રોટલી અને મીઠું ખાઈને મુંબઈ કૉલેજમાં ભણ્યા નાનાભાઈ ! (ભાગ – ૩)

જુગલકિશોર

મુંબઈમાં એક ઓળખીતા ને પુરા સજ્જન એવા એક શેઠે નાનાભાઈને પોતાને ઘેર જમવાની ગોઠવણ કરેલી. વીદ્યાર્થી અવસ્થામાં આવી રીતે ભોજનની વ્યવસ્થા ગોઠવાય તે એ જમાનામાં સામાન્ય ગણાતું.

પણ એક દીવસ શેઠાણીએ રસોઈ કરનાર મહારાજને ઠપકો આપ્યો કે મહારાજ, તમે આટલું બધું શાક પીરસી ના દેશો, પછી શેઠ માટે વધતું નથી !! નાનાભાઈએ આ સાંભળીને સંકલ્પ કર્યો અને બીજે જ દીવસથી રોટલીની સાથે ભાણામાં લીધેલા મીઠાની કાંકરી લઈને રહ્યા ત્યાં સુધી એમ જ ચલાવ્યું. રોટલીને મીઠા સીવાય કશું ન જમનારા આ જ નાનાભાઈ આગળ ઉપર ભાવનગરમાં હતા ત્યારે આ જ શેઠ-શેઠાણીના કોઈ સંતાનને ખાનગી ટ્યુશન લઈ ભણાવતા હતા. વરસ પુરુ થતાં શેઠાણીએ એ જમાનામાં બહુ મોટી રકમ ગણાય એટલા, 150 રુ. ટ્યુશન ફીના ગણીને નાનાભાઈને આપ્યા ત્યારે નાનાભાઈએ ખુબ ખેંચ રહેતી તોય એમ કહીને એવડી મોટી રકમ પાછી વાળી કે આપનો ઉપકાર મારા પર ઘણો છે અને હું એ બદલો ક્યારેય વાળી શકીશ નહીં. શેઠાણીએ શેઠને બોલાવ્યા અને નાનાભાઈને કહ્યું કે અમે તમને ઘણી તકલીફો આપી હતી. એમણે એટલો જ જવાબ આપીને પૈસા ન લીધા કે હું તે તમારા ઉપકારો
યાદ રાખું કે આવી બધી વાતો ?!

હંમેશાં પહેલા વર્ગમાં પાસ !

કૉલેજનો અભ્યાસ શરુ કર્યાના કાળથી માંડીને તેઓ બી.એ; એસ.ટી.સી. તથા એમ.એ. થઈને શામળદાસ કૉલેજમાં આસીસ્ટંટ પ્રોફેસરની જગ્યાએ નીમાયા. બી.એ.માં પહેલા વર્ગમાં આવ્યા.એસ.ટી.સી.માં પણ પહેલા વર્ગમાં આવ્યા એટલું જ નહીં પણ એમ.એ.નો બે વરસનો અભ્યાસક્રમ એક જ વરસમાં પુરો કર્યો !

સાધક-બાધક પરીબળો

આ સમયમાં કેટલાક સાધક અને બાધકપરીબળો તેમના ગુરુ બન્યાં. ભયંકર ગણાય એવા શારીરીક વ્યાધીઓ, ગરીબાઈ,કૌટુંબીક આપત્તીઓ, તેમનાં બહુ જ વહાલાં મોટીબા ચંદુબાનું અવસાન, તેમની વહાલસોઈ અને પાંગરતા પ્રેમના ફુલ સમી પત્ની શીવબાઈનું કૉલેરામાં અવસાન, અત્યંત પવીત્ર અને ધર્મ પરાયણ પીતાનું અવસાન–એ બધાં બાધક તત્ત્વો હતાં.

તો બીજી બાજુ, તે કાળે તેમનામાં રહેલી તીવ્ર ધર્મજીજ્ઞાસાને સંતોષે એવા સંતોનો સત્સંગ, અંગ્રેજી અને સંસ્કૃત સાહીત્યનો તલસ્પર્શી અભ્યાસ, ભાવનગરના મહારાજા ભાવસીંહજીના એ વખતના ખાનગી શીક્ષક પ્રભાશંકર પટ્ટણીનો પરીચય અને તેમાંથી જામેલા મૈત્રીસંબંધો, ને સૌથી વીશેષ તો બીલખા આનંદાશ્રમના મહાત્મા શ્રીમન્નથુરામનો શીષ્યસંબંધ ને તેના જ ફળસ્વરુપ હરગોવીંદદાસ પંડ્યા (મોટાભાઈ)સાથેની જીવનભરની મૈત્રી એ બધાં પરીબળો સાધક હતાં….નાનાભાઈએ આ બંને પ્રકારનાં પરીબળોમાંથી ભાવીજીવનકર્તવ્યનું, મુલ્યનીષ્ઠાનું અને જીવનકાર્યની પસંદગીનું અમોલ ભાથું મેળવ્યું હતું.

ગરીબાઈ સામે અંત:સત્ત્વની ખુમારી

ગરીબાઈ તે સમયે કોઈને પણ બાધક નહોતી. એમાંય ખાસ કરીને બ્રાહ્મણધર્મ સાથે તો તે અભીન્ન રીતે જોડાયલી હતી. પણ ગરીબાઈ સાથે ખુમારી રાખવા માટે અંત:સત્વનું બળ જોઈએ, જે નાનાભાઈમાં પુરેપુરું વીકસેલું હતું.

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in vyakti-parichay and tagged . Bookmark the permalink.

1 Responses to રોટલી અને મીઠું ખાઈને મુંબઈ કૉલેજમાં ભણ્યા નાનાભાઈ ! (ભાગ – ૩)

  1. pragnaju કહે છે:

    ખૂબ જ સરસ, અલભ્ય માહિતી
    આ અભ્યાસપૂર્ણ લેખ વાંચવાની મજા આવી.
    નવું ઘણું જાણવા મળ્યું

    Like

આપનો પ્રતિભાવ અહીં >>>