દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન

મનસુખ સલ્લા


 

મનુભાઇ પંચોળી ‘દર્શક’ નો ટૂંકો પરિચય

darshak

પૂરું નામ: મનુભાઇ રાજારામ પંચોળી ઉપનામ: દર્શક

જન્મ: 15 – ઓકોટોબર – 1914 ; પંચાશિયા ( વાંકાનેર)

અભ્યાસ: પ્રાથમિક – નવમું ધોરણ, સ્વ અભ્યાસ, 1991 – ડી.લિટ્  – સૌરાષ્ટ્ર યુનિ.

જીવન ઝરમર:

 • દાંડી સત્યાગ્રહમા ભાગ લીધો અને જેલવાસ
 • ભારત છોડો ચળવળમાં ભાગ , જેલવાસ
 • નાનાભાઇ ભટ્ટ સાથે કામ કર્યું – ભાવનગર , સણોસરા  અને આંબલા ખાતે
 • ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓના સ્થાપક
 • ‘કોડિયું’ અને ‘સ્વરાજ ધામ’ ના તંત્રી
 • 1975 ના કટોકટી ગાળામાં જેલવાસ
 • ગુજરાત નયી તાલીમ સંઘના સ્થાપક અને ચેરમેન
 • ભારત સરકારની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય
 • 1981-83  – ગુજરાતી સાહિય પરિષદના પ્રમુખ
 • ગુજરાત રાજ્યના ભૂતપુર્વ શિક્ષણ પ્રધાન

મુખ્ય રચનાઓ:

 • નવલકથા –  બંદીઘર, પ્રેમ અને પૂજા, બંધન અને મુક્તિ, ઝેર તો પીધાં જાણી જાણી ભાગ 1-3, સોક્રેટીસ + , કલ્યાણયાત્રા, દીપનિર્વાણ
 • નાટક – જલિયાંવાલા, અઢારસો સત્તાવન, પરિત્રાણ, અંતિમ અધ્યાય
 • વિવેચન – વાગીશ્વરીનાં કર્ણફૂલો, મારી વાચનકથા, ભેદની ભીત્યુંને આજ મારે ભાંગવી
 • ચિંતન – ઇતિહાસ કથાઓ – ગ્રીસ અને રોમ , આપણો વારસો અને વૈભવ, ત્રિવેણી તીર્થ, ધર્મચક્ર પરિવર્તન, શાન્તિના પાયા, અમૃતવલ્લી, સર્વોદય અને શિક્ષણ, મંદારમાલા, લોકશાહી, નઇ તાલીમ અને નવ વિધાન
 • ચરિત્ર – નાનાભાઇ ( મૂ.મો. ભટ્ટ સાથે) ,  ટોલ્સ્ટોય
 • સંપાદન – ગાંધી કાવ્ય સંગ્રહ, રાજ્યરંગ શ્રેણી, કસુંબીના રંગ, કટોકટી અને નવ નિર્માણ, સર્વોદય, વિદેશ નીતિ

સન્માન:

 • ગુજરાત રાજ્યના સાહિત્ય માટેના ઇનામના પ્રથમ વિજેતા
 • 1964– રણજિતરામ સુવર્ણ ચંદ્રક
 • 1975– સાહિત્ય અકાદમી એવોર્ડ +
 • મુર્તિદેવી એવોર્ડ
 • 1991– ભારત સરકારની ‘પદ્મભૂષણ’ પદવી
 • 1992 – નરસિંહ મહેતા એવોર્ડ અને  હરિ ૐ આશ્રમ એવોર્ડ
(ગુજરાતી પ્રતિભા પરિચય પરથી)

 

મનુષ્ય મરણશીલ છે, પરંતુ એના વિચારોમાં સર્વજનહિતની ભાવના હોય, દર્શનમાં વ્યાપકતા હોય અને કર્મમાં છેવાડાના માટેની કરુણા હોય તો એ જીવે છે. રવીન્દ્રનાથ ટાગોરે ‘સોનાર તરી’ કાવ્યમાં કહ્યું છે કે જીવનદેવતા પોતાની નાવમાં વ્યક્તિને નહિ, તેનાં કર્મોને જ લઈ જાય છે. એટલે મનુભાઈ નામધારી વ્યક્તિ એક મુકામે અટકી ગઈ, પરંતુ દર્શક દીર્ધકાળ સુધી ટકશે.

