ગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે

મીરા ભટ્ટ


જુગતરામ દવે નો ટૂંકો પરિચય:

jugtramdave

પૂરું નામ: જુગતરામ ચીમનલાલ દવે

જન્મ: ૧લી સપ્ટેમ્બર, ૧૮૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે

મહત્વના કર્યો: તેઓ મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત ગુજરાતી ભાષાના કવિ અને લોકનાટ્યકાર પણ હતા. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું હતું. તેઓ મેટ્રિકની પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા. ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં તેમણે નોકરી સ્વીકારી હતી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય અર્થે જોડાયા હતા. આ સમયગાળા વચ્ચે એમણે ઇ. સ. ૧૯૧૯ના વર્ષમાં ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી, જે એમણે ઇ. સ. ૧૯૨૩ના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. ૧૯૨૩થી ૧૯૨૭માં એમણે દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ઇ. સ. ૧૯૨૮ના વર્ષ પછીનું આખું જીવન એમણે દક્ષિણ ગુજરાતના રાનીપરજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. અંગ્રેજ સરકાર સામે બાથ ભીડતાં અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઇ. સ. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું.

એમનું કાવ્યસર્જન પ્રાસંગિક તેમ જ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં કાવ્યો તથા લેખો ગુજરાતમાં જાણીતાં છે. એમનાં મૌલિક કે પ્રેરિત તેમ જ અનુવાદ કરેલાં ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય માણવા મળે છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં પણ એમની અધિક રૂચિ રહી છે. એમના સાહિત્યસર્જનમાં ભગવદ્ ગીતાનો પણ ઊંડો પ્રભાવ રહ્યો છે.

અવસાન: વેડછીનો વડલો તરીકે સંબોધવામાં આવેલા જુગતરામ દવેનું અવસાન ૧૪મી માર્ચ, ૧૯૮૫ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું.

(વિકિપીડિયા પરથી)

 

જેમના વિષે મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીએ લખેલું કે, ‘જુગતરામભાઈ અમારા કવિઓના ટોળામાંથી ભાગી છૂટેલો જીવ છે.’ આવા કવિહૃદયના જુગતરામ કાવ્યને કાગળ પર ઉતારવાને બદલે, પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા ઉત્સુક હતા. એટલે આદિવાસી પ્રદેશમાં ધૂણી ધખાવી ગાંધી-વિચારને સાકાર કરવાનો મહાયજ્ઞ માંડ્યો. એમનું અંતઃસત્વ ઋષિતુલ્ય હતું. શિક્ષણના એવા કસબી કલાકાર કે બુનિયાદી શિક્ષણને એમણે ચૈતન્યમય આશ્રમી જીવન બનાવી દીધું. નાના મોટા, સૌ આબાલવૃદ્ધ એમને ‘જુ.કાકા’ના હુલામણા નામે બોલાવે.

1895માં ગુજરાતમાં વિનાશક રેલસંકટ ફરી વળ્યું. તો સરકારશ્રીની હાકલથી વડોદરા પહોંચ્યા. ત્યાં 1928માં બારડોલી સત્યાગ્રહનો શંખ ફૂંકાયો, ત્યારે ‘બારડોલી સત્યાગ્રહ’ નામની પત્રિકા દ્વારા લોકજાગૃતિનું મોટું કામ કર્યું. સત્યાગ્રહનો ભારતભરમાં જયજયકાર થયો. ત્યાર બાદ આદિવાસી વિસ્તારના વેડછી ગામમાં આવીને પલાંઠી વાળીને બેઠા તે બેઠા. ત્યાં શ્રી ચૂનીભાઈ મહેતાએ કાંતણ-પીંજણ-વણાટની પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણ તપાવી રાખ્યું હતું. ત્યાં પહોંચી જુગતરામભાઈએ બુનિયાદી ગ્રામશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને નઈ તાલીમ અધ્યાપન મંદિર જેવા વિવિધ પ્રયોગો દ્વારા વિસ્તાર્યું. ગુજરાતભરમાં આ સંસ્થાઓએ નઈ તાલીમની દષ્ટિએ નામ કાઢ્યું અને 1967માં ઉચ્ચ શિક્ષણ માટે વેડછીમાં ‘ગાંધી વિદ્યાપીઠ’ની સ્થાપના થઈ, જેના કુલપતિપદે જુ.કાકાની વરણી થઈ.

