પ્રા. શાળા), અરવલ્લીના ભિલોડા તા.ના ઉર્વશીબેન મનુભાઇ ભગોરા (મઉટાંડા પ્રા. શાળા), જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રાજેશકુમાર ગંગાદાસભાઇ બરોચિયા (ધોરિયાનેસ પ્રા. શાળા) ભાવનગર જિલ્લાના વલભીપુર  તાલુકાના વિનોદસિંહ જોરાવરસિંહ  ચૌહાણ (નવાણીયા પ્રા. શાળા), અમરેલીના કુકાવાવ તાલુકાના ભાવનાબેન જયંતીલાલ ગજેરા (અનિડા પ્રા. શાળા), અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકાના વાસુદેવભાઇ કાંતિલાલ પટેલ (સોલા ભાગવત વિદ્યાપીઠ નગર પંચાયત પ્રા. શાળા), અમરેલી અર્ચનાબેન પ્રદ્યુમનભાઇ ભટ્ટ (નગર પ્રા. માણેકપરા શાળા), અને કચ્છના અંજારના રઘુભાઇ ભીમાભાઇ વસોયા (નગર પ્રાથમિક શાળા નં. 16)નો સમાવેશ થાય છે.
સંનિષ્ઠ કેળવણી પરિવાર દ્વારા સર્વે શિક્ષક મિત્રોને ખુબ – ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.

– સંપાદકો

Posted in sampadkeey | 4 ટિપ્પણીઓ

શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા

જુગલકિશોર.

સંસ્થાઓ અનેક પ્રકારની હોય છે. સંસ્થાના સ્થાપક દ્વારા કોઈ ચોક્કસ હેતુ કે હેતુઓ માટે થઈને એની સ્થાપના થઈ હોય છે. આ સંસ્થાઓમાં કેન્દ્રસ્થાને એના સ્થાપકો હોય અને તેના સંચાલનમાં પણ તે સ્થાપકોનું મહત્ત્વ હોય તે સહજ છે. પરંતુ સંસ્થાનું લક્ષ્ય હેતુસિદ્ધિ જ ગણાય અને તે હેતુસિદ્ધિ માટે થઈને જ સર્વ રચના–યોજના–સંચાલન થાય તે અનિવાર્ય હોય છે.

સ્વાભાવિક છે કે જ્યાં સુધી સ્થાપકોની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી સંચાલન તેમના હાથમાં રહે. સ્થાપકો પોતે જ આગળ જતાં સંચાલકોની નવી પેઢી તૈયાર કરીને પોતે સ્વેચ્છાએ નિવૃત્તી લે તો તેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય. એનાથી બે લાભો મળે છે. એક તો, નવી પેઢીને તૈયાર કરવાનો અવસર સ્થાપકોને મળી રહે છે અને બીજો લાભ એ છે કે સ્થાપકો કે જેઓની દૃષ્ટિ સમક્ષ મૂળભૂત હેતુઓ સચવાયેલા હોય છે તેને ધ્યાનમાં રાખીને બીજી પેઢીમાં પણ તે હેતુઓ કેન્દ્રસ્થાને રખાવી શકાય છે.

સંસ્થાના લાંબાગાળાના અસ્તિત્વ માટે હેતુસિદ્ધિ અનિવાર્ય હોઈ સંચાલકોમાં હેતુસિદ્ધિનું લક્ષ્ય સચવાઈ–જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. સંસ્થાના અસ્તિત્વ માટે છેવટે તો સંચાલકો કરતાંય વધુ મહત્ત્વનું છે તે હેતુઓનું જળવાઈ રહેવું. કારણ કે સંસ્થાના સ્થાપકો–સંચાલકો–વ્યવસ્થાપકો તો અનિવાર્યપણે બદલાતા જ રહેવાના છે. વ્યક્તિ કાયમી નથી, જ્યારે હેતુ તો અનિવાર્યપણે કાયમી હોય છે.

