નારાયણ દેસાઈ

મીરા ભટ્ટ


નારાયણ દેસાઈ નો ટૂંકો પરિચય

narayandesaiપૂરું નામ: દેસાઈ નારાયણ મહાદેવભાઈ

જન્મ: ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ

શિક્ષણ: ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે

વ્યવસાય: આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ

અવસાન: ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી

તેમના વિશે વિશેષ:

 • એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International  સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
 • દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
 • જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
 • સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
 • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
 • ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર
(ગુજરાતી પ્રતિભા પરિચય પરથી)

 

વિશ્વવિભૂતિઓની પ્રતિમાના સંગ્રહાલયમાં જ્યારે સિકંદરનું પૂતળું મૂકવાની વાત આવી ત્યારે તેણે કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે ભવિષ્યની પેઢી મારી પ્રતિમા જોઈને પૂછે કે આ કોણ છે ? હું તો એમ ઈચ્છું છું કે સંગ્રહાલયની મુલાકાતે આવનારા પ્રવાસીઓ બધી પ્રતિમા જોઈ લઈને પૂછે કે અહીં સિકંદરનું પૂતળું કેમ નથી ?’ આવું જ નારાયણભાઈનું થયું. તાજેતરમાં પ્રગટ થયેલા મારા ‘ગાંધીયુગની આકાશગંગા’ પુસ્તકમાં વિવિધ વિશિષ્ટ વ્યક્તિઓનાં રેખાચિત્રોમાં ‘નારાયણભાઈનો સમાવેશ કેમ નથી ?’ એમ મને પૂછવામાં આવ્યું ત્યારે મને ઉપરનો પ્રસંગ યાદ આવી ગયો.

ગુર્જરભાષી અને ગુર્જરવાસી માટે નારાયણભાઈ હવે એટલા બધા પોતીકા થઈ ગયા છે કે એમ થાય કે એમનો શું પરિચય આપવો ? છતાંય સાઠ-સાઠ વર્ષના એમના પરિચય બાદ અંતરમાં જે છબિ ઊઠે છે તેનું આછુંપાતળું રેખાંકન તો કરવું જ રહ્યું ! પચાસ-પચાસ વર્ષોનો પડદો હઠાવીને જોઉં છું ત્યારે આ હકીકતનું ભાન થાય કે નારાયણભાઈ જ્યારે જુવાન હતા ત્યારે પ્રત્યેક જુવાનને થતું કે આપણે એમના જેવા થઈએ. સ્વરાજ્ય પછીના ભૂદાન-આંદોલનમાં દેશ આખામાં સૌથી વધારે જુવાનોને ખેંચી લાવ્યા હોય તો તે નારાયણભાઈ છે.

ગુજરાતના સર્વોદય પરિવારના અધિકાધિક લોકો એ જમાનામાં પોતપોતાના નોકરી-ધંધા છોડીને સમાજને સમર્પિત થયા હોય, તો તેમાં નિમિત્તરૂપ હતા નારાયણભાઈ. આખી જુવાની ભારતભરનાં ગામડાં ખૂંદવામાં વિતાવી, થોડા વધુ પાકટ બની શાંતિકાર્ય માટે દેશદેશાવર ઘૂમવા માંડ્યા. સમાજના જાગ્રત વર્ગના અગ્રણી બનીને વિશ્વશાંતિ-મિશનના અધ્યક્ષ બન્યા. હવે જ્યારે જીવનની સાંજ ઢળુંઢળું થઈ રહી છે ત્યારે પંચાશી વર્ષની વયે પણ ગાંધીપ્રેમથી પ્લાવિત ઉમંગની લહાણી કરવા દેશ-વિદેશમાં ‘ગાંધી-કથા’ વહેવડાવી અનેક તરુણો ઉપરાંત વયસ્કોનાં પણ અંતઃકરણપૂર્વકના પ્રણામ ઝીલી રહ્યા છે. એમની વિશિષ્ટતા જોઈ જયપ્રકાશજી યાદ આવે. જે.પી. યુવાનોના મસીહા તો હતા જ, જીવનની પ્રત્યેક નવી વાટે અને નવા ઘાટે તેઓ લોકહૃદયના લોકનાયક બનીને જીવી ગયા.