ધીરે ધીરે જુ.કાકાની પ્રેરણાથી સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં આશ્રમ સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ તથા ગ્રામસેવાના વિવિધ કેન્દ્રો ઊભાં થયાં. એ અરસામાં બુનિયાદી શિક્ષણનું કાર્ય સરકારે પણ ઉપાડ્યું એટલે ‘ગુજરાત નઈ તાલીમ સંઘ’ની સ્થાપના થઈ. શિક્ષણ ઉપરાંત પ્રજાના સર્વાંગી વિકાસાર્થે ‘રાનીપરજ સેવાસભા’ ‘હળપતિ સેવા સંઘ’ જેવી સંસ્થાઓ પણ કામ કરતી થઈ. આ પ્રદેશ જંગલ વિસ્તાર હોવાને કારણે 70 જેટલી જંગમ કામદાર સહકારી મંડળીઓ સ્થાપવાની પણ સફળ હિલચાલ ચાલી. સ્વરાજ્ય નહોતું આવ્યું ત્યાં સુધી તો આંદોલનોમાં ભાગ લઈ જેલયાત્રા પણ કરી. કુલ પાંચ વાર સાડા છ વર્ષ કારાવાસમાં સજા ભોગવી.

સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ, સ્થાનિક સ્વરાજ ઊભું કરવાની દિશામાં પંચાયતી રાજ મારફત અનેક સેવાકાર્યો કરાવ્યાં, આર્થિક ક્ષેત્રે પણ ગણોતધારા દ્વારા અનેક ગણોતિયાઓને માલિક બનાવ્યા અને ખેતીનો વિકાસ કરાવ્યો. વ્યાપક લોકજાગરણ માટે દર વર્ષે યોજાતો ગાંધીમેળો સમસ્ત ગુજરાત રાજ્ય માટે પ્રેરક રહ્યો, જેમાંથી ગાંધી દષ્ટિવાળા અનેક પ્રકારના કાર્યક્રમો ફલિત થયા. આમ, એક જમાનાની શોષિત-પીડિત-વંચિત પ્રજામાં નવા પ્રાણ ફૂંકી, લોકજાગરણનું પ્રચંડ કાર્ય કર્યું. 1978નો જમનાલાલ બજાજ એવોર્ડ જુ.કાકાને પ્રાપ્ત થયો. આદિવાસીઓની સર્વાંગી સેવા ઉપરાંત અનેક ગ્રંથરચના તથા કાવ્યરચના દ્વારા ગીરા-ગુર્જરીની પણ સેવા કરી. એમણે બીજું કોઈ કવિકર્મ ન કર્યું હોત અને કેવળ ‘અરેરે આડું અંતરપટ આ અદીઠ’ કાવ્ય જ માત્ર રચ્યું હોત, તો પણ ‘કવિ ક્રાંતદર્શી’નો ઈલ્કાબ એમને સાંપડ્યો હોત ! એમણે ‘ઈશોપનિષદ’નું પણ સુલભ ગુજરાતીમાં સુંદર રૂપાંતર કરી આપ્યું છે.