અલબત્ત સંસ્થાઓમાં સમયને અનુરૂપ કેટલાક ફેરફારોની આવશ્યકતા હોય જ. સમયનો પ્રવાહ સમાજની માંગમાં ફેરફારો લાવે છે; નવીનવી શોધખોળો દ્વારા સાધનો અને માધ્યમો –કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનો જરૂરી બનાવે છે અને એ રીતે સંસ્થાઓના બાહ્યસ્વરૂપમાં કેટલાક ફેરફારોને અનિવાર્ય બનાવી દે છે. જોકે મૂળભૂત હેતુઓને કોઈ ખાસ અસર ઉપરોક્ત કારણોસર થતી નથી. ઘણી વાર આવા અનિવાર્ય બાહ્યફેરફારોને લીધે સંસ્થા બદલાઈ ગઈ હોય તેવો ભાસ પણ કેટલાકને થાય, છતાં હકીકતે એવું હોતું નથી. લક્ષ્યશુદ્ધિ હોય છે ત્યાં સુધી હેતુસિદ્ધિને કોઈ તકલીફ રહેતી નથી. સમયનો પ્રવાહ ભલે બાહ્ય ફેરફારો લઈ આવે, પણ મૂળભૂત હેતુ તરફનું લક્ષ જ્યાં સુધી અચૂક રહે છે ત્યાં સુધી સંસ્થાનો પ્રાણ એવા હેતુઓ ટકી રહે છે.

સવાલ છે તે લક્ષ્ય તરફનું લક્ષ. લક્ષ્ય સ્થિર અને કાયમી છે પરંતુ તે તરફ લક્ષ આપનાર વ્યક્તિ કાયમી નથી. અરે, એક જ વ્યક્તિનું લક્ષ પણ આજે છે તે કાલે ન પણ રહે. વ્યક્તિ પોતે જ એક સંકુલ રચનાનો ભાગ છે. એનાં મન–વિચાર–કર્મમાં સૂક્ષતમ ફેરફારો સહજ થતા રહે છે. પરિણામે લક્ષ ક્યારેક કાં તો સહેજ ઘટે છે કે ક્યારેક ચુકાય છે. આ ક્યારેક ક્યારેક ઘટવા–ચુકાવાની ગતિવિધિઓ દરમિયાન જ સંચાલક વ્યક્તિની આસપાસ વીંટળાયેલી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ નાનીમોટી બખોલો તૈયાર કરી નાખે છે, કે ક્યારેક નવી લપસણી કેડી તૈયાર કરી આપે છે. આ લક્ષ–શિથિલતા સંચાલકોના ફેરબદલા વખતે તો ખાસ્સી વધી જતી હોઈ લક્ષ્ય સુદ્ધાંને ન સુધરી શકે તેવું નુકસાન કરી બેસે છે.

સ્થાપકો, નવી પેઢીના સંચાલકો, સમયના પ્રવાહો, વિજ્ઞાનની શોધખોળો/સગવડો, સમાજની બદલાતી રહેતી માંગ, સાધનો/પદ્ધતિઓમાંના ફેરફારો અને આ સૌની ઉપર, સૌથી મહત્ત્વનું તે લક્ષ સંસ્થાઓનું ભવિષ્ય ઘડે છે. સ્થાપકની હયાતીનો સમય–ગાળો, તેની લક્ષ્યલક્ષી નિર્ધારિતતા–અડગતા, સમજપૂર્વકની નિવૃત્તી અને નવી પેઢીને કાર્યસોંપણી વગેરે દ્વારા સ્થાપકો પોતાની હયાતી ઉપરાંત બીજી પેઢી સુધી પણ સંસ્થાને લક્ષ્યસિદ્ધ રાખી શકે છે.

પરંતુ એની લક્ષ્યલક્ષિતા કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી બીજી પેઢી સાચવી–જાળવી શકશે તે બહુ મોટો અને ચિંતાભર્યો સવાલ છે.