અનેક લોકો એવા હોય છે જે પોતાના ક્ષેત્રમાં મોટા અને તજજ્ઞ હોય છે, પરંતુ બાકીનાં ક્ષેત્રોને તેઓ સ્પર્શતા નથી. દર્શકની ખૂબી એ હતી કે જીવનના સઘળા પ્રમુખ પ્રદેશો એમના રસના વિષયો હતા, નિસ્બતનાં ક્ષેત્રો હતાં. એ અર્થમાં તેઓ ગુજરાતીના પ્રચંડ મનોઘટનાશાલી વ્યક્તિવિશેષ હતા. તેમનાં ચિંતન અને અભિવ્યક્તિમાં જીવનની વ્યાપકતા અને ઊંડાણ એ કારણે અનુભવાય છે.

દર્શકનું શિક્ષણચિંતન શિક્ષણને અને જીવનને નવી નજરે જોવાની પ્રેરણા આપે છે, કારણ કે દર્શક પાસે જીવનનો સર્વાંગી નકશો છે. એમની રજૂઆત હૃદયસ્પર્શી લાગે છે, કારણ કે એમાં સર્જક દર્શકનો સ્પર્શ છે.

દર્શકની જીવનભરની એ ખોજ હતી કે સાચું જીવન એટલે કેવું જીવન ? જન્મ પામવો એ તો જૈવિક પ્રક્રિયા છે. પરંતુ સાચું જીવન એ સાંસ્કૃતિક ખ્યાલ છે. આ ખોજ દર્શકે પોતાની સાહિત્યિક રચનાઓમાં, ચિંતનમાં અને કેળવણીમાં સતત કરી છે. એ માટે તેમણે સાહિત્ય, કેળવણી, ધર્મ, તત્ત્વજ્ઞાન અર્થશાસ્ત્ર, સમાજગતિશાસ્ત્ર, માર્કસવાદ અને ગાંધી વિચાર, રાજનીતિના તત્ત્વજ્ઞાનનો વિકાસ, સહકાર-પંચાયત અને ખેતી-ગોપાલનનું ગંભીર અને ઉત્કટ અધ્યયન-મનન- પરિશીલન કર્યું છે. એ તમામમાં તેમની શોધ અંતઃસ્રોતા વહી રહી છે કે સાચું જીવન એટલે કેવું જીવન ?

દર્શક કેવળ અભ્યાસી ન હતા, પ્રયોગવીર, ખોજ કરનારા હતા. નાનાભાઈ ભટ્ટનો પ્રત્યક્ષ અને ગાંધીનો પરોક્ષ પ્રભાવ ઝીલીને તેમણે કેળવણીના નૂતનરૂપની ખોજ બહુ વહેલેરી આદરી દીધી હતી. દક્ષિણામૂર્તિ (ભાવનગર)ના નાનાભાઈ સાથેના ટૂંકા સહવાસે કેળવણી જ મનુષ્યના મૂળભૂત બદલાવનું પ્રમુખ ક્ષેત્ર હોઈ શકે એ શ્રદ્ધા તેમનામાં દૃઢ થઈ ગઈ છે. સાથે જ દર્શક મૌલિક ચિંતક પણ છે તેથી જીવનને આગવી નજરે જોઈ શકે છે. એટલે દક્ષિણામૂર્તિ છોડતી વખતે તેઓ નાનાભાઈ ભટ્ટને કહી શક્યા હતા કે, ‘તમને રાંધતાં આવડ્યું, પણ પીરસતાં ન આવડ્યું.’ એટલે કે શહેરમાં તો શિક્ષણનું કામ કરનારા નીકળવાના, પણ ગ્રામસમાજનાં અંધારાં ઉલેચવાં એ વધુ અગત્યનું છે. એટલે જ ‘તમે ગામડામાં જાઓ ત્યારે હું આવીને જોડાઈ જઈશ’ એવું વચન પણ આપી શક્યા હતા અને નાનાભાઈ આંબલા ગયા (૧૯૩૭) ત્યારે દર્શક તેમના સાથીદાર તરીકે જોડાઈ ગયા હતા અને મરણપર્યંત (૬૪ વર્ષ) કેળવણીક્ષેત્રમાં રહ્યા.