જુગતરામભાઈએ સુરત જિલ્લાના આદિવાસીઓનું ‘દુબળા’ નામ ફેરવી ‘હળપતિ’ સ્થાપ્યું. એ હકીકત પોતે જ એક એવું અદ્દભુત કવિકર્મ હતું. જેમાં તેમનું ક્રાંતદર્શન પ્રગટ થતું હતું. તેઓ ભલે ભૂમિપતિ ન હોય, ‘હળપતિ’ તો ખરા જ. એ નામ સાથે એ લોકોમાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસ ઊગ્યાં. આ જ રીતે, વડોદરા રાજ્યમાં આદિવાસી દૂબળા લોકોને ‘કાળીપરજ’ કહેતા. ગાંધીજીએ એમને ‘રાનીપરજ’ નામ આપ્યું. કાકાસાહેબે ત્રણ નામ આપ્યાં : જંગલને આશરે જીવનારા ‘રાનીપરજ’, ઉપજાઉ જમીન ખેડનારા ‘ખેતીપરજ’ અને દરિયો ખેડી દૂર દૂર સુધી જનારા ‘દરિયાપરજ’. એમની મંશા તો એવી કે એકેએક માનવને ‘ગાંધીપરજ’ બનાવીને સમસ્ત સમાજનું સમગ્ર પરિવર્તન કરવું. એમના જીવનના પ્રત્યેક પ્રયાસ આવા સમાજને અનુલક્ષીને જ થતા રહ્યા.

જુગતરામભાઈ દવેને સૌ જુ.કાકા તરીકે ઓળખે. બારડોલીમાં સત્યાગ્રહ થયો, પછી એ પ્રદેશમાં બારડોલી-ભુવાસણ-મઢી-વેડછી-વરાડ વગેરે રચનાત્મક સેવાનાં અનેક થાણાં નંખાયાં. ત્યારે જુ. ભાઈ અમદાવાદ સ્વામી આનંદ સાથે કામ કરે, પરંતુ ગામડામાં કામ કરવાની ઈચ્છા એટલે નરહરિભાઈ સાથે ભુવાસણ આશ્રમમાં રચનાત્મક કામમાં જોડાયા. ત્યારે તેઓ ઊગતા કવિ અને સારા લેખક હતા. સ્વભાવ વિનોદી. તેમની સાથે નેપાળના તુલસી મહેર પણ આવ્યા. એમણે સૌને મધ્યમ પીંજણ પણ સરસ પીંજતાં શીખવી દીધું. જુ.ભાઈ હોય ત્યાં વિદ્યાલય આપોઆપ શરૂ થઈ જાય. ભુવાસણમાં પણ આસપાસનાં ગામડાંના બાર-તેર વિદ્યાર્થીઓ આવી ગયા. હાસ્ય-વિનોદની છોળો વચ્ચે આશ્રમી જીવન વ્યતીત થાય. સ્વરાજ્ય મેળવવું હોય તો ચાલીને જવાનું. ચાર આનામાં ટાંગો બારડોલી લઈ જાય, પણ કોઈ એમાં બેસે નહીં. વચ્ચે મીંઢોળા નદી આવે. એક વાર સાંજ પડી ગઈ અને નદીમાં છાતી સમાણાં પાણી વહેતાં હતાં. હોડીવાળાને ઘણી ય બૂમો પાડી, પણ કોણ સાંભળે ? આખરે જુ.કાકાએ પહેલ કરી, ચાલો, હું જેમ કરું તેમ કરતાં કરતાં તમે સૌ મારી પાછળ ચાલ્યા આવો. જેમ જેમ પાણી ઊંડા આવે, તેમ તેમ સૌએ પોતપોતાનાં ધોતિયાં-પહેરણ ઊંચા કરતાં જવાનાં. આમ સૌ કપડાં ભીંજવ્યા વગર કોરે કપડે નદી પાર કરી આવ્યા. બધાને ખૂબ મઝા પડી.

જુગતરામભાઈ પરણ્યા નહોતા. જનની વહેલી જતી રહી, એટલે આખો સમાજ એ જ એમનું કુટુંબ હતું અને જન્મભૂમિ જ એમની મા હતી. આશ્રમને પણ પોતાની મિલ્કત માનીને બાથ ભરીને બેસી નહોતા ગયા. ભારત પર ચીને આક્રમણ કર્યું ત્યારે સરહદ પરના નેફા અને નાગાલેન્ડમાં શાંતિસેવક તરીકે કાંઈ મદદરૂપ થવા 74 વર્ષની જૈફ ઉમ્મરે ગયેલા. એમને 75 વર્ષ પૂરાં થવા આવ્યાં, ત્યારે રાનીપરજ પ્રજા તથા ગુજરાતના સેવકો કાંઈ વિશેષ રીતે ઉજવણી કરવા માંગતા હતા. રૂપિયાની થેલીને બદલે, 75 નવયુવકો પછાત પ્રદેશની સેવા કરવાની દીક્ષા લે તો એમને સ્નાતક સુધીનો અભ્યાસ કરાવવાની યોજના વિચારી હતી. પરંતુ એમણે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી આવું કાંઈ ન જ કરો એવી વિનંતી છે. મને સમજશો અને મને બિનજરૂરી દુભાવવાથી દૂર રહેશો, મને સમજાવવા કે શરમાવવાનો પ્રયત્ન પણ ન કરો એમ ઈચ્છું છું.

