ઋષિ વિનોબા સાથે એમના આશ્રમમાં એક કલાક

શ્રી ગુણવંત શાહ


 

આચાર્ય વિનોબા ભાવેનો ટૂંકો પરિચય

vinobajiઆચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોડે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પવનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. ઈદિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટી (આપાતકાળ)ને અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા.

જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો.ભક્તિમાં તરબોળ હોય એવા ભીના મનુષ્યને સંત કહેવામાં આવે છે. જે જ્ઞાની હોય એવા આત્મપુરુષને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. જે નિષ્કામ કર્મમાં રમમાણ હોય એવા મનુષ્યને યોગી કહેવામાં આવે છે. જે મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મની સમન્વિત ઉપાસના થતી હોય તેને ઋષિ કહેવામાં આવે છે. વિનોબાજીને હું આવા ખાસ અર્થમાં ‘ઋષિ’ કહું છું. એમનો ભક્તિયોગ જ્ઞાનદેવના કુળનો હતો. એમનો જ્ઞાનયોગ શંકરાચાર્યના કુળનો હતો અને એમનો કર્મયોગ ગાંધીજીના કુળનો હતો. એમના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને કર્મનું ત્રિવેણીતીર્થ પ્રગટ થયું હતું.
નાગપુરથી થોડેક દૂર આવેલા ચંદ્રપુર શહેરની કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય એસ. કે. ઝા મારા પ્રિય વિદ્યાર્થી હતા. એમણે ‘Creativity’ વિષય પર મારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું હતું. પ્રવચન માટે ત્રણેક દિવસ ચંદ્રપુર જવાનું થયું ત્યારે વિનોબાજીની મુલાકાત લેવાનું આયોજન થયું. તા. 16 જૂન 1973ને દિવસે બપોરે સવા ત્રણ વાગે વિનોબાજીને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. મારી સાથે ડો. ઝા ઉપરાંત વર્ધા જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી બોન્ડે અને અખબાર ‘હિતવાદ’ના પ્રતિનિધિ શ્રી મેહમૂદ પણ હતા. વિનોબાજી ઝાઝું સાંભળી શકતા ન હતા તેથી પ્રશ્નો લખીને આપવાની પ્રથા હતી. તેઓ લાકડાની પાટ પર સૂતા હતા. એમની ઋષિમુદ્રા ભવ્ય હતી. પરિચય અપાયો પછી પ્રશ્નોત્તરી શરૂ થઇ. એ પ્રશ્નોત્તરી ‘નૂતન શિક્ષણ’ (ઓગસ્ટ 1973)માં પ્રગટ થઇ હતી. એ પ્રશ્નોત્તરી અહીં અક્ષરશ: પ્રસ્તુત છે:
ગુણવંત: પરિવાર નિયોજન નહીં થાય તો ગરીબી નહીં હટે એવું લાગે છે. એ માટે બ્રહ્મચર્ય સિવાયના બીજા બધા પ્રયત્નો અવૈજ્ઞાનિક અને અધાર્મિક છે, એવું આપ કહેશો ખરા?
વિનોબાજી: પ્રાચીન કાળમાં બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય હતું. જમીન ખૂબ હતી અને લોકસંખ્યા ઓછી હતી. આજે બ્રહ્મચર્યનું આધ્યાત્મિક મૂલ્ય તો છે જ, પણ સાથે સામાજિક મૂલ્ય પણ છે. આ વિજ્ઞાનનો જમાનો છે. ખેતરમાં પાક લેવા માટે આપણે વારે વારે બી નથી વાવતા. પાક ન લેવો હોય તો બી વાવીએ ખરા? વીર્યબીજનો દુરુપયોગ પણ મહામૂર્ખતા ગણાશે. ત્રણ ભાઇઓ હોય તો એક બ્રહ્મચર્ય પાળે. બાકીના બે ગૃહસ્થી બને. ગૃહસ્થાશ્રમનાં વર્ષો 25થી 45 ગણવામાં આવે તો ગાળો 20 વર્ષનો થશે. આજે આવો ગાળો 40 વર્ષનો થઇ જાય છે. ગૃહસ્થાશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ લોકોની હાજરીમાં થાય છે તે રીતે વાનપ્રસ્થ આશ્રમની શરૂઆત અગ્નિની સાક્ષીએ થવી જોઇએ. આવું થાય તો સંતતિ-નિયમન ઠીક ચાલશે. ઇશ્વરે નાનકડું પેટ આપ્યું છે, પણ તે સાથે બે લાંબા હાથ આપ્યા છે.
ગુણવંત: શિક્ષણ-પરિવર્તનની દિશા અંગે હવે ઝાઝો મતભેદ નથી. હવે પ્રશ્ન એ છે કે આવા પરિવર્તનનો અભિગમ (approach) શો હોઇ શકે. જનતા અને સરકાર એ માટે કયાં પગલાં ભરે?
વિનોબાજી: મેં શિક્ષણમાં યોગ-ઉદ્યોગ-સહયોગની વાત કરી છે. ગ્રામસમિતિ સાથે બેસીને અધિકારીઓ યોજના બનાવે તેવું થવું જોઇએ. યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરનારને જ નોકરી મળે તેવું ન હોવું જોઇએ. જે કામ કરવાનું છે તેની પરીક્ષા લેવામાં આવે- પછી તે વ્યક્તિ યુનિવર્સિટીમાં ભણી હોય કે ઘરમાં. દાખલા તરીકે રેલવેમાં માણસ જોઇએ છે તો તે માટે રેલવેવાળા પરીક્ષા લે. આમ કામ માટેની પરીક્ષા લેવામાં આવે તો પરિસ્થિતિ બદલાઇ જશે.