દર્શકમાં વિવિધ ક્ષેત્રનું અધ્યયન માત્ર સ્મૃતિવ્યાપાર નથી બન્યું, પરંતુ એનું રાસાયણિક રૂપાંતર થઈને દર્શનરૂપે પ્રગટ થયું છે. પ્રચંડ મેધા, તીવ્ર-તીક્ષ્ણ સ્મૃતિ, જીવનનાં પરમૌચ્ચ મૂલ્યો વિશેની પ્રતીતિપૂર્ણ શ્રદ્ધા અને વૈશ્વિક સંદર્ભમાં પ્રસ્તુત પ્રશ્નોને અવલોકવાની ગુંજાઇશને કારણે દર્શકનું કોઈ પણ લખાણ કે વક્તવ્ય આપણને નવેસર વિચારવાનો ધક્કો આપે છે. વફાદારીના સાંકડા કૂંડાળામાંથી બહાર નીકળવાની પ્રેરણા આપે છે.

ક્રાન્તદૃષ્ટા એટલે જે હજુ જન્મ્યું નથી, ભાવિના ગર્ભમાં પડ્યું છે તેને પારખી શકે, જોઈ શકે તેવા. એ અર્થમાં મનુભાઈનું ‘દર્શક’ ઉપનામ સાર્થક થયું છે. તેઓ પણ સ્વીકારતા કે પોતાની મુખ્ય શક્તિ અણદીઠને જોઈ શક્વાની છે. આ સંદર્ભ સ્પષ્ટ થાય તો દર્શકની પ્રતિભાનો વિશેષ શો હતો તે સમજાય. તેમના પ્રદાનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરી શકાય.

દર્શક ગાંધીજીના પ્રભાવમાં આવ્યા, કારણ કે ગાંધીજી પાસે જીવનનું વૈશ્વિકદર્શન હતું. દર્શકમાં મુખ્ય ખૂબી જ એ છે કે તેઓ કોઈ પણ પ્રશ્નનું વિશ્લેષણ વૈશ્વિક સંદર્ભમાં કરે છે. તેમાં તેમને ઇતિહાસનું અધ્યયન સતત સહાયરૂપ બન્યું છે. દર્શકની કેળવણીમાં નિષ્ઠા સ્થિર થઈ નાનાભાઈ ભટ્ટને કારણે, પણ કેળવણીનો માનવીય ચહેરો નીપજ્યો ગાંધીજી, ઇતિહાસનું અધ્યયન અને સાચા જીવનની ખોજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યને કારણે. ગાંધીજીએ નઈ તાલીમમાં ઉદ્યોગને અનિવાર્ય એકમ ગણાવ્યો હતો. દર્શકે તેને વ્યાપક સંદર્ભ પૂરો પાડયો. ગ્રીક સંસ્કૃતિ ગુલામી પ્રથા અને શ્રમની ઉપેક્ષાને કારણે નાશ પામી હતી તે દર્શકનું સ્વઅધ્યયન હતું. ગ્રીક સંસ્કૃતિથી લઈને ભારતીય સમાજમાં શ્રમિક પ્રત્યેનો હીનભાવ દર્શક પારખી શક્યા હતા. આ દેશમાં ખાંધ પર બેસીને ખાવાની મનોવૃત્તિ લોહીમાં વણાઈ ગઈ હતી, તેમાંથી બુદ્ધિજીવી અને શ્રમજીવીની વચ્ચેની ભયાનક અસમાનતા પારખીને દર્શકે ઉચ્ચશિક્ષણમાં પણ શ્રમની પ્રતિષ્ઠા દૃઢમૂલ કરી. સેવાગ્રામમાં એના પ્રયોગો મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણમાં અને લઘુ અંશે માધ્યમિક શિક્ષણમાં જ થયા હતા. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીમાં પરિશ્રમ શિક્ષણના અનિવાર્ય ભાગરૂપે પ્રતિષ્ઠિત થયો તેના મૂળમાં આવું વ્યાપક દર્શન છે. દર્શકના પ્રદાનને આ દૃષ્ટિએ સમજવાની જરૂર છે. ગાંધીજીએ તત્કાલીન આવશ્યક્તા અને સગવડ મુજબ ઉદ્યોગના માધ્યમ તરીકે કાંતણ અને વણાટ સૂચવ્યાં હતાં. દર્શકે પારખ્યું કે દેશનો મોટો ભાગ ગ્રામસમાજમાં છે. ગ્રામસમાજના પોષક અને આધારરૂપ ઉદ્યોગો કૃષિ અને પશુપાલન છે. વળી એ સર્વસુલભ છે. એટલે કાંતણને સંસ્કારરૂપે સ્વીકારીને કૃષિ-પશુપાલનને તેમણે પાયાના ઉદ્યોગ તરીકે સ્થાન આપ્યું તે ભારતીય સમાજ સદર્ભમાં ક્રાન્તદર્શન કહી શકાય તેમ છે.

