ક્યાંથી આવતો હતો એના દિમાગમાં આટલો બધો ઉત્પાત ?

nagjibhaidesai
નાગજીભાઈ અને શાંતા’તાઈ’ દેસાઇ તેમનાં બાલાશ્રમ કુટુંબ સાથે

‘કોઈ ટપાલ ?’
જવાબમાં શાંતાબેન ‘તાઈ’એ મર્મભર્યું હસીને પતિના હાથમાં એક પોસ્ટકાર્ડ મૂક્યું. સુરેન્દ્રનગરના ધ્રુવ બાલાશ્રમના સ્થાપક-સંચાલક તરીકે નાગજીભાઈ દેસાઈના હાથમાં અનેક પત્રો આવતા. એમાં દરેક કાગળમાં કંઈ મર્મભર્યું હસવાનું નહોતું આવતું. પણ આમાં હતું. કચ્છથી આવ્યો હતો.
“આપને બન્નેને માલૂમ થાય કે હું અહીં પરણી ગયો છું. અને 19મી તારીખે એક સામટી ચાર દિવસની રજાઓ આવે છે એમાં આપના આશીર્વાદ લેવા સજોડે આવી પહોંચીશ, લિખિતંગ ગોપાલના વંદન.”
“તાઈ”, આશ્રમનાં બાળકોની માફક નાગજીભાઈ પણ શાંતાબેનને ક્યારેક એ સંબોધને બોલાવતા.“એમાં આમ મર્મ ભરેલું હસો છો કેમ ?”
જો કે બોલતાં બોલતાં એમના હોઠ ઉપર પણ એક મરકલું તો આવી જ ગયું.
“તમે શા માટે હસ્યા ?” શાંતાબેન દેસાઈએ સામે પૂછ્યું.
“ ગોપાલના લગ્ન થયાં-આનંદ તો થાય છે પણ…”
“બસ” શાંતાબેન બોલ્યાં :”આનંદ તો મને પણ થાય છે. પણ મને પણ થાય છે કે શું થશે એને પરણનાર છોકરીનું ! હું એક સ્ત્રી તરીકે વિચારું છું.”
જવાબ ન જડે ત્યારે, અથવા જડેલો જવાબ પ્રસન્નકર ન હોય ત્યારે નાગજીભાઈને આકાશ તરફ આંગળી ચીંધીને બધું ઈશ્વર ઉપર છોડી દેવાની ટેવ છે. એમણે આકાશ તરફ આંગળી કરી.
ચિંતાનાં કારણો હતાં એમની પાસે. ઘણાં હતા.પુખ્ત વયમાં આવ્યા પછી ગોપાલ આશ્રમ છોડીને ગયો હતો. પણ એક મા-બાપને પોતાના બહારગામ ગયેલા તોફાની બાળક માટે થયા કરે એવી ચિંતા છોડી ગયો હતો. જાત જાતના વિકલ્પો મનમાં જન્મતા હતા.
ક્યારેક ગોપાલ જેલમાં છે એવા ખબર આપણને મળશે.
અથવા એ દવાખાનામાં છે એવા મળશે.
કદાચ… અથવા ?નહીંતર….
જુગારના અડ્ડામાં પકડાયો…. કોઈને છૂરી હુલાવતાં પકડાયો, સિનેમાની ટિકિટનાં કાળાબજાર કરતાં પકડાયો એવા ખબર…. કોઈને માર માર્યો અથવા કોઈનો માર ખાધો એવા ખબર…
મગજમાં આવા આવા ઉફાળા આવે એમાં નવાઇ નથી .ગોપાલ શરૂઆતથી એવો હતો. બે અઢી વરસની ઉંમરે આશ્રમમાં આવ્યો હતો. અને આવતાંવેંત એણે પોતાની માતાને જોવાની હઠ પકડી હતી. કજિયે ચડ્યો હતો. ચશ્માંવાળાં શાંતાબેનને એ મા માનવા તૈયાર નહોતો. છેવટે નાગજીભાઈએ યુક્તિ કરી.એક માણસને સ્ત્રી જેવાં કપડાં પહેરાવ્યાં માથે ઘૂંઘટની જેમ સાડી ઓઢાડી… ગોપાલ પાસે આવ્યો.એ ક્ષણભર તો શાંત થઈ ગયો.પણ બીજી જ ક્ષણે એ પોતાના નાના નાના હાથથી એ સાડીને એક તરફ કરી દીધી અને એ જણના ચહેરા ઉપર મુક્કીઓ મારવા માંડ્યો.