નારાયણભાઈના નસીબમાં નાનપણથી જ જે કાંઈ ખૂલ્યું તે ‘વિશ્વ’થી ઓછું નહોતું. જ્યારે એમનું પદાર્પણ વિશ્વના તખતા પર થયું તે વેળા પિતા મહાદેવભાઈ વિશ્વવંદ્ય બાપુને સમર્પિત હતા, તો ‘બાબલા’-નારાયણ માટે ભલે બાપુનો ખોળો ખૂંદવો એ બાળલીલા હોય, છતાંય બાપુનો ખોળો નાનકડા બાબલા માટે વિશ્વ-પરિવાર સાથેની સગાઈ બાંધી આપનારી પ્રેમસગાઈરૂપ બની ગયો. આ બાબલો કદી નિશાળનાં પગથિયાં ચઢ્યો નથી, છતાંય દુનિયાની પ્રથમ હરોળમાં બેસી શકે તેવા પ્રખર કેળવણીકારો દ્વારા એનું જીવનશિક્ષણ થયું. માતાપિતા ઘરમાં સત્યાગ્રહ અને જેલવાસની વાતો કરી ભાઈબંધ-દોસ્તારો સાથે ચરખો-કોદાળી-પાવડા જેવાં કામકડાં જ રમકડાંથી ખેલવાનું હોય, શબ્દલેખનમાં બાપુના પત્રો લખવાના હોય અને પ્રશ્ન પૂછવાનું ઠેકાણું પણ ‘બાપુ’ જ હોય ત્યારે આ વિરાટનું વિશ્વ કેવડું વ્યાપક હશે, તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

આરંભે જીવનકાર્યરૂપે વેડછીમાં પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય સ્વીકાર્યું ત્યારે પણ ઊઠતા પ્રશ્નોના ઉકેલ આપનારા આ દિગ્ગજ મહાનુભાવો જ હતા. આશ્રમમાં બાપુ બાળકોને પત્રો લખતા. બાળકો ભેળો બાબલો પણ ક્યારેક પ્રશ્નો પૂછી પાડે અને બાપુ જવાબ પણ આપે. ત્યારે ક્યારેક આવું પણ પૂછી પાડે કે બાપુ, ભગવાન કૃષ્ણે તો અર્જુનના એક નાનકડા પ્રશ્નના જવાબમાં અઢાર અધ્યાયની ગીતા કહી સંભળાવી. ત્યારે તમે તો સાવ ટૂંકા ને ટચ જવાબ આપો છો, એમ કેમ ? તો બાપુને સમાધાન કરાવવું પડ્યું કે ભાઈલા, કૃષ્ણ સામે તો એક જ અર્જુન હતો, મારે સામે સવાલદારોની સેના ઊભી છે ! આ જ શિક્ષણકાર્ય દરમિયાન આ નવનીત શિક્ષકે જન્મજાત શિક્ષક વિનોબાને પ્રશ્ન પૂછેલો કે, વર્ગમાં બાળકોને ભણાવીએ છીએ ત્યારે ઉત્તમ, મધ્યમ ને સામાન્ય કક્ષાનું વૈવિધ્ય હોય છે, તો શિક્ષકે કોનું ધ્યાન રાખીને ભણાવવું ? ત્યારે વિનોબાનો આગવી શૈલીમાં જવાબ મળ્યો:

તત્વજ્ઞાની ઉત્તમોને ધ્યાનમાં રાખે છે.
સમાજશાસ્ત્રી મધ્યમોને ધ્યાનમાં રાખે છે.
સમાજસેવક સામાન્યોને ધ્યાનમાં રાખે છે.