ઘણી વાર તો ઘણીબધી પેઢીઓ વહી જાય છે. સંસ્થા અને વિચાર જાણે મર્યાં કે મરશે એવી ભીતિ અનુભવાય છે. શું સામાજિક વ્યવસ્થાઓ, શું ધાર્મિક સંસ્થાઓ/સંપ્રદાયો કે શું રાજકીય વ્યવસ્થાતંત્રો – બધાંને આ ચિંતાભર્યા સવાલો ભોગવવાના આવે છે જેના જવાબો આપવાનું સહેલું નથી હોતું.

છતાં સમયની એ પણ બલિહારી (કોઈ એને ઈશ્વરકૃપા કહે કે કુદરતની લીલા) છે કે, આ સંસ્થા, વિચાર, પંથ કે સંપ્રદાયને ક્યારેક અણધારી રીતે મૂળભૂત હેતુઓને અનુકૂળ–અનુરૂપ કોઈ વ્યવસ્થા મળી રહે છે; કોઈ વ્યક્તિજૂથ સાંપડી રહે છે કે કોઈ સિદ્ધહસ્ત, ચોટડૂક લક્ષક્ષમ, લક્ષ્યવેધી મળી આવે છે જે સમયાંતરે વિગલિતલક્ષ્ય બનેલ સંસ્થાને, વિચારને, કે સંપ્રદાયને નવેસરથી પાટા પર લાવી દે છે. આને કહેવો હોય તો ચમત્કાર કહી શકાય. પણ એ શક્ય છે, સહજ પણ હોઈ શકે છે.

આપણે શિક્ષણના માણસો ચારેબાજુથી ઘેરાએલાં હોઈએ છીએ. ‘ઘેરાએલાં’ એ અર્થમાં કે શિક્ષણ પોતે જ જીવનનાં બધાં પાસાંની સાથે સંબંધ ધરાવે છે. જીવનનું કોઈ એકાદ પાસું પણ કોરાણે રાખીને શિક્ષણ સાર્થક કહેવાતું/થતું/રહેતું નથી. એ બધાં જ જીવનપાસાંથી ઘેરાએલું છે એમ કહેવું તેના કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે, શિક્ષણ પોતાની આસપાસનાં બધાં જ અંગોને સ્પર્શનારું, એનાથી વીંટળાયેલું હોય છે. શિક્ષણનો આંશિક સ્પર્શ પણ જે–તે પાસાને, અંગને, પ્રકાશ આપવા સક્ષમ હોય છે. એ આ બધાં અંગોથી ઘેરાએલું રહે એમાં જ એની સાર્થકતા છે.

અને એટલે જ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું કામ કાચાપોચાનું નથી. બીજી પ્રવૃત્તિઓ કરતાં કરતાં શિક્ષણસંસ્થા ચલાવવી શક્ય નથી. ફૅક્ટરી ચલાવવા માટે શ્રમિકો, સુપરવાઇઝરો, મૅનેજરો, મશીનો અને ક્વૉલિટીકંટ્રોલ વિભાગ વગેરે હોય તો ઘેરબેઠાં પૈસા પૂરા પાડીને તે ચલાવી શકાય છે. કારણ કે એનું લક્ષ્ય વેપાર–ઉદ્યોગ “ચલાવવાનું” હોય છે. એના દ્વારા પૈસો રળવાનો હોય છે. ઉદ્યોગપતિનું લક્ષ્ય આમ, સાંકડું અને મર્યાદિત હોય છે. એટલે બહાર રહીને, અન્ય કાર્યો કરતાં કરતાં તેના પર લક્ષ આપી શકાય છે. જ્યારે શિક્ષણસંસ્થાનું લક્ષ્ય અત્યંત સંકુલ, અત્યંત સૂક્ષ્મ અને અનેકવિધ પરીણામોને પ્રાપ્ત કરવા તાકનારું હોય છે. એ કોઈ એકાદ પક્ષીની એકાદ આંખ વીંધવા પૂરતું નથી હોતું.

શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થી છે; તેનું કુટુંબ છે; સમાજ પણ છે અને સમગ્ર જીવનવ્યવસ્થા પણ છે. આ બધાંને પહોંચવા માટે કેન્દ્રિત થતું ધ્યાન – લક્ષ – સાધારણ હોઈ શકે જ નહીં. શિક્ષણક્ષેત્રનો માણસ અસાધારણ લક્ષક્ષમ હોય, એની ધ્યાનકેન્દ્રિતતા યોગીની નહીં પણ શતાવધાનીની હોય. ધ્યાનમાં મનને એક વિષય પર કેન્દ્રિત કરવાનું હોય છે. સમાધિની ઉચ્ચોચ્ચ સ્થિતિ તો નિર્વિકલ્પતાની હોય છે. જ્યારે શતાવધાની તો સો કેન્દ્રો ઉપર એક સાથે કેન્દ્રિત રહે છે. આ વિકેન્દ્રિત થતું લાગતું ધ્યાન – લક્ષ – ને “નહીં કેન્દ્રિત” એ અર્થમાં નહીં લેતાં “વિશેષ કેન્દ્રિત” કે “વિવિધ કેન્દ્રી” એ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી જ શિક્ષણસંસ્થાના સ્થાપક કે સંચાલકે સંસ્થામાં રહીને જ, એમાં સર્વાંગ સમર્પિત થઈને કાર્ય કરવાનું રહે છે.

કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પૂરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનિવાર્ય ફેરફારો કરતાં છતાં મૂળભૂત હેતુઓની સિદ્ધિ માટે મથતાં રહેવાનું હોય છે.

અને એમ જ, સૌએ પછીની પેઢીને પણ લક્ષ્યલક્ષિતા સહિતનું બધું જ સોંપીને સ્થાપકોને પરમ સંતોષ પહોંચાડવાનો હોય છે.

 

 

 

 

Posted in shikshan-darshan | Tagged | 1 ટીકા

ગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે

મીરા ભટ્ટ


જુગતરામ દવે નો ટૂંકો પરિચય:

jugtramdave

પૂરું નામ: જુગતરામ ચીમનલાલ દવે

જન્મ: ૧લી સપ્ટેમ્બર, ૧૮૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે

મહત્વના કર્યો: તેઓ મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત ગુજરાતી ભાષાના કવિ અને લોકનાટ્યકાર પણ હતા. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું હતું. તેઓ મેટ્રિકની પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા. ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં તેમણે નોકરી સ્વીકારી હતી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય અર્થે જોડાયા હતા. આ સમયગાળા વચ્ચે એમણે ઇ. સ. ૧૯૧૯ના વર્ષમાં ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી, જે એમણે ઇ. સ. ૧૯૨૩ના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. ૧૯૨૩થી ૧૯૨૭માં એમણે દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ઇ. સ. ૧૯૨૮ના વર્ષ પછીનું આખું જીવન એમણે દક્ષિણ ગુજરાતના રાનીપરજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. અંગ્રેજ સરકાર સામે બાથ ભીડતાં અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઇ. સ. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું.

એમનું કાવ્યસર્જન પ્રાસંગિક તેમ જ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં કાવ્યો તથા લેખો ગુજરાતમાં જાણીતાં છે. એમનાં મૌલિક કે પ્રેરિત તેમ જ અનુવાદ કરેલાં ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય માણવા મળે છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં પણ એમની અધિક રૂચિ રહી છે. એમના સાહિત્યસર્જનમાં ભગવદ્ ગીતાનો પણ ઊંડો પ્રભાવ રહ્યો છે.

અવસાન: વેડછીનો વડલો તરીકે સંબોધવામાં આવેલા જુગતરામ દવેનું અવસાન ૧૪મી માર્ચ, ૧૯૮૫ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું.