ગુણવંત: હમણાં ઇવાન ઇલીચનું પુસ્તક બહાર પડ્યું છે: ‘Deschooling Society.’ અમેરિકામાં આજકાલ આ વાત ઠીકઠીક ચગી છે. આપની કલ્પના શોષણવિહીન અને શાસનવિહીન સમાજની છે. એવી કલ્પનાના સમાજ સાથે શાહાવિહીન સમાજનો મેળ પડશે?
વિનોબાજી: મોહંમદ પયગંબર બેઠા હતા. અલ્લાહે તેમને કાગળનો ટુકડો આપ્યો અને કહ્યું: ‘વાંચ.’ પયગંબરે કહ્યું કે એમને વાંચતા આવડતું નથી. તેથી ભગવાને પોતે આવવું પડ્યું. પયગંબરે કહ્યું: ‘હું અભણ હતો, તો અલ્લાહનાં દર્શન થયાં. કબીર પણ ભણેલા ન હતા. તેમણે કહેલું:
કોરા કાગઝ કાલી સ્યાહી
લિખત પઢત વા કો પઢવા દે
તૂ તો રામ સુમર જગ લડવા દે|
રામકૃષ્ણ પરમહંસ ભણેલા ન હતા. તેમને મળવા મોટા મોટા વિદ્વાનો આવતા. પરમહંસને કોઇક વાર મૂંઝવણ થતી. તેમણે માતાજીને કહ્યું: ‘હે માતા! મને વિદ્યા આપ. માતાજીએ સ્વપ્નમાં કહ્યું: ‘પેલા ઉકરડો છે, ત્યાંથી વિદ્યા લઇ લે. રામકૃષ્ણે કહ્યું: મારે એવી વિદ્યા નહીં જોઇએ.’
સારો નાગરિક એ છે, જે લોકસેવામાં મચ્યો રહે અને નિરંતર સત્યપ્રેમની ભાવનાને મજબૂત કરે. આવો માણસ ભણેલો ન હોય તો ચાલશે અને ભણેલો હોય તો માફ! (ઋષિનો કટાક્ષ તો જુઓ!)
ગુણવંત: સૂક્ષ્મપ્રવેશ માટે કેવી તૈયારીની જરૂર પડે?
વિનોબાજી: ક્રિયાઓ વધી જાય તો શક્તિ ક્ષીણ થશે. સૂક્ષ્મ ક્રિયાને કારણે શક્તિ ઓછી જશે. એને પરિણામે જે સૂક્ષ્મપ્રવેશ કરશે તેને અને બધાંને લાભ થશે. જે કંઇ કર્યું હોય એનું સમાધાન થાય ત્યારે સૂક્ષ્મપ્રવેશની ભૂમિકા થઇ એવું ગણાય.
અમે ઊઠવાની તૈયારી કરતા હતા ત્યાં વડોદરાની વાત નીકળી. વિનોબાજીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં સંસ્મરણો કહ્યાં. વાત કરતી વખતે તેઓ ખુશ ખુશ હતા. એમણે કહ્યું: હું બરોડા હાઇસ્કૂલમાં ભણેલો. ત્યાં બધું અંગ્રેજીમાં ચાલતું. May I come in sir! થી અંગ્રેજી શરૂ! વાત કરવી હોય તો મરાઠીનો તરજૂમો (મનમાં) અંગ્રેજીમાં કરવો પડે. આવી પ્રથા છતાં મને કેટલાક શિક્ષકોને લીધે લાભ થયેલો. મારા જીવન પર એની અસર પડી. એક શિક્ષક હતા શ્રી એસ. એમ. દેસાઇ- શ્રી હરિભાઇ એમ. દેસાઇ. બાળકો પર તેમને ભારે પ્રેમ હતો. અમે એમને મશ્કરીમાં His Majesty’s Desai (H. M. Desai પરથી) કહેતા. વળી કોઇક વાર ‘Half Mad Desai’ પણ કહેતા! કોઇ બાળક માંદો પડે તો તેની Sick લીવ મૂકીને તેઓ સંતોષ માનતા નહીં. તેઓ બાળકને ઘરે જતા અને ઔષધની વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરતા. પ્રોફેસર વાડિયાએ ‘અમેરિકન વોર ઓફ ઇન્ડીપેન્ડન્સ’ પર પ્રવચન કરેલું તેની પણ (અમારા) મન પર અસર થયેલી. આમ શિક્ષણ પદ્ધતિ ખામી ભરેલી હોવા છતાં સારા શિક્ષકોની અસર પડેલી છે. છેલ્લે તેમણે ‘નૂતન શિક્ષણ’ દેવનાગરી લિપિમાં પ્રગટ કરવાનું સૂચન કર્યું. (હું ‘નૂતન શિક્ષણ’નો તંત્રી હતો.) મેં જણાવ્યું કે એ તો બહુ મુશ્કેલ વાત છે. વિનોબાજી એમ માને ખરા? તેમણે તરત દલીલ કરી: ‘વેડછીથી ‘વટવૃક્ષ’ દેવનાગરીમાં નીકળે છે.’ તે વર્ષોમાં સદ્્ગત જુગતરામ દવેના વેડછી આશ્રમમાંથી ‘વટવૃક્ષ’ માસિક દેવનાગરીમાં પ્રગટ થતું હતું.
અમે વિદાય લીધી. વિનોબાજી મને ભારતની ઋષિ-પરંપરાના પાકેલા પુણ્યફળ જેવા જણાયા. આશ્રમમાં ખોદકામ વખતે મળી આવેલી અનેક ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠાપના કરવામાં આવેલી હતી. શાંતિ, શુચિતા અને સમન્વયની સહજ અનુભૂતિ કરાવે તેવો આશ્રમ છોડ્યો ત્યારે મન ઘડીભર જંપી ગયું હતું. બધા વિચારો શમી ગયા હતા અને જીભ પણ થોડીક ક્ષણો માટે અટકી ગઇ હતી. ચાલતી હતી માત્ર જીપ! (16-6-1973)
પાઘડીનો વળ છેડે
હવે હું ચાલ્યો બ્રહ્મલોક! – વિનોબા
નોંધ: રાતે સૂવાના સમયે પથારીમાં પડ્યા પછી વિનોબાજી સાથીઓને આવા શબ્દો કહીને પોઢી જતા.
દિવ્યભાસ્કર માંથી સાભાર)
Advertisements