કાકાસાહેબે એમના વિષે અત્યંત સૂચક રીતે કહ્યું હતું કે – ‘ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી દુનિયાના તેઓ એલચી હતા.’ એમણે 1949માં પ્રારંભ કરેલો ‘ગાંધીમેળો’ એવો તો ફળ્યો કે આજે વિશાળ વડલો બનીને ગુજરાતના જિલ્લે જિલ્લે ફેલાઈ ગયો છે. દર વર્ષે 12મી ફેબ્રુઆરીના ગાંધી-તર્પણ-દિને રાજ્યભરમાં વ્યાપક લોકશિક્ષણનું આ અનોખું પર્વ ઉજવાય છે, જે ગાંધી-વિચારની પ્રકાશ-જ્યોતને ઝળહળતી રાખે છે !

(‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાંથી સાભાર.)

Advertisements

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in vyakti-parichay and tagged , , . Bookmark the permalink.

One Response to ગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે

 1. pragnaju કહે છે:

  અમારા જુ.કાકા અંગે સુશ્રી મીરા ભટ્ટનો સ રસ લેખ તેમણે વર્ણવેલી વાતો અનુભવેલી

  યાદ આવે શ્રી વિજય ચલાદરીની રચના

  વેડછીનો વડલો મારી આંખોને ગમતો,
  આંખોને ગમતો મારા હૈયામાં રમતો.

  દૂર દૂરથી ઊડીને
  પંખી અહી આવતાં,
  સેવાની વાતોને
  ટહુકે સંભળાવતાં.

  ડાળ ડાળ પાન પાન યાદ અપાવતો,
  વેડછીનો વડલો મારી આંખોને ગમતો.

  શિક્ષણ ને ખેતી વચ્ચે
  અનુબંધ સાધ્યો,
  રાનીપરજ પર
  બહુ પ્રેમ લાધ્યો.

  શીતળતા આપીને બાળકો ઝુલાવતો,
  વેડછીનો વડલો મારી આંખોને ગમતો.આ વડલાની વડવાઇઓ એટલે અલ્લુભાઇ, ભીખુભાઇ, બાબુભાઇ, પ્રફુલ્લ ત્રિવેદી, કોકિલાબહેન, અશોક ચૌધરી વગેરે ગણી શકાય. અલ્લુભાઇ બધામાં મોટા. તેમની આસપાસ આ જૂથ વિકસ્યું, વિસ્તર્યું અને ધીમે ધીમે વિખેરાવા પણ લાગ્યું. તેમાંથી કોકિલાબહેન અને અશોક ચૌધરી આજે અલગ અલગ રીતે સક્રિય છે. કોકીલાબહેન ધરમપુરના ડુંગરાળ વિસ્તારોમાં શિક્ષણનું કામ કરે છે, જ્યારે કુશળ ઇજનેર એવા અશોક ચૌધરી આદિવાસી જાગૃતિનું કામ કરે છે. સંચાલકીય ક્ષમતા ધરાવતા બાબુભાઇના અવસાનથી વાલોડની ઉદ્યોગવાડીનું કામ થોડું પાછું પડ્યું છે. તેમ છતાં આજે પણ ઉદ્યોગવાડીનું નામ આજુબાજુના વિસ્તારોમાં આદરથી લેવાય છે.

  ધન્ય જુ કાકા ધન્ય વેડછી ધન્ય અમે અને અમારી રાનીપરજ

  Like

આપનો પ્રતિભાવ અહીં >>>

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s