એને એ દિવસે ઘેનની દવા આપીને શાંત કરવો પડ્યો. ડોક્ટરને બોલાવીને. પણ એ પછી જેમ જેમ ઉમર વધતી ગઇ એમ એમ એના ઉફાન વધતાં ગયાં હતાં. ચાલતા માણસને લપડાક મારી દેવી, કોઈનાં હાથમાં કઈ હોય તો છીનવીને ફેંકી દેવું. કોઈના કપડાં ફાડી નાખવા,. વાળ ખેંચવાં, બિછાનામાંથી રૂ કાઢી નાંખવું.
નાગજીભાઈ અને શાંતાબહેનનો હાથ માથે ફરતો એટલે કે ઘૂરકાટ કરતું ગલુડિયું દબાયેલા ઉશકેરાટ સાથે શાંત થઈ જાય એમ શાંત થઈ જતો. પણ જેવી એમની પીઠ ફરતી કે તરત….
આશ્રમમાં એને બધી છૂટ હતી. ગમે તેટલું ખાવા પીવાની, રમવાની,ફિલ્મો જોવાની, હરવાફરવાની, પણ એનાં રોશીમનડા શમ્યાં નહોતાં. એ ત્રાડો પાડતો. બહાર જવાનું થતું તો બસ કંડકટર સાથે, રિક્ષાવાળા સાથે મારામારી કરી બેસતો. ફિલ્મોમાં જતો ત્યારે લોહીલુહાણ થઈને અથવા કોઈને કરીને આવતો.
નાગજીભાઈ પાસે એક વાર ફરિયાદ આવી હતી કે એ જુગાર રમે છે. અને બૂરી સંગતમાં પડી ગયો છે,.
પણ પુખ્ત વયનો થતાં એ આશ્રમ છોડી ગયો -નાગજીભાઈ અને તાઈની ઈચ્છા એને જવા દેવાની નહોતી. પણ એ જવાનો હતો ગયો જ. એ પછી ક્યારેક છૂટાછવાયા ખબર એનાં તોફાનના અને ઉપદ્રવોના આવ્યા જ કરતા હતા, પણ નાગજીભાઈ અને શાંતાબહેન એને ક્યાં જઈને સમજાવે ? ઠેકાણું ?
પણ કચ્છથી આવેલા આ કાગળ પછી 19મીએ એ ખરેખર આવ્યો. સાથે એની તાજી ગુલાબ જેવી વધૂ હતી. હાથમાં બાળક હતું. નાગજીભાઈ અને તાઈને બહુ નવાઈ લાગી. એમના ચહેરા ઉપર સવાલ ઉગેલો જોઇને એ હસીને બોલ્યો : “પરણ્યાને અમારે ત્રણ વરસ થયાં. પણ આશીર્વાદ લેવા જેવો થાઉ ત્યારે આવુંને ?”
‘સુખી તો છો ને બેટા ?” નાગજીભાઈએ ગોપાલની પત્નીને પૂછ્યું.
“હોવ્વે” એ બોલી: “ખૂબ સુખી !”
“ખરેખર?” એમ પૂછવામાં અવિવેક લાગે. એટલે નાગજીભાઈએ શાંતાબેનને સંકેત કર્યો. વાતવાતમાં શાંતાબેન સવિતાને-ગોપાલની પત્નીને-જરા અલગ લઈ ગયાં. ગોપાલને કોઈ સાથે વાતે વળગાડી દીધો. પછી તો નાગજીભાઈ પણ નજીક આવ્યા. પૂછ્યું : “સાચું કે’જે બેટા સવિતા,તને તારા ઈષ્ટ દેવતાના સોગન છે. સુખી છું-સુખી છું એમ બોલે છે તે ગોપાલની બીકથી તો નથી બોલતી ને ? જો અમે તારાં પણ મા-બાપ જેવા છીએ. જે હોય એ સાચે સાચું કહી દેજે. જરાય પણ ગભરાઈશ નહિ “.