(વિકિપીડિયા પરથી)

 

જેમના વિષે મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીએ લખેલું કે, ‘જુગતરામભાઈ અમારા કવિઓના ટોળામાંથી ભાગી છૂટેલો જીવ છે.’ આવા કવિહૃદયના જુગતરામ કાવ્યને કાગળ પર ઉતારવાને બદલે, પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા ઉત્સુક હતા. એટલે આદિવાસી પ્રદેશમાં ધૂણી ધખાવી ગાંધી-વિચારને સાકાર કરવાનો મહાયજ્ઞ માંડ્યો. એમનું અંતઃસત્વ ઋષિતુલ્ય હતું. શિક્ષણના એવા કસબી કલાકાર કે બુનિયાદી શિક્ષણને એમણે ચૈતન્યમય આશ્રમી જીવન બનાવી દીધું. નાના મોટા, સૌ આબાલવૃદ્ધ એમને ‘જુ.કાકા’ના હુલામણા નામે બોલાવે.

1895માં ગુજરાતમાં વિનાશક રેલસંકટ ફરી વળ્યું. તો સરકારશ્રીની હાકલથી વડોદરા પહોંચ્યા. ત્યાં 1928માં બારડોલી સત્યાગ્રહનો શંખ ફૂંકાયો, ત્યારે ‘બારડોલી સત્યાગ્રહ’ નામની પત્રિકા દ્વારા લોકજાગૃતિનું મોટું કામ કર્યું. સત્યાગ્રહનો ભારતભરમાં જયજયકાર થયો. ત્યાર બાદ આદિવાસી વિસ્તારના વેડછી ગામમાં આવીને પલાંઠી વાળીને બેઠા તે બેઠા. ત્યાં શ્રી ચૂનીભાઈ મહેતાએ કાંતણ-પીંજણ-વણાટની પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણ તપાવી રાખ્યું હતું. ત્યાં પહોંચી જુગતરામભાઈએ બુનિયાદી ગ્રામશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને નઈ તાલીમ અધ્યાપન મંદિર જેવા વિવિધ પ્રયોગો દ્વારા વિસ્તાર્યું. ગુજરાતભરમાં આ સંસ્થાઓએ નઈ તાલીમની દષ્ટિએ નામ કાઢ્યું અને 1967માં ઉચ્ચ શિક્ષણ માટે વેડછીમાં ‘ગાંધી વિદ્યાપીઠ’ની સ્થાપના થઈ, જેના કુલપતિપદે જુ.કાકાની વરણી થઈ.

ધીરે ધીરે જુ.કાકાની પ્રેરણાથી સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં આશ્રમ સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ તથા ગ્રામસેવાના વિવિધ કેન્દ્રો ઊભાં થયાં. એ અરસામાં બુનિયાદી શિક્ષણનું કાર્ય સરકારે પણ ઉપાડ્યું એટલે ‘ગુજરાત નઈ તાલીમ સંઘ’ની સ્થાપના થઈ. શિક્ષણ ઉપરાંત પ્રજાના સર્વાંગી વિકાસાર્થે ‘રાનીપરજ સેવાસભા’ ‘હળપતિ સેવા સંઘ’ જેવી સંસ્થાઓ પણ કામ કરતી થઈ. આ પ્રદેશ જંગલ વિસ્તાર હોવાને કારણે 70 જેટલી જંગમ કામદાર સહકારી મંડળીઓ સ્થાપવાની પણ સફળ હિલચાલ ચાલી. સ્વરાજ્ય નહોતું આવ્યું ત્યાં સુધી તો આંદોલનોમાં ભાગ લઈ જેલયાત્રા પણ કરી. કુલ પાંચ વાર સાડા છ વર્ષ કારાવાસમાં સજા ભોગવી.

સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ, સ્થાનિક સ્વરાજ ઊભું કરવાની દિશામાં પંચાયતી રાજ મારફત અનેક સેવાકાર્યો કરાવ્યાં, આર્થિક ક્ષેત્રે પણ ગણોતધારા દ્વારા અનેક ગણોતિયાઓને માલિક બનાવ્યા અને ખેતીનો વિકાસ કરાવ્યો. વ્યાપક લોકજાગરણ માટે દર વર્ષે યોજાતો ગાંધીમેળો સમસ્ત ગુજરાત રાજ્ય માટે પ્રેરક રહ્યો, જેમાંથી ગાંધી દષ્ટિવાળા અનેક પ્રકારના કાર્યક્રમો ફલિત થયા. આમ, એક જમાનાની શોષિત-પીડિત-વંચિત પ્રજામાં નવા પ્રાણ ફૂંકી, લોકજાગરણનું પ્રચંડ કાર્ય કર્યું. 1978નો જમનાલાલ બજાજ એવોર્ડ જુ.કાકાને પ્રાપ્ત થયો. આદિવાસીઓની સર્વાંગી સેવા ઉપરાંત અનેક ગ્રંથરચના તથા કાવ્યરચના દ્વારા ગીરા-ગુર્જરીની પણ સેવા કરી. એમણે બીજું કોઈ કવિકર્મ ન કર્યું હોત અને કેવળ ‘અરેરે આડું અંતરપટ આ અદીઠ’ કાવ્ય જ માત્ર રચ્યું હોત, તો પણ ‘કવિ ક્રાંતદર્શી’નો ઈલ્કાબ એમને સાંપડ્યો હોત ! એમણે ‘ઈશોપનિષદ’નું પણ સુલભ ગુજરાતીમાં સુંદર રૂપાંતર કરી આપ્યું છે.

જુગતરામભાઈએ સુરત જિલ્લાના આદિવાસીઓનું ‘દુબળા’ નામ ફેરવી ‘હળપતિ’ સ્થાપ્યું. એ હકીકત પોતે જ એક એવું અદ્દભુત કવિકર્મ હતું. જેમાં તેમનું ક્રાંતદર્શન પ્રગટ થતું હતું. તેઓ ભલે ભૂમિપતિ ન હોય, ‘હળપતિ’ તો ખરા જ. એ નામ સાથે એ લોકોમાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસ ઊગ્યાં. આ જ રીતે, વડોદરા રાજ્યમાં આદિવાસી દૂબળા લોકોને ‘કાળીપરજ’ કહેતા. ગાંધીજીએ એમને ‘રાનીપરજ’ નામ આપ્યું. કાકાસાહેબે ત્રણ નામ આપ્યાં : જંગલને આશરે જીવનારા ‘રાનીપરજ’, ઉપજાઉ જમીન ખેડનારા ‘ખેતીપરજ’ અને દરિયો ખેડી દૂર દૂર સુધી જનારા ‘દરિયાપરજ’. એમની મંશા તો એવી કે એકેએક માનવને ‘ગાંધીપરજ’ બનાવીને સમસ્ત સમાજનું સમગ્ર પરિવર્તન કરવું. એમના જીવનના પ્રત્યેક પ્રયાસ આવા સમાજને અનુલક્ષીને જ થતા રહ્યા.