દક્ષિણામૂર્તિ ભાવનગરમાં મનુભાઈએ પારખ્યું હતું કે સંસ્થા ચલાવવા દાન મેળવવા નાનાભાઈ જેવા મોવડીને વર્ષમાં છ મહિના સંસ્થા બહાર રહેવું પડતું હતું. વિદ્યાર્થીઓ તેમના સંપર્ક અને ઘડતરથી વંચિત રહેતા. એટલે દર્શકે લગભગ શરતની કક્ષાએ આંબલામાં પાકું કર્યું કે સંસ્થા સ્વાવલંબી હોવી જોઈએ, દાન આધારિત નહિ. દર્શકની નવા ક્ષેત્રની પહેલ અને પુરુષાર્થનું નોંધપાત્ર દૃષ્ટાંત ખેતી-ગોપાલનનું જ્ઞાન મેળવવા ઇસ્માઈલભાઈ નાગોરીને ઘેર ચાર મહિના રહ્યા એ છે. તેમણે નોંધ્યું છે કે, નાનાભાઈ કે મને ખેતીનું કશું જ્ઞાન ન હતું. ‘પરાણ મૂકવી’ની અમને ‘પ્રાણ’ રૂપે જ ખબર હતી. દરરોજ ચાર કલાક પરિશ્રમ કરે, બાકીના સમયમાં ખેતીનું વાંચે અને ઇસ્માઈલભાઈને પ્રશ્નો પૂછે. પરિણામે ખેતી-ગોપાલનના તજજ્ઞ કક્ષાના જાણકાર બન્યા. આંબલા-લોકભારતીના ખેતી વ્યવસ્થાપકોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. માઈધારમાં એક વાર દૂરના ખેતરમાં જતાં એક ઘટાદાર આંબાને જોઈ કહે, ‘એમાં ઘણ(મોટો કીડો જે ધોરી નસમાંથી રસ ખાઈ જાય) લાગ્યો હશે. મને નવાઈ લાગી, દૂરથી કેવી રીતે પારખ્યું ? તો તેમણે કહ્યું, ‘એ આંબાની સૌથી ઉપલી ટોચની ડાળ કરમાઈ રહી છે.’ દર્શકે ગોપાળબાપાની વાડીનું આલેખન ઉત્તમ અને સજીવ રીતે કર્યું છે, કારણ કે વાડી ઉછેરવાનો તેમને જાતઅનુભવ હતો. રઘુવીર ચૌધરી દર્શકને ‘આમ્રપાલ’ તરીકે ઓળખાવે છે તે ઉચિત છે. સંસ્થાનો આર્થિક સ્વાવલંબનનો દર્શકનો સંદર્ભ હતો સ્વાયત્તતા અને પ્રયોગશીલતા. એ માટેની સજ્જતા કેળવવા દર્શક આવો પુરુષાર્થ કરી શકે.

દર્શકે શ્રમને શિક્ષણમાં પ્રતિષ્ઠિત તો કર્યો જ, સાથે એને તાર્કિક અંત સુધી લઈ ગયા. કૃષિ પશુપાલનનો અભ્યાસક્રમ ઘડ્યો, ચલાવ્યો, પ્રયોગ કર્યો અને ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડમાં એને સ્થાન પણ અપાવ્યું. આખા ભારતમાં આ માત્ર ગુજરાતમાં જ બન્યું છે. તેવું જ મહાવિદ્યાલય કક્ષાએ (લોકભારતીમાં) કૃષિ ગોપાલનના વિષયોને કૃષિ યુનિવર્સિટીથી જુદા સ્તરે, ગ્રામસમાજને વધુ ઉપયોગી થાય તે સ્વરૂપે રજૂ કરીને બેચલર ઓફ રુરલ સ્ટડીઝ( બી.આર.એસ)ની આગવી ઓળખ ઊભી કરાવી.