બાપુનું તાવીજ યાદ આવી જાય – જ્યારે પ્રશ્ન થાય કે કોની સાથે ચાલવું, તો સમાજના સાવ છેવાડે ઊભેલા માણસને યાદ રાખી પોતાના કામને તપાસવું. નારાયણભાઈના જીવનમાં પણ આ છેવાડાનો માણસ પલાંઠી વાળીને બેઠેલો. એટલે જ વિનોબાના ભૂદાનયજ્ઞ દ્વારા રાષ્ટ્રના સૌથી છેવાડાના ગરીબ ભૂમિહીનોને ભૂમિ પહોંચાડવાના ક્રાંતિકાર્યમાં લાગી ગયા. જ્યારે ગુજરાતના મોવડીઓ હજુ કાંઠા પર ઊભા રહીને આ આંદોલનને મૂલવી-તોળી રહ્યા હતા ત્યારે આ નવજુવાને ગુજરાતભરની વ્યાપક પદયાત્રા દ્વારા ધરતીનો ખોળો ખૂંદી, એકરોનું ભૂદાન પ્રાપ્ત કરી, આંદોલનની સંભાવનાને સાકાર કરી. ‘મા ધરતીને ખોળે’ પુસ્તકમાં પ્રગટ થયેલી ઘટનાઓ એક નવયુવકના હૃદયમાં નવી અહિંસક સમાજરચનાના કેવા મજબૂત પાયા ખોડી આપે છે તેનું દર્શન કરાવે છે. ભૂદાન માટે પદયાત્રા જરૂરી હતી તો ભૂદાનનો વિચાર ફેલાવવા વિચાર-પત્રની જરૂર હતી. તેથી પ્રબોધ ચોકસી ને ચુનીભાઈ વૈદ્ય સાથે ખભેખભો મિલાવી ‘ભૂમિપુત્ર’નાં મંગળાચરણ કર્યાં. પછી તો પૂછવું શું ? આંદોલનનાં મોજાં ગજગજ ઊછળ્યાં, તો આ ક્રાંતિવીરે પણ પોતાના ગજાને વધુ ને વધુ વિસ્તાર્યું. કેવળ ગુજરાતના અગ્રસ્થાને નહીં, રાષ્ટ્રનું ભૂદાનકાર્ય સંભાળતી ‘સર્વ સેવા સંઘ’ની સંસ્થાનું પણ નેતૃત્વ સંભાળ્યું. ભૂદાનયજ્ઞના વિધવિધ મોરચે હંમેશાં આગળ રહીને જવાબદારીઓ નિભાવી. વિનોબાની ગુજરાતયાત્રામાં પણ આગળ-પાછળ સમેત તમામ જવાબદારી માથે રાખી યાત્રાને સંપન્ન બનાવી. ગુજરાતમાંથી રોજના એક લેખે એકસો દસ શાંતિસૈનિકોની વિનોબાની માગણી હતી તે પૂરી કરી. છોગામાં ગ્રામદાન પણ સમર્પણ કર્યાં. દેશ-વિદેશે થતાં શાંતિકાર્યોમાં જયપ્રકાશની સાથોસાથ રહી પૂર્ણ જવાબદારી નિભાવી. જયપ્રકાશના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના ઉદ્દગારને ન્યાય આપવા વેડછીમાં ‘સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય’ શરૂ કરી, દેશભરના કાર્યકરોનું ઘડતર કર્યું. કટોકટી-પર્વમાં પણ જે.પી. સાથે ખભેખભો મિલાવી કામ કર્યું અને વિનોબા જેવા વિચારપુરુષ સાથે પણ વિચારભેદ, મતભેદ ઊભો થતાં રાહ બદલી નવો ચીલો પાડવાનો પડકાર ઝીલ્યો. ભૂદાન કાર્યકરો માટે આ કટોકટી-પર્વ નહીં, કસોટી-પર્વ જ હતું. સામાજિક ક્રાંતિની પરથારમાં પોતે કયા પગથિયે ઊભા છે તેનું ભાન કરાવવાનું ‘કસોટી-પર્વ’ હતું. સામાજિક કાર્યકરોએ વચ્ચે વચ્ચે પોતાના ચહેરાનું પ્રતિબિંબ આયનામાં જોતાં રહેવું જોઈએ એ શીખવા માટે આ કસોટી ઊભી થઈ હતી. ત્યારે નારાયણભાઈએ પણ પોતાના અંતરાત્માને ઢંઢોળી, સ્વધર્મને ઓળખી, ધર્મપાલન કર્યું. નારાયણભાઈ માટે જીવન એક આરોહણ હતું. નિત નવાં પર્વોનો ઉઘાડ થતો રહ્યો. સમયનો તકાદો આવ્યો કે મહાદેવભાઈનું જીવનચરિત્ર લખવું. તો પિતાનું જીવનચરિત્ર લખવાનું દુષ્કર કાર્ય કરવાની દીકરાએ હામ ભીડી, અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’નું સર્જન એવું તો સુંદર થયું કે મકરંદભાઈ દવે જેવાને ‘નારાયણ-સરોવર’ની યાત્રાની પ્રતીતિ થઈ. આ પુસ્તકને પુરષ્કાર ન મળે તો જ નવાઈ હતી, પરંતુ મુખ્ય ફળશ્રુતિ તો એ હતી કે જીવતરે અગન જ્વાળનો ગુલાબી રંગ આત્મસાત કરી જીવનપુષ્પને ખીલવ્યું, તે યજ્ઞરૂપ ગાંધીનાં અનેક અગ્નિસ્થાનોનો પરિચય પણ વાચકોને કરાવ્યો. ગાંધી અમથા વિશ્વના સર્વાધિક માન્યપુરુષ નથી થયા, તેનું થોડુંઘણું ભાન આ પુસ્તકે કરાવ્યું. પછી તો એની પાછળ પાછળ જ ‘મારું જીવન, એ જ મારી વાણી’ના 1500 પાનાંના ચાર મહાગ્રંથ આવ્યા.