“તમે કહો એવા સોગન ખાઉં” એ બોલી :”સાચો સાચ “ખૂબ સુખી છું. અમારાં લગ્ન આમ આકસ્મિક જ થયાં.પણ લગ્ન પછી એમણે બધાય ફેલફિતૂર મૂકી દીધાં છે. મવાલીગીરી મૂકી દીધી છે. સીધી લાઈનના થઈ ગયા છે. નાનકડું એવું ગેરેજ નાખ્યું છે. સારી કમાણી છે. ને સ્વભાવ તો એવો થઈ ગયો છે કે મરતાને મર પણ કહે તેવા રહ્યા નથી.”
એની આંખોના ભાવ એના શબ્દોનું સમર્થન કરતા હતા. બીજું કંઈ પૂછવાપણું નહોતું. સિવાય કે એક પ્રશ્ન. આ ચમત્કાર કેવીરીતે બન્યો ? કેવી રીતે ?
પણ પૂછી ના શકાયું. પૂછવું ઠીક નહોતું લાગતું,જવાબ સાચો કદિ મળે જ નહિં આવા સવાલોનો.
એક અઠવાડીયા પછી…..
“તાઈ !” બાલાશ્રમના આંગણામાં લટાર મારતા મારતા નાગજીભાઈએ પત્નીને કહ્યું : “તને યાદ છે ! આપણાં લગ્ન પછી મારા કુટુંબના વિરોધને લીધે મારું મગજ કેવું આક્રોશવાળું અને ઉગ્ર થઈ ગયું હતું ! અને પછી જેમ એક માતા પોતાના બાળકને આંગળીએ વળગાડીને નિશાળે મૂકવા જાય એ રીતે તું મને સણોસરાની લોકભારતી સંસ્થામાં નાનાભાઈ ભટ્ટ પાસે લઈ ગઈ હતી. અને સ્નાતકની તાલીમ માટે મૂક્યો હતો.”
“શા માટે અત્યારે એ યાદ કરો છો ?” શાંતાબહેન બોલ્યાં : “આ બધી વાતો તો વીતી ગઈ.”
“એટલા માટે કરું છું” નાગજીભાઈએ કહ્યું :“ મને ગોપાલના કાયાકલ્પનું રહસ્ય હાથ લાગ્યું છે .અને તે એ કે પત્ની ધારે તો પુરુષના જીવનમાં માતાની ખોટ પૂરી કરી શકે. જે પુરુષના જીવનમાં બચપણમાં માનો પ્રેમ અને વાત્સલ્યભર્યો હાથ માથે ન ફર્યો હોય એના જીવનમાં તો એક માત્ર સ્ત્રી જ ધારે તો આશ્ચર્યકારક પલટો લાવી શકે.”
“ગોપાલની ટપાલ આવી લાગે છે.” શાંતાબેને હસીને પૂછ્યું.
“હા, આજે હું તને એની ટપાલ વાંચી સંભળાવું,” લે, કહીને નાગજીભાઈએ આજે આવેલું ઈંન્લેન્ડ કાઢ્યું. લખ્યું હતું : “તે દિવસે તમે સવિતાને અલગ લઈ જઈને શું પૂછતા હતા તે હું સમજી ગયો હતો. હું સમજીને જ વચ્ચે ન આવ્યો. મારે તમને જે ખુલાસો આપવાનો છે તે આ પત્રમાં આપું છું, સવિતાને પામ્યા પછી મને લાગે છે કે એક પત્ની ઉપરાંત હું મારી બચપણમાં ખોવાયેલી માતાને પણ પામ્યો છું-હવે મારામાં કશો ઉશ્કેરાટ-આક્રોશ નથી.રહ્યો છે માત્ર પ્રેમ અને પ્રેમ જ. હવે હું આટલી વિનંતી કરું છું કે મારા ઉત્પાતીયા ભૂતકાળને પણ તમે આ રીતે સમજવાની કોશિશ કરજો.”
તાઈ આ વાંચીને હસ્યાં. આ વખતે માર્મિક નહીં પણ મીઠું.

(વેબ ગુર્જરી પરથી સાભાર)
શ્રી નાગજીભાઈ લોકભારતી વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા. લોકભારતી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ તેમની ચારિત્રકથા આપ અહીં ઈ- બુક સ્વરૂપે વાંચી શકો છો. ‘અંધારા ભેદીને – નાગજીભાઈ દેસાઈ

Advertisements