યુરોપના મોટા વિચારક સી.પી. સ્નોએ ૧૯૫૮ આસપાસ જગતનું ધ્યાન ખેચ્યું હતું કે ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનો સંતુલિત અભ્યાસ જગતના સ્વાસ્થ્ય અને સંવાદિતા માટે અનિવાર્ય છે. નહિ તો જીવનની એકાંગિતા સર્જાશે. સી.પી સ્નોની પહેલાં પાંચ વર્ષે(૧૯૫૩માં) લોકભારતીના સ્થાપનાકાળથી અભ્યાસક્રમમાં ભૌતિક વિદ્યાઓ અને માનવીય વિદ્યાઓનું સમન્વિત અને સંતુલિત સ્વરૂપ અમલી બનાવાયું હતું. એટલે લોકભારતીના ધ્યાનમંત્રમાં ઉપનિષદના મંત્રનો આવો ભાગ સ્વીકારવામાં આવ્યો છે કે ‘अविद्या मृत्युं तीर्त्वा, विद्ययामृत मश्नुते ।’ ઉપનિષદના શ્લોકમાં આ બન્ને શબ્દો બહુ લાક્ષણિક અર્થમાં યોજાયા છે. અવિદ્યા એટલે જીવનની સુખાકારી માટે જરૂરી એવાં ભૌતિક વિજ્ઞાનો. એનાથી પૃથ્વીલોક સુખી અને સંપન્ન બનશે. તો વિદ્યા(સમજણ – understanding) દ્વારા અમૃતની (ચિત્તની પ્રસન્નતા અને મુદિતાની) પ્રાપ્તિ કરવાની છે. એટલે મનુષ્યે સુખ અને સમજણની સમાનપણે ઉપાસના કરવાની છે. ભારતીય શિક્ષણરચનામાં આ મૂલ્ય ભુલાયું તેથી આજના પ્રશ્નો છે. સમજણમાંથી જન્મતી માણસાઈની ઉપેક્ષા થઈ છે. દર્શકનું વિદ્યા અને અવિદ્યા વિશેનું દર્શન ઇતિહાસ-મીમાંસા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને જીવનની નરવી સમજમાંથી જન્મેલું છે. યુરોપ-અમેરિકામાં વિજ્ઞાનનો વિદ્યાર્થી સાથે જ સંગીત, સાહિત્ય કે ધર્મનું અધ્યયન કરે તે સ્વાભાવિક રચના છે. આપણે એકાંગી નિપુણતા તરફ વળ્યા છીએ તે જોખમ છે. દર્શકે બહુ પહેલેથી અધ્યયનની દિશા અને સ્વરૂપ પ્રત્યક્ષ અમલ દ્વારા આપણને દર્શાવ્યાં છે. કહી શકાય કે નઈ તાલીમના નિર્ણાયકો આ તત્ત્વ જાળવશે ત્યાં સુધી તેના વિદ્યાર્થીઓ સમાજને ઉપયોગી એવા નીવડવાનાં જ.

હરેક કેળવણી-રચનાએ એના સામાજિક કોયડાના ઉકેલ શોધવાની તાકાત આપવી જોઈએ. તો જ એ કેળવણી પ્રસ્તુત અને આવકાર્ય ગણાય. આ દેશ ઊંચી-નીચી શ્રેણીઓમાં વિભાજિત થયેલો હતો. ભેદની ભીંતો ચણાયા જ કરતી હતી. તેના નિવારણ માટે સમૂહજીવનની તાલીમ અને એને અનુકૂળ વલણોનો વિકાસ અનિવાર્ય હતાં. નાનાભાઈ ભટ્ટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધી છાત્રાલય અને સમૂહજીવનના સંસ્કારોની કેળવણીનું સફળ આયોજન કર્યું હતું. મૂળશંકરભાઈ ભટ્ટે એને સુઆયોજિત શાસ્ત્રીય સ્વરૂપ અને સંબંધ માધુર્યનું અમૃત નીપજાવ્યું હતું. તેને ઉચ્ચશિક્ષણમાં પ્રતિષ્ઠિત કરવામાં ૧૯૬૦થી ૨૦૦૦ સુધી (૪૦ વર્ષ સુધી) દર્શકે ફાળો આપ્યો છે. લોકભારતીમાં તેનાં ઉત્તમ ફળો મેળવવા તેઓ માર્ગદર્શક રહ્યા છે. કેવળ અભ્યાસ કરવાની સગવડરૂપે છાત્રાલય નહિ, પણ નૂતન સમાજની સંવાદી મનોરચનાના નિર્માણના માધ્યમરૂપે, ગુણવિકાસના ધરુવાડિયારૂપે છાત્રાલયજીવન એ દર્શકનો વિશેષ છે. તેમાંય સંસ્થાનાં તમામ છાત્રાલયો માટે નિર્ણાયક એવા ગૃહપતિમંડળની રચના અને અધ્યાપક જ ગૃહપતિ હોય એ મૂલ્યને તેમણે રચનાગત સિદ્ધ કરીને મોટું પ્રદાન કર્યું છે. પછીથી યુનેસ્કોના ડેલોર્સ રિપોર્ટમાં સમૂહજીવનનો કેળવણીના મૂળભૂત આધારતત્ત્વ તરીકે સ્વીકાર થયો તે ગુજરાતમાં સહજ સ્વરૂપે બુનિયાદી શિક્ષણમાં સ્થાપિત થયેલું છે.

