સાવ નાનકડા ગામમાં આવેલી અદભુત સંસ્થા “સખ્યમ” કેવો વિદ્યાયજ્ઞ કરે છે ?

– શ્રી રજનીકુમાર પંડ્યા

કોઇ કોઇ ગામના નામ એવાં હોય કે બદલી નાખવાનું મન થાય. વિચાર આવે કે આવા રળીયામણા સ્થળનું નામ આવું તે કેવું !- સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીથી જરા પંદરેક કિલોમીટર આગળ જાઓ તો ઉપલેટા આવે અને તેથી માત્ર થોડા જ કિલોમીટર આગળ પ્રયાણ કરો એટલે જમણા હાથે એક પાટિયું વંચાય-એની ઉપર લખ્યું છે “મુરખડા” ! પણ બાળકના નખની કટકી જેવડા એ ગામનું આવું કદરુપું નામ મુરખડા કેમ પડ્યું હશે તેનો વિચાર વેગળો મુકી દેવો અને નજર માંડીને ત્યાં આવેલા “સખ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ” ના કામ પર ધ્યાન આપવું. એ ધ્યાન આપવાથી સમજાશે સારા કામને ગામના અળવીતરા નામ સાથે નિસબત નથી..

ના. એ ટ્રસ્ટ કોઇ ધનવંત આસામીઓએ ભેગા મળીને સ્થાપેલું ટ્રસ્ટ નથી. એવો વિચાર એટલા માટે આવે કે આ વિસ્તાર અતિ શ્રીમંત અને દિલદાર ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓથી ભરેલો છે. અને એમના મોટાભાગના લેઉઆ અને કડવા પટેલોના.આહીરોના પોતપોતાની જ્ઞાતિકેન્દ્રી મોટાં મોટાં જંગી ટ્રસ્ટો હોવા સ્વાભાવિક છે.અને એમાંય તે પોતાની જ્ઞાતિની મર્યાદામાં રહીને કેળવણી અને સંસ્કારના ઉત્તમ કામો થાય જ છે પરંતુ આ આખા સમૃધ્ધ પંથકમાં ખેતમજૂરી કે બાંધકામના ક્ષેત્રમાં મજૂરી કરવા ગોધરા કે દાહોદ કે ગુજરાતના અન્ય પછાત વિસ્તારોમાંથી જે શ્રમજીવીઓ આવે છે તેમના બાળકોના ભણતર-ગણતરનું શું થતું હશે.અને આ વિસ્તારના કોઇ ચોક્કસ જ્ઞાતિ કે સંપ્રદાયના મહોરામાં બંધ ના બેસનારાના એ જ સ્તરનાગરીબોના સંતાનોના ભણતર-ગણતરનું પણ કેવી રીતે અને શું થતું હશે ? એવો વિચાર કોઇને આવે તો એવો પરલક્ષીવિચાર કરનારને દાદ દેવી ઘટે- આ “સખ્યમ” પણ એક યુવાન દંપતિ- ગોપાલ અને કૃષ્ણાબહેન ભરાડને આવેલા એવા વિચારનું જ ફળ છે. એમ કોમ થયેલાગોપાલકૃષ્ણ ભારડ ગોપાલભાઇ ભરાડ કૉલેજકાળથી જ વિમલાતાઇ અને ગાંધીજીના એવા વિચારો પર યકીન રાખતા હતા કે માણસે રોટલો તો જાતમહેનતથી રળી લેવો જોઇએ- એણે પરોપજીવી કદિ ના બનવું ઘટે અને એવા સંસ્કારોવાળી વ્યક્તિ ધારે તો ગામડામાં રહીને પણ ક્રાંતિ કરી શકે. વિમલાતાઇની 1987 માં માધવપુરની શિબીરે તેમને આ વિચારોને કર્તવ્યમાં રૂપાંતરિત કરવા ભણી વાળ્યા અને એમાં તેમને કોમર્સ ગ્રેજ્યુએટ કૃષ્ણાબહેનનો સંગાથ મળી ગયો. અને જે તેમને “સખ્યમ”ની સ્થાપના સુધી લઇ ગયો. . .

જો કે સ્થાપના પહેલાના તેમના અનુભવોની કથા આશા-નિરાશાના મિશ્ર રંગોથી ભરેલી છે.અને તેથી તો એ બધા પછી 1993 માં જ્યારે તેમણે ઉપલેટા શહેરથી નજીક છતાં એના પ્રદુષણોથી છેટે એવા આ ઉજ્જડ સ્થળ પર પસંદગી ઉતારી ત્યારે મનમાં વાસ્તવના પાયા ઉપર ઉભેલા એવા ત્રણ અભિગમો સ્પષ્ટ હતા. પહેલું તો એ કે એવું કામ આદરવું કે જેના વડે વ્યક્તિ પોતાના જીવન અને જીવનકાર્ય વિષે જાગૃત બને. એ શરીર,મન, અને બુધ્ધિથી નિશ્ચલ બને, બીજું જે રીતે પોતાના ભણી જવાબદાર છે તે જ રીતે સમાજ પરત્વે અને પછી રાષ્ટ્ર પરત્વે પણ જવાબદાર બને. અને ત્રીજું પ્રકૃતિ પ્રત્યે ચાહના કેળવે. આ ત્રણે વસ્તુનું રસાયણ જો મનુષ્યમાં એક જીવનતત્વ તરીકે ઉભરી આવે તો એને માટે પોતે જ્યાં વસે છે એ ગામડું પણ એક રાષ્ટ્ર સમાન બની રહે.