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in Uncategorized and tagged , . Bookmark the permalink.

1 Response to ઋષિ વિનોબા સાથે એમના આશ્રમમાં એક કલાક

 1. pragnaju કહે છે:

  શ્રી ગુણવંત શાહના જીવનની સારામા સારી આ ઘડી નું પ્રામાણીક વર્ણન
  તેમની આ વાત હવે હું ચાલ્યો બ્રહ્મલોક! – વિનોબા
  નોંધ: રાતે સૂવાના સમયે પથારીમાં પડ્યા પછી વિનોબાજી સાથીઓને આવા શબ્દો કહીને પોઢી જતા.
  વાંચી યાદ આવે…
  વિનોબા : નિદ્રાવસ્થામાં આમ બનતું હોય તો બહુ ચિંતા ન કરવી. રોજ રાતે બધું કામ પતાવી પથારી કરીને સૂતાં પહેલાં દશ-પંદર મિનિટ ઈશ્વરની પ્રાર્થના ધ્યાનપૂર્વક, ભક્તિપૂર્વક એકચિત્ત થઈને કરવી અને પછી તરત જ સૂઈ જવું. રાતે ઓછું ખાવું, સવારે શૌચ સાફ આવવો જોઈએ, સાત્વિક આહાર લેવો, સદવાચન કરવું, ફરવા જવું, નિયમિત જીવન જીવવું. આ દોષનું કારણ શોધવું કઠિન છે. સાધક જ્યારે અમુક અવસ્થાએ પહોંચે છે ત્યારે જ તે આ દોષને દૂર કરી શકે છે. તેથી આપણે હમેશાં જોતા રહેવું કે ઉપર કહ્યા મુજબ જીવન વિતાવીએ છીએ કે નહીં. આમ ધીમે ધીમે દોષનું કારણ મુશ્કેલીથી પણ જડશે.
  વાત જીવનમા ઉતારવા પ્રયત્ન કરી સુતી વખતે શબાસનમા મરણને યાદ કરીએ છીએ

  Liked by 1 person

આપનો પ્રતિભાવ અહીં >>>

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s