અભ્યાસક્રમ પાછળની નૂતન અને વ્યાપક દૃષ્ટિ એ દર્શકનું નોંધપાત્ર પ્રદાન છે. દક્ષિણામૂર્તિ અને લોકભારતીના અભ્યાસક્રમોના સમયાંતરે બદલાયેલાં સ્વરૂપો એના અભ્યાસયોગ્ય દસ્તાવોજો છે. (પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે એ નિમંત્રણરૂપ છે.) તેના કેટલાક મુદ્દા તપાસવા પૂરતા થશે.

(૧) અભ્યાસક્રમમાં કાવ્ય-સાહિત્યનું અનિવાર્ય સ્થાન :

સાહિત્ય હૃદયની વિશાળતા અને સંવેદનાના વિકાસ માટે અત્યંત પ્રબળ માધ્યમ છે એ દર્શક પ્રમાણી શક્યા હતા. એટલે પસંદગીની કવિતાઓ અને સાહિત્યકૃતિઓ પસંદ કરવી ( કાળાનુક્રમ મુજબ નહિ) એવો તેમણે આગ્રહ રાખ્યો. વિદ્યાર્થીઓના ભાવતંત્રને કેળવે, નઈ તાલીમ અને ગ્રામવિદ્યાના હેતુઓને ઉપકારક એવી માનવીની ભવાઈ, દીપનિર્વાણ, પલ્લીસમાજ, દિવ્યચક્ષુ, વ્યથાનાં વિતક, સ્વદેશી સમાજ જેવી કૃતિઓની પસંદગીમાં તેમણે કાયમ રસ લીધો. દર્શક પોતે કવિતાશિક્ષણના નીવડેલા ઉત્તમ શિક્ષક હતા. તેમનું કાવ્યાનંદનું સંપાદન આ દૃષ્ટિએ મૂલવવા જેવું છે.

(૨) રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ અને મહાનકૃતિઓનો અભ્યાસ :

સ્નાતક કક્ષાએ લોકભારતીમાં તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે અંતિમ વર્ષમાં ‘રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’નો અભ્યાસ એ નાગરિકધર્મની દીક્ષારૂપ અભ્યાસક્રમ છે તે અનુભવે સમજાવ્યું છે. તો ગ્રામવિદ્યા અનુસ્નાતકના ઉચ્ચ અભ્યાસક્રમમાં કોઈ પણ મુખ્ય વિષયના વિદ્યાર્થી માટે ‘studu of the greats’માં જગતની પ્રતિનિધિરૂપ મહાન કૃતિઓનો અભ્યાસ જરૂરી બનાવવામાં દર્શકની દીર્ઘ દૃષ્ટિ છે. માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી કેવી વૈશ્વિક દૃષ્ટિ પામેલો હોવો જોઈએ અને જીવનનાં પાયાનાં તથા પોષક તત્ત્વો અંગે કેટલો સ્પષ્ટ અને શ્રદ્ધાવાન હોવો જોઈએ તે અપેક્ષામાંથી આ રચના થયેલી છે. દર્શકે વર્ષો સુધી તેનું અધ્યાપન કર્યું હતું. છેલ્લાં સાતેક વર્ષ મેં એ અભ્યાસક્રમોનું અધ્યાપન કર્યું છે એટલે મને એની પ્રતીતિ થઈ છે. એ પણ નોંધપાત્ર છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં આવા અભ્યાસક્રમની રચના થઈ નથી. એટલે વિદ્યાર્થીઓ કેવા ઉપલક રહી જાય છે તે સૌનો અનુભવ છે.

(૩) સમાજ અનુબંધિત કેળવણી :

દર્શકનું એ નીતર્યું દર્શન હતું કે સમાજ–અનુબંધિત કેળવણી જ સાચી કેળવણી છે. જે કેળવણી પોતાના જીવાતા જીવનથી કપાઈ જાય છે તે બહારથી ગમે તેટલી રૂડીરૂપાળી લાગતી હોય તો પણ વાંઝણી વિદ્યા છે. એ લેનાર વિદ્યાર્થી સ્વહિત બુદ્ધિથી ગ્રસિત થઈ જાય છે એ દર્શકે જીવનભર સમજાવ્યું હતું.