સમુહ ગાનના પાઠ અને ભણતરનો આનંદ

એમણે શરૂઆત 1994થી ગામડાના બાળકો સાથે રહીને ગીત, રમત, વાર્તા.અને નાના નાના પ્રવાસની સાથોસાથ શૈક્ષણિક પાઠ આપવાથી કરી. આ બાલમંદિરની કક્ષાનું કામ હતું જે છેક 2006 સુધી એ જ સ્તર પર ચાલ્યું .એ દરમ્યાન 1998 ના જુનથી ઉપલેટા ગામમાં પણ :”કિલ્લોલ”ના નામે બાલમંદીર શરુ કર્યું જેથી એવા જ વર્ગના શહેરી બાળકોને પણ આ પ્રકારનું શિક્ષણ આપી શકાય. એમાં વાલીઓને પણ દર બે મહિને શિક્ષણપત્રિકા આપવાનો અનોખો પ્રયોગ કર્યો, ખેર,એ હાડોહાડ પરસેવાપાડુ શ્રમજીવી વર્ગના એ બાળકો હવે ભણતર તરફ રુચી કેળવતાં થયાં છે એમ લાગ્યું ત્યારે 2006માં માત્ર છ જ બાળકોથી પહેલા ધોરણની શાળાનો પ્રારંભ કર્યો. 2007માં જ્યારે ધોરણ પાંચ સુધીની સરકારી માન્યતા મળી ત્યારે પણ બાળકોની સંખ્યા માત્ર પચ્ચીસની જ હતી.પણ જીવનલક્ષી અને છતાં પ્રકૃતિ તરફ અભિમુખ રસસભર શિક્ષણની આ સંસ્થાની પધ્ધતિથી આકર્ષાઇને 2008માં એંસી અને એમ કરતા કરતા આજે અહિં દોઢસો જેટલા કુમાર-કુમારીઓ ધોરણ આઠ સુધીનુ શિક્ષણ લે છે. અને એમાં ઉપલેટાની આ જ સંસ્થાની શાળા “કિલ્લોલ’ની સંખ્યા ઉમેરીએ તો આં સાડા પાંચસોને આંબે છે.જે વિદ્યાર્થીઓ અહિં અને આ નિઃસર્ગલક્ષી ઢબથી શિક્ષણ પામે છે તેમને સૌથી મોટું વરદાન નિઃસર્ગના સતત સન્નિધ્યનું છે. આ સંસ્થાના મુરખડા કેમ્પસમાં નાણાના અભાવે હજુ માત્ર ચાર વર્ગખંડો જ બાંધી શકાયા છે. પણ જે છે કચ્છની ભુંગાશૈલીમાં છે જેમાં કુદરતી પ્રકાશ અને હવાની આવનજાવન વિશેષ વિજળી કે પંખાની જરૂર વરતાવા દે તેવું નથી.

હકારાત્મક વિચારોની 'ખેતી'ના પાઠ વાવતી શાળા

બીજી શાળાઓની જેમ અહિં ગણિત,ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયો તો ભણાવાય જ છે પરંતુ તે શિખવવાની પધ્ધતિ મનોવિજ્ઞાનની રીતે વિકસાવવામાં આવી છે..એક વિષય વ્યક્તિત્વ વિકાસનો પણ છે જે શાળા છોડ્યા પછી પણ વિદ્યાર્થીને જીવનભર કામ આવવાનો છે. આખરે તો વ્યક્તિ પહેલા પરિવારમાં અને પછી સમાજમાં જીવે છે એટલે એના વ્યક્તિત્વમાંથી જે સંસ્કારિતા ફોરશે તે સમાજને પણ એટલો જ સુવાસિત બનાવશે,

શાળાના વર્ગનું એક જીવંત દૃશ્ય

શાળાકીય શિક્ષણને અવગણ્યા વગર પણ વિદ્યાર્થીને પ્રકૃતિ ભણી વાળી શકાય તે જોવું હોય તો આ “સખ્યમ” ની મૂલાકાત અવશ્ય લેવી જોઇએ. કોમ્પ્લેક્ષની પશ્ચિમે ઔષધીય વૃક્ષોનું વાવેતર થયું છે.