જુગતરામભાઈ દવેને સૌ જુ.કાકા તરીકે ઓળખે. બારડોલીમાં સત્યાગ્રહ થયો, પછી એ પ્રદેશમાં બારડોલી-ભુવાસણ-મઢી-વેડછી-વરાડ વગેરે રચનાત્મક સેવાનાં અનેક થાણાં નંખાયાં. ત્યારે જુ. ભાઈ અમદાવાદ સ્વામી આનંદ સાથે કામ કરે, પરંતુ ગામડામાં કામ કરવાની ઈચ્છા એટલે નરહરિભાઈ સાથે ભુવાસણ આશ્રમમાં રચનાત્મક કામમાં જોડાયા. ત્યારે તેઓ ઊગતા કવિ અને સારા લેખક હતા. સ્વભાવ વિનોદી. તેમની સાથે નેપાળના તુલસી મહેર પણ આવ્યા. એમણે સૌને મધ્યમ પીંજણ પણ સરસ પીંજતાં શીખવી દીધું. જુ.ભાઈ હોય ત્યાં વિદ્યાલય આપોઆપ શરૂ થઈ જાય. ભુવાસણમાં પણ આસપાસનાં ગામડાંના બાર-તેર વિદ્યાર્થીઓ આવી ગયા. હાસ્ય-વિનોદની છોળો વચ્ચે આશ્રમી જીવન વ્યતીત થાય. સ્વરાજ્ય મેળવવું હોય તો ચાલીને જવાનું. ચાર આનામાં ટાંગો બારડોલી લઈ જાય, પણ કોઈ એમાં બેસે નહીં. વચ્ચે મીંઢોળા નદી આવે. એક વાર સાંજ પડી ગઈ અને નદીમાં છાતી સમાણાં પાણી વહેતાં હતાં. હોડીવાળાને ઘણી ય બૂમો પાડી, પણ કોણ સાંભળે ? આખરે જુ.કાકાએ પહેલ કરી, ચાલો, હું જેમ કરું તેમ કરતાં કરતાં તમે સૌ મારી પાછળ ચાલ્યા આવો. જેમ જેમ પાણી ઊંડા આવે, તેમ તેમ સૌએ પોતપોતાનાં ધોતિયાં-પહેરણ ઊંચા કરતાં જવાનાં. આમ સૌ કપડાં ભીંજવ્યા વગર કોરે કપડે નદી પાર કરી આવ્યા. બધાને ખૂબ મઝા પડી.

જુગતરામભાઈ પરણ્યા નહોતા. જનની વહેલી જતી રહી, એટલે આખો સમાજ એ જ એમનું કુટુંબ હતું અને જન્મભૂમિ જ એમની મા હતી. આશ્રમને પણ પોતાની મિલ્કત માનીને બાથ ભરીને બેસી નહોતા ગયા. ભારત પર ચીને આક્રમણ કર્યું ત્યારે સરહદ પરના નેફા અને નાગાલેન્ડમાં શાંતિસેવક તરીકે કાંઈ મદદરૂપ થવા 74 વર્ષની જૈફ ઉમ્મરે ગયેલા. એમને 75 વર્ષ પૂરાં થવા આવ્યાં, ત્યારે રાનીપરજ પ્રજા તથા ગુજરાતના સેવકો કાંઈ વિશેષ રીતે ઉજવણી કરવા માંગતા હતા. રૂપિયાની થેલીને બદલે, 75 નવયુવકો પછાત પ્રદેશની સેવા કરવાની દીક્ષા લે તો એમને સ્નાતક સુધીનો અભ્યાસ કરાવવાની યોજના વિચારી હતી. પરંતુ એમણે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી આવું કાંઈ ન જ કરો એવી વિનંતી છે. મને સમજશો અને મને બિનજરૂરી દુભાવવાથી દૂર રહેશો, મને સમજાવવા કે શરમાવવાનો પ્રયત્ન પણ ન કરો એમ ઈચ્છું છું.

કાકાસાહેબે એમના વિષે અત્યંત સૂચક રીતે કહ્યું હતું કે – ‘ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી દુનિયાના તેઓ એલચી હતા.’ એમણે 1949માં પ્રારંભ કરેલો ‘ગાંધીમેળો’ એવો તો ફળ્યો કે આજે વિશાળ વડલો બનીને ગુજરાતના જિલ્લે જિલ્લે ફેલાઈ ગયો છે. દર વર્ષે 12મી ફેબ્રુઆરીના ગાંધી-તર્પણ-દિને રાજ્યભરમાં વ્યાપક લોકશિક્ષણનું આ અનોખું પર્વ ઉજવાય છે, જે ગાંધી-વિચારની પ્રકાશ-જ્યોતને ઝળહળતી રાખે છે !

(‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાંથી સાભાર.)

Posted in vyakti-parichay | Tagged , , | 1 ટીકા