મેં ઘણી વાર લખ્યું છે કે રેંટિયો કાંતતી બે વ્યક્તિ મારા હૈયે જડાઈ ગઈ છે. એક તો, વિનોબા પોતે અને બીજા નારાયણભાઈ. એ રેંટિયો કાંતતા હોય ત્યારે એમના ચહેરા પર જાણે ભીતરના ઘૂઘવતા દરિયાનાં મોજાંની જે રૂપેરી કોર બંધાય તે ચહેરા પર આલેખાતી હોય તેવું લાગે. રેંટિયાના તારે તારે બીજું ઘણું બધું કંતાતું, સંધાતું, ઊતરતું આવે છે, એવું લાગે. તો આ સૃજનકાર્ય પણ સૂતરના તાર કાંતવા જેવું જ થયું. અનેક વર્ષોની દિવસ-રાતની જહેમત બાદ આ એક યુગકાર્ય નિષ્પન્ન થયું, જેના માટે વિશ્વજનો નારાયણભાઈના ઋણી રહેશે. આ ગ્રંથોની પાછળ પાછળ જ ‘કથા’નો તંતુ કંતાયો. કોઈ પણ સર્જન પોતાની સાથે આનંદ અને સાર્થકતાનો અનુભવ ન કરાવે તો તે કાચું સર્જન ગણાય. ગાંધીજીવનના સર્જને નારાયણભાઈના અંતરમાં ઊર્મિઓ અને ઉમંગોનો એવો મહાસાગર રેલાવ્યો કે એની ઊજાણી કર્યા વગર જીવી ન શકવાની લાચારી ઊભી થઈ ગઈ. બસ, પછી તો મીરાંબાઈને ‘રામરમકડું જડ્યું રે મુને, રામરમકડું જડ્યું’, એમ નારાયણભાઈને ગાંધી-કથા રૂપે એવું સુંદર સાધન હાથ લાગી ગયું કે, જેનાથી પોતે તો સમૃદ્ધ-સાર્થક થાય જ, લોક પણ સમૃદ્ધ અને સાર્થક થાય છે.
ત્યાગ-ફનાગીરી, સ્વાર્થ-ત્યાગ અને સતત લોકચર્યામાંથી સહજ ફૂટતી વૈવિધ્યપૂર્ણ રંગવાદળીઓને રૂપેરી કોર ફૂટે એમ પદ-પ્રતિષ્ઠા-પુરસ્કાર પાછળ પાછળ આવે જ. આ અંતિમ પર્વમાં ગુજરાતે પણ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષસ્થાને અને ગાંધી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિરૂપે એમની વરણી કરી. નારાયણભાઈ કામને તો ન્યાય આપવાના જ હતા, પરંતુ જૈફ વયે જે રીતે સતત પરિભ્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે, તેમાં એમના જીવનયોગની સિદ્ધિનાં દર્શન પણ થાય છે. જ્યારે એમને હૃદયાઘાત થયો ત્યારે પણ ‘ચાલો, મારે હૃદય છે એટલું તો સિદ્ધ થયું.’ – કહીને એમણે આફતને પચાવી લીધી હતી. સમય પાકે અને ખાટી કેરી મીઠી રસદાર, કસદાર કેરીમાં ફેરવાય તેમ જુવાનીની કેટલીય મર્યાદાઓને તેઓ પાર કરી ગયા છે અને ઉત્તરોત્તર વાણી-વ્યવહારમાં સૌજન્યતા, મૃદુતા, મધુરતા પ્રસારતા જાય છે. આ બધું એમના જીવનમંદિરની ટોચે ઝળહળતા સુવર્ણકળશ સમું છે. આમ તો એમનું વ્યક્તિત્વ રાષ્ટ્રવ્યાપી, શાંતિ ચાહકરૂપે વિશ્વવ્યાપી પણ ખરું, તેમ છતાંય એમના દ્વારા ગુજરાત અને ગુજરાતી ભાષાની જે સેવા થઈ છે તે જોતાં તેઓ સાચે જ ધન્ય ગુર્જર-દીપ છે.
ગાંધી-વિનોબાના વિચારને પૂરેપૂરા આત્મસાત કરી લીધા, તેમ છતાંય પોતાની વૈચારિક ધારાને એમણે સદંતર સ્વાધીન રાખી છે.
(રીડ ગુજરાતી પરથી સાભાર)