એ માટે વિદ્યાવિસ્તારનો કેવળ અભ્યાસક્રમ જ નહિ, પણ સંસ્થાની અનેકવિધ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડથી ખેતર સુધીનું જોડાણ સિદ્ધ કરીને વિદ્યાને વાસ્તવિક અને નક્કર બનાવવા માટે દર્શકે જીવનભર જિકર કર્યા કરી હતી. નઈ તાલીમની સંસ્થાઓ સામાજિક અનુબંધની કાળજી લેશે અને માવજત કરશે ત્યાં સુધી જ પ્રાણવાન રહી શકશે એ હવે સિદ્ધ થઈ ગયું છે. દર્શકની આ ક્રાન્તદર્શિતા અંગે ભાગ્યે જ નોંધ લેવાય છે, પણ લેવામાં ૠણસ્વીકાર છે તેમ જરૂર કહી શકાય.

(૪) વ્યાપક સમાજની અવૈધિક કેળવણી :

વ્યાપક સમાજ મોટી ઉંમરે વિદ્યાલયમાં દાખલ નહિ થઈ શકે અને વિદ્યા વગર નાગરિકોની કેળવણી થશે નહિ, તો વિદ્યાલય લોકોની વચ્ચે જાય, એમને ઘેર જાય એ દર્શક જેવા લોકહિતની ખેવનાવાળા, વિદ્યાલયને મૌલિક સ્વરૂપમાં જોઈ શકનારા જ પારખી શકે. તેથી વિદ્યા તાજી અને પ્રસ્તુત રહેશે તથા લોકજીવન જ્ઞાનસમૃદ્ધ બનશે. આ વિચારને મૂર્ત કરવા દર્શકે જીવનના ઉત્તરાર્ધમાં માતૃધારામાં અવૈધિક શિક્ષણનું કેન્દ્ર સ્થાપ્યું. અનેકવિધ પ્રયોગો કર્યા. સર્ટિફિકેટ વગરનો એ અભ્યાસ ત્રણ દિવસથી ત્રીસ દિવસ સુધીનો હતો. લોકોનું કૌશલ વધે અને નાગરિકધર્મની દીક્ષા પામે એ મૂળભૂત હેતુ હતો. એ પ્રયોગ પૂર્ણરૂપમાં સફળ ન થયો, તેમાં દર્શકની ઉંમર, ટાંચા સાથીઓ, તજજ્ઞોની ગામડાની ધૂળમાં આવવાની અનિચ્છા, વાહનવ્યવહારની સગવડથી દૂરનું સ્થળ વગેરે કારણોએ ભાગ ભજવ્યો. પરંતુ વ્યાપક સમાજની કેળવણી માટે દર્શકે કરેલો અવૈધિક શિક્ષણનો એ પ્રયોગ આજે પણ એટલો જ પ્રેરક અને માર્ગદર્શક છે.

(૫) દર્શક – મોટું જોડાણતત્ત્વ :

ગુજરાતમાં લગભગ ૫૦ વર્ષ સુધી નઈ તાલીમના વિચારના અને પ્રયોગોના પથદર્શક, પુરસ્કર્તા અને એની દર્શનની કરોડરજજુ તરીકે દર્શકે પ્રદાન કર્યું છે. આખા ભારતમાં નઈ તાલીમનો વિચાર કરમાઈ ગયો, અરે ભુલાઈ ગયો પણ ગુજરાતમાં જીવંત રહ્યો, વિકસતો રહ્યો તેમાં સૌથી મોટું જોડાણતત્ત્વ (Binding force) દર્શક હતા. એથી ગુજરાતમાં નઈ તાલીમના ખેતી-પશુપાલન અને સમાજનવરચનાના વિષયો માધ્યમિક શિક્ષણના ચાલુ પ્રવાહમાં સ્વીકારાયા. બુનિયાદી શિક્ષણપ્રવાહને માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા અપાવવામાં, અભ્યાસક્રમમાં રેલી અને શિક્ષણમેળાઓને વ્યાપક કરવામાં, સામાજિક આફતોની ઘટનાઓમાં (મોરબી પૂરહોનારત, બાંગ્લાદેશ શરણાર્થી છાવણી વગેરેમાં) વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવવામાં, ગુજરાત નઈ તાલીમ સંઘને સ્ફૂર્તિમાન અને સક્રિય રાખવામાં સેતુરૂપ દર્શકનો ફાળો અગ્રગણ્ય છે. નઈ તાલીમના સંવર્ધન માટે ભાંગતી તબીયતે ગાંધીનગર અને દિલ્હીના ધક્કા ખાવામાં તેમને થાક કે કંટાળો નહોતો. ઇઝરાયલના વિખ્યાત ઇતિહાસવિદ પ્રો. તાલમાને કહ્યું હતું કે ‘સંગઠિત સત્ય જીતે છે’ એ દર્શકની પ્રતીતિ બન્યું હતું.