 

તેમાં નિર્ગુડી.પારસપીપળો.અર્જુન.સાદડ,,બોરસલ્લી, ગરમાળો, સરગવો,સવન. કેસુડો,કરમઠ. છે. મોટાં પાનવાળી અંજીર છે. અર્ધા ફૂટની લંબાઇ ધરાવતું શેતુર પણ છે. ચીકુ.પપૈયા જેવા ફળાઉ ઝાડ જેવાં ઉપયોગી વૃક્ષો ઉપરાંત લીમડો, હરડે, બહેડા.બોરડા.આમળા અને કરંજ જેવા વૃક્ષો લહેરાઇ રહ્યાં છે. ખેતીવાડી માટે પૂરતી જમીન આ સંકુલની જોડાજોડ છે. એની ખેતી સજીવ ખેતી છે. ગાયનું છાણ.ગૌમુત્ર.આંકડો,ગોળ,બાજરો. લીમડો વગેરેને મિક્સ કરીને પાંચથી સાત દિવસ રહેવા દેવામાં આવે છે જેથી અહિંના વૃક્ષો માટે શ્રેષ્ઠ ખાતર તૈયાર થાય છે. આ બધાને કારણે અહિં રહેતા નાનાં-મોટાં બાળકો વનસ્પતિ વૈભવથી સતત પરિચીત રહે છે. જે લાભ શહેરી બાળકોને ભાગ્યે જ મળે.

આશ્રમજીવનને અનુસરતી આ શાળા સવારના આઠ વાગ્યે શરુ થઇ જાય છે. સંગીતમય પ્રાર્થના અને કવાયતથી બાળકો પ્રફુલ્લિત બને તે પછી સાડા આઠ પછી નિયમિત અભ્યાસની શરૂઆત થાય છે. પોણા વાગ્યા થી બે વાગ્યા સુધી ભોજન વિરામ હોય છે . મોટે ભાગે દૂરથી આવતો વિદ્યાર્થી પોતાનું ટિફીન સાથે લઇને આવે અથવા તો જેમને એ પરવડતું ના હોય તે ગોપાલભાઇનાં પત્ની કૃષ્ણાબહેનના હાથની રસોઇ જમે છે. અત્યારે આવા અગીયાર જેટલાં બાળકોને કૃષ્ણાબહેન સગ્ગી માની જેમ જમાડે છે. જે માટે બાળકોએ એક પણ પૈસો ચુકવવો પડતો નથી.

સૌરાષ્ટ્રના દૂરદરાજના સ્થળે આવેલી આ શાળાને જમીન ભૂમિપુત્રવાળા પ્રખ્યાત સર્વોદયવાદી જગદીશભાઇ શાહની મદદથી મળી. અમેરિકા વસતા ,અને હવે તો સ્વર્ગસ્થ એવા અમરશીભાઇ ખારેચાનાં પુત્રીએ અહિંના કામથી પ્રભાવિત થઇને પોતાની માતાની સ્મૃતિમાં એક લાખ આપેલા. મુંબઇના ચાર્ટર્ડ એકાઉંટંટ પ્રફુલ્લભાઇ વોરા દર વરસે દસ હજાર અચુક મોકલે જ છે. જેમ જેમ લોકો સુધી વાત પહોંચે છે તેમ તેમ મદદ મળતી જાય છે, નરેન્દ્રભાઇ લક્કડ અને જગમલભાઇ વોરા અવારનવાર દસ પંદર હજાર જેવી રકમો મોકલવાનું ચુકતા નથી.

હવે તો તાજેતરમાંજ ચિલ્ડ્રન યુનિવર્સીટીના સહયોગમાં “તપોવન” ની પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે જેની અંતર્ગત ઉપલેટાના આ સંસ્થાના “કિલ્લોક કેમ્પસ” (પોલિસ સ્ટેશન પાછળ.ઉપલેટા-360 490)રોજ બપોરે 3 થી 5.30 સુધી સગર્ભા બહેનો અને ગર્ભસ્થ બાળકના શારીરિક-માનસિક-બૌધ્ધિક-સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોહ્તા માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવે છે.

હવે જે જરૂરત છે તે નાની મોટી રકમો ઉપરાંત સો ઉપરાંત વિદ્યાર્થિઓને સમાવી શકાય તેવી હૉસ્ટેલના બિલ્ડિંગ અને તેની કંપાઉંડ વૉલ માટે પચાસ સાઠ લાખ જેવી રકમની છે. એ થાય તો દૂર દૂરથી આવતા બાળકોને ટાઢતડકામાં કરવી પડતી રોજીંદી હાલાકીભરી મુસાફરીમાંથી મુક્તિ અપાવી શકાય.બેશક, પંખા.ફ્રીજ અને એવી જરૂરતો તો સમાજ જ પૂરી પાડે તેવી અપેક્ષા સહેજે છે. 80 જી ની કરમુક્તિની જોગવાઇ છે જ.

ચેક “સખ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ“ ના નામનો લખી શકાય. આમ તો તેનું સરનામું મુ. મુરખડા ,તા. ઉપલેટા. જિ રાજકોટ .પીન કોડ 360 470 છે પરંતુ કુરિયરથી કશુ મોકલવું હોય તો ગોપાલકૃષ્ણ ભરાડ, વસંત માર્વેલ,એ જી ક્વાર્ટર્સ સામે, પ્રેમમંદિર રોડ,કાલાવડ રોડ, રાજકોટ-360 005નું સરનામું કામ આવે. ફોન- +91 94269 69552 અને +91 94286 99011

(વેબગુર્જરી પરથી સાભાર)

Advertisements