Advertisements

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in vyakti-parichay and tagged , . Bookmark the permalink.

5 Responses to નારાયણ દેસાઈ

 1. jugalkishor કહે છે:

  આ નવા બ્લૉગ પર વાચકો પોતાના શૈક્ષણીક ક્ષેત્રના અનુભવો અને મૌલીક લખાણો, કેટલોક વાચન–સાર વગેરે મોકલી શકે છે. આ બ્લૉગ સૌ કોઈનાં લખાણોથી સમૃદ્ધ બને તેવી કલ્પના છે. સૌને નીમંત્રણ છે.

  Liked by 1 person

 2. pragnaju કહે છે:

  ગાંધી-વિનોબાના વિચારને પૂરેપૂરા આત્મસાત કરનાર આપણા જ આપણા નારાયણ દેસાઈ વિષે સિધ્ધહસ્ત કલમે
  સુ શેઈ મીરા ભટ્ટનો લેખ ફરી સરી માણી આનંદ

  Liked by 1 person

 3. Vinod R. Patel કહે છે:

  ( તા. ૨૭-૬-૨૦૧૩ ને દિવસે વિશ્વ કોશ સ્વયસાચી સારસ્વત એવોર્ડ સ્વીકારતાં આપેલ ભાષણમાં શ્રી નારાયણ દેસાઈ એ કહેલા શબ્દો…..)

  ” નાનપણમાં ગાંધીએ અનાસક્તિ યોગ પુસ્તકની ભેટ આપતાં તેની પર એક નાનું-સરખું વાક્ય લખ્યું હતું તે મારે સારું મહાવાક્ય સમું થઇ ગયું.તેમણે લખ્યું હતું ,”તારે વિશે આશાઓ રાખી છે તે પૂરી કરજે ” આ “તારે ” એટલે શું બાબલા કે નારાયણ દેસાઈ વીશે જ કે આપણા સૌના વિશે ?