પ્રાથમિકશાળા કક્ષાએ ધોરણ ૫-૬-૭માં ઇતિહાસ વંશાવલીઓ રૂપે નહિ, પણ વાર્તારૂપે ભણાવવો જોઈએ એ દર્શનમાંથી બોર્ડના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં તજજ્ઞોને દૃષ્ટિ આપીને લખાવવામાં દર્શકનો ફાળો બહુમૂલ્ય છે. વહીવટકર્તાઓની અદીર્ધદૃષ્ટિને કારણે થોડાં વર્ષો પછી પાઠ્યપુસ્તકો મૂળ ઘરેડનાં બની ગયાં, પણ દર્શકે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો માટે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.

દર્શકે લેખન અને વ્યાખ્યાનો દ્વારા ગુજરાતમાં નઈ તાલીમની કેળવણીની દાર્શનિક પીઠિકા પૂરી પાડી છે તો પ્રત્યક્ષક્ષેત્રના પ્રયોગો દ્વારા એને નક્કર ભૂમિકા પૂરી પાડી છે. એ કારણે ગુજરાતનું શિક્ષણજગત દર્શકને ભૂલી નહિ શકે.

મનુભાઈનું આ દર્શકત્વ અને તેમની જીવનનિષ્ઠા તેમને કેવળ ગુજરાતના જ નહિ, દેશના અગ્રણી કેળવણીકાર તરીકે સ્થાપે છે. એમનું લેખન અંગ્રેજીમાં થયું હોત તો આખા દેશને એમનો વ્યાપક અને સઘન પરિચય થયો હોત.

એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે દર્શકનું કેળવણીદર્શન આવનારી પેઢીઓને ભરપૂર માર્ગદર્શન અને પ્રેરણાપાથેય આપી શકે તેમ છે.

(લોકદક્ષિણામૂર્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળ અને શ્રી અનુભૂતિ ટ્રસ્ટના ઉપક્રમે આપેલું વ્યાખ્યાન. શિશુવિહાર, ભાવનગર, તા. ૨૧-૧૦-૨૦૧૨)

[વેબ ગુર્જરી પરથી સાભાર ]

Advertisements

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in shikshan-darshan, vyakti-parichay and tagged , , . Bookmark the permalink.

2 Responses to દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન

 1. pragnaju કહે છે:

  વિશાળ વાચનના અધ્યાસથી અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે.

  Liked by 1 person

 2. jugalkishor કહે છે:

  દર્શકની ઓળખ અહીં વિશેષરૂપે થઈ છે. સલ્લાભાઈએ એમની સાથે રહીને દર્શકનાં વિવિધ પાસાંને સૂક્ષ્મ રીતે સમજાવ્યાં છે. દર્શકે કેળવણી, સર્વોદય, રાજકારણ અને સાહિત્ય એમ સમાજના ચાર ચાર ક્ષેત્રોને ઝીણવટથી ને વ્યાપક રીતે ખેડ્યાં છે. નવમા ધોરણ સુધીનું જ ભણતર ને છતાં આટઆટલું જ્ઞાન એમને ગુજરાતના મહાન ચિંતક તરીકે સ્થાપે છે.
  ને આ બધાંની ઉપર, નાગરિકતાની રાષ્ટ્રીય કક્ષાએ જિકર કરનારા દર્શક ગ્રામીણ જીવનના અસ્સલ માણસ તરીકે રહ્યા છે. એમણે ગામડાના જીવનને આકંઠ પીધું છે ને પ્રગટ પણ કર્યું છે. ગુજરાત એમના થકી ઊજળું છે.

  Liked by 1 person

આપનો પ્રતિભાવ અહીં >>>

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s