  ગાંધી મરતાં પહેલાં આપણને એ આશ્વાસન આપી ગયા છે કે, મર્યા પછી પણ તેઓ શાંત બેસી નહી રહે .કબરમાંથી યે સળવળી ઊઠશે. આપણને સૌને તેઓ કહેશે કે તારે વિશે જે આશા રાખી છે તે પૂરી કરજે.”

  Liked by 1 person

 4. jugalkishor કહે છે:

  શ્રી વિનોદભાઈ પટેલે એમના વિનોદ વિહાર બ્લૉગ પર જે આવકાર આપ્યો છે તેને અહીં મૂકવાનો લોભ જતો કરી શકતો નથી ! એમને ત્યાં મેં મૂકેલી નોંધ અહીં પણ મૂકીને એમના ધબકારને અમારા વાચકોમાં વહેંચવા ઈચ્છા છે…

  https://vinodvihar75.wordpress.com/2016/01/26/840-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D/#comment-4833

  “પ્રવીણભાઈની વાત કડવી દવા જેમ હોય છે ! “કડવાં કારેલાંના ગુણ ન્હોય કડવા હો, કડવાં વચન ન્હોય કડવાં હોજી !” એ સુંદરમ્ ની પંક્તીઓ યાદ અપાવનારી તેમની વાતનો જવાબ આપવો અઘરો છે. પણ પ્રયત્ન તો દરેકે કરવો જ જોઈએ. મિહિરભાઈની યુવાનીએ અભ્યાસ છોડવા સુધીની નોબત લીધી તો મનેય એમના ફોન માત્રથી તે “પ્રયત્ન” માં જોડાવાનું સહજ આકર્ષણ થયું……માબાપો બાળકોને ગમે તે માધ્યમમાં ભણાવે પણ નઈતાલીમના થોડા અંશો પણ ક્યાંક ઉગી નીકળશે તો છેવટે તો તેનો લાભ સામાજીક લાભ જ હશે.

  કારણ કે નઈતાલીમની વાત “શીક્ષણ” શબ્દથી ઉપર ઉઠીને “કેળવણી” જેવા શબ્દથી સમજાવવા મથે છે. અમે જે શીક્ષણ લીધું – નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ, ન.પ્ર.બુચ, તથા મનુભાઈ પંચોળી–દર્શક પાસેથી, તેણે આ બાબતનું આકંઠ પાન કરાવ્યું છે. એટલે બીજાં કામો પડતાં મૂકીનેય આ પ્રવાહની વાતોમાં માથાંબોળ સ્નાન ફરી ફરીને કરવાનું ગમે છે. મિહિરને ધન્યવાદ તો ખરા જ પણ એમનો આભાર પણ માનવાનો કે મને આ ઉંમરે એણે કેળવણીની વાતમાં ખેંચ્યો !!

  વિનોદભાઈએ આ વાતને આટલી સરસ રીતે સંકલીત કરીને અમારા આ પ્રયત્નને વીશેષરુપે થાબડ્યો. આશા રાખું કે નેટજગતના અન્ય સાથીદારો પણ પોતાના બ્લૉગે ને પોતાના વર્તુળોમાં આ વાતને વધાવે ને પ્રચારે. કેળવણીની વાતો વ્યક્તીની વાતો નથી, એ સામાજીક વાતો બની રહેવા સક્ષમ છે. કેળવણી સામુહીક વીકાસનો ધોરી માર્ગ છે. આપણે સૌ આ નવી કેડી પર ચાલીને એને માર્ગ બનવાની તક આપે !!”

  Liked by 1 person

 5. સુરેશ જાની કહે છે:

  સરસ શરૂઆત. ગમી. એ પેઢીને યાદ કરીને કદાચ જાગૃતિ ફરીથી જાગે.

  Liked by 1 person

આપનો પ્રતિભાવ અહીં >>>

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s